માહિતીના અભાવે કચ્છથી મુંબઈ પાછા ફરી રહેલા મુસાફરો હેરાન થઈ ગયા, પણ અમદાવાદના અચલગચ્છ જૈન સંઘના નવનીત ભવનમાં તેમને સેવાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું
વરસાદને કારણે ટ્રેનો બંધ થતાં અમદાવાદના ચંદ્રનગરમાં આવેલા શ્રી કચ્છી વીસા ઓસવાળ અચલગચ્છ જૈન સંઘના નવનીત ભવનમાં અટવાયેલા મુંબઈના કચ્છી પરિવારો.
પશ્ચિમ રેલવેના રૂટ પર ભારે વરસાદને કારણે ટ્રેનવ્યવહાર ખોરવાઈ જતાં કચ્છથી મુંબઈ પાછા ફરી રહેલા અનેક મુસાફરો અમદાવાદમાં અટવાઈ ગયા હતા. રેલવે તરફથી અને કચ્છ રેલવે પૅસેન્જર્સ અસોસિએશન તરફથી સમયસર ટ્રેનોની કોઈ સ્પષ્ટ માહિતી કે વૈકલ્પિક વ્યવસ્થા ન મળતાં અનેક મુસાફરો ભારે મૂંઝવણમાં મુકાયા હતા. જોકે બીજી તરફ અમદાવાદના ચંદ્રનગરમાં આવેલા શ્રી કચ્છી વીસા ઓસવાળ અચલગચ્છ જૈન સંઘના નવનીત ભવનમાં આવી વિકટ પરિસ્થિતિમાં માનવતાના ઉત્તમ ઉદાહરણરૂપ અટવાયેલા મુસાફરો માટે રહેવા, ભોજન, ચા-નાસ્તો, પીવાનું પાણી અને અન્ય જરૂરી સુવિધાઓની નિઃસ્વાર્થપણે વ્યવસ્થા કરવામાં આવતાં પરિવારો સાથે અનેક મુસાફરોએ રાહતનો અનુભવ કર્યો હતો. છેલ્લા ૩ દિવસમાં નવનીત ભવનમાં ૮૦થી ૧૦૦ જણ રોકાયા હતા, જેમાંથી ગઈ કાલે બાવીસ લોકો હજી પણ પરિસ્થિતિ હળવી થાય એની રાહ જોઈ રહ્યા છે.
આ બાબતની માહિતી આપતાં ડોમ્બિવલીના કચ્છી વીસા ઓસવાળ જૈન દિનેશ શેઠિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારાં ૬૬ વર્ષનાં પત્ની રંજનનું ૧૭ જુલાઈએ મુંબઈમાં અવસાન થયા બાદ અમે ૨૦ જુલાઈએ મુંબઈમાં જ પ્રાર્થનાસભા યોજી હતી. ત્યાર બાદ અમારા વતન કચ્છના કારાઘોઘા ગામમાં સગાંસંબંધીઓ અને ગ્રામજનો માટે બાવીસમી જુલાઈએ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું એટલે અમે કચ્છ ગયા હતા. શ્રદ્ધાંજલિ સભા પૂરી થયા બાદ અમે પહેલાં ભુજ રેલવે-સ્ટેશન પર ટ્રેનની સ્થિતિની માહિતી મેળવી હતી. ત્યાંથી અમને જાણવા મળ્યું કે ટ્રેનો સુરત સુધી જઈ રહી છે. ત્યાર પછી અમે કચ્છ પૅસેન્જર્સ અસોસિએશનનો સંપર્ક કરીને ટ્રેનની સ્થિતિ વિશે માહિતી મેળવી હતી. ત્યાંથી અમને ટ્રેન નિયમિત હોવાનું જણાવવામાં આવતાં અમે નાનાં બાળકો અને સિનિયર સિટિઝનો સાથે ભુજથી સહ્યાદ્રિ એક્સપ્રેસ (ટ્રેન-નંબર 22908) મારફત મુંબઈ જવા નીકળ્યા હતા. સામાન્ય સંજોગોમાં સાબરમતી રેલવે-સ્ટેશને આ ટ્રેન સવારે ૫.૩૦ વાગ્યે પહોંચી જાય છે. એને બદલે એ ૨૩ જુલાઈએ સવારે ૭ વાગ્યે પહોંચી હતી.’
ADVERTISEMENT
અમારી જેમ અનેક મુસાફરોની સાબરમતી સ્ટેશનથી મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ હતી એમ જણાવતાં દિનેશ શેઠિયાએ કહ્યું હતું કે ‘સાબરમતીમાં લાંબા સમય સુધી ટ્રેન આગળ વધી નહોતી. નવાઈની વાત તો એ છે કે વલસાડ સુધી મુશળધાર વરસાદ હોવા છતાં રેલવે તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નહોતી આવી કે માર્ગદર્શન આપવામાં આવ્યું નહોતું. બપોરે ટ્રેન અમદાવાદ પહોંચી હોવા છતાં આગળની મુસાફરી વિશે સ્પષ્ટતા ન થતાં મુસાફરો અનિશ્ચિતતામાં રહ્યા હતા. ટ્રેનમાં પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓ પણ અપૂરતી હોવાથી મુસાફરોની મુસીબતમાં વધારો થયો હતો. ટ્રેનમાં ઇડલી અને અન્ય નાસ્તા સાથે ફેરિયાઓ આવ્યા હતા, પણ તેમણે પરિસ્થિતિનો ગેરલાભ લઈને ભાવમાં બેફામ વધારો કરી દીધો હતો. ૩૦-૪૦ રૂપિયામાં મળતી ઇડલીના તેમણે ૧૦૦ રૂપિયા કરી નાખ્યા હતા. જોકે મોટા ભાગના મુસાફરો પાસે ઘરનો નાસ્તો હોવાથી ખાવાની તકલીફ પડી નહોતી.’
અમને મળેલી માહિતી પ્રમાણે ભારે વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં રેલવે-ટ્રૅક પર પાણી ભરાવાને કારણે પશ્ચિમ રેલવેની અનેક ટ્રેનોના સંચાલન પર અસર થઈ હતી. આ સંદર્ભમાં દિનેશ શેઠિયાએ કહ્યું હતું કે ‘સાબરમતીમાં અટવાયેલી અમારી ટ્રેન ધીરે-ધીરે બપોર સુધીમાં અમદાવાદ સ્ટેશને પહોંચી હતી. અમને ત્યાં સુધીમાં અમારા સમાજ તરફથી મેસેજ મળ્યો હતો કે અમદાવાદના શ્રી કચ્છી વીસા ઓસવાળ અચલગચ્છ જૈન સંઘના નવનીત ભવનમાં આવી વિકટ પરિસ્થિતિમાં રેલવેમાં અટવાયેલા મુસાફરો માટે અમદાવાદ રેલવે-સ્ટેશનથી નવનીત ભવન સુધી મુસાફરોને સરળતાથી પહોંચાડી શકાય એ માટે બસની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમ જ રહેવા ઉપરાંત ચા-નાસ્તો, ભોજન, પીવાનું પાણી અને અન્ય જરૂરી તમામ સુવિધાઓ સતત ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આથી અમે રિક્ષા પકડીને નવનીત ભવન પહોંચ્યા હતા. ત્યાં સંઘના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ દ્વારા અટવાયેલા મુસાફરોને પોતાના પરિવારની જેમ આવકારવામાં આવ્યા હતા.’
અમારા પરિવારમાં ૬૯ વર્ષના નિવૃત્ત વડીલ, મુંબઈની મોટી કંપનીમાં નોકરી કરી રહેલાં પુત્ર અને પુત્રવધૂ, ૬ વર્ષની દોહિત્રી અને ૩ વર્ષનો પૌત્ર સહિત ૭ જણ છીએ એમ જણાવતાં દિનેશ શેઠિયાએ કહ્યું હતું કે ‘અચાનક વરસાદને કારણે સર્જાયેલી આવી વિકટ પરિસ્થિતિને લીધે પરિવાર ચિંતિત બન્યો હતો, પરંતુ નવનીત ભવનમાં મળેલી સેવા અને સહયોગથી મોટી રાહત મળી હતી. અમારો કચ્છ અને અન્ય ભાગોમાંથી મુંબઈ તરફ જઈ રહેલા મુસાફરોને મેસેજ છે કે કુદરતી પરિસ્થિતિ કોઈના હાથમાં નથી. જોકે આવી પરિસ્થિતિમાં રેલવે-પ્રશાસન અને કચ્છ રેલવે પૅસેન્જર અસોસિએશન તરફથી સમયસર માહિતી, નિયમિત જાહેરાતો અને મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તો જ મુસાફરી કરવાનું રિસ્ક લેજો. નહીંતર અમારી જેમ તમે પણ હાલાકીમાં મુકાઈ જશો. એમાં કોઈ શંકા નથી કે અચલગચ્છ જૈન સંઘ અને નવનીત ભવનના સેવાભાવી કાર્યકર્તાઓએ મુશ્કેલીના સમયમાં આપેલી નિઃસ્વાર્થ સેવા અનેક મુસાફરો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે.’
આ બધી જ હાલાકીની સ્પષ્ટતા કરવા ગઈ કાલે ‘મિડ-ડે’એ રેલવે-પ્રશાસન અને કચ્છ રેલવે પૅસેન્જર્સ અસોસિએશનનો સંપર્ક કરવાના અનેક પ્રયાસો કર્યા હતા, પણ તેમનો સંપર્ક થયો નહોતો.
સ્ટેશન પર વ્હીલચૅરની વ્યવસ્થા નહોતી, બહાર વાહનો નહોતાં, ૬ કલાક સ્ટેશન પર જ રહ્યા : બોરીવલીના સચિન દેઢિયા
બોરીવલીના સચિન દેઢિયા તેમના પરિવાર અને સિનિયર સિટિઝન સાસુની સાથે મુંબઈથી કચ્છ મહારાજસાહેબના ચાતુર્માસ પ્રસંગે ગયા હતા. પ્રસંગની પૂર્ણાહુતિ પછી મુંબઈ પાછા વળતાં વરસાદને કારણે ગુરુવારથી અમદાવાદમાં જ અટવાઈ ગયા છે. આ સંદર્ભની જાણકારી આપતાં બોરીવલીમાં બ્રોકરનો વ્યવસાય કરતાં સચિન દેઢિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે બાવીસમી જુલાઈએ કચ્છ એક્સપ્રેસમાં મુંબઈ આવવા નીકળ્યા હતા. કચ્છથી નીકળ્યા ત્યાં સુધી અમને વરસાદને કારણે ટ્રેનો લેટ છે કે અટકી ગઈ છે એવા કોઈ જ સમાચાર નહોતા. અમારી ટ્રેનનો અમદાવાદમાં બપોરે ૨.૩૦ વાગ્યે પહોંચવાનો સમય હતો એને બદલે અમે ૪.૩૦ વાગ્યે પહોંચ્યા હતા. એ સાથે જ અમારી હાલાકી શરૂ થઈ ગઈ હતી. ટ્રેનમાં જ મારાં સાસુની તબિયત બગડી હતી. તેમને ડાયેરિયા થઈ ગયો હતો. અમદાવાદમાં ટ્રેનો જશે કે નહીં એવી કોઈ જ જાહેરાત થતી નહોતી. અમને નવનીત ભવનનો મેસેજ મળ્યો હતો, પણ નવનીત ભવન જવા માટે વરસાદને કારણે બહાર કોઈ જ વાહનો નહોતાં. મેં ૫૬ વાર ઓલા-ઉબર બુક કરવાની કોશિશ કરી પણ દરેક વખતે બુકિંગ કૅન્સલ થતું હતું. રાતના ૧૦.૩૦ વાગી ગયા હતા. આખરે નવનીત ભવનના કાર્યકર ભાવેશભાઈએ કોઈ ટૅક્સીવાળાને વિનંતી કરીને સ્ટેશન પર અમને લેવા મોકલ્યો હતો. જોકે સામાન અને મારાં સાસુને બહાર લઈ જવા માટે કોઈ જ સ્ટેશન પર હાજર નહોતું. અમે વ્હીલચૅરની રિક્વેસ્ટ કરી તો એ પણ અમારે જ ચલાવીને લઈ જવી પડશે એમ કહેવામાં આવ્યું હતું. આખરે અમે ગમે એમ કરીને સાસુને કારમાં બેસાડીને નવનીત ભવન લઈ ગયા હતા. હજી અમે મુંબઈ ક્યારે આવી શકીશું એની કંઈ જ ખબર પડતી નથી.’
