ખરાબ આદતોની જેમ સારી આદતો પણ વ્યસન જેવી જ હોય છે, બસ જરૂર છે એક નવી શરૂઆતની. તમારી પાસે બે જ વિકલ્પ છે
હિમાંશુ કાછેલા
આપણને હંમેશાં ફરિયાદ હોય છે કે સમય નથી, પણ શું ખરેખર એવું છે? જો આપણે આપણી દિનચર્યાનું બારીકાઈથી નિરીક્ષણ કરીએ તો સત્ય કંઈક અલગ જ બહાર આવશે. રોજનું માત્ર બે કલાકનું સોશ્યલ મીડિયા સ્ક્રોલિંગ વર્ષના આખા ૩૦ દિવસ ગળી જાય છે. જે સમય આપણને મનોરંજન લાગે છે એ વાસ્તવમાં ડિપ્રેશનનું જોખમ બમણું કરે છે અને આપણી પ્રોડક્ટિવિટીને ઘટાડે છે. મેં મારી લાઇફસ્ટાઇલમાં આ પરિવર્તન નજીકથી અનુભવ્યું છે. એક સમયે મારું વજન ૧૦૩ કિલોગ્રામ હતું. એ અવસ્થામાંથી બહાર આવવા માટે મારે કોઈ જાદુઈ લાકડીની નહીં પણ આત્મનિયંત્રણ અને મક્કમ નિશ્ચયની જરૂર હતી. છેલ્લાં ૬ વર્ષથી હું નિયમિત દોડું છું અને અત્યાર સુધીમાં મેં ૧૨,૦૦૦ કિલોમીટરથી વધુ અંતર કાપ્યું છે. મારો એક નિયમ છે કે દર વર્ષે કૅલેન્ડર વર્ષ કરતાં ૧ કિલોમીટર વધુ દોડવું. છેલ્લા એક વર્ષથી મેં જિમની ટ્રેઇનિંગ પણ શરૂ કરી છે. આજે જ્યારે હું મારા શરીરને પર્ફેક્ટ શેપમાં જોઉં છું ત્યારે સમજાય છે કે બહારથી મળેલું મોટિવેશન કંઈ કામમાં લાગતું નથી. એ તમારી અંદર હોવું જરૂરી છે. આપણે સ્નૂઝ બટન દબાવીને જે ૧૦ મિનિટની વધારાની ઊંઘ લઈએ છીએ એ વર્ષે ૬૦ કલાક બગાડે છે અને હૃદયરોગનું જોખમ ૪૮ ટકા વધારે છે. એની સામે માત્ર ૨૦ મિનિટ ચાલવું હાર્ટ-અટૅકનું જોખમ ૩૦ ટકા ઘટાડી શકે છે. ૧૦ મિનિટનું મેડિટેશન તમારાં સ્ટ્રેસ-હૉર્મોન્સને ૪૦ ટકા સુધી ઘટાડી શકે છે.
લોકો સંપત્તિ મેળવવા સ્વાસ્થ્ય ખર્ચે છે અને પછી એ જ સ્વાસ્થ્ય પાછું મેળવવા સંપત્તિ લૂંટાવે છે. કામનું દબાણ, મુસાફરી અને સંઘર્ષ તો જીવનભર રહેવાનાં જ છે; એની વચ્ચે સમયનું મૅનેજમેન્ટ કઈ રીતે કરવું એ મહત્ત્વનું છે અને સાચી સફળતાની ચાવી એ જ છે. ૯૯ ટકા નિષ્ફળતા એવા લોકોને મળે છે જેઓ બહાનાં કાઢવામાં માહેર હોય છે.
ADVERTISEMENT
ખરાબ આદતોની જેમ સારી આદતો પણ વ્યસન જેવી જ હોય છે, બસ જરૂર છે એક નવી શરૂઆતની. તમારી પાસે બે જ વિકલ્પ છે, બહાનાં બનાવો અથવા ચેન્જમેકર બનો. નવી શરૂઆત માટે આજથી વધુ સારો કોઈ સમય નથી. તમારું સ્વાસ્થ્ય તમારી સૌથી મોટી મૂલ્યવાન સંપત્તિ છે, એને વેડફશો નહીં.
- હિમાંશુ કાછેલા
(હિમાંશુ કાછેલા કૉસ્ટ અને મૅનેજમેન્ટ અકાઉન્ટન્ટ છે અને ફિટનેસને જાળવી રાખવા મૅરથૉન્સમાં પણ ભાગ લેતા હોય છે.)


