Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તમારી પ્રાણ ઊર્જાના સંવર્ધન માટે તિજોરી જેવું કામ કરે છે યોગની આ પદ્ધતિ

તમારી પ્રાણ ઊર્જાના સંવર્ધન માટે તિજોરી જેવું કામ કરે છે યોગની આ પદ્ધતિ

20 October, 2021 06:57 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

યોગમાં નવા હોય એ લોકો માટે ‘બંધ’ શબ્દ નવો હોઈ શકે છે, પરંતુ બહુ જ રહસ્યમયી ફાયદાઓ આપતા મુદ્રાના જ આ એક પ્રકારને અપનાવવા જેવો છે. બંધ એટલે શું, એના પ્રકાર કેટલા, એનાથી લાભ શું થાય એ બધું જ જાણીએ આજે

તમારી પ્રાણ ઊર્જાના સંવર્ધન માટે તિજોરી જેવું કામ કરે છે યોગની આ પદ્ધતિ

તમારી પ્રાણ ઊર્જાના સંવર્ધન માટે તિજોરી જેવું કામ કરે છે યોગની આ પદ્ધતિ


આપણી પાસે ટોટાલિટીમાં ઊર્જાનો જે સ્ટૉક છે એનો પૂરેપૂરો ઉપયોગ આપણે કરીએ છીએ? ઊર્જાનો સદુપયોગ આપણા થકી વધુ થાય છે કે દુરુપયોગ? ઊર્જાનો થોડામાં ઘણો ઉપયોગ શક્ય છે? ઓવરઑલ આપણી એનર્જી સિસ્ટમને લગતા આવા ઘણા સવાલો હોઈ શકે જેના જવાબો આપણે શોધીએ એટલા ઓછા છે. યોગવિદ્યામાં પ્રાણની ભરપૂર ચર્ચા થઈ છે. સરળ ભાષામાં પ્રાણ એટલે આપણા શરીરની ઊર્જા અથવા ઊર્જા પ્રદાન કરનારું તત્ત્વ. આ પ્રાણને રોકી શકાય, જે-તે સ્થાન પર અટકાવી શકાય એનું જ નામ છે બંધ. બંધ એટલે રોકવું, લૉક કરવું, અટકાવવું. તમને થશે જે એનર્જીને અથવા પ્રાણ ઊર્જાને આપણે જોઈ નથી શકતા એને રોકવી કેમ અને એને રોકવાનું પ્રયોજન પણ શું હોઈ શકે? યોગનાં પ્રાચીન પુસ્તકોમાં ‘બંધ’ વિશે વિગતવાર ચર્ચા છે. બંધને બદલે કોઈએ મુદ્રા શબ્દપ્રયોગ કર્યો છે, પરંતુ ઉલ્લેખ અને વિધિ સમાન છે. આજે પણ કુંભના મેળામાં જાઓ તો એવા ચમત્કારી હઠયોગીઓ તમને મળશે જેમણે બંધના ઉપયોગથી પ્રાણ ઊર્જાને વિશેષ સ્થાન ‌પર સ્થિર કરીને એ ભાગને અતિસક્રિય કર્યો હોય જે આપણા માટે સુપર નૅચરલ પાવર બની જાય. આજે પણ જેના માટે સૌથી વધુ ગ્લૅમર છે એવી વિશિષ્ટ ચૈતસિક શક્તિનો યોગીમાં ઉદ્ભવ કરાવતી કુંડલિની શક્તિને જાગ્રત કરવા માટે બંધ મોસ્ટ ‌ઇમ્પોર્ટન્ટ બાબત છે. આજે તમારા સ્થૂળ શરીર પર એટલે કે તમે જોઈ શકો છો એ હાથ, પગ, પેટ કે કરોડરજ્જુ પર પણ તમારો કન્ટ્રોલ નથી ત્યારે જે ઊર્જા તમે જોઈ નથ‌ી શકતા એ પ્રાણ ઊર્જા પર કન્ટ્રોલ લાવી શકાય છે બંધથી. એને રોકી શકાય. બંધ એટલે ઇન્ટરનલ લૉક. આ બંધના ઊંડાણને સમજવા માટે યોગના અગ્રણી નિષ્ણાત અને ઊંડા અભ્યાસી તેમ જ અત્યાર સુધી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સમાં સ્પીકર તરીકે હજારો લેક્ચર્ચ આપી ચૂકેલા ડૉ. ગણેશ રાઓ સાથે આ સંદર્ભમાં વાત કરીએ. 

Uddiyan Bandha



શું કામ ખાસ?
મોટા ભાગે શ્વસન અને પ્રાણાયામ સાથે હાથ સિવાય શરીરના વિવિધ હિસ્સાથી જે મુદ્રા કરીએ છીએ તે બંધ છે. આ સંદર્ભમાં ડૉ. ગણેશ કહે છે, ‘મુદ્રા એટલે તમે ઊર્જાને અમુક ક્ષેત્રમાં ડાઇવર્ટ કરો છો અથવા તો અમુક હિસ્સામાં ઊર્જાના ફ્લોને વધારો છો. બંધમાં આપણે એનર્જી ફ્લોને લૉક અથવા તો સીલ કરીએ છીએ. આ એક પ્રકારનું વૉલન્ટરી ન્યુરો મસ્ક્યુલર સીલ છે. એ શું લૉક કરે છે? તમારા પ્રાણના ફ્લોને એક ડિરેક્શનમાં સ્થિર કરે છે બંધ. પ્રાણાયામ તમારી પર્સનાલિટીના દરેક લેવલ પર ફાયદો કરે છે.  ફિઝિકલ, ફિઝિયોલૉજિકલ, મેન્ટલ અને સ્પિરિચ્યુઅલ બેનિફિટ્સ. બંધ વિના તમને માત્ર શારીરિક સ્તર પર જ ફાયદો થશે, પરંતુ જો તમે અધ્યાત્મિક સ્તર પર આગળ વધવા માગો છો તો તમારે પ્રાણાયામની પ્રૅક્ટિસમાં બંધનો ઉમેરો કરવો જોઈએ. અફકોર્સ, એવું નથી કે બંધ કરવાથી શારીરિક સ્તર પર કોઈ ફાયદો નથી. એના ફાયદા શરીર પર પણ છે; પરંતુ આધ્યાત્મિક દિશામાં, કુંડલિનીને જાગ્રત કરવા માટે બંધની પ્રૅક્ટિસ રેકમેન્ડ કરવામાં આવી છે. મોટા ભાગે આપણી ઇડા અને પીંગળા એટલે કે ડાબી અને જમણી નાડી ઍક્ટિવ હોય છે, પરંતુ બંધ દ્વારા તમે ઊર્જાને સુષુમ્ના તરફ લઈ જાઓ છો. એ દરેક ચક્રને કન્ફ્રન્ટ કરીને એટલે કે ચક્રભેદન દ્વારા એક પછી એક ઉપરના ચક્ર તરફ ગતિ કરીને ઊર્જા જ્યારે સૌથી ઉપરના ચક્ર તરફ પહોંચે છે ત્યારે મહર્ષિ પતંજલિની ધર્મમેઘ સમાધિ અથવા તો કુંડલિની જાગ્રત થાય છે.’


Jalandhar Bandha

પ્રકાર કેટલા છે?
ટોટલ પાંચ પ્રકાર છે બંધના, પરંતુ એમાં સૌથી વધુ ઉપયોગમાં હોય અને પૉપ્યુલર હોય એવા ચાર પ્રકાર છે. ડૉ. ગણેશ કહે છે, ‘મૂલ બંધ, ઉડ્ડિયાન બંધ, જાલંધર બંધ અને આ ત્રણેય બંધ સાથે કરો ત્યારે મહાબંધ બને. પાંચમો પ્રકાર છે જીહવા બંધ જેમાં તમે જીભને ઉપરના સૉફ્ટ તાળવા પર ફિક્સ કરો છો, પરંતુ એવું માનવામાં આવે છે કે જ્યારે પણ તમે જાલંધર બંધ કરો ત્યારે જીહવા બંધ અપને આપ લાગી જાય. મૂલ બંધ એટલે તમે તમારા જનનાંગ અને ગુદાદ્વારની વચ્ચે આવેલા ભાગને ઉપરની તરફ ખેંચો છો જેને અંગ્રેજીમાં પેરેનિયમ રિટ્રેક્શન લૉક કહેવાય છે. ઉડ્ડિયાન બંધમાં તમે તમારા ડાયાફ્રામ મસલને ઉપરની તરફ ખેંચો છે. એમાં પેટ તમે અંદર નથી ખેંચતા, પરંતુ છાતીનો હિસ્સો એક્સ્પાન્ડ થવાથી પેટ પોતાની મેળે જ અંદર જાય છે એટલે પેટનો હિસ્સો એકદમ રૂના પુમડાની જેમ સૉફ્ટ રહેશે. જાલંધર બંધમાં તમે તમારી ચિનને એટલે કે દાઢીના ભાગને ગરદન પર ફિક્સ કરો છો. પ્રાણાયામમાં આ ત્રણેય બંધને શ્વાસને અંદર રોકીને કરવામાં આવે છે. મહાબંધ એટલે કે આ ત્રણેય બંધ સાથે કરો છો ત્યારે શ્વાસ બહાર છોડીને કરવાનો હોય છે.’
ફાયદો શું થાય?


Dr. Ganesh Rao

દરેક બંધના ફિઝિકલ ફાયદા વિશે ડૉ. ગણેશ રાઓ પાસેથી જાણીએ.
મૂલ બંધ સેક્સ્યુઅલ ડિઝાયરને કન્ટ્રોલ કરે છે. એ સિવાય પાઇલ્સ, ફિશર જેવા રોગોમાં પણ ફાયદો કરે છે. મૂલ બંધ એનર્જી લેવલ ઉપર લાવવાનું કામ કરે છે. જે લોકો ડિપ્રેસ છે, એકલતામાં છે, સ્ટ્રેસમાં છે એ લોકો માટે મૂલબંધ બેસ્ટ કામ કરશે. જે લોકોનું પૉશ્ચર ખરાબ છે એ લોકો જો મૂલબંધ કરશે તો ઑટોમેટિક તેમનું પૉશ્ચર કરેક્ટ થઈ જશે. 
ઉડ્ડિયાન બંધ તમે છાતીને શ્વાસ અંદર ભરીને એક્સ્પાન્ડ કરો છો જેથી તમારું ઉદરપટલ ઉપર ખેંચાય છે અને પેટ અંદર જાય છે. આ બંધથી તમારા બધા જ પેટના હિસ્સામાં રહેલા મહત્ત્વપૂર્ણ અવયવોને મસાજ મળશે. કિડની, આંતરડાં, પેટ, લિવર, પૅન્ક્રિયાસ જેવાં ઇન્ટરનલ ઑર્ગન્સને મસાજ મળશે. 
એવી જ રીતે જાલંધરબંધ તમારી ચેતનાશક્તિને અંદરથી તરફ વાળવા માટે જબરદસ્ત કામ કરે છે. જ્યારે તમે સીધું સામે જુઓ છો ત્યારે તમારું કૉન્શિયસ માઇન્ડ કામ કરે છે, જ્યારે તમે ઉપર જુઓ છો ત્યારે તમારું સુપર કૉન્શિયસ માઇન્ડ કામ કરે છે. એટલે જ સેન્ચુરી માર્યા પછી ક્રિકેટર ઉપર જુએ છે જેને આપણે ભગવાન કહીએ છીએ એ સુપર કૉન્શિયસનેસ ઉપર જ છેને. જ્યારે કોઈ શરમાળ વ્યક્તિ હોય તો તે નીચે જુએ છે એટલે કે તે ઇન્ટ્રોવર્ટ અથવા તો આંતરમુખ તરફ વળે છે. જ્યારે તમે જાલંધર બંધ માટે ચિનને તમારા કૉલરબોન પર ફિક્સ કરો છો ત્યારે પ્રેશરને કારણે કેરોટિડ આર્ટરીને મળતો બ્લડ સપ્લાય ધીમો પડવાથી બ્રેઇનને બ્લડપ્રેશર બૅલૅન્સ કરવાનું સિગ્નલ મળે છે, થાઇરૉઇડ અને પૅરાથાઇરૉઇડ ગ્રંથિઓ સંતુલિત થાય છે. દરેક બંધમાં જે હિસ્સા એનાથી સંકળાયેલા છે એે ભાગમાં ફાયદો થવાનો જ છે. જોકે તેને ખોટી રીતે થાય તો ગેરફાયદા પણ છે. 

કરવો છે પ્રાણ ઊર્જાનો સાક્ષાત્કાર?

લૉકડાઉન શરૂ થયું છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં છેલ્લા ૧૯ મહિનામાં ૨૫૦થી વધુ પ્રાણાયામના સંપૂર્ણ નિ:શુલ્ક સેશન યોગનિષ્ણાત ડૉ. ગણેશ રાઓ ઝૂમ ઍપ પર લઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં તેમણે ૨૨,૦૦૦ સેશન્સ ટોટાલિટીમાં લીધાં છે. દર મંગળવારે, ગુરુવારે અને શનિવારે સાંજે સાડાચારથી સવાપાંચ વાગ્યા દરમ્યાન યોજાતા નિ:શુલ્ક પ્રાણાયામ ક્લાસમાં સરેરાશ દોઢસો લોકો પ્રાણાયામનો અને ધ્યાનનો અભ્યાસ તેમની સાથે કરે છે. પ્રાણ ઊર્જાના પાવરને અનુભવવા માટે તમે પણ ઝૂમ પર મીટિંગ આઇડી : 813   1991  3928 અને પાસવર્ડ : 020710 દ્વારા આ સૅશન જૉઇન કરી શકો છો.

Whatsapp-channel Whatsapp-channel

20 October, 2021 06:57 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK