હાઉસિંગ સોસાયટીમાં પેટ ઍનિમલને સુરક્ષા મળે અને સોસાયટીમાં રહેતા સભ્યોને પણ સુરક્ષા મળે એનો ઉકેલ શું? નિયમો શું કહે છે અને લોકોની પ્રૅક્ટિકલ સમસ્યાઓ શું છે એ વિષય પર ચર્ચા કરીએ
પ્રાણીઓ પ્રત્યે કરુણા અને લોકોની સુરક્ષા વચ્ચે સંતુલન ક્યાં છે?
મલાડના બિલ્ડિંગની લિફ્ટમાં કૂતરાએ ૩ સ્ટુડન્ટ્સ પર કારણ વગર હુમલો કર્યાનો વિડિયો વાઇરલ થયા પછી સોસાયટીઓમાં જવાબદાર પેટ ઓનરશિપના અભાવનો મુદ્દો ચર્ચામાં છે. એક તરફ વર્ષે ૬૦ હજારથી વધુ ડૉગ-બાઇટના બનાવો બને છે તો બીજી બાજુ સ્ટ્રે ડૉગ્સ સાથે થતી ક્રુઅલ્ટીના કિસ્સાઓ પણ એટલા જ મોટા પ્રમાણમાં છે. હાઉસિંગ સોસાયટીમાં પેટ ઍનિમલને સુરક્ષા મળે અને સોસાયટીમાં રહેતા સભ્યોને પણ સુરક્ષા મળે એનો ઉકેલ શું? નિયમો શું કહે છે અને લોકોની પ્રૅક્ટિકલ સમસ્યાઓ શું છે એ વિષય પર ચર્ચા કરીએ
વાતની શરૂઆત એક વાસ્તવિક ઘટનાથી કરીએ. વાત ૪ વર્ષ પહેલાંની છે. બોરીવલીમાં રહેતાં નીતા દવે પોતાના હસબન્ડ ભરત દવેના જન્મદિવસ નિમિત્તે ડિનર પર જઈ રહ્યાં હતાં. તેઓ પોતાની કારમાં બેસી ગયાં હતાં ત્યાં તેમને અચાનક એક ફોન આવ્યો. તેમની જ સોસાયટીમાં રહેતી એક દીકરીનો ફોન હતો કે ‘આન્ટી, ગરબા રમવા જવું છે. પ્લીઝ તમે મને ઓઢણી પહેરવામાં હેલ્પ કરશો?’ એ જૈન પરિવાર સાથે દવે ફૅમિલીના સારા સંબંધો એટલે નીતાબહેન ૧૦ મિનિટમાં દીકરીને ચૂંદડી પહેરાવીને આવું છું એમ કહીને ભરતભાઈને રાહ જોવાનું કહીને ગયાં. ચૂંદડી પહેરાવી દીધી, પણ દીકરીના ભલા માટે નીતાબહેને કહ્યું કે અમુક જગ્યાએ સેફ્ટી પિન લગાવી દે જેથી દુપટ્ટો સરકે નહીં. એટલે તે દીકરી તેના ટેનામેન્ટ જેવા ઘરમાં નીચેના ભાગમાં સેફ્ટી પિન લેવા ગઈ. એટલી જ વારમાં તેમના ઘરે રહેલા ડૉગે નીતાબહેન પર હુમલો કર્યો. હુમલામાં તેણે નીતાબહેનના પગનું માંસનું ચોસલું છૂટું કરી નાખ્યું. આ પહેલાં પણ ઘણી વાર આ પાડોશીના ઘરે ગયેલાં, પણ ડૉગ બાંધેલો છેને એવી ચોકસાઈ કરીને જ અંદર જનારાં આ નીતાબહેનને કલ્પના પણ નહોતી કે આજે પેલો કૂતરો બાંધેલો નથી. લોહીલુહાણ હાલતમાં એકલાં જ તેઓ પોતાના ઘર તરફ ગયાં. એ આખો બનાવ વર્ણવતાં નીતાબહેન આગળ કહે છે, ‘હું આઘાતમાં હતી. મારા હસબન્ડે જોયું ત્યારે થોડીક ક્ષણ માટે તેઓ પણ અવાક હતાં. એક આંગળી જાય એટલું માંસનું ચોસલું એણે બટકામાં ભર્યું હતું. અમે તાત્કાલિક ડૉક્ટર પાસે ગયાં. મારા પગમાં ઊભા રહેવા જેટલી તાકાત નહોતી. અઠવાડિયામાં અમારા વતનમાં માતાજીની પૂજા હતી જેમાં મારે બેસવાનું હતું, પણ બધા જ પ્લાન કૅન્સલ કરવા પડ્યા. ૧૫ દિવસ તો સંપૂર્ણ બેડ-રેસ્ટ કરવો પડ્યો, કારણ કે પગમાં ઊભા થતાં જ સખત દુખાવો થતો. એ પછી પણ ૬ મહિના ટ્રીટમેન્ટ ચાલી. આજે ૪ વર્ષે પણ પગ પર એ ડૉગીના દાંતનાં નિશાન છે. એ કૂતરાનું તો દોઢેક વર્ષ પહેલાં નિધન થઈ ગયું, પરંતુ એ ડૉગના માલિકોએ ક્યારેય ફરીને હાલચાલ પૂછવા જેવી કર્ટ્સી પણ ન દેખાડી. અમે સંબંધની આડમાં પોલીસ-ફરિયાદ વગેરે ન કર્યું, પરંતુ તેઓ તો સામાન્ય માણસાઈ પણ ચૂકી ગયા. મારા સિવાય પણ તેમના ઘરની કામવાળીઓથી લઈને રસ્તે ચાલતા રાહદારીઓ પર પણ એ કૂતરો હુમલો કરતો, પરંતુ એના માલિકો એને પ્રોટેક્ટ કરતા રહ્યા. હું કૂતરાઓની વિરોધી નહોતી, પરંતુ આ ઘટનાએ મને ખરેખર એ હદે ડરાવી દીધી કે હું જે ગલીમાં કૂતરો હોય એ ગલીમાં પ્રવેશ ન કરું.’
બોરીવલીમાં બનેલી આ ઘટના પહેલી વારની નથી. આ પહેલાં પણ પેટ ઍનિમલના હુમલાને કારણે નાનાં બાળકોથી લઈને વડીલોને નુકસાન થયું છે. થોડા દિવસ પહેલાં મલાડના એક ટાવરમા લિફ્ટમાં જઈ રહેલી સ્કૂલ-બૅગ સાથેની ૩ દીકરીઓ સાથે એક ફ્લોર પર લિફ્ટ અટકતાં એક પાળતુ કૂતરો એની માલકણ સાથે પ્રવેશે છે અને અચાનક પેલી નાનકડી દીકરીઓને વળગવા માંડે છે. ડરેલી દીકરીઓ જ્યાં લિફ્ટ ઊભી રહે છે ત્યાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરે છે તો એ કૂતરો બહાર પણ તેમને વળગવાનો પ્રયાસ કરે છે. એટલી હદ સુધી એ બેકાબૂ બની જાય છે કે એની માલકણના કન્ટ્રોલની પણ બહાર હોય છે. નસીબજોગે CCTV કૅમેરામાં આખી ઘટના રેકૉર્ડ થઈ ગઈ અને જે બન્યું એ લોકો જોઈ શક્યા. આ વિડિયો વાઇરલ થતાં મુંબઈની વિવિધ સોસાયટીઓમાં પેટ ઍનિમલ અને સોસાયટીના રહેવાસીઓની સુરક્ષાને લગતો ચાલી રહેલો આંતરિક વિવાદ ફરી એક વાર ઉગ્ર બન્યો છે. એક તરફ કોર્ટના આદેશ મુજબ પેટ ઍનિમલ્સને હાઉસિંગ સોસાયટીમાં રહેવાનો પૂરો અધિકાર છે અને કોઈ પણ સોસાયટીના કાયદામાં એમને રોકી ન શકાય ત્યારે સોસાયટીના સભ્યોની સિક્યૉરિટીની બાબતમાં શું નિયમ છે એના પર પણ ચર્ચા થવી જોઈએ. એક તરફ પોતાના પરિવારના સભ્ય તરીકે પેટને પ્રેમથી સાચવતા પેટ-લવર્સ છે તો બીજી બાજુ પોતાની સુરક્ષાનું જોખમ અનુભવતા એ પેટ-લવર સાથે તેમની સોસાયટીમાં રહેતા અન્ય સભ્યોની સ્થિતિ છે. આમાં સંતુલન કેમ જાળવવું? પેટ-ઓનર અને સોસાયટીના અન્ય સભ્યો એકબીજાની અનુકૂળતાને માન આપીને શું કામ સૌહાર્દપૂર્ણ રહેવામાં નિષ્ફળ જાય છે એ વિષય પર આજે ચર્ચા કરીએ અને આ પ્રશ્નના સમાધાન અને કાયદાકીય જોગવાઈ પર પણ ચર્ચા કરીએ.
સમસ્યા શું છે?
‘પ્રાણીઓ પ્રત્યે કરુણા દાખવવી એ ભારતીય બંધારણની કલમ 51A(g) હેઠળ નાગરિકની મૂળભૂત ફરજ છે, પરંતુ આ કરુણા અન્ય નાગરિકોની સુરક્ષા અને શાંતિના ભોગે ન હોઈ શકે. સંતુલન અને પરસ્પર સમજૂતી જ એકમાત્ર કાયદાકીય ઉકેલ છે.’
આ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો
મુખ્ય સારાંશ છે. ખરેખર હાઉસિંગ સોસાયટીઓની ગ્રાઉન્ડ રિયલિટી શું છે એ વિષય પર
બોરીવલી-ઈસ્ટની એક અગ્રણી સોસાયટીમાં રહેતા અને જૉઇન્ટ સેક્રેટરી તરીકે કામ કરી ચૂકેલા સુનીલ લોહાણા કહે છે, ‘સોસાયટીઓમાં આજે જે વિવાદો થઈ રહ્યા છે એની પાછળ ગ્રાઉન્ડ રિયલિટી અને વ્યવહારુ બુદ્ધિનો અભાવ મુખ્ય કારણ છે. સૌથી પહેલાં તો જો કોઈ વ્યક્તિના ઘરમાં પાળતુ પ્રાણી હોય અને સોસાયટીની લિફ્ટમાં અન્ય લોકો મુસાફરી કરી રહ્યા હોય તો પેટ-ઓનરે પોતે જ સમજદારી દાખવીને એ લિફ્ટમાં એન્ટર ન થવું જોઈએ. જો તમે એકલા જઈ રહ્યા હો તો ઠીક છે. સામે પક્ષે ધારો કે કોઈ પેટ-ઓનર તમારા પહેલાં લિફ્ટમાં છે તો સોસાયટીના સભ્યો પણ એમને પહેલા જવા દે. આ સિવાય કૂતરાઓ કમ્પાઉન્ડમાં કે પૅસેજમાં ગંદકી કરે છે અને માર્કિંગ કરે છે જેનાથી અસ્વચ્છતા ઊભી થાય છે. સોસાયટીની કમિટીએ આવા ક્લીન્લીનેસના ઇશ્યુ માટે પેટ-ઓનર્સ પાસેથી અલગથી ચાર્જિસ કે ફી વસૂલવાનો નિયમ બનાવવો જ જોઈએ.’
બીજો સૌથી મોટો પ્રશ્ન સ્ટ્રે ડૉગ્સના ફીડિંગનો છે. સુનીલભાઈ કહે છે, ‘તમે રાતે ૧૨ વાગ્યા પછી એક ડેડિકેટેડ સ્પૉટ જે સોસાયટીના કૅમ્પસમાં ન હોય એવી જગ્યાએ કૂતરા-બિલાડાને ફીડ કરો, કોઈ વાંધો નથી; પરંતુ અહીં ડૉગ-ફીડર્સ સાંજે સોસાયટીના કમ્પાઉન્ડના મેઇન એન્ટ્રન્સ કે લૉબી પાસે આવીને કૂતરાઓને ખવડાવે છે. આનાથી આવતા-જતા રાહદારીઓ અથવા બાઇક કે સાઇકલ પર આવતા ડિલિવરી બૉય્ઝ માટે મોટું જોખમ ઊભું થાય છે, કારણ કે કૂતરાઓ પોતાની વફાદારી બતાવવા એ ચાલતાં વાહનો પાછળ ભાગે છે. ખવડાવવા માટે સોસાયટીની બહાર કે બૅક્યાર્ડમાં જ્યાં ગાર્ડન હોય અને રાત્રે સન્નાટો હોય એવો સ્પેસિફિક એરિયા જ માર્ક કરવો જોઈએ. જાહેર રસ્તા કે લૉબી પાસે ખવડાવશો તો બહારના બીજા કૂતરાઓ પણ આવશે અને એમની વચ્ચે ગૅન્ગ-વૉર અને લડાઈઓ શરૂ થશે અને એના ફીડિંગનો ભોગ બાળકો કે વડીલો પણ બની શકે છે. મને યાદ છે કે અમારી સોસાયટીમાં એક ભાઈને ત્યાં ડૉગ હતો અને એ અમારા તરફ આવતો તો અમે એને દૂર ભગાડતા. તે ભાઈને એટલું માઠું લાગ્યું કે તેમણે મેનકા ગાંધીના ફાઉન્ડેશનમાં અમારી ફરિયાદ નોંધાવી દીધી. મેનકા ગાંધી ટ્રસ્ટમાંથી મને ફોન આવ્યો ત્યારે મેં સામેથી સ્પષ્ટતા કરી હતી કે અમે પણ હિન્દુ છીએ, અહિંસા પરમો ધર્મમાં માનવાવાળા છીએ; પરંતુ પ્રશ્ન જ્યારે સેલ્ફ-ડિફેન્સનો હશે ત્યારે સ્વબચાવનો મને પણ અધિકાર છે. અમારી સોસાયટીમાં પચીસ કૅમેરા લાગેલા છે અને તમે જોઈ શકો છો કે કયા સંજોગોમાં મેં એ શ્વાનને દૂર ભગાડ્યો હતો. એ લોકો સમજી ગયા અને આખો મુદ્દો સંકેલાઈ ગયો હતો. અત્યારે અમારી સોસાયટીમાં કોઈ પાસે પેટ નથી એટલે એને લગતો કોઈ નિયમ પણ નથી.’
સુનીલભાઈ એક વિરોધાભાસની વાત કરતાં કહે છે, ‘આપણે જો કૂતરાને ખાલી હડ-હડ કહીને દૂર ભગાડીએ તો પણ પેટ-ઓનર આપણી વિરુદ્ધ પોલીસ-કમ્પ્લેન કરવાનો અધિકાર ધરાવે છે, પરંતુ એ જ કૂતરો આપણને કરડી જાય કે હુમલો કરે અને જો આપણે પોલીસમાં ફરિયાદ નોંધાવા જઈએ તો પોલીસવાળા આપણને BMCમાં જાઓ એવું કહી દેતા હોય છે. ઇન ફૅક્ટ, અત્યારે તો કેટલાક સોકૉલ્ડ ઍનિમલ ઍક્ટિવિસ્ટ ગાડી નીચે ભૂલથી કોઈ ડૉગ આવી જાય કે સહેજ અનાયાસ એને જરાક ખરોચ આવી જાય તો બ્લૅકમેઇલિંગ પર ઊતરીને
ચાલીસ-પચાસ હજાર રૂપિયા પડાવવાના પેંતરા કરતા હોય છે. સ્ટ્રે ડૉગ્સ કોઈ એન્ડેન્જર્ડ એટલે કે લુપ્તપ્રાય પ્રજાતિ નથી એટલે એના માટે લોકોને ડરાવવા, ધમકાવવા અને પૈસા પડાવવા યોગ્ય નથી. ઇન ફૅક્ટ, હું તો કહીશ કે ઍનિમલ ફીડર્સે વિવાદ કરવાને બદલે એમની વસ્તી ન વધે એ માટે ફૅમિલી પ્લાનિંગ અને સ્ટરિલાઇઝેશન પર ધ્યાન આપવું જોઈએ. તમે એમને ખવડાવતા હો તો તેઓ કોઈને કરડે નહીં એની જવાબદારી પણ લેવી જોઈએ. હું કંઈ પ્રાણીઓનો વિરોધી નથી કે એવો નિર્દયી વ્યક્તિ નથી. મને પણ લાગે છે કે તેઓ આપણી સાથે જીવવા જોઈએ, પરંતુ હું મારાં બાળકોને પણ ડિપેન્ડન્ટ નથી બનાવવા માગતો. દરરોજ ખવડાવીને તો પશુઓને પણ નૅચરલ હૅબિટાટ મુજબ જીવવા દેવા જોઈએ. તેઓ આપણને મદદરૂપ થાય છે અને એમની રક્ષા કરવી જ જોઈએ, પણ સમજદારીના ભોગે નહીં. હું માનું છું કે આ બધી બાબતો પરસ્પર સમજદારીથી ઉકેલાઈ શકે. ઈગો બાજુ પર મૂકીને ફીડિંગ માટે જગ્યા નક્કી કરો અને સોસાયટીના બાય-લૉઝ મુજબ શિસ્ત જાળવો તો જ આ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.’
પેટ-પેરન્ટનો પક્ષ
માટુંગાના પ્રાઇવેટ ટ્યુટર અને પેટ્સ ગ્રુપ સાથે જોડાયેલાં પૂર્વી દોશી એક અત્યંત મહત્ત્વનો અને સંતુલિત દૃષ્ટિકોણ રજૂ કરે છે. પૂર્વીબહેન પોતે એક સમયે અતિશય ઍનિમલ ફોબિયાથી પીડાતાં હતાં અને કૂતરાથી દૂર ભાગતાં હતાં. તેઓ કહે છે, ‘હું કૂતરા કે બિલાડીથી એટલી ડરતી કે રસ્તામાં જો કૂતરો બેઠો હોય તો બીજો રસ્તો પકડી લેતી. ટ્યુશન ભણાવવા જાઉં અને ત્યાં પ્રાણી હોય તો બૅગ ઉપાડીને ભાગી જતી, પણ મારી દીકરીની ભારે જીદને કારણે ૯ વર્ષ પહેલાં ઘરમાં ‘કોકો’ આવ્યો. એ સ્મૉલ બ્રીડ ‘શિહ ઝુ’ છે. એ એટલો નાનો અને કમ્પૅનિયન ડૉગ છે કે એના દાંત આપણા દાંત કરતાં પણ અડધા હોય છે. મારે એનું ખાવાનું પણ મિક્સીમાં ગ્રાઇન્ડ કરીને આપવું પડે. કોકો આવ્યા પછી મારો આખો ફોબિયા દૂર થઈ ગયો અને હું ઍનિમલ ફીડર પણ બની ગઈ.’
મલાડ લિફ્ટના વાઇરલ વિડિયો અને અન્ય કિસ્સાઓના સંદર્ભમાં પૂર્વીબહેન કહે છે, ‘હું સમજી શકું છું કે મોટી બ્રીડના શ્વાનથી લોકોને ડર લાગે એ સ્વાભાવિક છે. એટલે જ મોટી બ્રીડના માલિકોએ લિફ્ટ કે જાહેર જગ્યાએ મઝલ એટલે કે માસ્ક પહેરાવવો જ જોઈએ અને પૂરતી સાવચેતી રાખવી જ જોઈએ. જોકે સમસ્યા ત્યારે થાય છે જ્યારે લોકો દરેક પાળતુ પ્રાણીને એક જ ત્રાજવે તોલે છે. મારી પાસે નાની બ્રીડ હોવા છતાં સોસાયટીના અમુક લોકોએ મને લિફ્ટ વાપરતાં અટકાવી હતી. આખરે મારે પોલીસમાં ફરિયાદ નોંધાવવી પડી હતી અને મેનકા ગાંધી સુધી રજૂઆત કરવી પડી હતી. પ્રાણીઓ બોલી શકતાં નથી. લિફ્ટની સાંકડી જગ્યામાં ઘણી વાર એ ગભરાઈને કે સ્ટ્રેસમાં આવીને રીઍક્ટ કરે છે. પેટ-ઓનર્સે પોતાની જવાબદારી ૧૦૦ ટકા નિભાવવી જ પડશે પણ સાથે સમાજે પણ થોડી સમજદારી અને સહઅસ્તિત્વની ભાવના કેળવવી પડશે.’
ADVERTISEMENT
•જો સોસાયટી પેટ-ઓનરને લિફ્ટ વાપરતાં અટકાવે કે ગેરકાયદે દંડ લગાવે તો પેટ-ઓનર ડેપ્યુટી રજિસ્ટ્રાર અથવા ઍનિમલ વેલ્ફેર બોર્ડ ઑફ ઇન્ડિયા (AWBI)માં સોસાયટી કમિટી સામે ફરિયાદ કરી શકે છે.
મુંબઈમાં ડૉગ-બાઇટના આંકડા
મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના આંકડા મુજબ મુંબઈમાં દર વર્ષે સરેરાશ ૬૦થી ૭૫ હજાર ડૉગ-બાઇટના કિસ્સાઓ નોંધાય છે. KEM, નાયર અને કસ્તુરબા જેવી હૉસ્પિટલોમાં દરરોજ સેંકડો લોકોને રેબીઝવિરોધી રસી આપવી પડે છે. શારીરિક ઈજાઓ ઉપરાંત ખાસ કરીને બાળકો અને વરિષ્ઠ નાગરિકોમાં આ ઘટનાઓ પછી કાયમી માનસિક ભય જોવા મળે છે.
તમને ખબર છે?
વિવિધ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદાઓ મુજબ જો કોઈ પાળતુ શ્વાન ખુલ્લો ફરે છે અથવા માલિકની બેદરકારીને કારણે કોઈ નાગરિક કે બાળકને કરડે છે કે ઈજા પહોંચાડે છે તો એની સંપૂર્ણ કાયદાકીય અને નૈતિક જવાબદારી પેટ-ઓનરની રહે છે. ઈજાગ્રસ્ત વ્યક્તિને થયેલા શારીરિક-માનસિક નુકસાન અને તબીબી ખર્ચનું વળતર અપાવવા માટે તે કોર્ટના દરવાજા ખટખટાવી શકે છે અને પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી શકે છે.
પેટ-ઓનર્સ, સ્ટ્રે ડૉગ્સ અને હાઉસિંગ સોસાયટીઓ માટે શું નિયમો છે?
કેન્દ્ર સરકાર, મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ મહાનગરપાલિકાએ હાઉસિંગ સોસાયટીઓ અને પેટ-ઓનર્સ માટે સ્પષ્ટ અને કાયદેસર રીતે કમ્પલ્સરી નિયમો અને ગાઇડલાઇન્સ જાહેર કર્યાં છે. આ કાયદાકીય માર્ગદર્શિકા ઍનિમલ બર્થ કન્ટ્રોલ (ABC) રૂલ્સ ૨૦૨૩, મહારાષ્ટ્ર કો-ઑપરેટિવ સોસાયટીઝ (MCS) ઍક્ટ અને મુંબઈ મહાનગરપાલિકાના બાય-લૉઝ પર આધારિત છે.
પેટ-ઓનર્સ માટેના નિયમો
• મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન ઍક્ટ, સેક્શન 191B અનુસાર મુંબઈમાં કોઈ પણ વ્યક્તિએ શ્વાન રાખવા માટે BMCનું ઑફિશિયલ લાઇસન્સ લેવું કાયદાકીય રીતે અનિવાર્ય છે. લાઇસન્સ વગર પેટ રાખવું એ ગેરકાયદે છે.
• શ્વાનને રેબીઝવિરોધી રસી સમયસર અપાવવી અને એનું સર્ટિફિકેટ સોસાયટી કમિટી સમક્ષ રજૂ કરવું કમ્પલ્સરી છે.
• લૉબી, ગાર્ડન, કમ્પાઉન્ડ, લિફ્ટ જેવા સોસાયટીના કૉમન એરિયામાં પેટને હંમેશાં લીશ એટલે કે દોરી અથવા પટ્ટા સાથે જ રાખવું કમ્પલ્સરી છે. એને ખુલ્લું છોડી શકાય નહીં.
• સોસાયટી કમ્પાઉન્ડ કે પૅસેજમાં
જો તમારો પાળતુ કૂતરો કે બિલાડી ગંદકી કરે તો એને સાફ કરવાની પ્રાથમિક અને સંપૂર્ણ જવાબદારી
પેટ-ઓનરની છે.
• જો પ્રાણી આક્રમક હોય કે કરડવાની ટેવવાળું હોય તો જાહેર જગ્યાઓ અને લિફ્ટમાં તેના મોં પર મઝલ એટલે કે માસ્ક પહેરાવવો જરૂરી છે.
સોસાયટીઓ માટેની ગાઇડલાઇન્સ
• હાઉસિંગ સોસાયટી પોતાના બાય-લૉઝમાં ‘સોસાયટીમાં પેટ લાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ’નો નિયમ બનાવી શકતી નથી. જો સોસાયટી એવો નિયમ બનાવે તો પણ એ કાયદાની નજરમાં રદબાતલ ગણાય છે.
• સોસાયટી પેટ-ઓનર પાસેથી તેના શ્વાનનું અપ-ટુ-ડેટ હડકવાવિરોધી રસીકરણ સર્ટિફિકેટ અને મુંબઈ મહાનગરપાલિકા દ્વારા અપાતું ઓનરશિપ લાઇસન્સ માગી શકે છે.
• સોસાયટી પેટ્સ માટે લિફ્ટ વાપરવા પર રોક લગાવી શકતી નથી કે ન તો એના માટે અલગથી વધારાનો ચાર્જ કે ફાઇન વસૂલી શકે છે.
• સોસાયટીઓ શ્વાનના કદ કે ચોક્કસ બ્રીડના આધારે પ્રવેશ અટકાવી શકતી નથી.
• ABC Rules 2023 મુજબ જો સોસાયટીમાં પેટ-ઓનર્સ અને અન્ય રહેવાસીઓ વચ્ચે વિવાદ થાય તો સોસાયટીએ એક સંયુક્ત ઍનિમલ વેલ્ફેર કમિટી બનાવવી પડે છે જે બન્ને પક્ષો વચ્ચે મધ્યસ્થતા કરીને ઉકેલ લાવે.
સ્ટ્રે ડૉગ્સ માટેના નિયમો
• રખડતા કૂતરાઓને સોસાયટીના કમ્પાઉન્ડમાંથી કે ગલીમાંથી પકડીને બીજી જગ્યાએ છોડી શકાતા નથી. વહીવટી તંત્ર એમને માત્ર સ્ટરિલાઇઝેશન માટે લઈ જઈ શકે છે, પરંતુ પાછા એ જ જગ્યાએ એમને છોડવા પડે છે.
• સોસાયટીએ અને ઍનિમલ ફીડર્સે મળીને કમ્પાઉન્ડની બહાર કે કોઈ ખૂણામાં ચોક્કસ ફીડિંગ એરિયા નક્કી કરવો પડે છે, જેથી બાળકો કે અન્યોને અવરજવરમાં તકલીફ ન પડે.
