મુંબઈ લોકલ માત્ર ટ્રેન નથી, મુંબઈકરની જીવનરેખા છે. વારંવારના વિલંબ અને ‘ખેદ’ની ઔપચારિક જાહેરાત વચ્ચે મુંબઈકર પોતાના સમયની કિંમત અને રેલવેની જવાબદારી વિશે શું અપેક્ષા રાખે છે તેની વાત.
મુંબઈ લોકલ ટ્રેન
મુંબઈની લોકલ ટ્રેનના નિયમિત પ્રવાસીઓને જો કોઈ પૂછે કે તમને સૌથી વધુ વિશ્વાસ કોના પર છે? તો તે કદાચ થોડું વિચારીને કહેશે કે મારી મુંબઈ લોકલ પર. હા, એ જ મુંબઈ લોકલ જે ક્યારેક સમયસર આવે છે, ક્યારેક મોડેથી આવે છે, ક્યારેક ઝડપથી ચાલે છે અને ક્યારેક રસ્તામાં એવી રીતે ઊભી રહે છે કે જાણે લગાતાર દોડી-દોડીને હાંફી ગઈ હોય. છતાં મુંબઈકર રોજ એની રાહ જુએ છે; કારણ કે મુંબઈ લોકલ માત્ર એક ટ્રેન નથી, એ મુંબઈની લાઇફલાઇન છે. લાખો મુંબઈકરોના ઘરનો ચૂલો છે. કોઈની ઑફિસ, કોઈની દુકાન, કોઈનો વ્યવસાય તો કોઈનું શિક્ષણ છે અને જેનાં પૈડાં સાથે આખું મુંબઈ ચાલે છે. મુંબઈકર અને મુંબઈ લોકલનો સંબંધ માત્ર મુસાફર અને વાહનનો નથી. આ તો એવો આત્મીય અને અલૌકિક સંબંધ છે જેને કોઈ એક નામ આપીને સીમિત કરી શકાય નહીં.
એક કાલ્પનિક કથા અનુસાર રામાયણમાં રાવણવધ પછી રાવણપક્ષે લડેલા કેટલાક સૈનિકો પ્રભુ શ્રી રામ પાસે આવ્યા અને કહ્યું, ‘હે પ્રભુ! અમે તમારી સામે લડ્યા, પણ અમે તો માત્ર અમારું કર્તવ્ય નિભાવી રહ્યા હતા. હવે અમને આ પાપમાંથી મુક્ત કરો.’
ત્યારે તેમને એમ કહેવામાં આવ્યું કે ‘ચિંતા ન કરો. કળિયુગમાં તમે બધા મુંબઈ નગરીમાં જન્મ લેશો, રોજ મુંબઈ લોકલમાં ધક્કા ખાશો, ટ્રેનની રાહ જોશો, ટ્રેનમાં ઊભા રહીને મુસાફરી કરશો અને ક્યારેક ગાડી મોડેથી આવે ત્યારે ભીડમાં ભીંસાઈ પણ જશો. આ રીતે તમારાં તમામ પાપોનું પ્રાયશ્ચિત્ત થઈ જશે અને અંતે તમને મોક્ષ મળશે.’
કહેવાય છે કે આ સાંભળીને રાવણના સૈનિકોએ કહ્યું હતું, ‘પ્રભુ, જવા દો. અમને અમારા પાપ સાથે લંકામાં જ રહેવા દો.’ જોકે ત્યારે કદાચ નિર્ણય થઈ ગયો હતો.
આવી હજી એક કાલ્પનિક કથા છે. એક પાક્કા મુંબઈકર જીવનભર મુંબઈ લોકલમાં મુસાફરી કરવાના પુણ્યથી અવસાન બાદ સીધા સ્વર્ગલોકમાં પહોંચ્યા. ત્યાં ન ભીડ, ન ધક્કામુક્કી અને ન કોઈનું ‘થોડા અંદર ચલો’ હતું. જોકે થોડા દિવસમાં તેમની તબિયત બગડવા લાગી. સ્વર્ગના વૈદ્યોએ અનેક ઉપચારો કર્યા છતાં કોઈ ફાયદો થયો નહીં. આખરે ચિત્રગુપ્ત ધન્વંતરિજીને લઈને આવ્યા. ધન્વંતરિજીએ તપાસ કરી અને ગંભીર ચહેરે ઇન્દ્રને કહ્યું, ‘મહારાજ, રોગ બહુ ગંભીર છે.’ ઇન્દ્રએ ગભરાઈને પૂછ્યું, ‘શું રોગ છે?’ ધન્વંતરિજીએ કહ્યું, ‘આ માણસને મુંબઈ લોકલની આદત પડી ગઈ છે!’ સભામાં સન્નાટો છવાઈ ગયો. ધન્વંતરિજીએ આગળ કહ્યું, ‘મહારાજ, આને સ્વર્ગની શાંતિ ફાવી નથી. જો આને બચાવવો હોય તો રોજ ઓછામાં ઓછા બે કલાક માટે પૃથ્વીલોક પર મોકલવો પડશે અને મુંબઈ લોકલમાં મુસાફરી કરાવવી પડશે.’ કહેવાય છે કે બીજા જ દિવસથી તે મુંબઈકરને રોજ બે કલાક મુંબઈ લોકલમાં ફેરવવામાં આવ્યા અને તેમની તબિયત સુધરવા લાગી. આ છે મુંબઈ લોકલ અને મુંબઈકરનો સંબંધ.
જોકે આ પ્રેમની પણ એક મર્યાદા છે. મુંબઈકર લોકલને પ્રેમ કરે છે અને પોતાના સમયને પણ. સવારે ઘરેથી નીકળતો માણસ ઘણી વખત તો શાંતિથી નાસ્તો પણ નથી કરતો. દોડતો-ભાગતો સ્ટેશન પહોંચે છે, કારણ કે સમયસર ઑફિસ પહોંચવું છે. પાંચ-દસ મિનિટનો વિલંબ તેના માટે માત્ર પાંચ-દસ મિનિટ નથી. તેની કનેક્ટિંગ ટ્રેન-મેટ્રો કે બસ છૂટી શકે છે, ઑફિસમાં લેટ માર્ક લાગી શકે છે કે આખા દિવસનું શેડ્યુલ ખોરવાઈ શકે છે અને ત્યારે આવે છે રેલવેની એ અમર જાહેરાત, ‘યાત્રીઓં કો હોને વાલી અસુવિધા કે લિએ હમેં ખેદ હૈ.’ ગાડી મોડેથી આવે-ખેદ, ધીમી ચાલે-ખેદ, વચ્ચે ઊભી રહે-ખેદ, કનેક્શન છૂટી જાય-ખેદ, ઑફિસમાં મોડો પહોંચે-ખેદ. જાણે કે દરેક સમસ્યાનો એક જ ઉપચાર છે, ‘ખેદ જતાવી દો.’ સાહેબ, જો ખરેખર આટલો જ ખેદ થતો હોય તો એક દિવસ માટે મુંબઈકરોને મફત મુસાફરી કરવા દો. માત્ર એક દિવસ. કોઈ ટિકિટ નહીં, કોઈ પાસ નહીં, કોઈ ભાડું નહીં અને જાહેરાત કરજો કે ગઈ કાલે ટ્રેન મોડેથી દોડાવવા બદલ રેલવેને થયેલા ખેદની ભરપાઈરૂપે આજે મુસાફરી મફત છે. જોજો રેલવેના આ ‘ખેદ’ને મુંબઈકર ખરા દિલથી સ્વીકારશે. વાત એ નથી કે રેલવેમાં ક્યારેય વિલંબ ન થવો જોઈએ. ટેક્નિકલ ખામી, સિગ્નલ અને ટ્રૅકનું કામ, ભારે વરસાદ કે અન્ય કારણોસર વિલંબ થઈ શકે છે. મુંબઈકર આ વાસ્તવિકતા સમજે છે. પ્રશ્ન ત્યારે ઊભો થાય છે જ્યારે વિલંબ વારંવારની વાત બની જાય છે અને હજારો લોકોના સમયને માત્ર એક ઔપચારિક ‘ખેદ’થી વળતર આપી દેવામાં આવે છે.
રેલવેને ટિકિટ વગર મુસાફરી કરનારા પાસેથી દંડ વસૂલ કરવાનો અધિકાર છે અને નિયમ તોડનારા સામે કાર્યવાહી થવી જ જોઈએ, પરંતુ એકતરફી નિયમ અને જવાબદારી શું યોગ્ય કહેવાય? પ્રવાસી નિયમ તોડે તો દંડ, પરંતુ રેલવેની કામગીરીને કારણે હજારો પ્રવાસીઓનો સમય બગડે ત્યારે માત્ર ‘ખેદ’ કેમ? મુંબઈકર દંડ નથી માગતો. તે માત્ર એટલું ઇચ્છે છે કે તેના સમયની પણ કિંમત સમજવામાં આવે, કારણ કે મુંબઈમાં સમય એટલે જીવન. અહીં માણસ કલાકોમાં નહીં, મિનિટોમાં પોતાનું જીવન ગોઠવે છે. મુંબઈ લોકલ પ્રત્યે મુંબઈકરને ફરિયાદ કરતાં વધુ અપેક્ષા છે. આ લોકલ લાખો પરિવારોની રોજીરોટી ચલાવે છે અને કરોડો સપનાંઓને રોજ એમના મુકામ સુધી પહોંચાડે છે. એટલે આ સંબંધ માત્ર ટિકિટનો નથી, વિશ્વાસનો છે. મુંબઈકર લોકલમાં એ વિશ્વાસ સાથે ચડે છે કે આ મને મારા મુકામ સુધી સમયસર પહોંચાડશે. આ વિશ્વાસ જ મુંબઈ લોકલની સૌથી મોટી મૂડી છે અને એને જાળવવાની જવાબદારી માત્ર મુંબઈકરની નહીં, રેલવેની પણ છે.
અંતિમ વિચાર
ADVERTISEMENT
‘અસુવિધા બદલ ખેદ છે’ તો મુંબઈકર વર્ષોથી સાંભળી રહ્યો છે. હવે ક્યારેક તેઓ એવું પણ સાંભળવા માગે છે કે ‘આજે ટ્રેન સમયસર છે અને તમને સમયસર પહોંચાડવા બદલ અમને આનંદ છે.’ કદાચ એ દિવસની રાહમાં જ મુંબઈકર રોજ ફરીથી લોકલમાં ચડે છે અને લોકલ પણ જાણે એને કહે છે, ‘ચાલ, મોડું થયું છેને... વાંધો નહીં. તું અને હું છીએને, બધું બરાબર થઈ જશે.’ કદાચ ‘તું અને હું’વાળી આ લાગણીને કારણે જ મુંબઈ આજે પણ સતત ધબકી રહ્યું છે.
-રાજેશ ચાવડા
