Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > મને જ્યારે-જ્યારે તક મળી ત્યારે મેં નરેન્દ્ર મોદી માટે ગુજરાતી ફૂડ બનાવ્યું છે

મને જ્યારે-જ્યારે તક મળી ત્યારે મેં નરેન્દ્ર મોદી માટે ગુજરાતી ફૂડ બનાવ્યું છે

Published : 25 July, 2026 03:31 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

ખાના ખઝાના કુકરી શોથી દરેક ભારતીયના ફેવરિટ બની ગયેલા શેફ સંજીવ કપૂરનાં પત્ની કચ્છી છે એટલે મજાનું ગુજરાતી ફૂડ તેઓ સાસુમા પાસેથી પણ શીખ્યા છે. ભારતના યુવાનો શેફ બનવાનું સપનું જોતા થયા એનું શ્રેય પણ આ શેફને જ આપવું પડે.

મને જ્યારે-જ્યારે તક મળી ત્યારે મેં નરેન્દ્ર મોદી માટે ગુજરાતી ફૂડ બનાવ્યું છે

મને જ્યારે-જ્યારે તક મળી ત્યારે મેં નરેન્દ્ર મોદી માટે ગુજરાતી ફૂડ બનાવ્યું છે


ખાના ખઝાના કુકરી શોથી દરેક ભારતીયના ફેવરિટ બની ગયેલા શેફ સંજીવ કપૂરનાં પત્ની કચ્છી છે એટલે મજાનું ગુજરાતી ફૂડ તેઓ સાસુમા પાસેથી પણ શીખ્યા છે. ભારતના યુવાનો શેફ બનવાનું સપનું જોતા થયા એનું શ્રેય પણ આ શેફને જ આપવું પડે. દરેક ભારતીયના ફેવરિટ બની ગયેલા આ શેફની હાલમાં ૯ દેશોમાં ૪૪ રેસ્ટોરાં, ‘ફૂડ-ફૂડ’ નામની ચૅનલ, ‘વન્ડર શેફ’ નામની બ્રૅન્ડ છે. તેમણે ૨૦૦ જેટલાં પુસ્તકો લખ્યાં છે અને બીજી અગણિત બ્રૅન્ડ્સનાં એન્ડોર્સમેન્ટ્સ સાથે જોડાયેલાં છે. ફૂડમાં આર્ટ અને સાયન્સની સાથે સફળ કૉમર્સને જોડનારા આ જિનીયસ શેફના જીવનનું કેટલું જ જાણવા જેવું

ભારતનાં સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંના એક પદ્‌મશ્રી અવૉર્ડ્‍સનું અનાઉન્સમેન્ટ દર વર્ષે પચીસમી જાન્યુઆરીએ થતું હોય છે. લગભગ ૨૦૦૦ની આસપાસનો સમય. દેશમાં ‘ખાના ખઝાના’ નામનો કુકરી શો પ્રખ્યાત થતો ગયો ત્યારે ઘર-ઘરમાં પ્રખ્યાત બની ગયેલા સંજીવ કપૂરને એ સમય દરમ્યાન જ્યાં પણ જતા ત્યાં લોકો પૂછતા કે તમને મળ્યો પદ્‌મશ્રી? આ પ્રશ્ન સાથે સંજીવ કપૂરના મનમાં આ પણ થઈ શકેનું બીજ રેડાયું. જ્યારે તે ના પાડતા કે નથી મળ્યો ત્યારે કોઈ એ સ્વીકારવા જ તૈયાર ન થતું કે તમને મળ્યો નથી હજી? આ વાતચીત સાથે તપાસ આદરી તો ખબર પડી કે અવૉર્ડ શરૂ થયા એ સમયથી શેફને તો ક્યારેય પદ્‌મશ્રી મળતા જ નથી. એટલે પૂછ્યું કે આવું કેમ છે? ચર્ચા, વિચારણા અને મુદ્દાને ઉઠાવવામાં જ પાંચ-સાત વર્ષ જતાં રહ્યાં. એ દિવસોને યાદ કરીને સંજીવ કપૂર કહે છે, ‘મેં બધા શેફને ભેગા કર્યા અને અવૉર્ડ્‍સની કમિટી સમક્ષ એક પ્રેઝન્ટેશન આપ્યું, જેમાં એ સમજાવ્યું કે તમે કલાકારોને પદ્‌મશ્રી આપો છો જેમાં મ્યુઝિક સાંભળી શકાય છે, પેઇન્ટરનું ચિત્ર જોઈ શકાય છે; પણ પાકકલા એક એવી કલા છે જેમાં એક નહીં પાંચેય ઇન્દ્રિયનું સુખ ભોગવી શકાય છે. એ રીતે આ કલા ચડિયાતી સાબિત થઈ અને છતાં એ કલાના કલાકારોને સન્માન કેમ નહીં? જ્યારે તેઓ માની ગયા ત્યારે મેં તેમને સામેથી કહ્યું કે અમારા સિનિયર લોકોને તમે પહેલાં અવૉર્ડ આપો. ત્યારે એક સિનિયર શેફ્ને અવૉર્ડ મળ્યો હતો. ફરી કેટલાંક વર્ષો પસાર થયાં અને ૨૦૧૭માં મને પદ્‌મશ્રી મળ્યો. એ સમયે મને કહેવામાં આવ્યું કે તમારે ટ્રેડિશનલ કપડાં પહેરીને અવૉર્ડ લેવા આવવું, પણ મેં તેમને કહ્યું કે હું મારો શેફ કોટ પહેરીને જ આવીશ. તેમણે કહ્યું કે નહીં ચાલે. મેં કહ્યું કે તો ન આપતા મને અવૉર્ડ, પણ હું આવીશ તો શેફનો કોટ પહેરીને જ. એ દિવસે હું શેફનો કોટ પહેરીને જ ગયો. કોઈ વિરોધ ન થયો. હું મારા લોકોને, મારી કમ્યુનિટીને દેશનું સર્વોચ્ચ સન્માન અપાવી શક્યો. શેફનો કોટ અમારું માન છે. ત્યાં ફક્ત મેં નહીં, અમારી સમગ્ર કમ્યુનિટીને હું રિપ્રેઝન્ટ કરી રહ્યો હતો. મને ખુશી છે કે મેં એ કર્યું જે મારે કરવું હતું. મારાં માતા-પિતા અને ઘરના લોકોએ મારો ખૂબ સાથ આપ્યો, પણ મારી જર્નીને જોઈને મારા પ્રોફેશનની લોકો ઇજ્જત કરવા લાગ્યા જેને લીધે ઘણાં ઘરોમાંથી બાળકો શેફ બની શક્યાં. તેમને પ્રેરણા મળી કે ખાવાનું બનાવીને પણ આગળ વધી શકાય છે, જે મારા માટે સૌથી મોટું સુખ છે.’ 
બાળપણ અને ભણતર 
સંજીવ કપૂરનો જન્મ ૧૯૬૪ની ૧૦ એપ્રિલે હરિયાણાના અંબાલા ખાતે થયો હતો. એ સમયે પંજાબ અને હરિયાણા એક જ હતાં. તેમના પિતા સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયામાં નોકરી કરતા હતા એટલે તેમની સતત બદલી થતી રહેતી. એને લીધે સંજીવ કપૂરનું બાળપણ દિલ્હી, મેરઠ, સહારનપુર જેવા વિસ્તારોમાં પસાર થયું. ભણવામાં તેઓ ઘણા હોશિયાર હતા એટલે એક સામાન્ય બાળકની જેમ રસોડામાં થોડું-ઘણું કામ તેઓ કરતા, પણ ખાસ ત્યારથી રસોઈનો શોખ હતો એવું નહોતું. બારમા ધોરણમાં સાયન્સના સ્ટુડન્ટ હોવાથી તેઓ સ્કૂલ ઑફ પ્લાનિંગ ઍન્ડ આર્કિટેક્ચરમાં અભ્યાસ કરવાના હતા અને મેડિસિન વિશે પણ વિચારતા હતા, પરંતુ તેમના પિતાની એક મહત્ત્વપૂર્ણ સલાહ એ હતી કે ‘એક ઉત્કૃષ્ટ ક્ષેત્રમાં ઍવરેજ રહેવા કરતાં એક ઍવરેજ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ બનવું વધુ સારું છે.’ આ સલાહને લીધે તેમને હૉસ્પિટૅલિટી તરફ જવાની પ્રેરણા મળી. દિલ્હીથી હૉસ્પિટૅલિટીમાં ડિપ્લોમા કોર્સ કર્યો અને સાથે-સાથે સ્નાતકની ડિગ્રી તો હોવી જ જોઈએ એમ વિચારીને કૉમર્સમાં ગ્રૅજ્યુએશન પણ કર્યું. આ વિશે વાત કરતાં સંજીવ કપૂર કહે છે, ‘પહેલેથી જ નક્કી હતું કે આ ફીલ્ડમાં જ આગળ વધવું છે એવું કશું હોતું નથી. મારા જીવનમાં પણ ઘણાં કન્ફયુઝન હતાં. મારા ભાઈને મારા કરતાં વધુ રસ હતો કુકિંગમાં, પણ તે CA બની ગયો. હું પહેલેથી જ એવો હતો કે મને દુનિયાથી થોડું અલગ કરવામાં મજા આવતી એટલે મેં હૉસ્પિટૅલિટી પસંદ કરી. બસ, આટલી જ વાત છે. એ પછી મુંબઈ આવ્યો ત્યારે નરસી મોનજી કૉલેજમાંથી માર્કેટિંગનો એક ડિપ્લોમા કોર્સ હતો એ પણ કરવાની ઇચ્છા થઈ, પણ એ હું પૂરો ન કરી શક્યો. મજા એ વાતની છે કે માર્કેટિંગ પૂરું ભણી ન શક્યો, પણ આજે વૈશ્વિક સ્તરે હાર્વર્ડ યુનિવર્સિટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં મારું બિઝનેસ મૉડલ ભણાવવામાં આવે છે.’ 
ખાના ખઝાના 
૧૯૯૨માં સંજીવ કપૂર મુંબઈ આવ્યા ત્યારે જુહુની સેન્ટૉર હોટેલમાં કામ કરતા હતા. એ દરમ્યાન ઝીટીવી લૉન્ચ થવાનું હતું અને એના માટે બની રહેલા કુકરી શો માટે તેમને બોલાવવામાં આવ્યા. એની વાત કરતાં સંજીવ કપૂર કહે છે, ‘એ શોનું નામ રાખવામાં આવ્યું હતું ‘શ્રીમાન બાવર્ચી’. મને એ નામ જરાય ન ગમ્યું. મેં તેમને કહ્યું કે આવું નામ નહીં ચાલે. તેમણે મારું સજેશન પૂછ્યું અને મેં બે-ચાર સજેશન આપ્યાં, જેમાંનું એક નામ એટલે ‘ખાના ખઝાના’. એ સમયે એ શોના એક ઑસ્ટ્રેલિયન પ્રોડ્યુસર હતા જેમને આપણી ભાષા નહોતી આવડતી, પણ સાંભળવામાં આ નામ એટલું સારું લાગતું હતું કે તેમણે એ રાખ્યું. આ શોના પહેલા ૩ એપિસોડ અમે શૂટ કર્યા. એ રિજેક્ટ કરી દેવામાં આવ્યા એટલે મને થયું કે ચાલો, શો તો ગયો હાથમાંથી. જોકે એ શોના ડિરેક્ટર હંસલ મહેતાએ એક દિવસ મને ફરી ફોન કર્યો. મેં તેમને કહ્યું કે હું તો રિજેક્ટ થઈ ગયો છું. તેમણે કહ્યું કે આજે મારો સેટ-અપ રેડી છે પણ જેમને બોલાવેલા તે આવ્યા નથી એટલે નુકસાન થઈ જશે, જો છેલ્લી ઘડીએ કોઈ કરી શકશે તો તું જ કરી શકશે એટલે તને બોલાવીએ છીએ. હું ગયો. એ દિવસે અમે ૩ રેસિપી શૂટ કરી જેમાંની એક હતી શામ-સવેરા. એ પ્લાનિંગ સાથેની રેસિપી નહોતી. જે સમાન હતો એમાંથી ત્યારે જ વિચારેલું મેં કે આવું કંઈક બનાવી લઉં. પાલકના કોફ્તાને મેં મખની ગ્રેવીમાં બનાવેલા. આ રેસિપી લોકોને એટલી બધી ગમી કે આજે દુનિયાની ૫૦૦૦થી પણ વધુ રેસ્ટોરાંમાં આ ડિશ વેચાય છે. લોકોએ મને કહ્યું કે એ પેટન્ટ કરાવી લઈએ, પણ મારે એવું નહોતું કરવું. હું તો ઇચ્છું છું કે લોકો એ બનાવે, વેચે અને કમાણી કરે. ‘ખાના ખઝાના’ શો ૧૯૯૩માં શરૂ થયો અને લગભગ ૧૯ વર્ષ ચાલ્યો જેના દ્વારા અઢળક લોકપ્રિયતા મળી.’ 
‘ખાના ખઝાના’ શો આટલો લોકપ્રિય થયો એનું શું કારણ? આ પ્રશ્નનો જવાબ આપતાં સંજીવ કપૂર કહે છે, ‘આમ તો કોઈ પણ વસ્તુની લોકપ્રિયતા પાછળ એક નહીં અઢળક પરિબળો કામ કરતાં હોય છે, પણ મારું પ્રદાન આ લોકપ્રિયતામાં એટલું હતું કે મેં આ શોમાં એ નથી બતાવ્યું કે મને શું આવડે છે અને હું શું કરી શકું એમ છું. આ શોમાં મેં એ બતાવવાની કોશિશ કરી છે કે ઘેરબેઠાં મારો દર્શક શું બનાવી શકે છે.’
મહેનત અને મહત્ત્વાકાંક્ષા 
હોટેલ મૅનેજમેન્ટ પૂરું થયું એ પછી સંજીવ કપૂરે સૌથી પહેલાં બનારસમાં કામ શરૂ કર્યું. એ પછી ન્યુ ઝીલૅન્ડની એક હોટેલમાં કામ કરીને દિલ્હીમાં તેમણે અનુભવ લીધો. આ ગાળા દરમ્યાન તેઓ એ સમયના નંબર વન એક્ઝિક્યુટિવ શેફ બની ગયેલા. સંજીવ કપૂર તેમની અવિરત મહેનત કરવાની શૈલી વિશે વાત કરતાં કહે છે, ‘શરૂઆતના દિવસોમાં જ્યારે એક વરિષ્ઠ એક્ઝિક્યુટિવ શેફે મને જણાવ્યું કે એ હોદ્દા પર પહોંચવા માટે તેમને ૨૦ વર્ષનો સમય લાગ્યો ત્યારે મેં હિંમતભેર જાહેરાત કરી દીધી હતી કે ૮ કલાક કામ કરવાને બદલે હું દિવસમાં ૧૬ કલાક કામ કરીશ જેથી ૧૦ વર્ષમાં હું આ સિદ્ધિ મેળવી શકું. એ મને મળી પણ ખરી. એ પછી હું મુંબઈ આવ્યો.’
એ પછી સંજીવ કપૂરે ૧૯૯૯-૨૦૦૦ની આસપાસ પોતાની પહેલી રેસ્ટોરાં દુબઈમાં શરૂ કરી જેનું નામ હતું ‘સંજીવ કપૂર્સ ખાના ખઝાના’. એ પછી લુધિયાણામાં તેમણે ‘ધ યલો ચિલી’ નામની રેસ્ટોરાં શરૂ કરી જેનાં દુનિયાભરમાં ઘણાં આઉટલેટ્સ છે. આ પછી તેમણે ‘સિગ્નેચર બાય સંજીવ કપૂર’ અને ‘ઑપ્શન્સ’ નામની પણ રેસ્ટોરાં શરૂ કરી હતી. એમાંથી કેટલીક ચાલી, કેટલીક બંધ થઈ અને આજની તારીખે તેમની ૯ દેશમાં ૪૪ રેસ્ટોરાં છે. ‘ફૂડ-ફૂડ’ નામની એક ચૅનલ તેમની માલિકીની છે. આ સિવાય અઢળક બ્રૅન્ડ્સને તેઓ એન્ડોર્સ કરે છે. તેમની પોતાની કિચન અપ્લાયન્સ બનાવતી ‘વન્ડર શેફ’ નામની કંપની છે. તેમણે લગભગ ૨૦૦ જેટલી કુકરી બુક્સ લખી છે. 
બિઝનેસ 
ફૂડ સંબંધિત જેટલો પણ બિઝનેસ શક્ય છે એ બધામાં અને બધી જ જગ્યાએ સંજીવ કપૂરે પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું છે અને હજી પણ ફેલાવી જ રહ્યા છે. આ વિશે જણાવતાં સંજીવ કપૂર કહે છે, ‘જીવનમાં કોઈ કહે કે તક મળતી ગઈ અને આગળ વધતા ગયા તો એ ખોટું હોય છે. તકો મળતી નથી, ઊભી કરવી પડતી હોય છે. મારો સ્વભાવ છે સતત વિચારવું, કામ કરવું, આગળ વધવું. એટલે તકો મને મળી ગઈ એવું નથી, તકો મેં ઊભી કરી છે. એક શેફ તરીકે કામ કરતો હતો ત્યારે મેં જોયું કે મારે કારણે રેસ્ટોરાંમાં લોકો આવતા થયા છે તો મેં મારી રેસ્ટોરાં ખોલી. જ્યારે બીજી બ્રૅન્ડ્સ મારા દ્વારા વેચાવા લાગી ત્યારે મેં મારી ખુદની બ્રૅન્ડ ઊભી કરી. જ્યારે મારા પ્રોગ્રામને કારણે કોઈ ચૅનલ પૉપ્યુલર થઈ ત્યારે મેં ચૅનલ ખોલી. આ જ રીતે આગળ વધાતું હોય છે. ફૂડમાં આર્ટ અને સાયન્સ બન્ને છે. મેં એમાં કૉમર્સને પણ જોડ્યું છે.’ 
રેસ્ટોરાં બિઝનેસ  
રેસ્ટોરાં બિઝનેસ એક એવો બિઝનેસ છે જેમાં નવી ૧૦ રેસ્ટોરાં ખૂલે અને એમાંથી ૯ ઠપ થઈ જાય છે અને માંડ એક ચાલે છે. આટલાં વર્ષોથી આ બિઝનેસ સફળતાપૂર્વક ચલાવ્યા પછી જે લોકો આ બિઝનેસમાં આવવા માગે છે તેમને તમે શું સલાહ આપશો? આ પ્રશ્નનો જવાબ આપતાં સંજીવ કપૂર કહે છે, ‘મારા જીવનનો સિદ્ધાંત છે કે સાચું બોલો, સુખી રહો. હું બધી જ વ્યક્તિઓ જેમને હોટેલ બિઝનેસ કરવો છે તેમને આ બિઝનેસમાં આવવાની સંદતર ઘસીને ના પડું છું. આ કામ કરવા જેવું નથી. રિસ્ક ઘણું વધારે છે. નુકસાન ઘણું મોટું થાય છે. ઘણા લોકો એવા છે જેમને એમ છે કે તેમને ખવડાવવાનો ખૂબ શોખ છે એટલે તેઓ રેસ્ટોરાં ખોલવા માગે છે. આ કારણ સાથે આ બિઝનેસ ન કરી શકાય. ઘણાનો રિટાયરમેન્ટ પ્લાન હોય છે આ. હું તેમને કહીશ કે નિવૃત્તિ ખરાબ કરવી હોય તો જ આ કરજો. એક રેસ્ટોરાં ચલાવવી અતિ અઘરી બાબત છે. અઢળક રિસર્ચ જોઈએ છે એના માટે. આ સિવાય એકસાથે ૩૦૦-૪૦૦ વેરિએબલ્સને એક સમયે એકસાથે મૅનેજ કરવાનાં હોય છે એટલે કે કશું સ્થિર નથી હોતું. ભલભલા લોકોનાં જીવન બરબાદ થયાં છે આ કામ કરવામાં. બીજું એ કે જો ઝીરો ફૅમિલી લાઇફ ઇચ્છતા હો કે કોઈ પણ તહેવાર મનાવવા ન ઇચ્છતા હો તો જ આ બિઝનેસમાં આવજો.’ 
ભારતીય ફૂડનો ચહેરો 
આટલાં વર્ષોમાં સંજીવ કપૂર ઇન્ડિયન ફૂડનો ચહેરો બની ગયા છે. ભારતીય ફૂડને તેમણે ગ્લોબલ ઓળખ અપાવી છે. તેમના જીવનનો મુખ્ય હેતુ જ ભારતીય ફૂડની પ્રગતિ બની ગયો છે. એ વિશે વાત કરતાં સંજીવ કપૂર કહે છે, ‘જ્યારે હું મુંબઈ આવ્યો ત્યારે એ સમયે વેબસાઇટ બનાવતી વખતે એની કન્ટેન્ટની પહેલી લાઇન મેં એ લખેલી કે મારે ભારતીય ફૂડને દુનિયાનું નંબર વન ફૂડ બનાવવું છે. મેં મારી આખી કરીઅરમાં આ સિદ્ધાંતને વળગીને જ કામ કર્યું છે. આ દેશભક્તિ મારી અંદર મારી પરવરિશને કારણે આવી છે. હું દુનિયામાં જ્યાં પણ જાઉં ત્યાં ભારતીય ફૂડની જ વાત કરતો થયો. એ બનાવ્યું, એ ખવડાવ્યું અને દુનિયાના દરેક ખૂણે એ પહોંચે એ બાબત પર ફોકસ કર્યું. હમણાં અમે ઑસ્ટ્રેલિયામાં અમારી ઇન્ડિયન પ્રોડક્ટ લૉન્ચ કરી. માર્કેટિંગ માટે તેમણે મને કહ્યું કે અહીં રહેતા ઇન્ડિયન્સમાં માર્કેટ કરીએ. મેં તેમને કહ્યું કે ના, આ પ્રોડક્ટ મેં ગ્લોબલ માર્કેટ માટે બનાવી છે; ફક્ત ભારતીયો જ નહીં, ભારતીય નથી તેઓ પણ આપણું ફૂડ બનાવે એ વિઝનથી મેં એ પ્રોડક્ટ બનાવી. એટલે જ જ્યારે માસ્ટર શેફ ઑસ્ટ્રેલિયામાં હમણાં હું ગયો ત્યારે મેં તેમની પાસે સીધી છોલે-ભટૂરે કે ઢોસા-ઇડલી નથી બનાવડાવ્યાં. મેં તેમની પાસે તેમની ડિશમાં ભારતીયતા લાવવાનું તેમને કહ્યું હતું. જેમ કે ચાઇનીઝ ફૂડ ઇન્ડિયા આવ્યું તો આપણે એને આપણા સ્વાદમાં ઢાળીને ખાઈએ છીએ. એ રીતે એ લોકો આપણા ફૂડને પોતાની પસંદ પ્રમાણે ઢાળીને વાપરે. આ રીતે એ આગળ વધશે. આ રીતે તેમણે કેસર લસ્સીનો આઇસક્રીમ બનાવેલો અને મગની દાળનો મીઠો ઢોસો બનાવેલો.’ 



કપૂર-કચ્છીની પ્રેમકહાણી 
૨૪ વર્ષે સંજીવ કપૂરને પ્રેમ થયો અને ૨૮ વર્ષે તેમણે લગ્ન કરી લીધાં. સંજીવ કપૂરની પત્ની અલ્યોના કચ્છી છે. લગ્ન પહેલાં તેઓ અલ્યોના લોહાણા તરીકે ઓળખાતાં. અલ્યોનાની બહેન સંજીવ કપૂર સાથે હોટેલમાં શેફ હતી. ત્યારથી તેઓ એકબીજાને ઓળખતાં. ઘરમાં બધા આ લગ્ન માટે રાજી હતા. અલ્યોનાને જ પોતાની બધી સફળતાનું તેઓ શ્રેય આપે છે. તેમને બે દીકરીઓ છે રચિતા અને કૃતિ. રચિતા તેમનો બિઝનેસ સંભાળે છે. તેનાં ૩ વર્ષ પહેલાં ડેરન ડિસિલ્વા સાથે લગ્ન થયાં હતાં. કૃતિ લંડનસ્થિત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અલ્યોનાનાં મમ્મીને મળ્યા ત્યારે તેમણે હસતાં-હસતાં પૂછેલું કે તમે જમાઈને ગુજરાતી વાનગીઓ શીખવી કે નહીં? એ વાતને યાદ કરીને હસતાં-હસતાં સંજીવ કપૂર કહે છે, ‘એ પછી મને જ્યારે-જ્યારે મોકો મળ્યો તેમના માટે જમવાનું બનાવવાનો ત્યારે-ત્યારે મેં તેમને ગુજરાતી ફૂડ જ જમાડ્યું છે. આમ પણ તેઓ ખૂબ સાદું ભોજન જ લે છે, પણ મેં એ એટલે બનાવ્યું કે મારે તેમને કહેવું હતું કે જુઓ, મને ગુજરાતી ફૂડ બનાવતાં આવડે છે.’


જલદી ફાઇવ
 શોખ : મને સંગીત માટે પણ ખૂબ પ્રેમ છે. મારી ઑફિસમાં પણ તમને જુદા-જુદા ડ્રમ-સેટ અને પિયાનો રાખેલાં જોવાં મળશે, જે હું ક્યારેક વગાડું છું. હરિહરન, શંકર મહાદેવન, સોનુ નિગમ, રૂપકુમાર રાઠોડ જેવા દિગ્ગજ સંગીતકારો સાથે મારે ગાઢ મિત્રતા છે. 
 બકેટ-લિસ્ટ : મારું કોઈ બકેટ-લિસ્ટ નથી. હું સવારે ઉત્સાહથી ઊઠું છું કે આજે કંઈક નવું કરીશું. રાત સુધી ઉત્સાહમાં રહું છું અને સૂઈ જાઉં ત્યારે કાલની રાહ જોતાં ઉત્સાહ અનુભવું છું. બસ. આનાથી વધુ હું વિચારતો નથી. 
 અફસોસ : મારા પર બાયોપિક એટલે નથી બની કેમ કે મારા જીવનમાં કોઈ અફસોસ નથી, કોઈ સ્ટ્રગલ નથી. મને દરેક પડાવે જીવને ખૂબ શીખવ્યું છે અને આગળ વધવામાં આ લર્નિંગ ખૂબ કામ લાગ્યું છે. 
 ડર : મને ઘણીબધી વસ્તુઓથી ડર લાગે છે. લોકોએ જે મને પ્રેમ આપ્યો છે, મારા પર અઢળક વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને હું ગુમાવું નહીં એ ડર લાગે છે. મારા પ્રિયજન કે પરિવારને ગુમાવવાનો ડર મને લાગે છે. 
 જીવનનો સિદ્ધાંત : સાચું બોલો, સુખી રહો. બીજું એ કે હાયર લર્નિંગ, હાયર અર્નિંગ. જેટલું શીખશો એટલું કમાશો એટલે શીખવાનું છોડવું નહીં. 


Whatsapp-channel Whatsapp-channel

25 July, 2026 03:31 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK