Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દરેક ભારતીયને ગર્વની લાગણી અપાવી છે તમે

દરેક ભારતીયને ગર્વની લાગણી અપાવી છે તમે

Published : 14 May, 2025 07:55 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વહેલી સવારે પંજાબના આદમપુર ઍરબેઝ પર પહોંચીને નરેન્દ્ર મોદીએ જવાનોને કહ્યું...

ગઈ કાલે આદમપુર ઍરબેઝ પર ઍર ડિફેન્સ સિસ્ટમ S-400ના સાંનિધ્યમાં જવાનોને સંબોધતા નરેન્દ્ર મોદી.

ગઈ કાલે આદમપુર ઍરબેઝ પર ઍર ડિફેન્સ સિસ્ટમ S-400ના સાંનિધ્યમાં જવાનોને સંબોધતા નરેન્દ્ર મોદી.


તમારી બહાદુરીને કારણે આ‍ૅપરેશન સિંદૂરનો પડઘો દરેક ખૂણામાં સંભળાઈ રહ્યો છે એમ જણાવીને નરેન્દ્ર મોદીએ પંજાબના આદમપુર ઍરબેઝ પર કહ્યું...આજે વીરોની આ ભૂમિ પરથી હું વાયુસેના, નૌકાદળ અને સેનાના બધા બહાદુર સૈનિકો અને BSFના આપણા નાયકોને સલામ કરું છું



ગઈ કાલે આદમપુર અૅરબેઝ પર જવાનો સાથે નરેન્દ્ર મોદી.



વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે સવારે વાગ્યે પંજાબના જાલંધરમાં આદમપુર ઍરબેઝ પહોંચ્યા હતા. અહીં તેઓ દેશના જવાનોને મળ્યા હતા. અહીં તેઓ એક કલાક રોકાયા હતા. તેઓ S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ અને સુખોઈ ઍરક્રાફ્ટ સાથે જોવા મળ્યા હતા. પાકિસ્તાને ભારત વિરુદ્ધ ખોટું નિવેદન આપતાં કહ્યું હતું કે તેમણે પોતાના હુમલામાં ભારતના આદમપુર ઍરબેઝને ઉડાવી દીધું હતું, પરંતુ વડા પ્રધાનનું વિમાન આદમપુર ઍરબેઝ પર ઊતર્યા પછી સાબિત થયું કે પાકિસ્તાનનો દાવો સંપૂર્ણપણે ખોટો હતો. આદમપુર ઍરબેઝ ભારતના ફાઇટર ઍરક્રાફ્ટ મિગ-29નું બેઝ છે. ઍર ચીફ માર્શલ . પી. સિંહ પણ વડા પ્રધાન સાથે હતા. પાકિસ્તાનની સરહદની નજીક આવેલું આદમપુર ઍરબેઝ દુશ્મન પર ઝડપી હુમલો કરવા માટે જાણીતું છે.


નરેન્દ્ર મોદીએ મુલાકાત દરમ્યાન સૈનિકોને સંબોધિત કર્યા હતા...

ખરેખર, તમે બધાએ લાખો ભારતીયોને ગૌરવ અપાવ્યું છે; તમે દરેક ભારતીયને ગર્વની લાગણી અપાવી છે. તમે ઇતિહાસ રચ્યો છે અને હું આજે વહેલી સવારે તમારી વચ્ચે તમને મળવા આવ્યો છું. જ્યારે વીરોના પગ ધરતીને સ્પર્શે છે ત્યારે ધરતી ધન્ય બની જાય છે, જ્યારે વીરોને જોવાની તક મળે છે ત્યારે જીવન ધન્ય બની જાય છે અને એટલે જ હું આજે વહેલી સવારે તમને મળવા આવ્યો છું. ઘણા દાયકાઓ પછી પણ જ્યારે ભારતની આ વીરતાની ચર્ચા થશે ત્યારે તમે અને તમારા સાથીઓ એનું સૌથી અગ્રણી પ્રકરણ હશો. તમે બધા દેશની વર્તમાન અને ભાવિ પેઢીઓ માટે એક નવી પ્રેરણા બન્યા છો. આજે વીરોની આ ભૂમિ પરથી હું વાયુસેના, નૌકાદળ અને સેનાના બધા બહાદુર સૈનિકો અને બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)ના આપણા નાયકોને સલામ કરું છું. તમારી બહાદુરીને કારણે આજે ઑપરેશન સિંદૂરનો પડઘો દરેક ખૂણામાં સંભળાઈ રહ્યો છે. આ સમગ્ર ઑપરેશન દરમ્યાન દરેક ભારતીય તમારી સાથે ઊભો રહ્યો, દરેક ભારતીયની પ્રાર્થનાઓ તમારી સાથે હતી. આજે દેશનો દરેક નાગરિક તેના સૈનિકો અને તેમના પરિવારોનો આભારી અને ઋણી છે.


ઑપરેશન સિંદૂર એ કોઈ સામાન્ય લશ્કરી કાર્યવાહી નથી. આ ભારતની નીતિ, ઇરાદા અને નિર્ણય લેવાની ક્ષમતાનો સંગમ છે. ભારત બુદ્ધની ભૂમિ છે અને ગુરુ ગોવિંદસિંહજીની પણ ભૂમિ છે. ગુરુ ગોવિંદસિંહજીએ કહ્યું હતું, ‘સવા લાખ સે એક લડાઉ, ચીડિયા સે મૈં બાજ ઉડાઉ, તબ ગોવિંદસિંહ નામ કહાઉન…’

દુષ્ટતાનો નાશ કરવા અને ન્યાયીપણાની સ્થાપના કરવા માટે શસ્ત્રો ઉપાડવાની આપણી પરંપરા છે. એટલા માટે જ્યારે આપણી બહેનો અને દીકરીઓના સિંદૂર ભૂંસાઈ ગયા ત્યારે આપણે આતંકવાદીઓના ઘરમાં ઘૂસીને તેમના દાંત કચડી નાખ્યા. તેઓ કાયરની જેમ છુપાઈને આવ્યા હતા, પણ તેઓ ભૂલી ગયા કે તેમણે જેને પડકાર ફેંક્યો હતો તે ભારતીય સેના હતી. તમે સામેથી હુમલો કર્યો અને તેમને મારી નાખ્યા, તમે આતંકનાં બધાં મોટાં ઠેકાણાંઓનો નાશ કર્યો, ૯ આતંકવાદી ઠેકાણાંઓનો નાશ થયો, ૧૦૦થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા. આતંકના આકાઓ હવે સમજી ગયા છે કે ભારત તરફ નજર ઊંચકવાનું એક જ પરિણામ હશે વિનાશ. ભારતમાં નિર્દોષ લોકોનાં લોહી વહેવડાવવાનું એક જ પરિણામ આવશે - વિનાશ અને મહાન વિનાશ. ભારતીય સેના, ભારતીય વાયુસેના અને ભારતીય નૌકાદળે પાકિસ્તાની સેનાને હરાવી દીધી છે જેના પર આ આતંકવાદીઓ આધાર રાખતા હતા. તમે પાકિસ્તાની સેનાને પણ કહ્યું છે કે પાકિસ્તાનમાં એવી કોઈ જગ્યા નથી જ્યાં આતંકવાદીઓ બેસીને શાંતિથી શ્વાસ લઈ શકે. અમે તેમનાં ઘરોમાં ઘૂસીને તેમને મારી નાખીશું અને તેમને ભાગવાનો મોકો પણ નહીં આપીએ. આપણાં ડ્રોન, આપણી મિસાઇલો - પાકિસ્તાન એના વિશે વિચારીને ઘણા દિવસો સુધી ઊંઘી શકશે નહીં.

મારા બહાદુર સાથીઓ, ઑપરેશન સિંદૂર દ્વારા તમે રાષ્ટ્રનું મનોબળ વધાર્યું છે, રાષ્ટ્રને એકતાના દોરમાં બાંધ્યું છે અને તમે ભારતની સરહદોનું રક્ષણ કર્યું છે. ભારતના આત્મસન્માનને નવી ઊંચાઈઓ પર લઈ ગયા છો.

તમે કંઈક એવું કર્યું જે અભૂતપૂર્વ, અકલ્પનીય, અદ્ભુત છે. આપણી વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી ઠેકાણાંઓને નિશાન બનાવ્યાં છે. સરહદપારનાં લક્ષ્યોને ભેદવું, ફક્ત ૨૦-૨૫ મિનિટમાં પિન-પૉઇન્ટ લક્ષ્યોને ભેદવાં એ આધુનિક ટેક્નૉલૉજીથી સજ્જ એક વ્યાવસાયિક દળ જ કરી શકે છે. તમારી ગતિ અને ચોકસાઈ એટલી હદે હતી કે દુશ્મન સ્તબ્ધ થઈ ગયો. તેને ખ્યાલ પણ ન રહ્યો કે ક્યારે તેની છાતી વીંધાઈ ગઈ.

ઑપરેશન સિંદૂરમાં માનવબળ અને મશીનો વચ્ચેનું સંકલન પણ અદ્ભુત રહ્યું છે. ભારતની પરંપરાગત હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ હોય, જેણે ઘણી લડાઈઓ જોઈ છે કે પછી આકાશ જેવાં આપણાં મેડ ઇન ઇન્ડિયા પ્લૅટફૉર્મ હોય, તેમને S-400 જેવી આધુનિક અને શક્તિશાળી સંરક્ષણ પ્રણાલીઓ દ્વારા અભૂતપૂર્વ તાકાત આપવામાં આવી છે. એક મજબૂત સુરક્ષાકવચ ભારતની ઓળખ બની ગઈ છે. પાકિસ્તાનના તમામ પ્રયાસો છતાં આપણા ઍરબેઝ કે આપણા અન્ય સંરક્ષણ માળખાને કોઈ અસર થઈ નથી અને આનું શ્રેય તમારા બધાને જાય છે અને મને તમારા બધા પર ગર્વ છે. આ શ્રેય સરહદ પર તહેનાત દરેક સૈનિકને જાય છે, આ કામગીરી સાથે સંકળાયેલા દરેક વ્યક્તિને જાય છે.

Whatsapp-channel Whatsapp-channel

14 May, 2025 07:55 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK