ભાઈંદરમાં આવેલા થેપલા ફ્યુઝનમાં બે ડઝન જેટલી વરાઇટીનાં થેપલાં મળે છે જેમાં મલ્ટિ-ગ્રેનથી લઈને ફરાળી થેપલાં સુધીનો સમાવેશ થાય છે, થેપલાં નૉર્મલી લોકો બે-ત્રણ પ્રકારના જ ખાતા હોય છે, પણ મેં એમાં વૈવિધ્ય લાવવાનું નક્કી કર્યું.
થેપલાંમાંથી બનાવેલાં બટાટાવડાં અને દાબેલી મળશે અહીં
થેપલાં એટલે ગુજરાતીઓનું ઑલટાઇમ ફેવરિટ ફૂડ. એ નાસ્તામાં પણ ચાલે અને જમવામાં પણ ચાલે. એ બેસ્ટ ટ્રાવેલિંગ-પાર્ટનર પણ ખરાં. ભાઈંદરમાં રહેતા એક ગુજરાતી ભાઈ આ થેપલાંને વિવિધ સ્વરૂપે લઈને આવ્યા છે. એમાં અમુક નામ અને પ્રકાર તો કદાચ તમે પણ પહેલાં ક્યારે સાંભળ્યાં નહીં હોય.
બે વર્ષ પહેલાં ભાઈંદરમાં શરૂ થયેલા થેપલા ફ્યુઝનના ઓનર દિવ્યેશ રાચ્છ કહે છે, ‘હું IT એન્જિનિયર છું પરંતુ મને ફૂડ-ઇન્ડસ્ટ્રીમાં પહેલેથી જ રસ હતો એટલે કોરોના સમયે મેં ફૂડ-ક્ષેત્રે હાથ અજમાવી જોયો હતો. મને થેપલાં પહેલેથી ભાવે એટલે મેં એની સાથે જ આગળ વધવાનું નક્કી કર્યું હતું. થેપલાં નૉર્મલી લોકો બે-ત્રણ પ્રકારના જ ખાતા હોય છે, પણ મેં એમાં વૈવિધ્ય લાવવાનું નક્કી કર્યું. મેં મલ્ટિ-ગ્રેન થેપલાં લૉન્ચ કર્યાં. એમાં અલગ-અલગ ગ્રેનમાંથી થેપલાં બનાવ્યાં. એવી જ રીતે માત્ર મેથી અને અજમાનાં થેપલાંને બદલે અલગ-અલગ વેજિટેબલ્સ લઈને થેપલાં બનાવ્યાં. ઉપવાસમાં પણ લોકો થેપલાંનો ચટાકો માણી શકે એટલા માટે મેં ફરાળી થેપલાં પણ લૉન્ચ કર્યાં. એમાં અલગ-અલગ ફરાળી વસ્તુઓનો ઉપયોગ કરીને થેપલાં બનાવ્યાં. આજની જનરેશનને ધ્યાનમાં રાખીને તેમના માટે અમે ફ્યુઝન થેપલાં પણ લઈ આવ્યા છીએ જેમાં ઇટાલિયન અને મેક્સિકનનો ચટાકો ઉમેરવામાં આવ્યો છે. એને સ્ટફિંગ સાથે સર્વ કરવામાં આવે છે. આ સિવાય અમારી મુખ્ય અને યુનિક આઇટમની વાત કરીએ તો બ્રેડને બદલે થેપલાંનો ઉપયોગ કરીને બનેલાં થેપલાં બટાટાવડાં અને દાબેલી આવે છે. એવી જ રીતે અમે ડિઝર્ટમાં પણ હેલ્ધી ઑપ્શન લઈને આવ્યા છે. એમાં અમે ચૉકલેટ થેપલાં લઈને આવ્યા છીએ જેમાં કોકો પાઉડરનો ઉપયોગ કરીએ છીએ. અમે થોડા સમયમાં વડોદરામાં પણ શાખા શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ.’
ક્યાં મળશે?: થેપલા ફ્યુઝન, 150 ફીટ રોડ, પદમાવતીનગર, ભાઈંદર-વેસ્ટ
