માણસ બીજાઓનો વિચાર કરે, સમાજની અન્ય વ્યક્તિઓની તકલીફો માટે નિસબત રાખે એ સમાજમાં સમાજસેવકોની જરૂર પડતી નથી
પ્રતીકાત્મક તસવીર
સેકન્ડ ક્લાસના ટ્રેનના બાંકડામાં ત્રણ બેઠકની ગોઠવણ હોય છે પરંતુ સેકન્ડ ક્લાસમાં બેસી બા અદબ, બા મુલાયજા’ બેઠક પર બેઠેલા ત્રણ જણ સામે નજર કરે એટલે ત્રણે જણ સંકોચાઈ જાય અને ચોથી જગ્યા થઈ જાય. ચોથી સીટ આપોઆપ થઈ જાય. આ બહુ મહત્ત્વની વાત છે. થોડું સંકોચાવું એમાં ઘણું સમજવા જેવું છે. બીજાને ચોથી સીટ આપનારને પોતાને પણ ક્યારેક આ લાભ મળે છે. આપણા થોડા સંકોચાવાથી અન્યને કેટલી રાહત મળે છે. લોકો થાક્યા-પાક્યા કામધંધેથી આવતા હોય તેમને કેટલી રાહત મળે! આ વિચાર, આ અનુભવ કેટલો સુખદ અને સંસ્કૃત છે. આ ભાવ, આ ભાવના, આ વિચાર, આવી માણસાઈ જીવનના દરેક ક્ષેત્રમાં અમલમાં મુકાય તો જગતમાં કેટલી ‘મોકળાશ’ થાય?
માણસ બીજાઓનો વિચાર કરે, સમાજની અન્ય વ્યક્તિઓની તકલીફો માટે નિસબત રાખે એ સમાજમાં સમાજસેવકોની જરૂર પડતી નથી. એક કાઠિયાવાડી કહેવત છે, હું પહોળો અને શેરી સાંકડી. અભિમાની માણસ માટે આ શબ્દો વપરાય છે. મિથ્યાભિમાનીને કોઈ પણ જગ્યા નાની પડવાની કારણ તેનો અહં ખૂબ મોટો હોય છે. કૌટુંબિક જીવનમાં પણ ક્યારેક અહં ટકરાતા રહે છે. ઘરના વડીલ હંમેશાં, હું કહું એમ કરવાનું. આ બધું મેં ઊભું કર્યું છે, આવા શબ્દો બોલતા હોય છે. પણ સંતાનો ઉંમરલાયક થાય ત્યારે તેમનો અભિપ્રાય પણ ગણતરીમાં લેવો જોઈએ. એક સંવાદ રચાવો જોઈએ જેથી કુટુંબના અન્ય સભ્યોના અભિપ્રાય માટે જગ્યા થાય. મોકળાશ થાય. આવું સંસ્થાઓમાં પણ બનતું હોય છે. કેટલાક કાર્યકરોનો અનુભવ બહુ મોટો હોય છે. તેમને તેમના સ્થાનેથી હટવું જ નથી હોતું. કોઈ તેમને તેમના પદ કે હોદ્દા પરથી ચલિત ન કરે એની તેઓ સતત તકેદારી રાખતા હોય છે. સ્વેચ્છાએ પોતાના પદ પરથી ખસી જનારા કેટલા? પોતાની મોટાઈ બતાવીને નવા લોકોને, નવી પેઢીને, યુવાનોને તૈયાર કરનારા કેટલા? આવા મહારથીઓ પોતાના અહંને, મહત્ત્વાકાંક્ષાને થોડી પણ સંકોચે તો અન્ય ઉત્સાહી યુવાનો માટે જગ્યા થાય. અહીં પણ રેલવેના સેકન્ડ ક્લાસની ચોથી સીટનો સિદ્ધાંત લાગુ પાડી શકાય. આવી વ્યક્તિઓ પોતાના પદનું રક્ષણ તો કરી શકતી હશે પણ સાથી કાર્યકરોમાં તેમના માટે આદર-માન રહેતાં નથી. આધ્યાત્મિક રીતે પણ આ વિશ્વમાં બહાર રહેવા કરતાં જાતને સંકોચીને ભીતરમાં વાસ કરવો વધુ ઇચ્છનીય છે. ખરેખર તો એ જ કરવા જેવું કામ છે.
ADVERTISEMENT
ક્યારેક બાહ્ય સંસારી લૌકિક વ્યવહાર સંકોચવો, સંકેલવો અને ભીતરમાં પ્રવેશ કરી આત્મામાં સ્થિર થવું એ જ શ્રેષ્ઠ જીવન માર્ગ છે. બહારના મંદિરના ઘંટારવો અને કોલાહલો કરતાં ભીતરની ઘંટડી, મધુર કલરવ અનેક ગણો શાંતિદાયક છે. આપણી જાતે સંકોચાઈને ભીતર તરફ વળીએ તો એક અજબ અનુભવ થશે.
-હેમંત ઠક્કર

