પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટરો પણ જોડાશે : ઈ-ચલાનની હેરાનગતિ બંધ કરવાની માગણી
પ્રતીકાત્મક તસવીર
પૅસેન્જર વાહનોના ડ્રાઇવરોને ટ્રાફિક-પોલીસ અને ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા દ્વારા વધુ પડતાં ચલાનો આપવામાં આવે છે એટલે ઈ-ચલાન રદ કરવાની માગણી સાથે મહારાષ્ટ્રમાં સ્કૂલ-બસ સહિત પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટર્સે આવતી કાલથી બેમુદત હડતાળ પર ઊતરવાની જાહેરાત કરી છે. એને કારણે ખાસ તો વિદ્યાર્થીઓ અને વાલીઓને હાલાકી ભોગવવી પડશે. અગાઉ પહેલી જુલાઈએ હડતાળની જાહેરાત બાદ ઈ-ચલાન અને ઇન્ફ્રાસ્ટ્રકચરને લગતા મુદ્દે સરકારે સમિતિની રચના કરીને ઉકેલ લાવવાનું આશ્વાસન આપતાં હડતાળ પાછી ખેંચી લેવાઈ હતી.
મહારાષ્ટ્રના સ્કૂલ-બસ ઓનર્સ અસોસિએશનના અધ્યક્ષ અનિલ ગર્ગે ‘મિડ–ડે’ને જણાવ્યું હતું કે ‘સરકારે સમિતિની રચના તો કરી પણ એક મહિનામાં રિપોર્ટ આવશે પછી એના પર ચર્ચા કરશે અને ત્યાર પછી પણ અમારી માગણી પૂરી થશે કે કેમ એની ખબર નથી. આ તો વિધાનસભાના ચોમાસુ સત્ર દરમ્યાન હડતાળ ન પડે એટલે અમને સમિતિ રચી હોવાનું આશ્વાસન આપવામાં આવ્યું, પણ શું કોઈ નિર્ણય લેવામાં આવે ત્યાં સુધી અમારા પર આવતાં ચલાન બંધ કરશે સરકાર? એટલે જ આવાં ઠાલાં આશ્વાસનોથી ભરમાવાને બદલે અમે હડતાળ પર ઊતરવાનો રસ્તો અપનાવ્યો છે.’
ADVERTISEMENT
ઈ-ચલાન બાબતે સ્કૂલ-બસ ડ્રાઇવરોની સમસ્યા જણાવતાં અનિલ ગર્ગે વધુમાં કહ્યું હતું કે ‘સ્કૂલ-બસમાં બાળકને પિક-અપ કે ડ્રૉપ કરવામાં બે મિનિટ પણ જો રસ્તા પર રાહ જોવી પડે તો પણ અમને ચલાન મળે છે. પહેલાં તો ટ્રાફિક-પોલીસ જ ચલાન આપતી હતી, હવે તો પોલીસ પણ નો-પાર્કિંગનું બોર્ડ ન હોય તો પણ ચલાન પકડાવી દે છે. આ સમસ્યા માત્ર અમારી જ નથી. દરેક ટ્રાન્સપોર્ટરને વધુ પડતાં ઈ-ચલાન સામે વાંધો છે.’

