સિદ્ધાર્થ રાંદેરિયાના ગુજ્જુભાઈના નામે થતાં નાટકોની સિરીઝમાં લીડ ઍક્ટ્રેસ તરીકે કામ કરતાં તેજલ વ્યાસ નાટકો જોતા પ્રેક્ષકો માટે જાણીતું નામ છે. તેમને જ્યારે-જ્યારે સિરિયલો કે નાટકો વચ્ચે સિલેક્શન કરવાનું આવે છે ત્યારે તેમણે સદા રંગભૂમિને પસંદ કરી છે.
તેજલ વ્યાસ
સિદ્ધાર્થ રાંદેરિયાના ગુજ્જુભાઈના નામે થતાં નાટકોની સિરીઝમાં લીડ ઍક્ટ્રેસ તરીકે કામ કરતાં તેજલ વ્યાસ નાટકો જોતા પ્રેક્ષકો માટે જાણીતું નામ છે. તેમને જ્યારે-જ્યારે સિરિયલો કે નાટકો વચ્ચે સિલેક્શન કરવાનું આવે છે ત્યારે તેમણે સદા રંગભૂમિને પસંદ કરી છે. તેજલ વ્યાસના દાદાના નામ પરથી ઘાટકોપરમાં એક ચોકનું નામ રાખવામાં આવ્યું છે. ત્યાં નજીકના ઘરમાં રહેતાં અને જાતને ગૌરવાન્વિત અનુભવતાં આ કલાકારના ઘરની દરેક વ્યક્તિ કલાજગત સાથે જોડાયેલી છે
૨૦૦૦નો સમય. નાટક ‘નરસૈયાનો નાથ’નો પહેલો શો ભજવાવાનો હતો. વ્યાસ પરિવાર આખો એકદમ એક્સાઇટેડ હતો, કારણ કે તેમની ૧૮ વર્ષની દીકરી તેજલ પહેલી વાર એક ગુજરાતી કમર્શિયલ પ્લે કરવાની હતી. પિતા શરદ વ્યાસ, જે ખુદ ટીવી-ઇન્ડસ્ટ્રીમાં એક જાણીતા ઍક્ટર તરીકે નામના કમાઈ ચૂક્યા હતા, તેમને પોતાનું કામ જોવાની ન હોય એટલી ઉત્સુકતા આ નાટક જોવાની હતી. ભાઈ સૂરજ વ્યાસ, જે ખુદ થિયેટરમાં કામ કરી રહ્યા હતા, બહેનને સ્ટેજ પર જોવા માટે તેમનો ઉત્સાહ સમાતો નહોતો. ‘નરસૈયાનો નાથ’માં અઢળક કલાકારો હતા. મેકઅપ આર્ટિસ્ટ પાસે ભીડ લાગેલી રહેતી. એટલે મમ્મી ચિત્રા વ્યાસે દીકરીને કહ્યું કે હું તને મેકઅપ કરતાં શીખવું છું. એ સમયથી તેજલે એક ઍક્ટર માટે જરૂરી મેકઅપ કળા પણ જાતે શીખી લીધી. માસી રાગિણી, ગુજરાતી રંગભૂમિ-સિનેમાનું અત્યંત જાણીતું નામ, પણ બૅકસ્ટેજ પહોંચી ગયાં હતાં. બધા ખુશ હતા અને સાથે નર્વસ પણ, કારણ કે જેનું આખું ખાનદાન ઍક્ટર્સ અને કલાકારોથી ભરાયેલું હોય એ ઘરની દીકરી પહેલી વાર સ્ટેજ પર ઍક્ટિંગ કરવાની હોય તો બધાના જ પેટમાં ગલગલિયાં થાય એ સ્વાભાવિક છે. ત્યાં પ્રોડ્યુસર રાજેન્દ્ર બુટાલા આવ્યા. તે બધાના ચહેરા જોઈને સમજી ગયા. તેમણે કહ્યું, ‘હું કહું છું તમને બધાને કે ચિંતા કરવા જેવું જરાય નથી. તેજલ ખૂબ સરસ પર્ફોર્મ કરશે.’
ADVERTISEMENT
ટૅરોકાર્ડ રીડિંગ
તેજલ વ્યાસ ટૅરોકાર્ડ રીડર પણ છે. તેમણે કોરોના સમયે આનો જાતે અભ્યાસ કર્યો અને કાર્ડ-રીડિંગ પ્રૅક્ટિસ કરવાનું શરૂ કર્યું. તેઓ કહે છે, ‘પ્રૅક્ટિસ જરૂરી છે, પણ આમાં મુખ્ય તમારું ઇન્ટ્યુશન છે. તમને અંદરથી જ એ આવે. આ કામ હું પૅશન સમજીને કરું છું. નાટક હોય કે ટૅરોકાર્ડ, દરેક વસ્તુ હું પૅશન સાથે કરું છું. આ કામ પૈસા કમાવા માટેનું સાધન નથી મારા માટે, એનાથી ઘણું ઉપર છે.’
ઘરના લોકોનો આટલો પ્રેમ અને પ્રોડ્યુસરનો વિશ્વાસ પામીને ૧૮ વર્ષની તેજલે પૂરી લગનથી પર્ફોર્મ કર્યું અને પ્રેક્ષકોની તાળીઓએ આ નવી ઍક્ટ્રેસને વધાવી લીધી. એ દિવસને યાદ કરીને તેજલ વ્યાસ કહે છે, ‘મારા જીવનની એ સૌથી યાદગાર ક્ષણ હતી. મારા બધા જ પોતાના મારી સાથે હતા. એક કલાકાર પરિવારમાં જન્મવા માટે ઘણાં પુણ્ય ભેગાં કરવાં પડે. એ લોકો તરફથી તમને જીન્સમાં કળા તો મળે જ છે પણ એના માટે શું કરવું, કઈ રીતે કરવું, કઈ રીતે કરીએ તો વધુ સારું કરી શકાય એનું માર્ગદર્શન પણ મળે છે. કામ તો જાતે જ ગોતવું પડે છે અને એમ જ કરવું જોઈએ. એ મળેલું કામ સારું કરી બતાવીને, જાતને સાબિત પણ કરવી પડે છે; પણ એ બધા વચ્ચે મળતો તેમનો સાથ અમૂલ્ય છે.’
કારકિર્દી
આ પહેલા નાટક પછી તેજલ વ્યાસે રંગભૂમિને પોતાનું કાર્યક્ષેત્ર બનાવી લીધું હતું. આજે તેઓ સિદ્ધાર્થ રાંદેરિયાની ‘ગુજ્જુભાઈ’ સિરીઝનાં નાટકો અને ફિલ્મની લીડ હિરોઇન તરીકે ખાસ્સાં ખ્યાતિ પામી ચૂક્યાં છે. તેઓ પોતાની કરીઅર દરમિયાન આજ સુધીમાં ૪૦૦૦થી પણ વધુ લાઇવ પર્ફોર્મન્સ કરી ચૂક્યાં છે. તેમનું નાટક ‘લગે રહો ગુજ્જુભાઈ’ ૭૫૦ શોઝનો આંકડો પાર કરી ચૂક્યું છે. આ નાટક સિવાય ‘ગુજ્જુભાઈની ગોલમાલ’, ‘ગુજ્જુભાઈ દબંગ’, ‘રંગરંગીલા ગુજ્જુભાઈ’, બ્લફમાસ્ટર ગુજ્જુભાઈ’, ‘ગુજ્જુભાઈ ઘોડે ચડ્યા’, ‘ગમ્મત કરી લો ગુજ્જુભાઈ’ જેવાં ગુજ્જુભાઈ સિરીઝનાં બીજાં નાટકો પણ તેમણે લીડ ઍક્ટ્રેસ તરીકે કર્યાં છે. ‘ગુજ્જુભાઈ મોસ્ટ વૉન્ટેડ’, ‘વેન્ટિલેટર’, ‘મૉમ તને નહીં સમજાય’ જેવી ગુજરાતી ફિલ્મો તેમણે કરી છે. પોતાના નાટક પ્રેમ વિશે વાત કરતાં તેજલ વ્યાસ કહે છે, ‘રંગભૂમિ મારી ઓળખ છે. હું હંમેશાં કહું છું કે હું રંગભૂમિને વફાદાર છું. જીવનમાં જ્યારે-જ્યારે સિરિયલ અને નાટક બન્ને વચ્ચે પસંદ કરવાનું મને કહેવામાં આવ્યું છે, મેં હંમેશાં નાટક જ પસંદ કર્યું છે. હમણાં જ મારી ગુજરાત ટૂર ચાલે છે. એ દરમિયાન મને સિરિયલની ઑફર આવી. મેં ના પડી દીધી. એવું નથી કે કરવું નથી પણ એવું બન્યું છે કે મેં સિરિયલોને નહીં, નાટકોને જ હા કહી હોય. પ્રેક્ષકોએ મને ખૂબ પ્રેમ આપ્યો છે અને નાટકોમાં હું ઘણું શીખી છું. હજી પણ શીખું છું, પણ જે રીતે ખુદને વ્યક્ત કરવાનો મોકો અહીં મળે છે એ મને ગમે છે.’

દાદા વિષ્ણુ કુમાર વ્યાસ અને ઘાટકોપરમાં તેમના નામનો રોડ.
કલાકારોનો પરિવાર
તેજલ વ્યાસ નાનપણથી ઘાટકોપરમાં જ મોટાં થયાં. તેમના દાદા વિષ્ણુકુમાર વ્યાસ હતા જેમણે ગુજરાતી રંગભૂમિમાં ઘણું કામ કર્યું. એની સાથે-સાથે હિન્દી અને ગુજરાતી ફિલ્મો પણ અઢળક કરી. રાજશ્રી પ્રોડક્શન્સની ‘નદિયા કે પાર’ ફિલ્મમાં રૂપા અને ગુંજાના પિતા વૈદજી તરીકે તેઓ ખૂબ પ્રખ્યાત થયા હતા. તેઓ પોર્ટુગલમાં ભારતીય વિદ્યા ભવનના ડિરેક્ટર તરીકે કાર્યરત હતા. તેજલ વ્યાસના પિતા શરદ વ્યાસ નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામાના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. તેઓ ફિલ્મો અને સિરિયલોમાં ઘણું કામ કરી ચૂક્યા છે તેમના કૉમેડી રોલ માટે તેઓ ખાસ્સી ખ્યાતિ મેળવી ચૂક્યા છે. તેજલનાં મમ્મી ચિત્રા વ્યાસ જાણીતાં ડબિંગ આર્ટિસ્ટ હતાં. ઘણીબધી ગુજરાતી ફિલ્મોમાં રોમા માણેક જેવી હિરોઇનોનો અવાજ તેમણે આપેલો. તેજલના મોટા ભાઈ સૂરજ વ્યાસ હાલમાં ઍક્ટિંગના કોચ છે. અનુપમ ખેરની ઍકૅડેમીમાં સિનિયર ફૅકલ્ટી તરીકે કામ કરી ચૂક્યા છે અને હાલમાં અનિલ કપૂરના કોચ તરીકે કાર્યરત છે. તેજલ વ્યાસનાં સગાં માસી એટલે અભિનેત્રી રાગિણી. ઘાટકોપરમાં તેઓ જે જગ્યાએ રહે છે એ ચોકનું નામ તેમના દાદાના નામ પર રાખવામાં આવ્યું છે. એ વિશે મજાક કરતાં તેજલ વ્યાસ કહે છે, ‘કોઈ પૂછે કે તેરે બાપ કા રાસ્તા હૈ તો અમે કહી શકીએ કે ના, બાપ કે બાપ કા રાસ્તા હૈ. કેટલા લોકો હશે જે આ વસ્તુ બોલી શકતા હશે? ભાગ્યે જ કોઈ. એટલે હું મારી જાતને લકી માનું છું. મને ખૂબ ગર્વ છે અમારા પરિવાર પર.’
બાળપણ
તેજલ નાનપણથી મમ્મી સાથે રેકૉર્ડિંગ, ડબિંગ કરવા જતાં. રેડિયો પર પણ તેમણે કામ કર્યું હતું. ૫-૬ વર્ષની ઉંમરે તેજલે ‘કૃષ્ણાયન’ નામના રેડિયો-શોમાં કૃષ્ણનો અવાજ આપ્યો હતો. એ પછી તેમણે બાળ કલાકાર તરીકે ઘણી ઍડ્સ પણ કરી. એ સમયે દૂરદર્શનની ‘ચાણક્ય’ નામની હિન્દી સિરિયલમાં તેમને કામ મળી ગયું હતું. એ પછી ‘જ્યોતિ’ નામની ગુજરાતી સિરિયલ તેમણે કરી. એ પછી પિતાને UKના ભારતીય વિદ્યા ભવન ખાતે ડિરેક્ટર પદ મળ્યું એટલે તેઓ UK શિફ્ટ થઈ ગયાં. ત્રીજા ધોરણથી તેઓ ત્રણ વર્ષ માટે UK શિફ્ટ થઈ ગયાં હતાં. એ સમયે તેજલને ‘રૂપ કી રાની ચોરોં કા રાજા’ ફિલ્મ પણ મળી હતી, પરંતુ UK જવાનું હોવાને કારણે તેમણે એ છોડવી પડી. લંડનમાં ત્રણ વર્ષ ભણ્યા પછી ભારત પાછા આવીને ઘાટકોપરની ગુરુકુળ સ્કૂલમાં તેમણે ઍડ્મિશન લીધું. ભણવામાં તેઓ હોશિયાર હતાં. પોતાનાં સપનાંઓ વિશે વાત કરતાં તેજલ વ્યાસ કહે છે, ‘અમારા ઘરમાં ભણવાનું મહત્ત્વ ખૂબ વધારે હતું. હું નાની હતી ત્યારે મને લાગતું કે હું મોટી થઈને ટીચર બનીશ. મેં એટલે જ ફિલોસૉફીમાં MA પણ કર્યું છે. ભણવા અને ભણાવવા માટે મને પહેલેથી લગાવ હતો.’
નાટકો
તો પછી રંગભૂમિ જ કેમ પસંદ કરી એ પ્રશ્નનો જવાબ આપતાં તેજલ વ્યાસ કહે છે, ‘મને ઇન્ટરકૉલેજિયેટ નાટ્યસ્પર્ધામાં ખૂબ રસ હતો. એટલે ઘણી જુદી-જુદી કૉલેજોમાં ઍડ્મિશન મળતું હતું પરંતુ મેં મીઠીબાઈ જવાનું વિચાર્યું કેમ કે કૉમ્પિટિશનવાળાં નાટકો કરવાં હતાં. એમાં એક ઉર્દૂ નાટક માટે મને અવૉર્ડ મળ્યો, જેના થકી મને ‘નરસૈયાનો નાથ’ નાટક મળ્યું. એ પછી મેં ‘કાચના સંબંધો’, ‘ઓળખાણ’ જેવાં નાટકો કર્યાં અને મારું કામ જ મને આગળ કામ અપાવવા માંડ્યું. આ દરમિયાન મેં ભારત બહારનાં પણ ઘણાં નાટકો કર્યાં. અચાનક મારી પાસે ‘ગુજ્જુભાઈએ ગામ ગજાવ્યું’ નાટક આવ્યું, જેમાં રિપ્લેસમેન્ટની જરૂર હતી. એ સમયે સિદ્ધાર્થ સરે જોયું કે આ છોકરીમાં આવડત છે. એટલે તેમણે મને ‘લગે રહો ગુજ્જુભાઈ’ લીડ ઍક્ટ્રેસ તરીકે ઑફર કર્યું. બસ, ત્યાર પછીથી ગુજ્જુભાઈનાં નાટકો ચાલતાં રહ્યાં અને લોકોનો પ્રેમ મળતો ગયો. છેલ્લાં ૨૬ વર્ષોથી હું નાટકો કરું છું. એટલે કરું છું કારણ કે આ નાટકો મારી ઓળખ બની ગયાં છે.’\
જલદી ફાઇવ
શોખ : મને ડાન્સનો ખૂબ શોખ છે. નસીબજોગે એવા ફીલ્ડમાં છું કે ડાન્સ કરવાના મોકા પણ મળી જતા હોય છે.
બકેટ લિસ્ટ : આમ તો મને ફરવાનું ખૂબ ગમે અને નાટકોને લીધે હું અઢળક ફરી પણ છું, પણ આ એક એવી વસ્તુ છે કે મન ભરાય નહીં. હજી પણ ઘણુંબધું ફરવાની મને ઇચ્છા છે.
અફસોસ : હું મારા દાદા પાસેથી કંઈ ન શીખી શકી એનો મને અફસોસ છે. હું ૧૬-૧૭ વર્ષની હતી જ્યારે તેઓ ગુજરી ગયા. એ સમયે તમે એટલા બાળકબુદ્ધિ હો કે તમને એવું રિયલાઇઝ ન થાય કે દાદા પાસેથી કશું શીખી લઉં. તે જતા રહ્યા પછી મને એ વાતનો અફસોસ રહી ગયો છે.
ડર : મારામાં એક વિચિત્ર બાબત છે કે મને કોઈ વસ્તુ અથડાયા કરે એનો અવાજ તકલીફ આપે છે. જેમ કે બારી કે બારણાં સતત અથડાય અને એનો જે અવાજ હોય એનાથી હું રેસ્ટલેસ થઈ જતી હોઉં છું.
લગ્ન : મેં લગ્ન નથી કર્યાં પણ એવું નથી કે મને લગ્ન કરવાં જ નથી. નજીકના ભવિષ્યમાં ઈશ્વરની કૃપા થઈ તો ચોક્કસ લગ્ન કરીશ.

પપ્પા-મમ્મી અને ભાઈ સાથે તેજલ વ્યાસ.
યાદગાર અનુભવ
નાટકોમાં કામ કરવામાં ઘણા યાદગાર અનુભવો થતા હોય છે. એમાંનો એક વર્ણવતાં તેજલ વ્યાસ કહે છે, ‘૨૦૧૮ આસપાસની વાત છે. ‘રંગરંગીલા ગુજ્જુભાઈ’ નાટક લઈને અમે ઉત્તર પ્રદેશ ગયાં હતાં. ત્યાં વારાણસી ખાતે અસ્સી ઘાટ નામની જગ્યા છે. ત્યાં ગંગાના કિનારે સેટ ઊભો કરાયેલો. ત્યાં નાટક શરૂ થાય એ પહેલાં અમે જોયું કે હિન્દી ઑડિયન્સ ખાસ્સું મોટી સંખ્યામાં હાજર હતું. અમે વિચાર્યું કે આ તો ગજબ થયું. હવે શું કરવું? સિદ્ધાર્થ સરે કહ્યું કે આપણે નાટક હિન્દીમાં કરી લઈશું. શો ચાલુ થવાને ૧૦ મિનિટની વાર હતી. ઊભાઊભ નાટકની ભાષા બદલાવવાની વાત હતી, જે બિલકુલ સરળ નથી. પણ અમે બધાં માની ગયાં. નાટક ગુજરાતી જ રાખ્યું પણ લોકોને સમજાય એ રીતે ઘણું હિન્દી અમે એમાં ઉમેર્યું. આવા અચાનક થતા ફેરફાર તમને કેટલું શીખવે? કેટલાક લોકોને લાગતું હોય છે કે કૉમેડી નાટકોમાં તો શું હોય? પણ એવું નથી, એ ઘણાં અઘરાં હોય છે. લોકોને હસાવવા ખૂબ અઘરું છે. હાસ્ય જો ટાઇમ પર ડિલિવર ન થાય તો જોક પડી જાય. સતત શીખતા રહીએ છીએ. પ્રેક્ષકોને મજા આવે એવું પીરસતા રહીએ છીએ.’
