આજના સમયે એક મધ્યમવર્ગીય બાળકનો ઉછેર કરવામાં લગભગ ૪૫ લાખ રૂપિયાનો ખર્ચ થતો હોવાનો હિસાબ મંડાયો છે.
પ્રતીકાત્મક તસવીર
આજના સમયે એક મધ્યમવર્ગીય બાળકનો ઉછેર કરવામાં લગભગ ૪૫ લાખ રૂપિયાનો ખર્ચ થતો હોવાનો હિસાબ મંડાયો છે. આજનાં યંગ કપલ્સ બાળકો પેદા કરવાથી ડરી રહ્યાં છે કારણ કે તેઓ જાણે છે કે તેઓ તેને અફૉર્ડ નહીં કરી શકે. બાળક હોવું એક લક્ઝરી સમાન છે. બાળક જન્મે એ પહેલાંથી જન્મ્યા પછીના ખર્ચ અને સ્ટેટસ જાળવવાનું આવતું સોશ્યલ પ્રેશર કયા સ્તરનું છે એ વિષય પર વાત કરીએ
આજના શહેરમાં રહેતા મધ્યમવર્ગીય પરિવારોમાં યંગ કપલ મા-બાપ બનવાનું અફૉર્ડ કરી શકે એમ નથી. એક સ્ટાર્ટઅપ કંપનીના ફાઉન્ડરે લિન્ક્ડઇન પર પોસ્ટ કરેલા એક મેસેજમાં એક મિડલ ક્લાસ કપલ પેરન્ટહુડ માટે તૈયાર ન હોવાનું મુખ્ય કારણ શૅર કર્યું હતું, ‘અમે બાળકને આ દુનિયામાં લાવવાના વિચાર માત્રથી ડરીએ છીએ કારણ કે અમે તેના ખર્ચને પહોંચી નહીં વળીએ.’
ADVERTISEMENT
આ સ્ટેટમેન્ટ સાથે સ્ટાર્ટઅપ કંપનીના ફાઉન્ડરે એક બાળકને મોટું કરવામાં એક મધ્યમવર્ગીય પરિવારને લગભગ ૪૫ લાખ રૂપિયાનો ખર્ચ થતો હોવાનું કહીને એના વર્ગીકરણમાં આખો હિસાબ-કિતાબ આપ્યો હતો. સ્ત્રી પ્રેગ્નન્ટ થાય ત્યારથી બાળકનો જન્મ થાય ત્યાં સુધીનો ખર્ચ હોય છે લગભગ દોઢથી અઢી લાખ રૂપિયા. વૅક્સિનેશનનો લગભગ પચાસ હજારથી લાખ રૂપિયાનો ખર્ચ થાય. બાળકના બેબી-ફૂડ અને અન્ય સામગ્રી, ડાયપર્સ વગેરેનો ખર્ચ ત્રણ લાખ રૂપિયા. પ્લેસ્કૂલ અને ડે-કૅરનો ખર્ચ લગભગ અઢીથી ૩ લાખ રૂપિયા, ૬ વર્ષથી ૧૭ વર્ષ સુધીની સ્કૂલ-ફીના લગભગ ૧૨ લાખ રૂપિયા, ટ્યુશન અને કોચિંગ ક્લાસમાં લગભગ ત્રણથી પાંચ લાખ રૂપિયા, યુનિફૉર્મ, ગૅજેટ્સ અને એક્સ્ટ્રા-કરિક્યુલર ઍક્ટિવિટીના બેથી અઢી લાખ રૂપિયા, કૉલેજની ફી, હૉસ્ટેલ, ખાવાના અન્ય ખર્ચ મળીને લગભગ ૧૩ લાખ રૂપિયા. એમ લગભગ બાળક ભારતમાં જ તેનું કૉલેજ સુધીનું ભણતર પૂરું કરે તો લગભગ પિસ્તાલીસ લાખ રૂપિયાની આસપાસ આંકડો પહોંચે. એક મિડલ-ક્લાસ વ્યક્તિ માટે આ આંકડો ખરેખર મોટો છે અને આ જ કારણ છે કે હવે બાળકને જન્મ આપવાથી યંગ કપલ દૂર ભાગી રહ્યાં છે.
નીરવ શાહ દીકરી સાથે
તદ્દન સાચી વાત
આ આંકડો તો નાનો છે એમ જણાવીને શૅર-માર્કેટનું કામ કરતા અને કાંદિવલીમાં રહેતા ત્રણ વર્ષની દીકરીના પિતા નીરવ શાહ કહે છે, ‘મુંબઈ જેવા શહેરમાં બાળક મોટું કરવું હોય અને ગ્રૅજ્યુએશન સુધીનો અભ્યાસ તેની પાસે કરાવવો હોય તો તમારી પાસે ઓછામાં ઓછા એક કરોડ રૂપિયા જોઈએ. એક-એક ખર્ચા વિચારો અને તમારી અક્કલ કામ ન કરે. તમે બધી જ બાબતમાં મીડિયમ રેન્જ વિચારો તો પણ એક કરોડ રૂપિયાનો ખર્ચ આરામથી થાય. અમે કેટલાક મિત્રો એક વાર ડિસ્કશન કરતા હતા કે બાળકને જન્મ આપીને તેને ભણાવવામાં આપણે લગભગ એકાદ કરોડ ખર્ચ કરી નાખીએ અને પછી તે એક લાખ રૂપિયા કમાય. એના કરતાં એટલા રૂપિયા બૅન્કમાં મૂકી દઈએ તો વ્યાજ પેટે તેને લાખ રૂપિયા આવે અને તે મોજથી બેઠાં-બેઠાં જીવી શકે. તમે જુઓ કે વાઇફ પ્રેગ્નન્ટ થાય ત્યારથી તેની ડૉક્ટરની વિઝિટ, વિવિધ ઇન્જેક્શન, સોનોગ્રાફીથી લઈને તેની ડિલિવરી સુધીમાં સારોએવો ખર્ચ થઈ ગયો હોય છે. એમાં જો ઇમર્જન્સી આવે તો વાત અલગ. મારા એક મિત્રની વાઇફને સાડાસાત મહિને બાળક આવી ગયું. તેને કાચની પેટીમાં રાખવું પડ્યું. દરરોજના પચીસ હજાર રૂપિયા લેખે સાડાસાત લાખ રૂપિયા આપવા પડ્યા. બાળક પ્લાન કરો ત્યારે આવનારા ખર્ચનું સ્ટ્રેસ તમે વર્ણવી પણ નથી શકતા હોતા. જોકે સ્થિતિ એવી હોય કે એક પણ બાળક ન કરો તો તમારી ફૅમિલી જ ન બને. આજે બીજું બાળક કરવાનો વિચાર આવે છે, પણ ખર્ચનો વિચાર થાય અને એ વાતને અમે પડતી મૂકી દઈએ છીએ.’
વધી રહેલા ખર્ચા
આજે ધારો કે કોઈ બાળકને પાઉડરવાળું દૂધ પીવડાવવાની જરૂર પડે તો આપણે ત્યાં કેવી શરમજનક સ્થિતિ છે અને સરકારના કાયદા કેવા વિચિત્ર છે એ વાત સામે આક્રોશ વ્યક્ત કરતાં નીરવ કહે છે, ‘મારી દીકરી જન્મી ત્યારે બેબી મિલ્ક પાઉડરના ડબ્બાનો રેટ હતો લગભગ ૩૦૦ રૂપિયા. આજે એનો ભાવ છે ૬૦૦ રૂપિયા. તમે વિચાર કરો કે જન્મેલા બાળકની જે બેઝિક નેસેસિટી ગણાય એમાં માંડ ત્રણ કે ચાર કંપની આ મિલ્ક પાઉડર બનાવે છે અને તેઓ મનફાવે ત્યારે ત્રીસ-ચાલીસ ટકા ભાવ વધારી નાખે છે જેના પર સરકાર પાછો GST પણ લે છે. બેથી ત્રણ દિવસ ચાલતો આ ડબ્બો મહિને લગભગ ૬ હજારનો ખર્ચ કરાવે. એ સિવાય બાળકનાં કપડાં, ડાયપર્સ, બીજી ઍક્સેસરીઝના ખર્ચાનો તો વિચાર પણ ન કરી શકાય. આજે તમે એક સારી પ્લેસ્કૂલમાં બાળકને મૂકો એટલે દોઢથી બે લાખ રૂપિયા વર્ષની ફી આપવાની. A ફૉર ઍપલ અને B ફૉર બૉલ શીખવાડવાની આટલી ફી હોય? અમે તો નક્કી કરેલું કે આવા ખોટા ખર્ચ આપણે નથી કરવાના. મારી દીકરીને અમે અમારે ત્યાં એક સંસ્થા અંતર્ગત ચાલતા પ્લેસ્કૂલમાં મૂકી છે. મારા એક પરિચિતે પોતાની ત્રેવડ ન હોવા છતાં દોઢ લાખ રૂપિયાની ફી આપીને દીકરીને મોટી સ્કૂલમાં મોકલી છે કારણ કે તેને એમ લાગે છે કે સ્ટેટસને ફરક પડે જો એમ ન કરો તો. દીકરીની બાજુમાં એવાં જ બાળકો હશે જેમના પરિવારવાળા દોઢ લાખની ફી અફૉર્ડ કરી શકતા હશે એટલે તેણે એટલો વધારાનો લોડ ઉપાડી લીધો છે. આજે બાળકોનાં કપડાં, ચંપલ એ બધું જ મોંઘું છે. ત્રણ મહિનામાં એ ટૂંકાં થવા માંડે. માંડ બે-ત્રણ વાર પહેરેલાં એ ભારે અને મોંઘાં કપડાં કોઈને આપી શકાય એમ નથી કારણ કે આજના પેરન્ટ્સ એ પ્રકારના શૅરિંગમાં પણ શરમ અનુભવે છે. હું જોઉં છું ઘણા પેરન્ટ્સને જે આ ખર્ચને લઈને મેન્ટલ સ્ટ્રગલ ભોગવી રહ્યા છે પરંતુ બોલતાં સંકોચમાં આવે છે. સમાજના પ્રેશર વચ્ચે પોતે દિવસરાત એક કરીને પણ બાળકને બેસ્ટ આપવા માટે મથે છે. હું એટલું જ કહીશ કે શું કામ દુનિયાને જોઈને તમારા નિર્ણય લેવાવા જોઈએ? એ વાત સાચી કે આપણે જે ફૅમિલીમાંથી આવતા હોઈએ એ જોતાં બાળકને સરકારી સ્કૂલમાં ન ભણાવી શકીએ, પરંતુ એવા કોઈ ફલાણા અને ઢીંકણા ઇન્ટરનેશનલ બોર્ડના રવાડે ચડવાની શું જરૂર છે? બાળક કયા બોર્ડમાં ભણ્યું છે એનાથી નહીં, તેનામાં કૅલિબર કેવું છે અને તેની લાઇફ-સ્કિલ્સ કેવી છે એના પર તેની સફળતાનો આધાર છે. આજે મૅટરનિટી એક્સપેન્સ મેડિક્લેમમાં પણ સામેલ નથી થતો. એટલે તમારે દરેકેદરેક ખર્ચને ધ્યાનમાં રાખવાનો છે. મેં મારી દીકરીને સરકારી હૉસ્પિટલમાં જેટલી વૅક્સિન અવેલેબલ હતી એ તો ત્યાં જ અપાવી. જોકે એ સિવાય પણ એવી ઘણી વૅક્સિન્સ છે જે તમારે પ્રાઇવેટમાં જ લેવી પડે. એના પણ લગભગ સિત્તેર હજારથી લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. મારી દીકરીને ઘરની નજીકની સ્કૂલમાં ભણાવવાનો નિર્ણય લીધો છે. હું બોર્ડના મોહમાં નથી પડવાનો. જોકે એ પછીયે કહીશ કે દીકરીના ભવિષ્યનો વિચાર કરીને, તેને નવાં રિલેશન્સ મળે એ વિચારીને પણ બીજું બાળક હોવું જોઈએ એ વિચાર રોજ આવે છે પણ ખર્ચનો વિચાર આવે એટલે પેલો વિચાર મટી જાય છે.
યસ, બાળકને ઉછેરવાનું સ્ટ્રેસ વધ્યું છે પેરન્ટ્સમાંઃ કિંજલ પંડ્યા, સાઇકોલૉજિસ્ટ
મારી પાસે એવા ઘણા કેસિસ છે જેમાં ઘણાં કપલ અંદરખાને બાળક ઇચ્છતાં હોય તો પણ પેદા કરવાનું ટાળી રહ્યાં છે એમ જણાવીને સાઇકોલૉજિસ્ટ કિંજલ પંડ્યા કહે છે, ‘આજે પુરુષો કરતાં પણ સ્ત્રીઓ બાળક ન કરવાના નિર્ણયમાં વધુ ફર્મ છે. એનાં બે મુખ્ય કારણો મેં જોયાં છે. એક તો બાળકને ઉછેરવામાં તેણે પોતાની લાઇફ સંપૂર્ણપણે બદલવી પડશે. તેની કરીઅર સાઇડ પર જતી રહેશે. બીજું, બાળકને ઉછેરવાનો ખર્ચ પણ પોતાનું કામ છૂટશે તો ઉપાડવો અઘરો પડશે. ધારો કે બાળકને બેસ્ટ આપવામાં પોતે પાછા પડ્યા તો એમાં પણ વધારે પડતું તો મહિલાએ જ ફેસ કરવાનું આવશે. સમાજમાં કમ્પૅરિઝનનો માહોલ છે અને બાળક કઈ સ્કૂલમાં ભણે છે અને કેવાં કપડાં પહેરે છે એ માટે જોવામાં આવતી બાબતો માટે થતી કમેન્ટ મહિલાઓએ વિશેષ સાંભળવાની આવશે. ત્રીજું કારણ કપલનું પોતાનું સ્ટાન્ડર્ડ ઑફ લિવિંગ વધેલા આર્થિક બોજને કારણે બદલાશે. એમાંય બાળક માટે કરેલા સૅક્રિફાઇસને ક્યારેય બાળક યાદ તો રાખવાનું નથી. બાળક તો મોટું થયા પછી તમે મારા માટે આ તો ન જ કર્યું, તમે મને દુનિયાથી પાછળ રાખ્યો એવા બ્લેમ કરે એવી સંભાવનાઓ અત્યારના માહોલમાં વિશેષ છે. એ વાતને કારણે પણ બાળક કરવાનું પેરન્ટ્સ અવૉઇડ કરી રહ્યા છે. અફકોર્સ, બાળક ન કરવાની બાબત આડકતરી રીતે ઘણી વાર કપલ વચ્ચે સંઘર્ષ વધારવાનું કામ પણ કરે છે. બન્ને વચ્ચે એકબીજાની વાતથી કંટાળ્યાં હોય, તેમની એકબીજા માટેની ફરિયાદો હોય, બીજા ફ્રેન્ડ્સને ફૅમિલીમાં આગળ વધતા જોતા હોય એની વચ્ચે અંદરખાને પોતાનો પરિવાર નથી, પોતે ક્યાંક અધૂરાં છે એ તેમને ખૂંચતું પણ હોય છે. જોકે ઓવરઑલ તેઓ બાળક કરીને એક નવી રેટ રેસનો હિસ્સો બનવા નથી માગતા એવું માનનારો વર્ગ વધી રહ્યો છે એમાં કોઈ શંકા નથી.’

