વર્ષ ૧૯૪૮. મહિનો એપ્રિલ. તારીખ ૨૪-૨૫-૨૬ના ૩ દિવસ. ઑલ ઇન્ડિયા કૉન્ગ્રેસ કમિટીની બેઠક મળી હતી મુંબઈમાં. ગાંધીજીની વિદાય પછીની આ પહેલી બેઠક. મુખ્ય એજન્ડા હતો દેશમાં ફેલાયેલી કોમી હિંસાની આગને કઈ રીતે કાબૂમાં લેવી અને પછી ઠારવી.
વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને પહેલવહેલી ઑટોરિક્ષા.
વર્ષ ૧૯૪૮. મહિનો એપ્રિલ. તારીખ ૨૪-૨૫-૨૬ના ૩ દિવસ. ઑલ ઇન્ડિયા કૉન્ગ્રેસ કમિટીની બેઠક મળી હતી મુંબઈમાં. ગાંધીજીની વિદાય પછીની આ પહેલી બેઠક. મુખ્ય એજન્ડા હતો દેશમાં ફેલાયેલી કોમી હિંસાની આગને કઈ રીતે કાબૂમાં લેવી અને પછી ઠારવી. એ મીટિંગના કેન્દ્રસ્થાને હતા વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ. તેમનો ઉતારો હતો ગવર્નર્સ હાઉસમાં. એક સવારે પંડિતજી અને બીજા ત્રણ-ચાર જણ ગવર્નર્સ હાઉસની પૉર્ચમાં આવીને ઊભા હતા. પૉર્ચમાં ઊભું હતું એક વાહન. એના પર નંબર-પ્લેટ હતી : BMN 1008. પંડિતજીની બાજુમાં ઊભા હતા નવલમલ કુંડલમલ ફિરોડિયા. આઝાદી માટેની લડતના એક આગેવાન અને એક અગ્રણી ઉદ્યોગપતિ. તેઓ પેલા વાહન વિશે પંડિતજીને કશુંક સમજાવી રહ્યા હતા. થોડી વાતો પછી પંડિતજી અને ફિરોડિયા એ વાહનમાં બેઠા અને પહેલેથી હાજર રહેલા ડ્રાઇવરે વાહન ચલાવીને ગવર્નર્સ હાઉસના વિશાળ આંગણામાં ફેરવ્યું. પાંચેક મિનિટની મુસાફરી પછી બન્ને મુસાફરો એ વાહનમાંથી ઊતર્યા ત્યારે પંડિતજીએ ફિરોડિયાને કહ્યું : ‘મને લાગે છે કે માણસ વડે ખેંચાતી રિક્ષાની જગ્યા તમારી આ ઑટોરિક્ષા લઈ શકશે. એનું વ્યાપારી ધોરણે ઉત્પાદન કરવાની હું મંજૂરી આપું છું.’
પંડિત નેહરુની સામે ઊભેલી ઑટોરિક્ષાને જરા ધ્યાનથી જોઈએ. પહેલું, એનું માથું ઉઘાડું છે એટલે વરસાદમાં કે ઉનાળાની ગરમીમાં એનો ઉપયોગ કરવો મુશ્કેલ. એટલે જ પછીથી ‘બંધ’ રિક્ષા આવી. અહીં ફોટોમાં જે રિક્ષા દેખાય છે એની નંબર-પ્લેટ નોંધી? નંબર છે : BMN 1008. એ વખતે રાજ્ય અને શહેરનું પણ સત્તાવાર નામ મુંબઈ નહીં Bombay હતું એટલે BMN સિરીઝ તો સમજાય, પણ ૧૦૦૮ નંબર? પહેલી રિક્ષાનો નંબર ૧૦૦૮ કઈ રીતે હોઈ શકે? કંઈક ગરબડ લાગે છે. ના જી. આપણે ત્યાં જૈન સમુદાયમાં (અને બીજા કેટલાક સમુદાયમાં પણ) ૧૦૦૮ના આંકડાને શુભ, શુકનિયાળ માનવામાં આવે છે. આ રિક્ષા બનાવનાર ફિરોડિયા કુટુંબ જૈન હોવાથી તેમણે ખાસ અરજી કરીને આ શુકનિયાળ નંબર મેળવ્યો હોય. આજે પણ વધારાની ફી આપીને સ્પેશ્યલ નંબર જેમ કે ૯૯૯૯ મેળવી શકાય છે એવી જ રીતે આ ૧૦૦૮ નંબર.
મુંબઈમાં ટૅક્સીની શરૂઆત ૧૯૧૧માં થઈ ત્યારે એના માટે કોઈ એક જ રંગ નક્કી થયો નહોતો. ૧૯૭૦ના દાયકામાં બધી ટૅક્સી માટે કાળો અને પીળો રંગ ફરજિયાત બન્યો. ઉપલો ભાગ પીળો એટલા માટે કે દૂરથી પણ ટૅકસીને આવતી પારખી શકાય અને નીચેનો અડધો ભાગ કાળો જેથી એ જલદી ગંદો કે ખરાબ ન થાય. આ કલર-સ્કીમ સમાજસેવક અને રાજકારણી વિઠ્ઠલ બાળકૃષ્ણ ગાંધી (૧૮૯૬-’૬૯) દ્વારા સૂચવાઈ હતી. જ્યારે મોટા પાયે ઑટોરિક્ષા શરૂ થઈ ત્યારે એના માટે પણ આ જ કલર-સ્કીમ ફરજિયાત બનાવવામાં આવી. અલબત્ત, જુદાં-જુદાં રાજ્યોમાં જુદા-જુદા રંગ નક્કી થયા છે. જેમ કે ગુજરાતની ઑટોરિક્ષા પીળી-લીલી હોય છે. છેલ્લાં થોડાં વર્ષમાં મુંબઈની રિક્ષામાં એક નવો રંગ ઉમેરાયો છે : પિન્ક. રિક્ષા ચલાવવાનો ઇજારો માત્ર પુરુષોનો જ શા માટે હોય? સ્ત્રીઓ પણ કેમ ન ચલાવી શકે? એટલે સ્ત્રીચાલકો દ્વારા ચાલતી રિક્ષા માટે પસંદ થયો પિન્ક કલર. સાથોસાથ રિક્ષા માટેના કુલ પરવાનાના પાંચ ટકા પરવાના પિન્ક રિક્ષા માટે અનામત રાખવાનું પણ ઠરાવાયું.
શરૂઆતથી જ ઑટોરિક્ષાને પરાંઓ પૂરતી જ મર્યાદિત રખાઈ. વાંદરા અને સાયનની ઉત્તરે જ એ ચલાવી શકાય. જેને ઘણા ‘તળ’ મુંબઈ કહે છે એ દક્ષિણ મુંબઈમાં ખાનગી રિક્ષા પણ ન ચલાવી શકાય. પરાંઓમાં રિક્ષાને સૌથી વધુ લોકપ્રિય બનાવી ‘શૅર-અ-રિક્ષા’ની યોજનાએ. ઘણાંખરાં પરાંઓમાં રેલવે-સ્ટેશનોની બહાર આવી રિક્ષાની અલગ લાઇન. એ ક્યાં જશે અને કયા રસ્તે થઈને જશે એ પહેલેથી નક્કી. જેમ કે વાંદરા-ઈસ્ટ સ્ટેશનથી BKC. ૩ લોકો બેસે એટલે તરત રિક્ષા ઊપડે. એનું ભાડું પણ અગાઉથી નક્કી. દરેક પૅસેન્જરે અલગ-અલગ એ ચૂકવવાનું, ડ્રાઇવરને. એક જમાનામાં બાળકોને સ્કૂલમાં લઈ જવા માટે પણ રિક્ષા વપરાતી. ત્યારે એમાં ઘેટાં-બકરાંની જેમ બાળકોને ઠાંસતાં. હવે પોલીસની કડકાઈને કારણે એ ઘણા અંશે બંધ થઈ ગયું છે. જોકે મુંબઈ બહાર, બીજાં રાજ્યોમાં, હજી આ સ્કૂલ-રિક્ષાનો ધંધો ચાલે છે.
શરૂઆતમાં બધી રિક્ષા પેટ્રોલથી ચાલતી. પછી આવ્યું ડીઝલ, કૉમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ (CNG) અને પાઇપ્ડ નૅચરલ ગૅસ (PNG). રિક્ષા ભલે ગમે એ ઈંધણથી ચાલતી હોય, પણ ભાડું તો બધી રિક્ષા માટે સરખું જ અને પેટ્રોલ-ડીઝલ મોંઘાં. એટલે આજે હવે મોટા ભાગની રિક્ષા ગૅસથી ચાલતી થઈ. હજી થોડા દિવસ પહેલાં, ૧૭ જુલાઈએ, દેશમાં પહેલવહેલી હાઇડ્રોજન ટ્રેન શરૂ થઈ. કોને ખબર કાલ ઊઠીને હાઇડ્રોજન રિક્ષા પણ શરૂ થાય!
ઑટોરિક્ષા શરૂ થઈ ત્યારથી એની ડિઝાઇનમાં બહુ મોટા ફેરફાર થયા નથી. ૩ મુસાફરની સંખ્યા પણ પહેલેથી જ નક્કી. હા, પહેલાં એન્જિન આગળના ભાગમાં રહેતું એ પાછળના ભાગમાં ગયું. મુંબઈના ગાંડાતૂર વરસાદમાં મુસાફરોને થોડા ઓછા ભીંજાયાનો સંતોષ થાય એ માટે બન્ને બાજુ પડદા ઉમેરાયા. છેલ્લા કેટલાક વખતથી ઘણી રિક્ષામાં નાનું બારણું પણ ગોઠવાય છે. મુસાફર જમણી બાજુથી ચડે-ઊતરે નહીં એ માટે એ બાજુથી ચડી-ઊતરી ન શકાય એવી વ્યવસ્થા તો ઘણાં વર્ષથી થઈ છે.
રિક્ષાના ડ્રાઇવરોના પણ બે મુખ્ય ભાગ : એક, માલિક પોતે ચાલક પણ હોય. બે, માલિક પાસેથી ભાડે લઈને રિક્ષા ચલાવતો ચાલક. બન્નેના યુનિફૉર્મ અને બિલ્લા જુદા-જુદા પ્રકારના. એવી જ રીતે દિવસે અને રાતના ચાલતી રિક્ષાઓ પણ અલગ. અને હા, મુંબઈની રિક્ષાની એક ખાસિયત : સામાન્ય સંજોગોમાં એ મીટર પ્રમાણે ભાડું વસૂલ કરે. રેલવે-સ્ટેશન, ઍરપોર્ટ, અસાધારણ વરસાદના દિવસો, લોકલ ટ્રેનો ખોટકાઈ હોય એવા દિવસો એમાં અપવાદ ખરા.
પહેલી ઑટોરિક્ષા ભલે મુંબઈમાં આવી હોય, એનો પહેલી વાર મોટા પાયા પર ઉપયોગ થયો પુણેમાં. નામદાર આગા ખાન પુણે પધારે ત્યારે સંખ્યાબંધ લોકો તેમના દીદાર માટે પુણે રેલવે-સ્ટેશનથી આગા ખાન પૅલેસ જાય, બળદગાડામાં કે ઘોડાગાડીમાં. ખાસ્સો સમય લાગે અને ખર્ચ પણ વધારે થાય. એક વખત ફિરોડિયાએ પુણે સ્ટેશનની બહાર હારબંધ રિક્ષાઓ ઊભી કરી દીધી. આગા ખાન પૅલેસ સુધી ૪૦ મિનિટમાં પહોંચાય અને ભાડું પણ બળદગાડા કરતાં સારુંએવું ઓછું. આજે તો માત્ર શહેરોમાં જ નહીં, ગામડાંઓમાં પણ રિક્ષા પહોંચી ગઈ છે.
પણ ફિરોડિયાને આવું ૩ પૈડાંવાળું વાહન બનાવવાનો વિચાર આવ્યો કઈ રીતે? દેશને આઝાદી મળી એ પહેલાં ૧૯૪૭ના ફેબ્રુઆરીમાં બૉમ્બે સ્ટેટની વિધાનસભામાં એક સભ્યે મુદ્દો ઉઠાવ્યો હતો ઘણી જગ્યાએ હાથરિક્ષા હતી એના ચાલકોની દયનીય સ્થિતિ વિશે. એ વખતે બૉમ્બે સ્ટેટના હોમમિનિસ્ટર હતા મોરારજી દેસાઈ. તેઓ આવી સ્થિતિ દૂર કરવી જરૂરી છે એ વાત સાથે સહમત થયા, પણ તરત સવાલ આવીને ઊભો રહ્યો : હાથરિક્ષા પર પ્રતિબંધ મૂકીએ તો એને બદલે બીજું કયું વાહન લોકો વાપરી શકે? આ સવાલનો જવાબ એ વખતે કોઈ પાસે હતો નહીં એટલે એ વખતે તો કોઈ ઠરાવ થયો નહીં.
જોકે આ સમાચાર જાણીને એ જમાનાના જાણીતા ઉદ્યોગપતિ ફિરોડિયા વિચારતા થયા : આ હાથરિક્ષાની જગ્યાએ વાપરી શકાય એવું કોઈક વાહન બનાવવું જોઈએ અને તેમણે બનાવ્યું એવું વાહન. આગલો ભાગ એ વખતે મોટરસાઇકલ જેવો, પણ પાછળ એક નહીં બે પૈડાં. ડ્રાઇવરની પાછળ બે કે બહુ-બહુ તો ૩ જણ બેસી શકે એવી સીટ. માથે છાપરું નહીં. એમ જન્મ થયો આપણા દેશની પહેલવહેલી ઑટોરિક્ષાનો.
પછી ફિરોડિયાએ બીજા દેશો તરફ નજર દોડાવી. જાણવા મળ્યું કે ઇટલી અને યુરોપના બીજા કેટલાક દેશોમાં ત્રણ પૈડાંવાળું એક વાહન વપરાય છે બ્રેડ, ફૂલો, કેક જેવી વસ્તુઓ દુકાનો સુધી પહોંચાડવા માટે. અલબત્ત, એ બધી બાજુથી બંધ, ફક્ત એક બાજુ નાનો દરવાજો. એના ફોટો અને બીજી માહિતી મેળવી. માલસામાન માટે નહીં પણ માણસોની હેરફેર માટે પેલી પહેલી ઑટોરિક્ષામાં થોડા ફેરફાર કર્યા. માથે છાપરું. બેસવાની સીટ પાસે બન્ને બાજુ ચડવા-ઊતરવાની સગવડ. આવી ઑટોરિક્ષાનું વ્યાપારી ધોરણે ઉત્પાદન શરૂ થયા પછી મુંબઈ સરકારે આખા રાજ્યમાં હાથરિક્ષા પર પ્રતિબંધ મૂકી દીધો. હા, એમાં એક અપવાદ રાખ્યો - માથેરાન.
આ લખનાર જેવા આજન્મ મુંબઈકરના મનમાં એક સવાલ ઊઠ્યા વગર રહે નહીં : શું ખરેખર મુંબઈ શહેરમાં હાથરિક્ષાનો ઉપયોગ ક્યારેય વ્યાપકપણે થતો હતો ખરો? પાલખી, બળદગાડી, રેંકડી, વિક્ટોરિયા, ઘોડાથી ખેંચાતી અને પછી વીજળીથી ચાલતી ટ્રામ, બસ, ટૅક્સી, લોકલ ટ્રેન આ બધું જ હતું; પણ હાથરિક્ષાનો વ્યાપકપણે ઉપયોગ થતો ખરો? એકમાત્ર અધિકૃત ગણાતો ફોટો ૧૯૧૪નો મળે છે. એમાં બે હાથરિક્ષામાં એક-એક અંગ્રેજ બેઠા છે. ફોટોમાં નીચે કોઈએ ભૂરી શાહીથી લખ્યું છે : Bombay 1914. પણ ફોટોમાં મુંબઈની ઓળખ આપતી નથી દેખાતી કોઈ ઇમારત કે નથી દેખાતો ઓળખી શકાય એવો કોઈ વિસ્તાર. ફોટોનો આગલો ભાગ જોતાં લાગે કે જ્યાં બાંધકામ ચાલી રહ્યું હોય એવો આ કોઈ વિસ્તાર હોઈ શકે. બન્ને રિક્ષાચાલકે અને પાછળ ઊભેલા ચોપદારોએ લગભગ યુનિફૉર્મ કહી શકાય એવાં એકસરખાં કપડાં પહેર્યાં છે. એ જોઈને વિચાર આવે કે કોઈ સરકારી ખાતાની તો આ હાથરિક્ષા નહીં હોયને? હા, માલસામાનની હેરાફેરી માટે દાયકાઓ સુધી ‘હાથલારી’ વપરાતી, ખાસ કરીને બજારોના વિસ્તારોમાં. ઘરે-ઘરે પાણી પહોંચાડવા માટે, કેરોસીન વેચવા માટે બળદગાડાંનો ઉપયોગ તો હજી હમણાં સુધી થતો જોયો છે. કોઈક વિસ્તારોમાં આજેય થતો હોય તો નવાઈ નહીં, પણ મારા જેવા આજન્મ મુંબઈકરે હાથરિક્ષા માત્ર ‘દો બીઘા જમીન’ જેવી ફિલ્મોમાં જ જોઈ છે, સગી આંખે મુંબઈમાં ક્યારેય નહીં. છતાં હાથરિક્ષા ખેંચતા બલરાજ સાહનીની છબિ કાયમ માટે મનમાં કોતરાઈ ગઈ છે અને કાનમાં ગુંજ્યા કરે છે પેલું ગીત:
અજબ તોરી દુનિયા, હો મોરે રામા
પરબત કાટે, સાગર પાટે,
મહલ બનાએ હમને
પત્થર પે બગિયા લહરાઈ,
ફૂલ ખિલાએ હમને
હો કે હમારી હુઈ ન હમારી
અલગ તોરી દુનિયા હો મોરા રામા
