સ્ટેશનોને આધુનિક બનાવવાની કવાયત વચ્ચે હાલમાં તો મુસાફરોની હાલાકી વધી રહી છે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈની લોકલ ટ્રેન મુંબઈકરોના જીવનનો અભિન્ન હિસ્સો છે. દરરોજ લાખો લોકો નોકરી, વ્યવસાય, શિક્ષણ અને અન્ય કામકાજ માટે મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવેની ઉપનગરીય ટ્રેનોમાં મુસાફરી કરે છે. મુંબઈની લોકલ ટ્રેનોની પ્રચંડ ભીડથી કોઈ અજાણ્યું નથી. આવા સંજોગોમાં રેલવે-સ્ટેશન પર મુસાફરોને સુરક્ષિત, સ્વચ્છ અને સુવિધાજનક વાતાવરણ મળે એ અત્યંત જરૂરી છે અને એ દિશામાં રેલવે-મંત્રાલયે નક્કર નિર્ણયો પણ લીધા છે.
સુવિધાઓ વધારવાની કવાયત વચ્ચે મુસાફરોની હાલાકી
ADVERTISEMENT
છેલ્લાં કેટલાંક વર્ષોથી કેન્દ્ર સરકારની ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ તથા ‘મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ’ હેઠળ મુંબઈ ઉપનગરીય રેલસેવાનાં વિવિધ રેલવે-સ્ટેશનોના નૂતનીકરણ અને આધુનિકીકરણનું કામ ચાલુ છે. આ યોજનાઓનો હેતુ સ્ટેશનોને આધુનિક બનાવવાનો, સુવિધાઓ વધારવાનો, મુસાફરોની અવરજવર સરળ બનાવવાનો અને પ્લૅટફૉર્મ પરની લિફ્ટ, એસ્કેલેટર, ફુટ ઓવરબ્રિજ, શૌચાલય તથા અન્ય માળખાકીય સુવિધાઓ વિકસાવવાનો છે. નિઃસંદેહ, આ એક આવકારદાયક પહેલ છે, પરંતુ સવાલ એ છે કે આ વિકાસનાં કામોમાં થઈ રહેલા વિલંબને લીધે રોજિંદા મુસાફરોને જે હાલાકી ભોગવવી પડે છે એની જવાબદારી કોણ લેશે?
ખુલ્લા વાયરો, કાટમાળના ઢગલા
હાલમાં મધ્ય અને પશ્ચિમ રેલવેનાં અનેક સ્ટેશનો પર ચાલી રહેલાં કામોની સ્થિતિ જોતાં એક બાબત સ્પષ્ટ જણાય છે કે કેટલાંક સ્ટેશનો પર નૂતનીકરણનું કામ એટલી ધીમી ગતિએ ચાલી રહ્યું છે કે એ ક્યારે પૂરું થશે એનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. ક્યાંક ઇલેક્ટ્રિક વાયરો ખુલ્લા જોવા મળે છે, ક્યાંક પ્લૅટફૉર્મ પર માટીના ઢગલા ખડકાયેલા છે, તો ક્યાંક લોખંડનાં મોટાં પતરાં, સળિયા અને બાંધકામની અન્ય સામગ્રી લાંબા સમયથી પડી રહી છે. પરિણામે પ્લૅટફૉર્મ પર અનેક જગ્યાએ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. આ પરિસ્થિતિ માત્ર અસ્વચ્છતાની જ નહીં, પરંતુ મુસાફરોની સુરક્ષાની દૃષ્ટિએ પણ ચિંતાજનક છે.
મુસીબત બન્યાં છે સાંકડાં પ્લૅટફૉર્મ્સ
સૌથી ગંભીર સમસ્યા એ છે કે પ્લૅટફૉર્મ પર અનેક જગ્યાએ આડાં પતરાં લગાવી દેવામાં આવ્યાં છે. પરિણામે કેટલાંક સ્થળોએ પ્લૅટફૉર્મની પહોળાઈ અડધાથી પણ ઓછી થઈ ગઈ છે, જેને લીધે પ્રવાસીઓને સવારે અને સાંજે પીક અવર્સ દરમ્યાન ત્યાંથી પસાર થવામાં મુશ્કેલી પડતી હોય છે. એક તરફ ટ્રેનમાંથી ઊતરતા મુસાફરો અને બીજી તરફ ટ્રેન પકડવા દોડતા મુસાફરો વચ્ચે પહેલેથી જ ભારે ધસારો હોય છે, એમાં બાંધકામને કારણે રસ્તો સાંકડો થઈ જાય ત્યારે ધક્કામુક્કી અને અકસ્માતની શક્યતા પણ વધી જાય છે. આ પરિસ્થિતિમાં વૃદ્ધ નાગરિકો, દિવ્યાંગજનો, સગર્ભા મહિલાઓ અને શાળાએ જતા વિદ્યાર્થીઓને સૌથી વધુ મુશ્કેલી પડે છે.
મુસાફરોની સુરક્ષાના ભોગે વિકાસ?
રેલવે-સ્ટેશનોનું આધુનિકીકરણ થવું જોઈએ એમાં કોઈ બેમત નથી. આજના સમયની જરૂરિયાત મુજબ સ્ટેશનો પર વિશાળ ફુટ ઓવરબ્રિજ, એસ્કેલેટર, લિફ્ટ, આધુનિક શૌચાલય, સ્વચ્છ પ્લૅટફૉર્મ, પીવાના પાણીની સુવિધા, ડિજિટલ માહિતી પ્રણાલી અને મુસાફરો માટે વધુ સારી વ્યવસ્થા હોવી જ જોઈએ, પરંતુ આ સુવિધાઓ ઊભી કરવાની પ્રક્રિયામાં હાલના મુસાફરોની મુશ્કેલીઓ પ્રત્યે આંખ આડા કાન થઈ રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે. કદાચ રેલવેતંત્ર દ્વારા આ કામો ઝડપથી પૂર્ણ કરવા માટે પગલાં પણ લેવામાં આવ્યાં હશે, પરંતુ એની અસર કાગળ પરના આદેશોથી આગળ વધીને જમીન પર દેખાતી નથી.
રેલવેના ઉચ્ચ અધિકારીઓએ ધ્યાન આપવાની જરૂર
આ સંદર્ભમાં મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવેના મુંબઈ મંડળના ડિવિઝનલ રેલવે મૅનેજર, બન્ને ઝોનના જનરલ મૅનેજર તેમ જ કેન્દ્રીય રેલવેપ્રધાનને વિનંતી છે કે આ સમસ્યાને ગંભીરતાથી ધ્યાનમાં લેવામાં આવે. ખાસ કરીને નીચેની બાબતોને પ્રાથમિકતા આપવી જરૂરી છે :
પ્લૅટફૉર્મ પર પડેલી માટી, લોખંડનાં પતરાં, સળિયા અને બાંધકામની અન્ય સામગ્રી તાત્કાલિક વ્યવસ્થિત જગ્યાએ ખસેડવામાં આવે.
ખુલ્લા ઇલેક્ટ્રિક વાયરો અને અન્ય જોખમી જગ્યાઓ પર સુરક્ષાનાં ઉપકરણો રાખવામાં આવે.
પ્લૅટફૉર્મ પર મુસાફરો, ખાસ કરીને વૃદ્ધો, દિવ્યાંગજનો, સગર્ભા મહિલાઓ અને બાળકોની અવરજવર માટે પૂરતી જગ્યા ઉપલબ્ધ રહે એવું આયોજન કરવામાં આવે.
દરેક સ્ટેશન પર નિયમિત સફાઈ અને કચરાના નિકાલની વ્યવસ્થા જાળવવામાં આવે.
દરેક કામ માટે સ્પષ્ટ સમયમર્યાદા નક્કી કરવામાં આવે અને એની પ્રગતિનું નિયમિત મૉનિટરિંગ કરવામાં આવે.
કૉન્ટ્રૅક્ટરો દ્વારા અથવા તો રેલવેના કોઈ વિભાગના અધિકારીને લીધે કામમાં બિનજરૂરી વિલંબ થતો હોય તો જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે.
દરેક સ્ટેશન પર ચાલી રહેલા કામની શરૂઆતની તારીખ, અંદાજિત પૂર્ણતાની તારીખ અને કૉન્ટ્રૅક્ટરની વિગતો જાહેર કરવામાં આવે.
કામની ગુણવત્તા અને મુસાફરોની સુરક્ષાની પણ નિયમિત ચકાસણી કરવામાં આવે.
આશા છે કે સેન્ટ્રલ રેલવે અને વેસ્ટર્ન રેલવેના અધિકારીઓ આ બાબતે ધ્યાન આપશે અને સ્ટેશનોના આધુનિકીકરણના કામોને સમયસર પૂરા કરાવીને રેલયાત્રીઓની તકલીફમાં ઘટાડો કરશે. બાકી લોકલમાં પ્રવાસ કરતા મુંબઈગરાઓ એક વાક્ય દરરોજ સાંભળે છે કે ‘યાત્રિયોં કો હોને વાલી અસુવિધા કે લિએ હમેં ખેદ હૈ’ તેને આગળ પણ સાંભળતા આવશે.
અંતિમ વિચાર
એક વાત રેલવે તંત્રએ ખાસ સમજવાની જરૂર છે કે દેશનાં અન્ય શહેરોનાં રેલવે-સ્ટેશનો અને મુંબઈનાં ઉપનગરીય સ્ટેશનોની સરખામણી બિલકુલ થઈ શકે નહીં. મુંબઈની લોકલ ટ્રેનોમાં મુસાફરોની સંખ્યા અને અવરજવરનો ધસારો અનેકગણો વધારે છે, એટલે મુંબઈની લોકલના મુસાફરોની સમસ્યા અલગ છે. અહીં પ્લૅટફૉર્મ પર થોડી જગ્યા ઓછી થાય કે અવરજવરનો માર્ગ થોડો સાંકડો બને તો એની અસર હજારો મુસાફરો પર પડે છે. મુંબઈગરાઓ દરરોજ સમય સાથે દોડે છે. નોકરીએ પહોંચવાની ઉતાવળ, વિધાર્થીઓને શાળા/કૉલેજ પહોંચવાની જવાબદારી અને સમયસર ઘરે પાછા ફરવાની મથામણ વચ્ચે લોકલ ટ્રેન તેમના જીવનની અનિવાર્ય જરૂરિયાત છે. આવા સમયે સ્ટેશન પર બાંધકામને કારણે થતી અગવડ તેમના માટે વધારાની એક મુશ્કેલી બની જાય છે. યોજનાઓ જાહેર કરવી, બજેટ ફાળવવું અને કામ શરૂ કરવું એ એક બાબત છે, પરંતુ સમયસર કામ પૂરું કરવું અને કામ ચાલુ હોય ત્યારે પણ મુસાફરોને સારી સુવિધા આપવી એ વાસ્તવિક કામગીરીની કસોટી છે.
- રાજેશ ચાવડા
રાજેશ ચાવડા સામાજિક-રાજકીય વિષયોના વિશ્લેષક અને કન્ટેન્ટ રાઇટર છે.
