અક્ષય કુમારની તેર વર્ષની દીકરી સાથેે જે થયું એ કોઈની પણ સાથે થઈ શકે છે
પ્રતીકાત્મક તસવીર
થોડા દિવસો પહેલાં જ સાઇબર ક્રાઇમના સંદર્ભમાં અક્ષય કુમારે પોતે આ કિસ્સો શૅર કર્યો હતો. ઑનલાઇન ગેમિંગમાં સામેનો પ્લેયર કોણ છે એનો ખ્યાલ નથી હોતો. આ પ્લેયર કોઈ પણ ઉંમર, કોઈ પણ દેશ કે શહેરનો હોઈ શકે છે. કૉમ્પ્લીમેન્ટ આપીને બાળકોનો વિશ્વાસ જીતે અને પછી તેમને અશ્લીલ ફોટો શૅર કરવાનું કહે છે. જો બાળકો આવા સ્કૅમથી જાગ્રત ન હોય તો ચોક્કસપણે ભોળવાઈ જાય છે ત્યારે પેરન્ટ્સે પોતાની કમ્યુનિકેશન ચૅનલ કેવી રીતે ખુલ્લી રાખવી જેથી બાળકો વિક્ટિમ ન બને એ નિષ્ણાતો પાસે જાણીએ...
અક્ષય કુમારે થોડા દિવસો પહેલાં સાઇબર ક્રાઇમને લઈને તેની દીકરી સાથે બનેલી ઘટના શૅર કરી. તેની ૧૩ વર્ષની દીકરી નિતારા વિડિયો ગેમ રમતી હતી. એમાં સામેના પ્લેયરે પહેલાં તો તેને ક્યાંથી છે એમ પૂછ્યું. તેણે જવાબ આપ્યો કે મુંબઈથી. ત્યાર બાદ પ્લેયર ફરી વિડિયો ગેમ રમવામાં વ્યસ્ત થઈ જાય છે. દર વખતે ખોબો ભરીને વખાણ કરે છે કે તું બહુ જ સરસ વિડિયો ગેમ રમે છે. પછી પ્લેયર ફરી એક સવાલ પૂછે છે કે તું મેલ છે કે ફીમેલ? તે જવાબ આપે છે કે ફીમેલ. ફરી પ્લેયર રમવામાં વ્યસ્ત થઈ જાય છે અને નિતારાની વિડિયો ગેમની આવડતનાં ખોબો ભરીને વખાણ કરે છે. ત્યાર બાદ પ્લેયર તેને કહે છે કે તારો ન્યુડ ફોટો મોકલને! નિતારા તરત જ મોબાઇલ બંધ કરી દે છે અને તરત જ તેની મમ્મીને જઈને કહે છે. ઘરમાં આ ઘટના બને છે અને વાત સાઇબર ક્રાઇમમાં પહોંચે છે. અક્ષય કુમાર જેવી સેલિબ્રિટીએ આ વાતને જાહેરમાં એટલા માટે પણ કહી છે કે પેરન્ટ્સ પોતાનાં બાળકોને આવા ટ્રૅપથી બચાવી શકે. ત્યારે આજે આપણે એક્સપર્ટ પાસેથી જાણીએ કે કેવી રીતે બાળકો આવા સાઇબર ક્રાઇમના શિકાર બનતાં હોય છે અને પેરન્ટ્સે પોતાની કમ્યુનિકેશન ચૅનલ કેવી રીતે બનાવવી જેથી બાળકો પહેલી મદદ પેરન્ટ્સ પાસે માગે.
ADVERTISEMENT
3Cની સમજ કેળવો
સાઇબર સિક્યૉરિટી ઍન્ડ ડેટા પ્રોટેક્શન કન્સલ્ટન્ટ તેમ જ ફાઉન્ડર ઍન્ડ પ્રેસિડન્ટ ઑફ ચાઇલ્ડ ઑનલાઇન પ્રોટેક્શન ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયા ટેક લૉયર ડૉ. ચિંતન પાઠક કહે છે, ‘બાળકોના ડિજિટલ વર્તનને સમજવા માટે ત્રણ બાબતો પર ધ્યાન આપવા કહે છે – Contact, Conduct અને Content. આ 3C બાળક કેવી રીતે ઇન્ટરનેટ પર જોડાય છે, વર્તે છે અને શું જુએ છે અથવા શૅર કરે છે એનો પૂરતો ખ્યાલ આપે છે. Contact એટલે બાળકના ઑનલાઇન સંપર્કો. બાળક કોની સાથે વાત કરે છે, ગેમ રમે છે કે મિત્ર બને છે એ જાણવું જરૂરી છે. ઘણી વાર અજાણ્યા લોકો ગેમિંગ અથવા ચૅટિંગ ઍપ્લિકેશનમાં મિત્રતા કરીને વિશ્વાસ જીતે છે અને પછી ખતરનાક માગણીઓ કરે છે. બાળકોને સમજાવવું જોઈએ કે દરેક ‘ફ્રેન્ડ’ વિશ્વાસપાત્ર નથી અને અજાણી વ્યક્તિ સાથે વ્યક્તિગત માહિતી શૅર કરવી જોખમી છે. પેરન્ટ્સે પણ બાળકને તપાસ હેઠળ નહીં પરંતુ રસથી, મિત્રતાથી પૂછવું જોઈએ કે તે કોની સાથે રમે છે કે વાત કરે છે. બીજું Conduct એટલે ઑનલાઇન વર્તન. બાળક ઇન્ટરનેટ પર કેવી રીતે વર્તે છે એ પણ એટલું જ મહત્ત્વનું છે. કોઈને ચીડવવું, અપમાનજનક કમેન્ટ કરવી કે કોઈની પરવાનગી વગર તેનો ફોટો કે વિડિયો ફેલાવવો એ પણ સાઇબર ક્રાઇમ હેઠળ આવે છે. બાળકોને શિષ્ટતા અને સન્માનનું મહત્ત્વ સમજાવવું જોઈએ, કારણ કે ઑનલાઇન જગત પણ સમાજનો જ ભાગ છે. જે કંઈ આંખે જોઈને ન કહી શકાય એ ઑનલાઇન પણ ન લખવું – એવો એક સરળ નિયમ બાળકને શીખવો. ત્રીજું Content એટલે બાળક શું જુએ છે અને શું શૅર કરે છે. ઇન્ટરનેટ પરના વિડિયોઝ, ગેમ્સ અને મેસેજિસ બાળકોના મન અને વિચાર પર અસર કરે છે. અશ્લીલ, હિંસક અથવા ખોટી માહિતી ધરાવતી કન્ટેન્ટથી દૂર રહેવું જરૂરી છે. બાળકોને સમજાવવું જોઈએ કે દરેક વિડિયો કે પોસ્ટ સાચી નથી અને કંઈ પણ શૅર કરતાં પહેલાં વિચારવું જરૂરી છે. આ ત્રણે ‘C’ પર સતત ધ્યાન રાખવાથી પેરન્ટ્સ બાળકોની ડિજિટલ દુનિયાને વધુ સુરક્ષિત બનાવી શકે છે. ટેક્નૉલૉજીને રોકવી ઉકેલ નથી પરંતુ એને સમજવી અને સંવાદ દ્વારા સંતુલન જાળવવું એ જ સાચો માર્ગ છે. બાળકોની ઉંમર પ્રમાણે તેમને કેવા ફોનની જરૂર છે એની માહિતી હોવી જોઈએ. તમે કમ્યુનિકેશન માટે બાળકને ફોન આપતા હો તો નોકિયાનું જૂનું ફોન મૉડલ પણ ચાલે. જ્યારે બાળક મૅચ્યોર થઈ જાય ત્યારે તેને ઇન્ટરનેટની સાવધાની અને સાવચેતીથી વાકેફ કરીને નવો મોબાઇલ આપો.
બાળકોનો ડર
અંદાજે ૬૫ ટકા ભારતીયો છેલ્લે મોબાઇલ સ્ક્રીન જોઈને સુએ છે અને સવારે ઊઠે ત્યારે મોબાઇલ સ્ક્રીન જુએ છે. એમાં મોટા ભાગે ટીનેજર્સ અને તેમાંય ખાસ કરીને છોકરાઓનો સમાવેશ થાય છે. ઍડ્વોકેટ ચિંતન કહે છે, ‘કોવિડ દરમ્યાન જે ઑનલાઇન એજ્યુકેશન શરૂ થયું ત્યારે ૫થી ૭ વર્ષનાં બાળકો અતિ માત્રામાં એક્સપોઝ થયાં. તેમના ઑનલાઇન વૉટ્સઍપ ગ્રુપ, ગેમિંગ ગ્રુપ અને દરેક ઍક્ટિવિટી માટે ગ્રુપ બનતાં ગયાં. તેઓ એક રીતે ટેક્નૉલૉજીમાં પાવરધાં થતાં ગયાં. તેમના પર સૌથી વધારે ઇન્ફ્લુઅન્સ મિત્રોનું હોય છે. જ્યારે ગ્રુપમાં વિડિયો ગેમ રમે ત્યારે વાંધો નથી આવતો પરંતુ જ્યારે વન-ટુ-વન રમે ત્યારે આવા કેસ બનતા હોય છે. હવે આ બાળકો પાસેથી ઇન્ટરનેટ કે મોબાઇલ લઈ લેવા એક પડકાર છે. તેમને FOMO (Fear Of Missing Out) હોય છે. વિવિધ સાઇટ્સ પર અકાઉન્ટ બનાવ્યાં છે તો એકાઉન્ટ બનાવવામાં વાંધો નથી પરંતુ એનું પ્રાઇવસી સેટિંગ ચેક કર્યું છે? શું એક પણ પેરન્ટ એ વેબસાઇટથી વાકેફ છે કે એનું મૉનિટરિંગ કરે છે? ટીનેજર્સ પોતાની પ્રાઇવસીને લઈને બહુ જ સતર્ક છે અને જો પેરન્ટ્સ એના પર સવાલ કરે તો સંબંધમાં ગૅપ આવી જાય છે એટલે પેરન્ટ્સની ચિંતા જ જુદા સ્તરની છે. ઑનલાઇન બન્ને જેન્ડર અબ્યુઝ થાય છે. જો પેરન્ટ્સે બાળકોમાં ડર બેસાડ્યો છે કે મોબાઇલ કે ઇન્ટરનેટ બંધ થઈ જશે તો તેઓ ક્યારેય આ ઘટનાની ખુલ્લા મનથી વાત નહીં કરે. એવા ઘણા દાખલાઓ તમે અખબારમાં વાંચ્યા હશે કે મોબાઇલ હાથમાંથી લઈ લીધો અને બાળકે આત્મહત્યા કરી લીધી હોય. એટલે મોબાઇલ કે ઈન્ટરનેટ પર પ્રતિબંધ સમસ્યાનું સામાધાન નથી જ. અમે એવાં ઉદાહરણો પણ આપીએ છીએ કે આ જ ટેક્નૉલૉજીની મદદથી ટીનેજર્સ બિલ્યનેર બન્યા છે અને મિરૅકલ સર્જ્યા છે. તો ટેક્નૉલૉજીથી તમે દુનિયા બદલી પણ શકો છો અને પોતાની દુનિયા નષ્ટ પણ કરી શકો છો.’
ખોટાં વખાણની સમજ
પેરન્ટ્સ અને બાળકો વચ્ચેનો સંવાદ રાતોરાત સરળ નથી બનતો. આ સંદર્ભે ઊર્જા કાઉન્સેલિંગ ઍન્ડ રેમેડિયલ સેન્ટરના ફાઉન્ડર-ડિરેક્ટર અને છેલ્લાં ૧૬ વર્ષથી કાંદિવલીમાં પ્રૅક્ટિસ કરતા સ્કૂલ કાઉન્સેલર, સાઇકોલૉજિસ્ટ અને સ્પેશ્યલ એજ્યુકેટર ડૉ. મિહિર પારેખ કહે છે, ‘પેરન્ટ્સ બનો એ દિવસથી કમ્યુનિકેશન ચૅનલની સ્થાપના થઈ જવી જોઈએ. અત્યારે ડિજિટલ યુગમાં બાળકોને બાહ્ય પરિબળો કરતાં ન દેખાતાં પરિબળોથી બચાવવાં બહુ જ જરૂરી છે અને એમાં સંવાદ સૌથી મોટી બારી છે. બાળકો સાથે થઈ રહેલા સાઇબર ક્રાઇમમાં વખાણ બહુ જ ખતરનાક તત્ત્વ છે. સમાજ કે પેરન્ટ્સ બાળકના મનમાં એવો ભ્રમ પેદા કરે છે જો તે સારું કામ કરશે તો જ લોકો તાળી પાડશે અને તેનાં વખાણ કરશે. અહીં પેરન્ટ્સે બાળકને સમજાવવું પડશે કે કોણ વખાણ કરે તો એ સારાં છે. આ પરિસ્થિતિમાં માત્ર પેરન્ટ્સ જ તેના પાર્ટનર હોવા જોઈએ. એટલે બાળકનો સેલ્ફ-કૉન્ફિડન્સ બહારનાં ખોટાં વખાણથી નહીં પરંતુ તેની અંદરથી આવવો જોઈએ. બીજું કે બાળક સતત તેના પેરન્ટ્સને તેની આસપાસ જોતું હોવું જોઈએ. દિવસમાં ૧૦ મિનિટ તો બાળક સાથે બેસીને રમો કાં તો વાતો કરો કાં તો સાથે ગેમ રમો. બાળક સ્કૂલથી આવે તો તેની સ્કૂલ વિશે પૂછવા કરતાં એકદમ સામાન્ય વાતો કરો. તેના ફ્રેન્ડસર્કલમાં કેવી મસ્તી થઈ, ડાન્સ ક્લાસમાં શું મજા કરી વગેરે એટલે તે કોઈ પણ વાત કરતાં ખચકાય નહીં.’
જજ કર્યા વગર
ધારો કે બાળક બહુ જ હિંમત ભેગી કરીને તમારી સાથે ક્ષોભજનક વાત શૅર કરે છે તો ત્યારે તેને જજ કરવાને બદલે તેને સાંભળી લો એમ જણાવીને ડૉ. મિહિર ઉમેરે છે, ‘આવી પરિસ્થિતિમાં ‘રોલ ઑફ ટચ’ મહત્ત્વનો બની જાય છે. બાળકને પેરન્ટ્સ ગળે લગાવે છે કે સાંત્વના આપે છે તો તેને સુરક્ષિત મહેસૂસ થાય છે. આવું કંઈ પણ થાય તો બાળકને વિશ્વાસ અપાવો કે તમે કોઈ પણ પરિસ્થિતિમાં તેની સાથે છો. એટલે મિત્રમાંથી પેરન્ટ્સ ક્યારે બનવું એનું ખાસ ધ્યાન રાખવું. જ્યારે પેરન્ટ્સ બાળકની ઍક્શન ક્રિટિસાઇઝ કરે છે ત્યારે શૅરિંગ બંધ થઈ જાય છે. પરંતુ આ જ પરિસ્થિતિમાં પેરન્ટ્સે સલાહ આપવા કરતાં પોતાનું ઉદાહરણ લેવાનું કે જો હું આ પરિસ્થિતિમાં હોત તો કદાચ મેં આમ કર્યું હોત. તો બાળકને એક સ્ટ્રૅટેજી લાગે અને તેને પોતાને ડિસિઝન લેવાનો છે એ સમજ કેળવાય છે. કોઈની સાથે ઘટના બને તો બાળકને ટોણા મારવાની જરૂર નથી કે તું કંઈ કરતો નહીં, નહીં તો આપણા ઘરે પોલીસ આવશે. આવી વાતો બાળકને ધમકી લાગતી હોય છે. એના બદલે સમસ્યામાંથી બહાર આવવાનું નિરાકરણ આપશો તો બાળક વારંવાર તમારી પાસે તેની સમસ્યા લઈને આવશે કારણ કે તેને પેરન્ટ્સ પાસેથી સમસ્યામાંથી બહાર નીકળવાની સ્ટ્રૅટેજી મળે છે. બેમાંથી એક પેરન્ટ ટેક્નૉલૉજીમાં પારંગત હોવું જ જોઈએ જેથી તે બાળકનો ડિજિટલ યુસેજ મૉનિટર કરી શકે.’
વિડિયો ગેમ્સથી ટીનેજર્સને ફસાવવાની એવી રીતો જે માન્યામાં જ ન આવે
પૅરિસમાં જ્યારે આતંકવાદી હુમલો થયો હતો ત્યારે એવી વાત બહાર આવી હતી કે પૉલિટિશ્યન, બિઝનેસમૅન જેવું મજબૂત બૅકગ્રાઉન્ડ ધરાવતા લોકોનાં ટીનેજર્સ સંતાનોનો પ્લેસ્ટેશનની એક ગેમ દ્વારા સંપર્ક કરીને વિશ્વાસ મજબૂત કરીને બ્રેઇનવૉશ કરીને તેમને અટૅકમાં સામેલ કરવામાં આવ્યાં હતાં. ઍડ્વોકેટ ચિંતન પાઠક કહે છે, ‘દિલ્હીના એક કેસની વાત કરું તો એમાં ઇન્સ્ટાગ્રામ પર બૉય્સ લૉકર રૂમ નામનું એક ગ્રુપ હતું જેમાં ૧૫થી ૧૯ વર્ષની ઉંમરના છોકરાઓ હતા. તેઓ છોકરીઓ માટે ગમેતેવાં લખાણો લખતા હતા. તેઓ કેવી રીતે છોકરીઓનો રેપ કરી શકાય એ માટે ટિપ્સ તૈયાર કરતા હતા. જ્યારે આ કેસ બહાર આવ્યો ત્યારે પોલીસે આ દરેક સભ્ય પર ઍક્શન લીધી હતી. જે ફ્રી વિડિયો ગેમ્સ કે ઍપ્સ છે એ એટલાબધા પૉપ-અપ્સથી ભરેલી છે જે પૉર્નોગ્રાફિક સાઇટ્સ સુધી લઈ જાય છે. આજે વિભક્ત કુટુંબમાં બન્ને પેરન્ટ્સ વર્કિંગ હોય છે. તેઓ પોતે જ ટેક્નૉલૉજીથી એટલા બધા જાગૃત નથી હોતા. એક બીજો કિસ્સો શૅર કરું તો ૫ વર્ષના બાળકને ટૉઇલેટ જતી વખતે પેરન્ટ્સ આઇપૅડ આપતા. એવામાં બાળકે એકાદ પૉપ-અપ પર ક્લિક કર્યું હશે તો તે પૉર્નોગ્રાફિક સાઇટથી એક્સપોઝ થયું. બાળક લાંબા સમય સુધી આ સાઇટ્સ પર રહેતું હતું. એની ખબર પેરન્ટ્સને ત્યારે પડી જ્યારે બાળકે કહ્યું કે તેને બધા લોકો નેકેડ દેખાય છે. અમુક કેસો બહાર આવવામાં સમય પણ લાગતો હોય છે. અક્ષય કુમાર જેવી સેલિબ્રિટીએ આ ઘટના જાહેરમાં કહેવી પડી કારણ કે તે પોતે ઇન્ફ્લુઅન્સર છે અને ઘણાબધા પેરન્ટ્સને આની ગંભીરતાનો ખ્યાલ છે. આવી મોટી સેલિબ્રિટીના ઘરમાં આવું બનતું હોય તો કોઈના ઘરમાં પણ બની શકે.’
ધ્યાન રાખો
બાળકની વર્તણૂક પર ધ્યાન રાખો. જ્યારે અચાનક જ બાળક ચૂપ થઈ જાય કે તેના શરીરનો કોઈ ભાગ વારંવાર ધોયા કરતું હોય જે ઑબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઑર્ડરની નિશાની છે અથવા તો જે ક્યારેય ન કરતું હોય એ કરવા માંડે તો શું ચાલી રહ્યું છે એની તપાસ કરી લેવી.

