Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > એકસરખા દિવસ સુખના કોઈના જાતા નથી: બૅલાર્ડ પિયર મૉલ સ્ટેશન અને ફ્રન્ટિયર મેલ

એકસરખા દિવસ સુખના કોઈના જાતા નથી: બૅલાર્ડ પિયર મૉલ સ્ટેશન અને ફ્રન્ટિયર મેલ

Published : 04 July, 2026 08:31 PM | IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

૯૦ વર્ષ પહેલાંની વાત છે. એ જમાનાની પ્રખ્યાત ફિલ્મકંપની વાડિયા મૂવીટોને એક ફિલ્મ બનાવી. ફિલ્મનાં ઘણાંખરાં દૃશ્યો રેલવે-સ્ટેશન પર કે એની આસપાસ, ટ્રેનની અંદર, દોડતી ટ્રેનના છાપરા પર ખરેખર આઉટડોર શૂટિંગ વડે તૈયાર થયાં હતાં.

બરફની પાટો ગોઠવીને બનાવાતો AC ડબ્બો.

બરફની પાટો ગોઠવીને બનાવાતો AC ડબ્બો.


૯૦ વર્ષ પહેલાંની વાત છે. એ જમાનાની પ્રખ્યાત ફિલ્મકંપની વાડિયા મૂવીટોને એક ફિલ્મ બનાવી. ફિલ્મનાં ઘણાંખરાં દૃશ્યો રેલવે-સ્ટેશન પર કે એની આસપાસ, ટ્રેનની અંદર, દોડતી ટ્રેનના છાપરા પર ખરેખર આઉટડોર શૂટિંગ વડે તૈયાર થયાં હતાં. ફિલ્મનું શૂટિંગ પૂરું થયું. વાડિયા મૂવીટોને નવી ફિલ્મની જાહેરાત કરી અને તરત જ એ વખતની BBCI રેલવે કંપનીએ વાંધો લીધો. અમારી ટ્રેનના નામનો ઉપયોગ તમે કરી જ કેમ શકો? પણ વાડિયા મૂવીટોનવાળા હતા જબરા ચતુર. તેમણે તરત જ ફિલ્મનું નામ બદલીને રાખ્યું ‘મિસ ફ્રન્ટિયર મેલ’ અને એ ફિલ્મ તો ઊપડી ફ્રન્ટિયર મેલની સ્પીડથી. ફિયરલેસ નાદિયા એ જમાનાની અસાધારણ લોકપ્રિય ઍક્ટ્રેસ. જોખમી સ્ટન્ટ બધા જાતે જ કરે. આ ફિલ્મમાં ફાઇટ કરીને ગુંડાઓને તેણે હરાવેલા. હા જી. તમે કહેશો કે એમાં તે શી મોટી ધાડ મારી? પણ એ ફાઇટનું શૂટિંગ થયું હતું ખરેખર દોડી રહેલી ફ્રન્ટિયર મેલ ટ્રેનના ડબ્બાના છાપરા પર. 
૧૯૩૬ની ૨૯ જુલાઈનું ‘ધ બૉમ્બે ક્રોનિકલ’ છાપું કહે છે કે મુંબઈમાં છેક દસમા અઠવાડિયે પણ આ ફિલ્મનો એકેએક શો હાઉસફુલ જતો હતો. ૧૯૩૬ની ૧૯ જૂનનું ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ કહે છે કે આગલા દિવસે દિલ્હીના થિયેટર પર લોકોની એટલી તો ભીડ જામી હતી કે ટોળાને કાબૂમાં રાખવા પોલીસ બોલાવવી પડી હતી. 
પણ આ ફ્રન્ટિયર મેલ ટ્રેન મુંબઈના કયા સ્ટેશનથી ઊપડતી? ક્યારેક ગયા વખતે જેની વાત કરેલી એ કોલાબા સ્ટેશનથી, ક્યારેક બૅલાર્ડ પિયર મૉલ સ્ટેશનથી. એમ કેમ? અને બૅલાર્ડ પિયરમાં વળી રેલવે-સ્ટેશન ક્યાંથી આવ્યું? હા જી, એ જ તો છે મુંબઈનું બીજું ખોવાયેલું સ્ટેશન, બરાબર કોલાબા સ્ટેશનની જેમ. 
૧૮૬૯માં સુએઝ કૅનલ ખુલ્લી મુકાઈ એ પછી ધીમે-ધીમે ગ્રેટ બ્રિટન સાથેના દરિયાઈ વહેવારમાં મદ્રાસ અને કલકત્તાનું મહત્ત્વ ઘટતું ગયું અને મુંબઈનું મહત્ત્વ વધતું ગયું, કારણ કે અગાઉ કેપ ઑફ ગુડ હોપના રસ્તે આવતાં જહાજોને મદ્રાસ અને કલકત્તા પાસે પડતાં, મુંબઈ દૂર; જ્યારે સુએઝના રસ્તે આવતાં વહાણોને મુંબઈ પાસે પડતું, મદ્રાસ અને કલકત્તા દૂર. ૧૮૪૨થી લંડન-મુંબઈ-લંડન વચ્ચેની ટપાલ લાવવા-લઈ જવા માટે ‘પૅડલ પ્રોપેલર’ વહાણોનો ઉપયોગ શરૂ થયો. પછી સરકારી નોકરી માટે કે બીજા કામે હિન્દુસ્તાન આવતા અંગ્રેજો મુંબઈ ઊતરતા અને પછી તેમને જ્યાં જવાનું હોય ત્યાં જતા. આવા મુસાફરોની સગવડ માટે P&O શિપિંગ કંપની, બૉમ્બે પોર્ટ ટ્રસ્ટ અને BBCI રેલવેએ સાથે મળીને એક ખાસ ટ્રેન શરૂ કરી. મુંબઈથી ઊપડીને એ ટ્રેન છેક બ્રિટિશ ઇન્ડિયાની સરહદ સુધી એટલે કે પેશાવર સુધી જતી. જે દિવસે (સાધારણ રીતે શુક્રવારે) P&O કંપનીની સ્ટીમર મુંબઈ આવવાની હોય એ દિવસે એ ટ્રેન બૅલાર્ડ પિયર મૉલ સ્ટેશનથી ઊપડતી. બાકીના દિવસે કોલાબા સ્ટેશનથી ઊપડતી. બૅલાર્ડ પિયરથી બપોરે બે વાગ્યે ઊપડેલી ટ્રેન સુરત, વડોદરા, રતલામ, કોટા, મથુરા, દિલ્હી,  ફિરોઝપુર, લાહોર, રાવલપિંડી વગેરે સ્ટેશને રોકાઈને ત્રીજા દિવસે સવારે ૭.૨૦ વાગ્યે પેશાવર પહોંચતી. આ ફ્રન્ટિયર મેલના સાફામાં બીજું એક છોગું ઉમેરાયું ૧૯૩૪માં. હિન્દુસ્તાનની રેલવેની તવારીખમાં પહેલી વાર આ ટ્રેનમાં AC ડબ્બો ઉમેરાયો, પણ આ ટ્રેન ચાલતી હતી તો સ્ટીમ એન્જિનથી. તો ઍર-કન્ડિશન કઈ રીતે ચાલતું? ફર્સ્ટ ક્લાસના એક ડબ્બાની ફ્લોર નીચે ખાસ પ્રકારનાં મોટાં ખાનાં બનાવેલાં. મુંબઈથી ટ્રેન ઊપડતાં પહેલાં એમાં બરફની મોટી-મોટી પાટો ગોઠવતા. બૅટરીથી ચાલતા પંખા ઠંડી હવાને પાઇપ દ્વારા ઉપર ધકેલતા અને છાપરામાં ગોઠવેલી જાળીમાંથી ઠંડી હવા મુસાફરોને ઠંડા-ઠંડા કૂલ-કૂલ રાખતી. હા, વચમાં જે સ્ટેશને એન્જિનમાં કોલસો-પાણી ભરાય એ સ્ટેશને આ ડબ્બા નીચેના ખાનામાં બરફની પાટો ભરાતી. આઝાદી પછી આ ટ્રેન ફક્ત અમ્રિતસર સુધી જતી થઈ. એનું નામ બદલાઈને થયું ગોલ્ડન ટેમ્પલ મેલ. 
બૅલાર્ડ પિયર સ્ટેશન તો ગયું, પણ હવે આ ટ્રેન બૉમ્બે સેન્ટ્રલથી પણ ઊપડતી નથી. બચાડો જીવ. હવે એ ઊપડે છે બાંદરા ટર્મિનસથી. 
બૅલાર્ડ પિયરનું બે પ્લૅટફૉર્મવાળું સ્ટેશન છેક દરિયાકિનારે આવેલું હતું. લંડનથી સ્ટીમરમાં બેઠેલો મુસાફર પેશાવર જતો હોય તો સ્ટીમરમાંથી ઊતરી, થોડું ચાલી, સામી બાજુએ ઊભેલી ફ્રન્ટિયર મેલમાં બેસે, તે સીધો પેશાવર ઊતરે. અને હા, ટ્રેનના પાટા તો છેક ડૉક સુધી જતા. એટલે સ્ટીમરમાંથી ઊતરેલો મુસાફરોનો સામાન અને ટપાલના કોથળા સીધા ચડાવાતા ટ્રેનના ડબ્બામાં. આ ફ્રન્ટિયર મેલ ટ્રેન હતી BBCI રેલવેની, પણ બૅલાર્ડ પિયર સ્ટેશન બૉમ્બે પોર્ટ ટ્રસ્ટની જમીન પર આવેલું હતું અને એનું નામ પડ્યું હતું બૉમ્બે પોર્ટ ટ્રસ્ટના પહેલા ચૅરમૅન જનરલ જૉન ઍલેક્સ બૅલાર્ડના નામ પરથી. તેઓ ૧૮૭૩થી ૧૮૭૬ દરમ્યાન બૉમ્બે પોર્ટ ટ્રસ્ટના ચૅરમૅન હતા. તેમનો જન્મ ૧૮૩૦માં, અવસાન ૧૮૮૦માં. આ સ્ટેશન એવું તો જાજરમાન હતું કે એ The Most Glamorous Station in India તરીકે ઓળખાતું. આ બૅલાર્ડ પિયર સ્ટેશન હતું કેવું? ઘણું લાંબું. આખા લાંબા પ્લૅટફૉર્મના માથે સળંગ છાપરું. સ્ટેશનનાં મકાનો બેઠા ઘાટનાં, પણ સુંદર અને સ્ટેશનના નાકે ઘડિયાળ વગરનો પણ ક્લૉક ટાવર જેવો મિનારો. (કોલાબા સ્ટેશન પર પણ બરાબર આવો જ મિનારો હતો.)
યાદ છે? બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે ૧૯૩૧ની ૨૯ ઑગસ્ટે ગાંધીજી P&O કંપનીની એસ. એસ. રાજપૂતાના સ્ટીમર દ્વારા લંડન જવા મુંબઈથી રવાના થયા હતા. એ સ્ટીમર આ બૅલાર્ડ પિયરથી જ ઊપડેલી. ‘છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ’ એ આગલી સાંજે જ ઝવેરચંદ મેઘાણીએ લખેલું હૃદયદ્રાવક ગીત તાબડતોબ છપાવીને ગાંધીજીની સ્ટીમર ઊપડે એ પહેલાં ત્યાં હાજર રહેલા લોકોમાં વહેંચાયું હતું તે આ બૅલાર્ડ પિયર પર જ. એક નકલ ગાંધીજીને પહોંચાડવાની હતી, પણ તેઓ બીજાં કામોમાં રોકાયેલા હતા એટલે મહાદેવભાઈએ તેમના વતી સ્વીકારેલી. સ્ટીમર ઊપડ્યા પછી સમય મળતાં ગાંધીજીએ એ કાવ્ય વાંચ્યું ત્યારે બોલેલા : ‘મારી સ્થિતિનું આમાં જે વર્ણન થયું છે એ તદ્દન સાચું છે. કવિએ તો તેનું આખું હૃદય એમાં ઠાલવ્યું છે.’ (મહાદેવભાઈએ પોતાની ડાયરીમાં આ શબ્દો નોંધ્યા છે.) 
આ P&O કંપનીનો પણ લાંબો ઇતિહાસ છે. એની સ્થાપના થઈ છેક ૧૮૩૭માં. બ્રોડી વિલકોક્સ, આર્થર ઍન્ડરસન, અને રિચર્ડ બોર્ન એ ૩ ભાગીદારોએ શરૂ કરેલી આ કંપનીનું આખું નામ પેનિન્સુલર ઍન્ડ ઓરિયેન્ટલ સ્ટીમ નેવિગેશન કંપની, પણ ઓળખાતી P&Oના ટૂંકા નામે. ગ્રેટ બ્રિટનના વેપારી વહાણવટાના વિકાસમાં એનો ઘણો મોટો ફાળો. શરૂઆત કરી ટપાલ પહોંચાડવાના કામથી, પણ પછી ધીમે-ધીમે એ વખતે બ્રિટિશ શાસન હેઠળના દેશોને ગ્રેટ બ્રિટન સાથે અને એકબીજા સાથે સાંકળતી મહત્ત્વની કડી બની રહી. ૧૮૩૭માં સ્થાપના થઈ ત્યારે નામ હતું પેનિન્સુલર સ્ટીમ નેવિગેશન કંપની. ૧૮૪૦માં આ કંપનીને ગ્રેટ બ્રિટનથી ઇજિપ્ત તથા હિન્દુસ્તાન વચ્ચેની ટપાલ લાવવા-લઈ જવાનો પરવાનો અપાયો અને એ સાથે એનું નામ બદલાઈને થયું પેનિન્સુલર ઍન્ડ ઓરિયેન્ટલ સ્ટીમ નેવિગેશન કંપની. આજે તો હવે સહેલાણીઓ માટે ક્રૂઝની સગવડ પૂરી પાડતી ઘણી કંપનીઓ છે, પણ છેક ૧૮૪૪માં P&O કંપનીએ બ્રિટનથી ભૂમધ્ય સમુદ્રના દેશો સુધીની ક્રૂઝ શરૂ કરી હતી. 
આ કંપનીએ ગ્રેટ બ્રિટનથી મુંબઈ સુધીની સેવા છેક ૧૮૪૦માં શરૂ કરી અને એ પણ કેપ ઑફ ગુડ હોપના રસ્તે નહીં. તો? એણે લીધેલો રસ્તો ઓવરલૅન્ડ રૂટ તરીકે ઓળખાતો. લંડનથી નીકળેલું જહાજ સાઉધમ્પ્ટન, જિબ્રાલ્ટર અને માલ્ટા થઈને ઇજિપ્તના ઍલેક્ઝાન્ડ્રિયા બંદરે પહોંચતું. ત્યાંથી સુએઝ સુધી મુસાફરોને ઘોડાગાડીમાં કે નાઇલ નદી પર ચાલતી હોડીમાં લઈ જવાતા અને તેમનો સામાન ઊંટોની પીઠ પર લાદીને લઈ જવાતો. ઇજિપ્તમાં રેલવેની સગવડ થઈ એ પછી મુસાફરો અને તેમનો સામાન બન્ને ટ્રેન દ્વારા એ જ રસ્તો કાપતાં. સુએઝથી આ જ કંપનીનું બીજું જહાજ મુસાફરોને મુંબઈ લઈ આવતું. આ આખી મુસાફરી ૪૫થી ૫૦ દિવસમાં પૂરી થતી અને છતાં એ વખતે એ ટૂંકામાં ટૂંકો રૂટ હતો. જોકે સુએઝ કૅનલ શરૂ થયા પછી ગ્રેટ બ્રિટનથી ઊપડેલી સ્ટીમર સુએઝ અને એડનથી સીધી મુંબઈ પહોંચતી. ત્યારે આખી મુસાફરીને વીસથી ૨૫ દિવસ લાગતા. આમ જુદી-જુદી રીતે પણ P&O કંપનીએ ગ્રેટ બ્રિટન અને મુંબઈ વચ્ચેની દરિયાઈ સેવા લગભગ ૧૨૦ વર્ષ સુધી ચલાવી. એ માટે શરૂઆતમાં પૅડલ સ્ટીમર વપરાતી. પછી ૧૮૫૦થી ૧૮૬૦ સુધી આવ્યો ‘આયર્ન સ્ક્રૂ સ્ટીમર’નો જમાનો. પછી આવી ખૂબ રૂડીરૂપાળી ‘K Class’ સ્ટીમરો. એમનાં નામ હતાં : કાશ્મીર, કૈસરે હિન્દ, ખૈબર, અને ખંડાલા!
આ કંપનીની સ્ટીમરોમાં ૩ ક્લાસ હતા. ફર્સ્ટ ક્લાસમાં ગવર્નરો, ICS અફસરો, ન્યાયાધીશો, મહારાજાઓ અને તવંગર વેપારીઓ મુસાફરી કરતા. સેકન્ડ ક્લાસમાં લશ્કરના અફસરો, મિશનરી પાદરીઓ, અધ્યાપકો અને શિક્ષકો અને એન્જિનિયરો મુસાફરી કરતા. ત્રીજા વર્ગમાં સૈનિકો, મજૂરો અને કુટુંબકબીલા મુસાફરી કરતા. ઘણાં વર્ષો સુધી P&O કંપનીની એકમાત્ર હરીફ હતી બ્રિટિશ ઇન્ડિયા સ્ટીમ નેવિગેશન કંપની, પણ ૧૯૧૪માં P&O કંપનીએ આ હરીફ કંપની જ આખેઆખી ખરીદી લીધી. એ પછી એ લગભગ બિનહરીફ બની. 
પણ પછી ૧૯૨૯થી બ્રિટન અને હિન્દુસ્તાન વચ્ચે વ્યવસાયી વિમાનસેવા શરૂ થઈ. એની સગવડ વધતી ગઈ એમ-એમ મુસાફરી માટે દરિયાઈ સફર ઘટતી ગઈ. એટલે પછી બૅલાર્ડ પિયરના રેલવે-સ્ટેશનનું પણ મહત્ત્વ ઘટતું ગયું અને છેવટે બૅલાર્ડ પિયર મૉલ સ્ટેશનને ૧૯૪૪માં કાયમ માટે બંધ કરવામાં આવ્યું. એટલે આજે તો હવે આપણે પ્રભુલાલ દ્વિવેદીની સાથે ગઈ શકીએ :
એકસરખા દિવસ સુખના કોઈના જાતા નથી
એથી જ શાણા સાહ્યબીથી લેશ ફુલાતા નથી.
ખીલે તે કરમાય છે, સર્જાય તે લોપાય છે
જે ચડે તે પડે, એ નિયમ બદલાતા નથી.


Whatsapp-channel Whatsapp-channel

04 July, 2026 08:31 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK