Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > બારીમાં આખ્ખું આકાશ!

બારીમાં આખ્ખું આકાશ!

Published : 04 May, 2025 09:05 AM | Modified : 04 May, 2025 09:06 AM | IST | Mumbai
Raam Mori | feedbackgmd@mid-day.com

આવતા રવિવારથી શરૂ થાય છે રામ મોરીની ધારાવાહિક નવલકથા, દરેક કલ્પનાઓને સમાવતું અને સ્વીકારતું આકાશ સાતેસાત રંગોને હેતથી રમાડે છે, સૌના અસ્તિત્વનો સ્વીકાર કરે છે અને એટલે જ મેઘધનુષ્ય ધરતીને નહીં, આકાશને મળ્યું છે.

ઇલસ્ટ્રેશન

ધારાવાહિક નવલકથા

ઇલસ્ટ્રેશન


દરેકનું પોતાનું એક આકાશ છે, દરેકની પોતાની એક બારી છે. આપણી બારીમાંથી દેખાતું આકાશ એ આપણું પોતાનું અંગત આકાશ છે. સમજણની બારી ખૂલે તો જીવનમાં એકબીજાના સ્વીકારનો પ્રકાશ પ્રવેશે છે અને એ સાથે પીડા, એકલતા કે અભાવનો અંધકાર નીતરી જાય. આકાશ કોઈને બાંધતું નથી, એ મુક્તિનું પ્રતીક છે એટલે જ ધરતીના ભાગલા પાડનાર માણસ આકાશને વહેંચી નથી શક્યો. આસમાની કલ્પનાનો રંગ છે. દરેક કલ્પનાઓને સમાવતું અને સ્વીકારતું આકાશ સાતેસાત રંગોને હેતથી રમાડે છે, સૌના અસ્તિત્વનો સ્વીકાર કરે છે અને એટલે જ મેઘધનુષ્ય ધરતીને નહીં, આકાશને મળ્યું છે. અફાટ શક્યતાઓથી ભરેલું આકાશ એ સૌનો અધિકાર છે.


આ કથા એક પિતા-પુત્રીની છે. અનકમ્ફર્ટેબલ પરિસ્થિતિમાંથી પાંગરતી કમ્ફર્ટની કથા છે. અસ્વીકારમાંથી ઊભા થતા સ્વીકારની કથા છે. આથમતી ઉંમરે ઊગતી ઉંમરના વિશ્વને નવેસરથી નવા ઉંબરે જોવાની વાત છે. અહીં વર્ષો સુધી એકબીજાને ન ઓળખી શક્યાના અફસોસ વચ્ચે બે લોકો આપસમાં એકડેએકથી ઓળખાણ કેળવી રહ્યાં છે.



મુંબઈ યુનિવર્સિટીમાં હિન્દી ડિપાર્ટમેન્ટમાં હિન્દીનાં પ્રોફેસર તરીકે જૉબ કરતી અનિકા. આંખ બંધ કરીને પોતાના બાળપણને યાદ કરે તો તેને સૌથી પહેલાં અંધારું દેખાય છે. સહેજ અંધારું ઊતરે કે તેને માથું પકડીને ગુસ્સામાં વ્હિસ્કી પીતા બાબા દેખાય છે અને કૅન્વસ પર ગુસ્સાથી પેઇન્ટિંગ કરતી અકળાયેલી મા કલ્યાણી શ્રોફ દેખાય છે. ઘણા લાંબા કંકાસ પછી મા-બાપે છૂટાં પડવાનું નક્કી કર્યું હતું. એ દિવસે ત્રણ જણે એકસાથે ઘર છોડ્યું. ૭ વર્ષની અનિકાને દેહરાદૂન સૈનિક બોર્ડિંગ સ્કૂલમાં મોકલી દેવામાં આવી. મા કલ્યાણી શ્રોફ દિલ્હી શિફ્ટ થઈ અને બાબા મેજર રણજિત હિમાચલ પ્રદેશના અજાણ્યા પહાડો પર બનેલા ક્વૉર્ટરમાં વસ્યા. અનિકાને ઘણી વાર એક સવાલ થતો કે આ ધરતી પર પોતાનું અસ્તિત્વ એ માબાપની ભૂલ હતી કે પસંદગી? આટલાં વર્ષેય આ પ્રશ્નનો ઉત્તર અનિકાને મળ્યો નથી.


હિમાચલ પ્રદેશના ધરમશાલા વિસ્તારમાં લાકડાના એક જૂનાપુરાણા ક્વૉર્ટરમાં રહેતા નિવૃત્ત આર્મી ઑફિસર મેજર રણજિત. આખું જીવન લેહ-લદ્દાખથી આગળ ૬૦૦૦ મીટર ઉપર પથરાયેલા સિયાચીનના પહાડોમાં તેણે દેશની રક્ષા કરી. વિષમ વાતાવરણવાળાં દુર્ગમ સ્થળોમાં તેણે શ્વાસ તો ટકાવ્યા, પણ સંબંધો હારી ગયા. પત્ની કલ્યાણી શ્રોફ સેલિબ્રેટેડ ઍબ્સર્ડ પેઇન્ટર અને ડિવૉર્સ પછી દિલ્હી શિફ્ટ થઈ ગઈ. જે ઘર માટે તે પાછો ફરતો એ ઘર હવે રહ્યું નહોતું. ૭ વર્ષની દીકરી અનિકાને દેહરાદૂનની બોર્ડિંગ સ્કૂલમાં ભણવા બેસાડી દીધી. મેજર રણજિત સંબંધોમાં હવે થીજી ગયાની એ ક્ષણે ઊભા થઈ જ્યાં તેમને હવે કશું અનુભવાતું નથી. 

જીવન એકરસ કે નીરસ કે રિપીટ મોડ સાથે આગળ વધી રહ્યું છે. હવે જાણે કશું નવું બનવાનું ન હોય એમ બધું શાંત દેખાઈ રહ્યું છે અને જિંદગી એક ઘરેડમાં હાંફી રહી છે.


....અને આખરે અનિકાએ મૌન તોડ્યું. લાંબા સમય સુધી જાતને ઓળખવાનો કે સંતાડવાનો તેનો સંઘર્ષ પૂરો થયો, કહો કે તેણે પૂરો કર્યો. માત્ર એક મેસેજ. વર્ષો સુધી પોતાની આંખોમાં ગોરંભાયેલું અને ગળામાં અટવાયેલું તેનું પોતાનું સત્ય અંતે તેણે લખી નાખ્યું...

‘ડિયર બાબા અને મા, જીવનના ત્રીજા દાયકામાં પ્રવેશી રહી છું. આ મેસેજ સવારે તમે વાંચશો ત્યારે હું ૩૦ વર્ષની થઈ ચૂકી હોઈશ. મારે એક કન્ફેશન કરવું છે. તમારા માટે નહીં, મારા પોતાના માટે. ખબર નહીં આ સજા આટલાં વર્ષો સુધી હું મને કેમ આપી રહી હતી, પણ હવે નહીં. હું પ્રેમમાં છું, પણ હું જેને પ્રેમ કરું છું તે કોઈ છોકરો નહીં, છોકરી છે. મને છોકરાઓ નથી ગમતા! તમને ગમે કે ન ગમે, પણ આ હું છું. આ ક્ષણે આપણી વચ્ચેથી શું બદલાઈ ગયું કે બદલાઈ જશે એની મને ખબર નથી. પાછું વળીને જોઉં છું તો સમજાય છે કે આપણા ત્રણ વચ્ચે તૂટવા માટેય હોવો જોઈએ એવો સંબંધ પણ ક્યાં છે?’ 

હવે? જીવનમાં ક્યારેક એવી સ્થિતિ પણ સર્જાશે કે સંવાદ અવગણતા આ ત્રણેય જણે આપસમાં વાત કરવી પડશે, આવા સંજોગની કલ્પના ત્રણમાંથી કોઈએ કરી નહોતી. લગભગ સંવેદનબુઠ્ઠા થયેલા મેજર રણજિત ઉંમરના સાતમા દાયકે કેવી રીતે આ વાતને પચાવશે કે આજ સુધી તે પોતાની દીકરીને ઓળખી જ નહોતા શક્યા. મા કલ્યાણી શ્રોફ પોતે એક આર્ટિસ્ટ છે, રંગો સાથે તેનો પનારો પડ્યો છે, દીકરીના આ વાસ્તવ સાથે તેમનું સ્ટૅન્ડ કેવું રહેશે? પોતીકા લોકોના વિશ્વથી દૂર રહેલી અનિકા પોતાના આ અંગત વિશ્વમાં કોઈને પ્રવેશ કેવી રીતે આપશે? જીવનભર હિમાલયના સફેદ પહાડોમાં કોરા કૅન્વસ જેવા અનુભવ લઈને આથમતા મેજર રણજિત દીકરીની સેક્સ્યુઅલિટીના સાત રંગોને કયા લેન્સથી જોઈ શકશે? ત્રણેય જણ જે વીત્યાં છે એ વર્ષોને ભૂંસીને નવી શરૂઆત કેવી રીતે કરી શકશે કે પછી આવનારાં વર્ષો અને વીતેલાં વર્ષોમાં કોઈ ભેદ નહીં હોય? અત્યાર સુધી છાતીના કોઈ અજાણ્યા ખૂણે ભંડારી રાખેલી ત્રણેયની ફરિયાદો કેવી રીતે ઊઘડશે? અભાવો સ્વભાવમાં આવશે કે ઝાકળ બનીને ઊડી જશે? આવા અઢળક પ્રશ્નોના જવાબ શોધવાની યાત્રા છે આ નવલકથા.

વિશાળ આ ધરતી પર જન્મ લેનાર સૌકોઈ જીવનો પોતાનો એક અંગત ખૂણો છે. ઈશ્વરે શ્વાસ આપ્યા છે તો શ્વાસનાં કારણો પણ આપ્યાં છે. બધું એકસરખું નથી, બધા એકસરખા નથી, બધાની પસંદગી એકસરખી નથી એ પણ પ્રકૃતિનો નિર્ણય છે અને પ્રકૃતિએ નક્કી કરેલી ડિઝાઇન.

 પ્રયત્નોના પારિજાતની લાગણીસભર નવલકથા. સંબંધોમાં ફ્રેશ રીસ્ટાર્ટ કરવાની જગ્યા આપતી એક નોખી નવલકથા – રામ મોરી લિખિત ‘બારીમાં આખ્ખું આકાશ!’

Whatsapp-channel Whatsapp-channel

04 May, 2025 09:06 AM IST | Mumbai | Raam Mori

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK