મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વાઘેલા ગામની કીર્તિ પટેલ એક પછી એક સફળતાનાં પગથિયાં તો ચડી, પણ પછી છકી ગઈ
કીર્તિ પટેલ.
ટિક ટૉક ગર્લથી લઈને ઇન્સ્ટાગ્રામ સહિતનાં સોશ્યલ મીડિયામાં ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ બની ગયેલી અને ૧૩ લાખથી વધુ ફૉલોઅર્સ ધરાવતી કીર્તિ પટેલ કોણ છે જેણે બે કરોડ રૂપિયાની ખંડણી માગવાના કેસમાં જેલભેગી થવું પડ્યું
કીર્તિ પટેલ.
ADVERTISEMENT
સોશ્યલ મીડિયા સાથે જોડાયેલા લોકો માટે આ નામ આમ તો જરાય નવું નથી. મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વાઘેલા ગામની આ છોકરી સોશ્યલ મીડિયામાં એક પછી એક સફળતાનાં પગથિયાં તો ચડી, પણ આ ચહેરો ટિક ટૉક ગર્લથી લઈને ઇન્સ્ટાગ્રામ સહિતના સોશ્યલ મીડિયામાં ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ બનીને રહી ગયો. આજે સ્થિતિ એ આવી કે સોશ્યલ મીડિયામાં ૧૩ લાખથી વધુ ફૉલોઅર્સ ધરાવતી કીર્તિ પટેલને બે કરોડ રૂપિયાની ખંડણી માગવાના કેસમાં સુરતની લાજપોર જેલભેગા થવું પડ્યું છે ત્યારે આપણને થાય કે આ કીર્તિ પટેલ છે કોણ? સોશ્યલ મીડિયામાં ચમકીને લાખ્ખો ફૉલોઅર્સ મેળવનારી આ વ્યક્તિનું કેવી રીતે પતન થયું?
પ્રસિદ્ધિ પચાવવી બહુ જ મુશ્કેલ
પ્રસિદ્ધિ પચાવવી બહુ જ મુશ્કેલ છે. સફળતામાં જે વ્યક્તિ છકી નથી જતી અને પગ ધરતી પર રાખે છે તે આસમાનને આંબે છે, પણ પ્રસિદ્ધિ મળ્યા પછી જેના પગ જમીન પર ટકતા નથી તેના માટે આગળનો રસ્તો મુશ્કેલ બની રહે છે. કદાચ આવું જ કંઈક કીર્તિ અડાલજા ઉર્ફે કીર્તિ પટેલના કેસમાં બન્યું હોઈ શકે છે. સોશ્યલ મીડિયામાં ટિક ટૉક ગર્લ તરીકે ચમક્યા બાદ ટેક્નૉલૉજીના આ પ્લૅટફૉર્મ પર કીર્તિ પટેલને એક પછી એક સફળતા મળતી ગઈ. ધીરે-ધીરે તેના ફૉલોઅર્સ વધતા ગયા, પણ કદાચ તેનો રસ્તો ફંટાઈ ગયો. કીર્તિ પટેલ તેના નામથી સોશ્યલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ તેમ જ યુટ્યુબ પ્લૅટફૉર્મ પર રીલ્સ, વિડિયો, શૉર્ટ્સ, લાઇવ વિડિયો સહિતની સામગ્રી મૂકીને લોકોનું ધ્યાન આકર્ષવામાં સફળ રહી છે. તેણે ભગવાનની, સાપને બચાવતી, ટ્રૅફિકના સંદર્ભમાં જાગૃતિના ફેલાવતી, ગરબાની, ગીતોની રીલ્સ અપલોડ કરી છે. એની સાથે-સાથે છેલ્લા કેટલાક સમયથી વિવાદાસ્પદ રીલ્સ તેમ જ અભદ્ર ભાષાપ્રયોગ સાથેના લાઇવ વિડિયો મૂકીને તે ચર્ચામાં આવી છે અને પોલીસકેસ પણ થયા છે. એટલું જ નહીં, સુરતમાં ખંડણી માગવાના કેસમાં તેણે છેલ્લા એક વર્ષથી પોલીસથી નાસતા ફરવુ પડ્યું હતું અને છેવટે તેની ધરપકડ થઈ છે.
મસાલેદાર પ્રોફાઇલ
મૂળ ગુજરાતના સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના વાઘેલા ગામની અને છેલ્લા કેટલાક સમયથી સુરતમાં રહેતી કીર્તિ પટેલને સોશ્યલ મીડિયામાં સફળતા મળ્યા બાદ કેવી રીતે વિવાદાસ્પદ રસ્તા તરફ આગળ વધી અને ખંડણી માગવા સુધીની નોબત આવી એ વિશે સુરતના કાપોદ્રા પોલીસ-સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ-ઇન્સ્પેક્ટર એમ. આર. સોલંકી ‘મિડ-ડે’ને કહે છે, ‘કીર્તિ પટેલનો સોશ્યલ મીડિયાનો પ્રોફાઇલ જોશો તો થોડો અંદાજ આવી જશે. તે પોતાની ટીમનો રૉન્ગ ડિરેક્શનમાં ઉપયોગ કરે છે. સસ્તી પ્રસિદ્ધિવાળા લોકો હોય તેઓ કોઈના વિશે ગમે એમ એલફેલ બોલે અને સોશ્યલ મીડિયાના ઑડિયન્સને પણ આવો મસાલો જોઈએ. આ કીર્તિ પટેલના મેજોરિટી વિડિયો એવા જ છે. વ્યુઅરશિપ માટે ફની વિડિયો બનાવતી હોય તેઓ પણ આવા હશે. નૉર્મલ વ્યક્તિ બનાવે એ રીતે નહીં, પણ સસ્તી પ્રસિદ્ધિની ડેફિનેશનમાં આવી શકે એ પ્રકારનું કન્ટેન્ટ તેનું હોય છે.’
સુરતના કાપોદ્રા પોલીસ-સ્ટેશનમાં કીર્તિ પટેલ.
વિવાદાસ્પદ કૅરૅક્ટર
લાખ્ખોની સંખ્યામાં જે વ્યક્તિના ફૉલોઅર્સ હોય એમ છતાં અવળે રસ્તે કેમ ચાલવું પડે? એની પાછળનું સાઇકોલૉજિકલ કારણ શું હોઈ શકે? આવો વિચાર સ્વાભાવિક રીતે આવે ત્યારે આ મુદ્દે એમ. આર. સોલંકી કહે છે, ‘તેના ફૉલોઅર્સ મિલ્યન્સમાં હશે, પણ ઍક્ચ્યુઅલી તેણે પહેલાં નાના લેવલે શરૂ કર્યું હતું. કોઈને ગમે એમ બદનામ કરી દેવા, કોઈના વિશે ગમે એમ બોલીને વિડિયો ડિલીટ કરવાના પૈસા માગવા. ધીરે-ધીરે લાઇફસ્ટાઇલ બદલાતી જાય. આટલા બધા ફૉલોઅર્સ હોય એટલે તમારે સારાં કપડાં પહેરવાં પડે, બીજો ખર્ચો થાય એ ક્યાંથી ભેગો કરવો? કેમ કે ઘરમાંથી તેને કાઢી મૂકી હતી. આટલા ફૉલોઅર્સ વચ્ચે અપશબ્દો બોલે તેમ જ તેનાં બીજાં ઘણાંબધાં ડાર્ક સીક્રેટ છે. ગમે એ કરે, વિવાદ ઊભો થાય. તેનું કૅરૅક્ટર વિવાદાસ્પદ રહ્યું છે.’
ઇન્ફ્લુએન્સર હોય કે પછી પોલીસ ઑફિસર, બધા માટે કાયદો સમાન
સફળતાના એક લેવલે પહોંચેલી વ્યક્તિ આવું કરી શકે? એવો પ્રશ્ન મનમાં ઊઠવો સ્વાભાવિક છે ત્યારે એની પાછળ શું હોઈ શકે એ વિશે વાત કરતાં સુરતના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP) ઝોન વન, આલોકકુમાર ‘મિડ-ડે’ને કહે છે, ‘કીર્તિ પટેલ સોશ્યલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર ઍક્ટિવ રહે છે. તેની સામે હનીટ્રૅપિંગ અને લૅન્ડગ્રૅબિંગનો મામલો છે અને હાલમાં તે જુડિશ્યલ કસ્ટડીમાં છે. હું માનું છું કે એન્ડ ઑફ ધ ડે બધા પૈસા કમાવા મહેનત કરે છે. મતલબ કે કોઈ મહેનત કરીને પૈસા કમાય છે, કોઈ સોશ્યલ મીડિયા થ્રૂ કમાય છે; પણ લૉને બાઉન્ડ ન કરવો જોઈએ. બધા માટે રૂલ્સ સરખા છે. ઇન્ફ્લુએન્સર હોય કે પછી પોલીસ ઑફિસર હોય, બધા માટે કાયદો સમાન છે એટલે એક લિમિટમાં રહીને સોશ્યલ મીડિયામાં રહો. ઇન્સ્ટાગ્રામ સહિતના સોશ્યલ મીડિયામાં કીર્તિ પટેલ કરતાં પણ વધુ ફૉલોઅર્સ બહુબધાને છે, પણ તેઓ કાયદો નથી તોડતા. જે કાયદો તોડશે અને ફરિયાદ આવશે તો પોલીસ કાર્યવાહી કરશે. બહુબધા લોકો સારી કન્ટેન્ટ બનાવે છે અને એનાથી તેમનું ભરણપોષણ પણ કરી રહ્યા છે તો એમાં કંઈ ખોટું નથી. જોકે કોઈનું એક્સ્ટૉર્શન કરવું, હનીટ્રૅપ કરવું, મકાન ગ્રૅબ કરવું આ બધાં કામ સોશ્યલ મીડિયા થ્રૂ કરો છો તો પોલીસ ઍક્શન લેશે. હું તો આજના યંગસ્ટર્સને મેસેજ આપીશ કે તમે ભલે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ સહિતનાં સોશ્યલ મીડિયા યુઝ કરો; પણ એ કાયદામાં રહીને કરશો તો કોઈ કશું બોલશે નહીં.’
સુરતનો કેસ શું હતો?
સુરતના કાપોદ્રા પોલીસ-સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ સુરતના એક ફરિયાદી પાસેથી વિજય સવાણીએ પૈસા કઢાવવા માટે કીર્તિ પટેલ તેમ જ તેના મળતિયાઓ સાથે મળીને કાવતરું ઘડ્યું હતું. કાવતરાના ભાગરૂપે કીર્તિ પટેલે તેના ઇન્સ્ટાગ્રામ સોશ્યલ મીડિયામાં અલગ-અલગ લોકો સાથે લાઇવ કરી ફરિયાદી તથા તેના પરિવારને ભૂંડી ગાળો બોલીને આખા પરિવારને બદનામ કરવાની તથા મરાવી નાખવાની ધમકીઓ આપતા વિડિયો મૂક્યા હતા. જાનવી ઉર્ફે મનીષા ગૌસ્વામી તથા જહાંગીર ખાન ઉર્ફે જાકીર અલ્લારખા પઠાણ સાથે મળીને વિજય સવાણી અને કીર્તિ પટેલ સાથે સમાધાન કરવા ફરિયાદીને કોસમાડી પાટિયા ખાતે આવેલા સિલ્વર ફાર્મમાં બોલાવીને ઠંડા પીણામાં દારૂ પીવડાવ્યા બાદ એક કરોડ રૂપિયામાં સમાધાન કરાવી આપવાનું કહીને ફરિયાદીની જાણ બહાર હાઇડ કૅમેરામાં ફોટો તથા વિડિયો બનાવી બે કરોડ રૂપિયા સમાધાનના માગ્યા હતા. જો રૂપિયા નહીં આપે તો ફોટો-વિડિયો ઇન્સ્ટાગ્રામમાં વાઇરલ કરી વિજય સવાણીએ રૂપિયાની માગણી કરી હતી. કીર્તિ પટેલ ઇન્સ્ટાગ્રામ લાઇવમાં ગાળો બોલી નાની દીકરીઓ સાથે બળાત્કાર કર્યો છે એવી ફરિયાદી તથા તેની પત્નીના ફોટો ક્યાંકથી મેળવી એના પર ખરાબ લખાણની સ્ટોરીઓ મૂકી ખોટા બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકીઓ આપી વિજય સવાણીને પૈસા આપી દેવા તથા મારી નાખવાની ધમકીભર્યા ફોન કીર્તિ પટેલ તથા અલગ-અલગ અજાણ્યા લોકોએ કરી ડરાવવા-ધમકાવવા રૂપિયા આપી દેવા દબાણ કરતી હોવાની ફરિયાદ કરતાં પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
આરામ કરતી હતી ત્યારે સુરત પોલીસે ઝડપી લીધી
છેલ્લા એક વર્ષથી નાસતી ફરતી કીર્તિ પટેલને ઝડપી લેવા માટે સુરત પોલીસ પ્રયાસ કરી રહી હતી. ખંડણીના કેસમાં પોલીસે અન્ય આરોપીઓને પકડી લીધા છે એ કીર્તિ પટેલ જાણતી હોવાથી તે નાસતી ફરતી હતી. પોલીસ-ઇન્સ્પેક્ટર એમ. આર. સોલંકીએ કહ્યું હતું કે ‘કીર્તિ પટેલ છેલ્લા એક વર્ષથી નાસતી ફરતી હતી અને મોબાઇલ બદલી નાખતી હતી. કોઈક વાર સિમ કાર્ડ રિક્ષાવાળાના નામે હોય તો કોઈ બીજાનું હોય. થોડા-થોડા ટાઇમે બધું બદલી નાખતી હતી. જોકે તે સોશ્યલ મીડિયામાં ઍક્ટિવ હતી. એમાં એક વખત તેનું IP એક જગ્યાએ સતત રહેતું જોવા મળ્યું એટલે ફિક્સ થઈ ગયું કે કીર્તિ પટેલ આટલામાં ક્યાંક છે. એના આધારે કીર્તિ પટેલને ઝડપી લેવા માટે લેટ નાઇટ પ્લાન ઘડ્યો અને સુરતથી પોલીસની ટીમ તેને પકડવા માટે અમદાવાદ રવાના થઈ હતી. અમદાવાદના સરખેજ વિસ્તારમાં કીર્તિ પટેલ હોવાની ચોક્કસ માહિતીના આધારે એક ઘરમાં કીર્તિ પટેલ આરામ કરતી હતી ત્યારે જ પોલીસ પહોંચી ગઈ અને કીર્તિ પટેલ કંઈ સમજે એ પહેલાં જ તેને ઝડપી લઈને ૧૮ જૂને સુરત આવી ગયા હતા.’
ગુનાહિત ઇતિહાસઃ ૧૦ જેટલી ફરિયાદોમાં ગુના નોંધાયા
કીર્તિ પટેલ સામે ગુજરાતનાં જુદાં-જુદાં પોલીસ-સ્ટેશનોમાં ૧૦ જેટલી ફરિયાદ થઈ છે અને ગુના નોંધાયા છે. ૨૦૧૭થી તેની સામે ગુના નોંધાયા છે. માણસા પોલીસ-સ્ટેશન, ચાણસ્મા પોલીસ-સ્ટેશન, અમરેલી પોલીસ-સ્ટેશન, ભેસાણ પોલીસ-સ્ટેશન, અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ-સ્ટેશનમાં બે ગુના, પુણા પોલીસ-સ્ટેશન, કામરેજ પોલીસ-સ્ટેશન, ડુમસ પોલીસ-સ્ટેશનમાં ગુના નોંધાયા છે. એમાં ધાકધમકી, શાંતિનો ભંગ કરવા ઉશ્કેરવાના ઇરાદાથી ઇરાદાપૂર્વક અપમાન કરવું, ગેરવસૂલી, ખંડણી, પ્રોહિબિશન ઍક્ટ સહિતના જુદા-જુદા ગુના અલગ-અલગ પોલીસ-સ્ટેશનોમાં નોંધાયા છે.

