National Herald Case: નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ બાન્દ્રા સ્થિત એજેએલ હાઉસ (AJL House) બહાર મંગળવારે કેટલાક વિવાદાસ્પદ પોસ્ટર જોવા મળ્યા હતા. આ પોસ્ટરમાં "દેવા ભાઉ, બુલડોઝર ચલાઓ" જેવા વાંધાજનક સૂત્રો લખાયા હતા.
એજેએલ હાઉસ બહાર વિવાદાસ્પદ પોસ્ટરો (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
મુંબઈ: બાન્દ્રા સ્થિત એજેએલ હાઉસ (AJL House) બહાર મંગળવારે કેટલાક વિવાદાસ્પદ પોસ્ટરો જોવા મળ્યા હતા. આ પોસ્ટરમાં `દેવા ભાઉ, બુલડોઝર ચલાઓ` જેવા ઉશ્કેરણીજનક સૂત્રો લખાયા હતા. સાથે જ તેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની તસવીરો પણ જોવા મળી હતી. પ્રવર્તન નિર્દેશાલય (ED) દ્વારા નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ મની લૉન્ડરિંગના આરોપો સાથે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ ઘટના પછી આ પોસ્ટરો એજીએલ હાઉસના બહાર લગાવવામાં આવ્યાં હતાં.
નોંધનીય છે કે મંગળવારે, ED એ નેશનલ હેરાલ્ડ મની લૉન્ડરિંગ કેસના સંદર્ભમાં કૉંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. ED એ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે આરોપ લગાવ્યો છે કે ગાંધી પરિવારે અન્ય લોકો સાથે મળીને નેશનલ હેરાલ્ડ અખબાર પ્રકાશિત કરતી સંસ્થા એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL)ની મિલકત માત્ર 50 લાખ રૂપિયામાં ખરીદી હતી જે 2,000 કરોડ રૂપિયાના વાસ્તવિક બજાર મૂલ્યથી ખૂબ ઓછી છે.
ADVERTISEMENT
કૉંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન
રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ થવાથી દેશભરમાં કૉંગ્રેસના સમર્થકોમાં રોષ ફેલાયો છે, જેના કારણે વિવિધ રાજ્યોમાં વિરોધ પ્રદર્શનો થયા છે. દિલ્હીમાં 24 અકબર રોડ ખાતે કૉંગ્રેસ પાર્ટી કાર્યાલયની બહાર કૉંગ્રેસના સમર્થકો ભેગા થઈ પ્રદર્શન કરી રહ્યાં છે. સચિન પાયલટ અને ઇમરાન પ્રતાપગઢી જેવા હાઈ પ્રોફાઇલ કૉંગ્રેસ નેતાઓ વિરોધ પ્રદર્શનમાં સામેલ હતા અને તેમણે આરોપોની નિંદા કરી અને તેને "રાજકીય બદલો" ગણાવ્યો.
દિલ્હીમાં સુરક્ષા કડક
વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને, દિલ્હીમાં કૉંગ્રેસ કાર્યાલયની બહાર અને આજુ-બાજુના વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને કોઈપણ પ્રકારની અશાંતિ ટાળવા માટે બેરિકેડ્સ મૂકવામાં આવ્યા હતા. આ વિરોધ પ્રદર્શનોમાં ઘણા કૉંગ્રેસના કાર્યકરો અને નેતાઓ હાજર રહ્યા હતા જેઓ અનેક રાજ્યોમાં ED કચેરીઓ અને જિલ્લા સ્તરે કેન્દ્ર સરકારની ઑફિસોની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
શું છે નેશનલ હેરાલ્ડ કેસ?
નૅશનલ હેરલ્ડ મની લૉન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને કૉંગ્રેસના ઓવરસીઝ પ્રમુખ સૅમ પિત્રોડા વિરુદ્ધ દિલ્હીની રાઉઝ ઍવન્યુ કોર્ટમાં પ્રોસિક્યુશન કમ્પ્લેન્ટ (ચાર્જશીટ) દાખલ કરી હતી. આ કેસમાં સુમન દુબે અને અન્ય લોકોનાં નામ પણ સામેલ છે. ચાર્જશીટની નોંધ લેવા વિશેની સુનાવણી પચીસમી એપ્રિલે નક્કી કરાઈ છે. આ દિવસે સરકારી વકીલ અને તપાસ અધિકારીને કેસ ડાયરી સાથે કોર્ટમાં હાજર રહેવું પડશે. EDએ જણાવ્યું હતું કે નૅશનલ હેરલ્ડ કેસમાં અસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL)ની ૭૦૦ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ કબજે કરવાની કાર્યવાહી શરૂ કરી છે. આ કંપની કૉંગ્રેસનાં નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે જોડાયેલી છે. આ સંપત્તિઓમાં દિલ્હી, મુંબઈ અને લખનઉમાં સ્થિત મુખ્ય મિલકતોનો સમાવેશ થાય છે, જેમાં રાષ્ટ્રીય રાજધાનીમાં બહાદુર શાહ ઝફર માર્ગ પરનું પ્રતિષ્ઠિત હેરલ્ડ હાઉસ પણ સામેલ છે.

