Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સંસ્કૃત ભાષાએ જીવન બદલી નાખ્યું

સંસ્કૃત ભાષાએ જીવન બદલી નાખ્યું

19 April, 2024 10:49 AM IST | Mumbai
Rupali Shah | feedbackgmd@mid-day.com

ધારિણીબહેને સંસ્કૃત વિષયક ‘પ્રવેશ’, ‘પરિચય’ જેવી વિવિધ આઠ જેટલી પરીક્ષાઓ આપી છે. અત્યારે તેઓ પાણિની વ્યાકરણ ‘લઘુ સિદ્ધાંત કૌમુદી’ની પરીક્ષાની તૈયારી કરી રહ્યાં છે.

ધારિણી વોરાની તસવીર

યે જો હૈ ઝિંદગી

ધારિણી વોરાની તસવીર


નાનપણમાં સંસ્કૃત સાથે બંધાયેલી પ્રીત લૉકડાઉનમાં પુનર્જીવિત થઈ એ પછી ધારિણી વોરાએ આ ભાષાને આત્મસાત‍્ કરવામાં હરણફાળ ભરી. ધારિણીબહેન આજે કાંદિવલીની KES ઇન્ટરનૅશનલ સ્કૂલના એકથી પાંચ ધોરણના સ્ટુડન્ટ્સને સંસ્કૃત શીખવે છે અને તમામ વયના લોકો માટે એના ક્લાસ પણ લે છે

નાનપણમાં આપણા મનના ક્યારામાં અમુક બીજ રોપાઈ જતાં હોય છે. કોઈ કારણસર એ બહુ મોડેથી ફલિત થાય છે, પણ જ્યારે એ અંકુરિત થાય છે ત્યારે તમારા સમગ્ર જીવનનું લક્ષ્ય જ બદલી નાખે છે. ધારિણી વોરા જીવનની સેકન્ડ ઇનિંગ્સ રમી રહ્યાં છે. સાવ કાચી વયમાં દાદી પાસેથી સાંભળેલા-શીખેલા શ્લોકને લીધે સંસ્કૃત ભાષા સાથે તેઓ અજાણતાં જ પ્રીત બાંધી બેઠેલાં. આંતરમન પર સચવાયેલી આ પ્રીતે જ જીવનની અડધી સદીએ પહોંચેલાં ધારિણીબહેનને આ ભાષા સાથે ફરી જોડ્યાં. 

સંસ્કૃત ભાષાના શ્રીગણેશ
બોરીવલી-વેસ્ટમાં રહેતાં ધારિણીબહેનનો મેળાપ પ્રભુકૃપા તેમ જ માતા-પિતાના આશીર્વાદથી લૉકડાઉન દરમિયાન રગ્ના મહેતા સાથે થયો. તેઓ ભગવદ્ગીતાના શ્લોકનાં સ્પષ્ટ ઉચ્ચારણ શીખવતાં હતાં અને ધારિણીબહેનના સંસ્કૃત ભાષા સાથેના શ્રીગણેશ નવેસરથી મંડાયા. સંસ્કૃત ભાષા પ્રત્યે રુચિ જાગી. ૨૦૨૧ની સાલમાં સંસ્કૃત ભારતીના કાર્યકર્તા અને બોરીવલી જિલ્લાના સંયોજક કિરણ મોટાણી સર સાથે સંપર્ક થયો. ધારિણીબહેન કહે છે, ‘સંસ્કૃત વ્યાકરણ અને સંસ્કૃતમાં બોલતી કરવા માટે હું એ બન્નેની કાયમ ઋણી રહીશ. રગ્નાબહેન સંસ્કૃત વ્યાકરણ પણ શીખવતાં. વ્યાકરણ શીખવાનો ડર લાગે, પણ પહેલા દિવસથી જ મને તેમની શીખવવાની રીત ગમી ગઈ હતી અને મેં એ શીખવાનું પણ શરૂ કર્યું. આ અરસામાં મારો સંપર્ક સંસ્કૃત ભારતી સંસ્થા સાથે પણ થયો. સંસ્કૃત ભારતી સંસ્થા ભારતભરમાં સંસ્કૃત ભાષાના પ્રચાર અને પ્રસાર માટે કાર્યરત છે. બોલવામાં આ ભાષા એટલી મીઠીમધુરી છે કે મને પણ એમાં બોલવાનું મન થતું. સંસ્કૃત ભારતી સંસ્કૃત ભાષા બોલવા પર ખૂબ ભાર આપે છે.’ સંસ્કૃત બોલવાનું શીખવા માટેના પ્રબોધન અને પ્રશિક્ષણ - સાત અને દસ દિવસના એમ બે વર્ગ હોય છે. બે વર્ષ પહેલાં ધારિણીબહેને એમાંનો એક કોર્સ કર્યો. ધારિણીબહેન કહે છે, ‘આખું વાતાવરણ સંસ્કૃતમય હતું એટલે શિખાતું ગયું. કિરણસરનો આમાં બહુ મોટો ફાળો છે. તેઓ સ-રસ શીખવે અને શીખવા માટે વધુને વધુ પ્રોત્સાહન આપે.’ આ કોર્સ પછી શીખેલી વ્યક્તિએ બાર દિવસની શિબિર લેવાની હોય અને ધારિણીબહેને અત્યાર સુધીમાં આવી પાંચ શિબિર લીધી છે. 



દિલી કબૂલાત
ધારિણીબહેન કબૂલે છે કે અંધારી ગુફામાં ભટકતાં હોઈએ એમ ઉંમરના પહેલા પચાસ વર્ષના પડાવમાં જીવનમાં કોઈ ધ્યેય નહોતું. ક્યારેક જવાબદારીનો બોજ તો ક્યારેક ‘હું કરું છું’નો કર્તાપણાનો ભાવ રહેતો. સુખનો એહસાસ મળતો, પણ એ ક્ષણિક રહેતો. ‘હું કોણ છું?’ ‘ક્યાંથી આવી છું?’ ‘ક્યાં જવું છે?’ ‘જીવનનો ઉદ્દેશ શો?’ જેવા તેમને સતત પજવતા અને મૂંઝવતા સવાલોનો કોઈ સંતોષકારક જવાબ તેમને નહોતો મળતો. સંસ્કૃત ભાષા અને ભગવદ્ગીતા બન્ને મનુષ્યના વિચારો અને મનઃસ્થિતિને ધરમૂળમાંથી બદલી નાખે છે એવું ધારિણીબહેન દૃઢપણે માને છે. તેઓ કહે છે, ‘આ ભાષા દરિયો છે. એમાં જેટલા ઊંડા ઊતરો એટલાં અમૂલ્ય મોતી તમને સાંપડે. આ ભાષા મેળવ્યા પછી એવું લાગે છે કે હું સતત આ ભાષા માટે જ કાર્યરત રહું. મેં મારા જીવનમાં અનેક પ્રવૃત્તિઓ કરી છે. એન્વલપ પર ક્વીલિંગ, બ્યુટિશ્યનનો કોર્સ, નાસ્તા બનાવવા, પૅકેજિંગના ફીલ્ડમાં ઘણાં વર્ષો સુધી નોકરી અને એ દરેકમાં સંતોષકારક પરિણામો પણ મેળવ્યાં છે. છતાં સંસ્કૃત અને ભગવદ્ગીતાના શ્લોક શીખવા અને શીખવવામાં જે આત્મસંતોષ મળે છે એ આજ પહેલાં ક્યારેય નથી મળ્યો.’ સોનામાં સુગંધ ભળે એમ સાત-આઠ મહિના પહેલાં અધિક મહિના દરમિયાન યુટ્યુબ પર મનહરભાઈ પટેલનો ભગવદ્ગીતાનો વિડિયો જોવા મળ્યો. સરળ ભાષામાં ગીતાજી વિશે સમજાવતા રોજના અડધા કલાકના આ જ્ઞાન-વિડિયોએ તેમનામાં નવી ચેતનાનો સંચાર કર્યો. તેઓ કહે છે, ‘મારા મનમાં ઊઠનારાં વમળો શાંત થઈ ગયાં. પ્રશ્નોના જવાબ મળતા ગયા. આજે મને નથી ભૂતકાળની ભુતાવળ સતાવતી કે નથી ભવિષ્યની ચિંતા રહી. ‘સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયાઃ’ નો ભાવ આવતો રહ્યો છે.’


ધારિણીબહેને સંસ્કૃત વિષયક ‘પ્રવેશ’, ‘પરિચય’ જેવી વિવિધ આઠ જેટલી પરીક્ષાઓ આપી છે. અત્યારે તેઓ પાણિની વ્યાકરણ ‘લઘુ સિદ્ધાંત કૌમુદી’ની પરીક્ષાની તૈયારી કરી રહ્યાં છે. રગ્નાબહેન થકી જ તેઓ કાંદિવલી-વેસ્ટની KES ઇન્ટરનૅશનલ સ્કૂલમાં જોડાયાં અને એકથી પાંચ ધોરણનાં બાળકોને અત્યારે સંસ્કૃત શીખવી રહ્યાં છે. આ ઉપરાંત તેઓ બાળકો તેમ જ મોટાઓના સંસ્કૃત ભાષા, ભગવદ્ગીતાના શ્લોક-ઉચ્ચારણના તેમ જ ગીતાઅધ્યયનના ઑનલાઇન અને ઑફલાઇન ક્લાસ પણ લે છે.

સંસ્કૃત ભાષાનો અને ભગવદ્ગીતાનો પ્રભાવ 
બાળકનું પ્લાનિંગ કરવાની ઇચ્છા ધરાવતી એક યુવતી ધારિણીબહેન પાસે આવી હતી. ગર્ભધારણ કરતાં પહેલાં અને ગર્ભાધાન દરમિયાન બાળકને ઉચ્ચ સંસ્કાર મળે એવી ઇચ્છા સાથે તે આવી હતી. આજે એ યુવતીનો દીકરો બે વર્ષનો થઈ ગયો છે અને અત્યારે એ યુવતીને ગીતાજીના નવ અધ્યાય કડકડાટ આવડે છે. તેનું બાળક પણ એવું જ તેજસ્વી છે.


સંસ્કૃત ભાષા સાથે સંસ્કારસિંચન
સંસ્કૃતભાષા આપણી જનેતા છે. ગુજરાતી ભાષા પણ એમાંથી જ જન્મી છે. ધારિણીબહેન કહે છે, ‘એક માતા પોતાના બાળકને જેવું વહાલ કરે એવું વહાલ બીજી માતા ન જ કરે. બાળકને નાનપણથી જ સંસ્કૃત શીખવવામાં આવે તો દુનિયાની કોઈ પણ ભાષા તે વધુ ઝડપથી શીખી શકે છે.’ એક વખત સંસ્કૃત ભાષાનાં ૨૪ સેશન લીધાં હતાં ત્યારે થયેલો એક અનુભવ વર્ણવતાં તેઓ કહે છે, ‘નવમા ધોરણની એક બાળકીનો જાતઅનુભવ એવો રહ્યો હતો કે તેની જીભ આ વર્ગમાં આવતાં પહેલાં થોથવાતી હતી, પણ એ ૨૪ સેશન બાદ તેનાં ઉચ્ચારણો વધુ સ્પષ્ટ થયાં હતાં. આ ભાષા એટલી અસરકારક છે કે બાળકની બુદ્ધિશક્તિ સતેજ થાય. આપણી આ ભાષામાં સવારે ઊઠતાંની સાથે જમીન પર પગ મૂકતાં કે ટૂથબ્રશ કરતી વખતના, સ્નાન કરતી વખતના વિવિધ શ્લોક છે. એટલે તમે જ્યારે બાળકને સંસ્કૃત શીખવો છો ત્યારે એની સાથે-સાથે ભારતીય પરંપરાના સંસ્કાર પણ સીંચી રહ્યા છો.’

તાણ અને તકલીફ થયાં અદૃશ્ય
ધારિણીબહેન અત્યારે પંચાવન વર્ષનાં છે. લૉકડાઉન દરમિયાન શરૂ કરેલી પ્રવૃત્તિએ તેમને એવાં રસમય કરી દીધાં કે લૉકડાઉન ક્યારે આવીને ગયું એની તો ખબર ન જ રહી, પણ આ વર્ષોમાં તેમણે ઘણું મેળવી લીધું છે. તેમની તાણ, તકલીફો બધું જ જાણે આ ભાષા અને ગીતાજીએ હરી લીધું છે. તેઓ કહે છે, ‘જીવનભર ભણું અને ભણાવતી રહું અને ભગવદ્ગીતાના ગૂઢ રહસ્યને જીવનમાં વધુ યથાર્થ રીતે પચાવું એ જ મારી ઇચ્છા છે.’ 

ધારિણીબહેનની દુનિયા તેમનું સ્ટડી-ટેબલ અને સંસ્કૃતવિષયક પુસ્તકો છે. તેઓ છેલ્લા થોડા સમયથી ડાબા હાથથી લખવાની પ્રૅક્ટિસ કરે છે. અને પરિણામ તો જુઓ, માત્ર ત્રણેક મહિનામાં તેમના ડાબા હાથે લખાતા અક્ષરોમાં ખાસ્સો ફેર પડી ગયો છે. તેમને તેમના પતિ લક્ષેશભાઈ તેમ જ દીકરા અર્પિતનો ખૂબ જ સપોર્ટ છે. ૨૦૧૭માં તેઓ પતંજલિમાંથી યોગ પણ શીખ્યાં છે અને હવે તેઓ યોગ પણ શીખવે છે. ધારિણીબહેન તેમની વયની સ્ત્રીઓને સંદેશ આપતાં કહે છે, ‘ડાયાબિટીઝ, બ્લડપ્રેશર કે એકલતાથી દૂર રહેવું હોય તો વનમાં પ્રવેશનારી દરેક સ્ત્રીએ આવો કોઈ મનગમતો શોખ કેળવવો જરૂરી છે. આનાથી મન શાંત રહે, પ્રવૃત્તિમય રહેવાય અને લોકોને ઉપયોગી થવાની સાથે સર્જનાત્મકતા પણ જળવાય.’ 

Whatsapp-channel Whatsapp-channel

19 April, 2024 10:49 AM IST | Mumbai | Rupali Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK