Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ‘ખેલેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા’: એની જવાબદારી દરેક સમાજે લેવી જોઈએ

‘ખેલેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા’: એની જવાબદારી દરેક સમાજે લેવી જોઈએ

Published : 06 November, 2026 12:59 PM | Modified : 06 November, 2026 01:06 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પરજિયા સોની સમાજમાં બાળકોથી લઈને યુવાનોને બધા પ્રકારની સ્પોર્ટ્સ માટે ખૂબ પ્રોત્સાહન આપવામાં આવે છે. ખેલકૂદ નવી પેઢીને શારીરિક રીતે સ્વસ્થ અને કસાયેલી બનાવે છે તો સાથે જ એનાથી સ્પોર્ટ્‍‍સમૅન સ્પિરિટ પણ વિકસે છે.

પ્રફુલ સતીકુવર

What’s On My Mind?

પ્રફુલ સતીકુવર


દરેક સમાજમાં અલગ-અલગ પ્રકારની અનેક પ્રવૃત્તિઓ થતી હોય છે. કેટલીક પ્રવૃત્તિઓ જરૂરિયાતમંદોને મદદ કરવા માટેની હોય છે તો કેટલીક પ્રવૃત્તિઓ સમાજના વિકાસ માટેની હોય છે. કોઈ પણ સમાજને ઊંચો લાવવો હોય તો યુવાનોનું ઘડતર સાચી રીતે થાય એ જરૂરી છે, કેમ કે યુવાનો આપણા દેશ અને સમાજની આવતી કાલનું ઘડતર કરે છે. એક સમય હતો જ્યારે રમતગમતના ક્ષેત્રને ખૂબ હલકામાં લેવામાં આવતું. દીકરા કે દીકરીને કોઈ સ્પોર્ટ્‍સમાં રસ હોય તો  તેને આગળ વધવા માટે સમાજના સ્તરે પણ મદદ થવી જોઈએ. યુવાનો રમતગમતમાં સક્રિય થાય, તેમને વધુ સારું રમવાનું પ્રોત્સાહન મળે, તેમને સારું કોચિંગ મળે એ માટે સંસ્થાકીય સ્તરે જો મદદ થાય તો ઘણી પ્રતિભાઓ નિખરી શકે. ઘણી વાર બાળકમાં ટૅલન્ટ હોય પણ કઈ રીતે આગળ વધવું એની દિશા નથી હોતી. મને ગર્વ છે કે પરજિયા સોની સમાજમાં બાળકોથી લઈને યુવાનોને બધા પ્રકારની સ્પોર્ટ્સ માટે ખૂબ પ્રોત્સાહન આપવામાં આવે છે. ખેલકૂદ નવી પેઢીને શારીરિક રીતે સ્વસ્થ અને કસાયેલી બનાવે છે તો સાથે જ એનાથી સ્પોર્ટ્‍‍સમૅન સ્પિરિટ પણ વિકસે છે. 

પરજિયા સોની સમાજમાં લગભગ પચીસેક વર્ષ પહેલાં ક્રિકેટની શરૂઆત થયેલી. શરૂઆત કરેલી ત્યારે યુવાનોમાં બહુ ઓછી જાગૃતિ હતી, પણ સામાજિક ધોરણે એકઠા થઈને અમે વિવિધ ટુર્નામેન્ટ્સમાં ભાગ લેવાનું શરૂ કર્યું અને ધીમે-ધીમે સમાજમાં સ્કિલફુલ પ્લેયરો ઊભા થવા લાગ્યા. હવે આજે સમાજ દ્વારા ટર્ફ, ટેનિસ બૉલ અને લેધર બૉલ ક્રિકેટની ટુર્નામેન્ટ પણ થાય છે. આજે પરિસ્થિતિ એ છે કે ટર્ફ ટુર્નામેન્ટમાં ૩૫૦ પ્લેયરો હોય છે. બાળકો, બહેનો, યુવાનો અને વડીલો પણ એમાં ભાગ લે છે. ફુટબૉલ માટે પણ હવે તો સમાજના સ્તરે ટીમો બનાવી છે. ફુટબૉલ માટે પણ બે-ત્રણ ટીમ બને એટલા ખેલાડીઓ સક્રિય થયા છે. આ પ્રવૃત્તિઓ પાછળનું કારણ એ જ કે નવા ઊગતા યુવાનોને તેમની મનપસંદ ટીમ-સ્પોર્ટ માટે પ્લૅટફૉર્મ મળી રહે. ખેલકૂદને પ્રોત્સાહન આપવાના હેતુથી હવે બૅડ્‍‌મિન્ટન માટેની ટુર્નામેન્ટ પણ થાય છે. સમાજ તરફથી જ પ્રૅક્ટિસ કરાવવામાં આવે, એક-બે કોચ રાખ્યા હોય જે દરેક પ્લેયરને પ્રૅક્ટિસ કરાવે. આને કારણે હવે નહીં-નહીં તો ૧૫૦ બૅડ્‍‌મિન્ટન પ્લેયર્સ તમને સમાજમાંથી જ મળી રહે.



આવું તો જ શક્ય બને જ્યારે સમાજના વડીલો અને અગ્રણીઓ આ નવાં કાર્યોને પ્રોત્સાહન આપે. જેમ સાચી દિશા અને માર્ગદર્શન આપવાનું કામ વડીલો કરે છે એમ નવી પેઢી અને યુવકો એ દિશામાં કામ કરવા માટે પરિશ્રમ કરવા તૈયાર થઈ જાય ત્યારે સમાજ સાથે મળીને આગળ વધી શકે છે. ખેલકૂદને પ્રોત્સાહન મળે એ માટે માત્ર પ્લેયર્સ જ નહીં, સમાજના બીજા લોકો પણ ઉત્સાહ દેખાડે એ જરૂરી છે. માત્ર રમનારાઓ જ નહીં, તેમને પ્રોત્સાહન આપનારા લોકો પણ હોવા જરૂરી છે. અમારી ટુર્નામેન્ટ્સમાં ૫૦૦-૬૦૦ દર્શકો ભેગા થઈ જાય છે. 


હું માનું છું કે સમાજના દરેક કિશોર અને યુવાનને તેની રમતગમતની ટૅલન્ટને વિકસાવવા માટે જો સામાજિક સ્તરે પ્રયત્ન થાય તો દેશને પણ વધુ ને વધુ સારા ખેલાડીઓ મળશે. માત્ર ક્રિકેટ જ નહીં, દરેક સ્પોર્ટમાં આવું થાય એ જરૂરી છે. આ માટે સામાજિક સંસ્થાઓએ પણ કંઈ બહુ મોટો ખર્ચ કરવાનો નથી હોતો. યુવાનોને માત્ર એક તકની જરૂર છે અને પોતાના લોકોના સાથસહકાર અને થોડાક હોંકારાની જરૂર છે.

- પ્રફુલ સતીકુવર


પ્રફુલ સતીકુવર શ્રી પરજિયા સોની સુવર્ણકાર યુવક મંડળના પ્રમુખ છે. તેઓ સમાજ દ્વારા ખેલકૂદની વિવિધ ટુર્નામેન્ટ્સના આયોજન અને વ્યવસ્થાપનમાં સક્રિય છે.

Whatsapp-channel Whatsapp-channel

06 November, 2026 01:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK