Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > બોલ પાણીદાર માણસ ક્યાં મળે

બોલ પાણીદાર માણસ ક્યાં મળે

Published : 21 December, 2025 05:00 PM | IST | Mumbai
Hiten Anandpara

અન્યનું શુભ ઇચ્છવું એ ભારતની પરંપરા રહી છે. છતાં આજકાલ બંગલાદેશમાં જે રીતે ભારતવિરોધી દ્વેષ વ્યાપી રહ્યો છે એ ચિંતાજનક છે. કોઈ ષડયંત્રની ગંધ એમાં વર્તાઈ રહી છે. જે દેશને ઊભો કરવામાં ભારતે મહત્ત્વની ભૂમિકા ભજવી એ જ દેશ બાંયો ચડાવીને સામો થઈ રહ્યો છે.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

અર્ઝ કિયા હૈ

પ્રતિકાત્મક ફાઇલ તસવીર


પાણીદાર પ્રતિભાની વાત કરીએ એ પહેલાં હવાદાર કહી શકાય એવું શહેર શોધવું મુશ્કેલ પડે એટલું પ્રદૂષણ વધી રહ્યું છે. દિલ્હી અસ્થમાના દરદીની જેમ હાંફી રહ્યું છે. મુંબઈમાં પણ છેલ્લા બેએક વર્ષથી પ્રદૂષણનો ભરડો વધી રહ્યો છે. લોકો ફરી પાછા માસ્ક પહેરી રહ્યા છે જેથી હવાની અશુદ્ધિ ટાળી શકાય. શ્વાસ લેવાનું કપરું બનતું જાય છે એવા સમયમાં રિષભ મહેતા અનેક આયામોને ચાર પંક્તિમાં આવરી લે છે...  
 


અટકળોથી શિલ્પનાં ઘર ના બને

શ્વાસ લેવાથી જ જીવતર ના બને
છૂટા પડવાનીય દુર્ઘટના બને 

તું મળે તેથી જ અવસર ના બને
 
શ્વાસ લેવાથી જિંદગી જીવી શકાય પણ એને વિશેષ આકાર આપવા હોય તો એનું ઘડતર કરવું પડે. સમયની સાથે રહીને નવું શીખતા રહેવું પડે અને જે બિનજરૂરી લાગે એને ભૂંસતા રહેવું પડે. ગૌરવ દર્શાવવા થતો `અમારા જમાનામાં તો...’ શબ્દપ્રયોગ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સના વર્ચસ્વ હેઠળ તુચ્છકારભર્યા `તમારા જમાનામાં તો...’ શબ્દપ્રયોગમાં ક્યારે પલટાઈ જાય એ કહેવાય નહીં. ટેક્નૉલૉજીનો ઉપયોગ સગવડ પ્રદાન કરે છે અને દુરુપયોગ આળસુ બનાવે છે. અંગતમાં રંગત સાચવવાની વાત ખલીલ ધનતેજવી કરે છે...
 
જેટલી ફૂલોમાં રંગત છે, બધી તમને મળે
ફૂલની માફક મહેકતી જિંદગી તમને મળે
આપણે બન્ને પરસ્પર એવી ઇચ્છા રાખીએ
દીવો મારા ઘરમાં સળગે રોશની તમને મળે
 
અન્યનું શુભ ઇચ્છવું એ ભારતની પરંપરા રહી છે. છતાં આજકાલ બંગલાદેશમાં જે રીતે ભારતવિરોધી દ્વેષ વ્યાપી રહ્યો છે એ ચિંતાજનક છે. કોઈ ષડયંત્રની ગંધ એમાં વર્તાઈ રહી છે. જે દેશને ઊભો કરવામાં ભારતે મહત્ત્વની ભૂમિકા ભજવી એ જ દેશ બાંયો ચડાવીને સામો થઈ રહ્યો છે. વૈમનસ્યનો વિસ્તાર થવો ઉભય પક્ષે નુકસાનકારક છે. અશોક જાની `આનંદ’ શીખ આપે છે...
 
સંભળાવે સૂર સાતે વિંધાઈ જઈને પોતે
જગમાં મળે છે વ્હાલપ એવી આ વાંસળીને
મૂકશો જો સાચવીને `આનંદ’ નહીં વધે પણ
વધતો જશે, વધારો સમજીને વાપરીને
 
આપણા મોટા ભાગના પ્રયત્નો સુખ માટેના હોય છે, આનંદ માટેના નહીં. આપણી સગવડો સચવાય એ આપણું સુખ છે. સ્વજનને કે સમાજને આપણે થોડું સુખ આપી શકીએ એ આપણો આનંદ પણ છે અને સંતોષ પણ છે. સમાજ પરસ્પરના સહકારથી ચાલતો હોય છે. જિંદગીમાં સારા માણસો મળે તો એ ઋણાનુબંધ ગણાય. સલીમ દેખેયા લખે છે...
 
ચાહત હતી કે જિંદગી જીવન બની મળે
જીવન મળ્યું એ અર્થમાં તમને મળ્યા પછી
છો ચેતના, છો અર્ચના ને સાધના બધી
ઈશ્વર મળે છે અર્જમાં તમને મળ્યા પછી
 
ઈશ્વર સાકાર છે કે નિરાકાર એ વિશે વિવાદ કર્યા વગર એટલું સમજી શકાય કે ઈશ્વરત્વ સર્વત્ર છે. એની કૃપાથી જ આ સૃષ્ટિ ચાલે છે. આપણે એને સમજવા આપણી રીતે ખાનાં પાડ્યાં છે. ઘણી વાર આ ખાનાને આપણે લૉક કરી દઈએ છીએ ને પછી ચાવી આડે હાથે મુકાઈ જાય છે. પ્રત્યેક માણસની ભીતર સર્વવ્યાપી ચેતનાનો અંશ હોય છે જેનો તાર અખિલાઈ સાથે જોડાઈ શકવાની શક્યતા ધરાવે છે. અરુણ દેશાણી આપણા બંધિયારપણામાં લૉક થઈ ગયેલા શુભત્વને ખોલવાની એક ચાવી આપે છે...    
 
એક કાગળની મને હોડી મળે
કોઈ ભીતરથી મને દોડી મળે
આપણે પણ એમ મળતાં શીખીએ
જેમ ફોરમ ફૂલને છોડી મળે
 
જાતજાતના રંગો ધરાવતાં ફૂલ જાતજાતની ફોરમ પ્રસરાવે છે. રંગ દેખાય છે, સુગંધ દેખાતી નથી. બધી જ વનસ્પતિ સૂર્યપ્રકાશ, હવા અને ધરતીમાંથી પોષણ મેળવે છે છતાં દરેકની અભિવ્યક્તિ પોતીકી હોય છે. નારિયેળના કોચલામાં સમાયેલા પાણીમાં વૃક્ષનું સ્વત્વ ઉમેરાયેલું હોય છે. ધારદાર છરાથી કાપવું પડે એવું કોચલું પોતાની અંદર અત્યંત નરમ એવી મલાઈ સંગ્રહી શકે છે. સુરક્ષા માટે કઠોરત્વ જરૂરી છે અને સંવેદના માટે કરુણા. રઈશ મનીઆર ચિંતન કરે છે...
 
જે જોઈએ છે તમને મળે એ જ આખરે
શું જોઈએ છે, એની ખબર હોવી જોઈએ
ભરવા મથ્યો ઘણી રીતે ખાલીપો, તો થયું
બસ, જિંદગી તો પ્રેમસભર હોવી જોઈએ
 
લાસ્ટ લાઇન
 
બોલ પાણીદાર માણસ ક્યાં મળે
એક ચપટીભાર માણસ ક્યાં મળે
સત્યવાદી, શુદ્ધ, સીધો ને સરળ
એકસાથે ચાર માણસ ક્યાં મળે
લાખ શિલ્પોનું કર્યું સર્જન છતાં
સ્હેજ પાસાદાર માણસ ક્યાં મળે
નામ ઈશ્વરનું વટાવી ખાય છે
આટલો તૈયાર માણસ ક્યાં મળે
કાલ મંદિરમાં લખાશે `બેફિકર’
લાવ, પૈસાદાર માણસ ક્યાં મળે?
- સુરેશ ઝવેરી `બેફિકર’
Whatsapp-channel Whatsapp-channel

21 December, 2025 05:00 PM IST | Mumbai | Hiten Anandpara

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK