Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ભગવાનના નામે ભવ્યતા ક્યાંક તમારી દિવ્યતાને ભોળવી ન દે

ભગવાનના નામે ભવ્યતા ક્યાંક તમારી દિવ્યતાને ભોળવી ન દે

Published : 05 October, 2026 02:18 PM | IST | Mumbai
Dr. Dinkar Joshi

નાગપાંચમ હોય તો નાગ સાથે પણ આપણે એને દેવ માનીને ઉજવણી કરીએ છીએ.

ગરબા

ઉઘાડી બારી

ગરબા


આપણે સહજ પ્રવાસે જતા હોઈએ - પછી ભલે એ પ્રવાસ મુંબઈ-અમદાવાદનો હોય કે પછી અમદાવાદ-જયપુરનો હોય, ગમે એ હોય - પણ એકધારું ચાર-પાંચ કલાક ડ્રાઇવિંગ કર્યા પછી આપણે અકારણ જ ગાડી રોકી દઈએ છીએ અને પગ છૂટા કરવા નીચે ઊતરી જઈએ છીએ. નીચે ઊતરીને કદાચ ચા-પાણી પણ પીએ છીએ. ટૂંકમાં, કોઈ પણ લાંબા પ્રવાસમાં થોડુંક અટકવાનું મન થાય છે. આ અટકવું આપણને ફરી વાર તાજામાજા કરી દે છે.

જીવન-પ્રવાસમાં પણ આવું જ છે. માનવજાતનો જીવન-પ્રવાસ ક્યારે શરૂ થયો હશે એની કોઈ ચોક્કસ જાણ નથી. હા, આપણી પરંપરાગત જીવનશૈલીને કારણે એટલી જાણ છે કે દર બે-ચાર મહિને આપણે તહેવારના નામે આપણા રોજિંદા જીવનમાં ટી-બ્રેક લઈએ છીએ. આ ટી-બ્રેકને આપણે તહેવાર કહીએ છીએ. મહિને, બે મહિને કે ૩ મહિને એકધારું રોજિંદું જીવન જીવ્યા પછી આપણી ગાડી ઊભી રહી જાય છે અને થોડુંક નવું જીવન જીવી લઈએ છીએ. આને આપણે ભલે તહેવાર કહીએ, પણ આ તહેવાર દરેક સમાજ અને સમય પોતપોતાની રીતે ઊજવતો હોય છે. જોકે એની પદ્ધતિ જુદી-જુદી હોય છે. દાખલા તરીકે આપણા હિન્દુ સમાજમાં ખાસ કરીને ભારતવર્ષમાં કેટલાક સામાજિક વ્યવહારો, કેટલાક ધાર્મિક તહેવારો, કેટલાક હળવાફૂલ મજાકિયા તહેવારો આવું બધું આપણે કરીએ છીએ. એમાં ખાસ કરીને ચોમાસાના ૪ મહિના આપણે ભારેખમ તહેવાર મનાવીએ છીએ. ગુરુપૂર્ણિમાથી આપણા તહેવારો શરૂ થઈ જાય છે અને પછી શ્રાવણના ભરપૂર તહેવારો - નાગપાંચમ હોય કે પછી શીતળા સાતમ, જન્માષ્ટમી, નવરાત્રિ, દશેરા અને દિવાળી સુધી તહેવારો જ માણ્યા કરીએ છીએ. એમાં વચમાં ક્યાંક ૧૫ ઑગસ્ટ કે પછી ગાંધીજયંતી જેવા બેસાડી દીધેલા તહેવારો પણ આવે ખરા.



મોટા ભાગે આ તહેવારો રોજિંદી જિંદગીના વ્યવહારોમાંથી મુક્તિ મેળવવા માટે માણસે ગોઠવી દીધેલા હોય છે. આ ગોઠવણ દેખીતી રીતે જ ધર્મ સાથે સંકળાઈ જાય છે. ચોમાસામાં બધા જ તહેવારો ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ દેવ-દેવી સાથે જોડાયેલા હોય છે. નાગપાંચમ હોય તો નાગ સાથે પણ આપણે એને દેવ માનીને ઉજવણી કરીએ છીએ.


તહેવાર - ક્યાંથી ક્યાં?

માણસે જ્યારે તહેવારો ઊજવવાની શરૂઆત કરી ત્યારે કોઈ રાજકીય કે સામાજિક એવાં કોઈ કારણો નહોતાં. રોજિંદું જીવન અને રોજિંદા જીવનમાં સહજભાવે આવતા ક્રમાંકો એ જ મહત્ત્વના હતા. આમાં ધર્મ જ મુખ્યત્વે હતો. માણસ જે ધર્મ જીવ્યો હોય એ ધર્મનો જ સચ્ચાઈપૂર્વકનો વ્યવહાર માનીને તહેવાર ગોઠવી દેતો હતો. આ તહેવારો એટલે ધર્મ અને ધર્મ એટલે ક્યાંય ને ક્યાંય પરમાત્માનું દિવ્ય સ્વરૂપ હોય. ગુરુપૂર્ણિમામાં આપણે ગુરુ મારફત પરમાત્મા પાસે પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ. એ જ રીતે શીતળા સાતમ હોય કે નાગપાંચમ, જન્માષ્ટમી હોય કે પછી ગણેશ ચતુર્થી... દરેક તહેવાર સાથે દેવ, દેવી અને ધર્મ સંકળાયેલાં છે અને આ સ્વરૂપ એ જ તહેવારનું દિવ્ય સ્વરૂપ છે. કદાચ ભવ્યતા જેવો શબ્દ આરંભમાં હશે જ નહીં. માણસ ભગવાનના દિવ્ય સ્વરૂપને નવા, નોખા રૂપે સ્વીકારીને આનંદ અને ઉત્સાહ મનાવી લેતો હોય છે.


હવે અહીં જોવાની વાત એ છે કે આદિકાળમાં જ્યારે તહેવારના ઉત્સવોનો આરંભ થયો ત્યારે માણસે પરમાત્માને જ જુદા-જુદા દિવ્ય રૂપે જોયા છે. આ બધા જ તહેવારો ક્યાંક ને ક્યાંક દિવ્યતા સાથે સંકળાયેલા છે. વખત જતાં કોણ જાણે કેમ માણસને દિવ્યતા સાથે પોતાની ભવ્યતા જોડી દેવાનું મન થયું હોય એ સહજ છે. હવે તે ભગવાનનું પૂજન દિવ્યતાના નામે કરે છે, પણ એ દિવ્યતામાં પોતાની વ્યક્તિગત મહત્તા પણ ઊંચે આવે એટલે આવી ધામધૂમ કરવા માંડે છે. આ ધામધૂમથી તેને મહત્તા મળે છે. જે વધારે મોટી ધામધૂમ કરે છે તેને વધારે મોટી પ્રતિષ્ઠા મળે છે એટલે દિવ્યતા ઓછી થતી ગઈ અને ભવ્યતાનું મહત્ત્વ વધતું જતું ગયું. આનું પરિણામ એ આવ્યું છે કે સમય જતાં આ ભવ્યતા એ જ પરમાત્મા સુધી પહોંચવાનો માર્ગ ફંટાઈને ધામધૂમમાં વિકસિત થઈ ગયો અને હવે ધામધૂમના આ ભવ્યતાના માર્ગને દિવ્યતા માનવા માંડ્યા છે.

માણસનું આ સહજ સ્વરૂપ

માણસ એક સામાજિક સ્પર્ધા ધરાવતું પ્રાણી છે. એને કોણ જાણે કેમ બધા વચ્ચે પોતાની કોઈ વિશેષતા છતી કરવી ગમે છે. એ છતી કરવા માટે તહેવારના ઓઠા હેઠળ પોતાની જે કોઈ વ્યક્તિગત કે સામાજિક મહત્તા હોય એ એક યા બીજા રૂપે લોકો સામે ધરી દે છે. ભગવાનના નામે પછી એ કૃષ્ણ હોય કે અંબાજી હોય, ગણેશજી હોય કે બીજું કોઈ પણ... આ બધાને તે જાણે પોતાની સાથે સીધો સંબંધ હોય એમ મોટા-મોટા આકાર આપી દે છે. હવે આ આકારબદ્ધ ભવ્યતાને તે દિવ્યતા કહેવા માંડે છે અને પછી એ લાલબાગચા રાજા બને છે. કરોડો લોકો મુઠ્ઠીઓ ભરી-ભરીને તેમની ધનસંપત્તિ ધરી દે છે અને આને તેઓ શ્રદ્ધા કહે છે. શ્રદ્ધા સારી વાત છે, એમાં કોઈ બૂરાઈ નથી. જે સમાજને આધ્યાત્મિક શ્રદ્ધા હોય છે એ સમાજ પરમાત્મા સાથે પેલી શ્રદ્ધાની સાંકળથી સારી રીતે સંકળાઈ શકે છે. જોકે માનવમનની નબળાઈ એ છે કે આવી શ્રદ્ધા બહુ જલદી અંધશ્રદ્ધામાં પરિવર્તિત થઈ જાય છે. શ્રદ્ધાની એક મુઠ્ઠી તેઓ એની ભવ્યતાને આપે છે અને આ ભવ્યતાને તેઓ દિવ્યતા માને છે અને આમ પોતાની શ્રદ્ધાને ગાઢ કરી નાખી છે જે ખરેખર તો માનસિક નબળાઈ હોય છે. માણસ માનસિક નબળાઈઓથી છલોછલ ભરાઈ જાય છે. હવે ચારે બાજુ ભવ્યતાની સ્પર્ધા જોવા મળે છે ને દિવ્યતા ક્યાંક સંતાઈ જાય છે.

આપણને ભવ્યતા ગમે છે અને દિવ્યતા પણ ગમે છે. પરમાત્મા પાસે પહોંચવાનો જે કોઈ માર્ગ હોય - એ માર્ગ ગુરુપૂર્ણિમા હોય કે નાગપંચમી હોય - હકીકતે માણસજાતને લાંબા-લાંબા જીવનમાર્ગમાં ક્યાંક ટેકો જોઈએ છે. આ ટેકો પરમાત્માથી વધારે તો કોણ આપી શકે. જોકે આપણને આ પરમાત્માના નામને વ્યવસ્થિત ગોઠવીને જીવતાં આવડવું જોઈએ.

 

Whatsapp-channel Whatsapp-channel

05 October, 2026 02:18 PM IST | Mumbai | Dr. Dinkar Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK