૧૯૭૭માં ‘ફિયાલો ટ/જ બેલે’ આ કેસમાં બંધારણની આ કલમને માન્ય રાખતાં કોર્ટે જણાવ્યું છે કે ઇમિગ્રેશનને લગતી બાબતોમાં કૉન્ગ્રેસને જ સત્તા છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે સતત આ વાત માન્ય રાખી છે.
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાના બંધારણના પ્રથમ આર્ટિકલની ૮મી કલમ જણાવે છે કે ઇમિગ્રેશનનો કાયદો કૉન્ગ્રેસના હાથમાં છે. ૧૯૭૭માં ‘ફિયાલો ટ/જ બેલે’ આ કેસમાં બંધારણની આ કલમને માન્ય રાખતાં કોર્ટે જણાવ્યું છે કે ઇમિગ્રેશનને લગતી બાબતોમાં કૉન્ગ્રેસને જ સત્તા છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે સતત આ વાત માન્ય રાખી છે.
૧૯૯૦માં અમેરિકાની કૉન્ગ્રેસે ‘EB-5 પ્રોગ્રામ’ દાખલ કર્યો. ૨૦૨૨માં આ EB-5 પ્રોગ્રામને ‘ધ EB-5 રિફૉર્મ ઍન્ડ ઇન્ટિગ્રિટી ઍક્ટ’ ઘડીને ૨૦૨૭ સુધી ફરી માન્યતા આપીને લંબાવવામાં આવ્યો છે.
ADVERTISEMENT
પ્રેસિડન્ટ ટ્રમ્પે હમણાં જાહેરાત કરી કે તેઓ EB-5 પ્રોગ્રામને રદ કરશે. એને બદલે ગોલ્ડ કાર્ડ દાખલ કરશે, જે કોઈ પણ પરદેશી અમેરિકાની સરકારને પચાસ લાખ ડૉલર આપશે તેને ગ્રીન કાર્ડ આપવામાં આવશે.
પ્રેસિડન્ટ ટ્રમ્પની આ જાહેરાત અનેકોને વાજબી નથી લાગી.
જેમણે EB-5 પ્રોગ્રામ હેઠળ રોકાણ કર્યું છે, પણ હજી સુધી ગ્રીન કાર્ડ પ્રાપ્ત થયાં નથી અથવા જેમણે ફક્ત બે વર્ષની મુદતનાં કન્ડિશનલ ગ્રીન કાર્ડ પ્રાપ્ત થયાં છે તેમ જ જેઓ EB-5 પ્રોગ્રામ હેઠળ રોકાણ કરવાની પ્રબળ ઇચ્છા ધરાવે છે અને રોકાણની રકમ ભેગી કરવામાં લાગ્યા છે અને પોતાના લાભ માટે EB-5 પ્રોગ્રામ હેઠળ પિટિશન દાખલ કરવાની તૈયારીમાં પડ્યા છે તેઓ અવઢવમાં પડ્યા છે.
ટ્રમ્પ તેમનો આ જે વિચાર છે એ જો ખરેખર અમલમાં મૂકશે અને રોકાણ દ્વારા મળતું ગ્રીન કાર્ડ બંધ કરાવશે અને ગોલ્ડ કાર્ડ દાખલ કરશે તો એને જરૂરથી કોર્ટમાં પડકારવામાં આવશે. કોર્ટ લગભગ ટ્રમ્પનું ગ્રીન કાર્ડ રદ કરવાનો અને ગોલ્ડ કાર્ડ દાખલ કરવાનો નિર્ણય ગેરકાનૂની ઠરાવશે, પણ ત્યાં સુધી લાગતા-વળગતાઓએ ચિંતા કરવાની જરૂર નથી. જેમણે EB-5 પ્રોગ્રામ હેઠળ રોકાણ કરી દીધું છે, જેમને બે વર્ષની મુદતનું કન્ડિશનલ ગ્રીન કાર્ડ પ્રાપ્ત પણ થયું છે, જેમણે તેમનું ગ્રીન કાર્ડ કાયમની કરવાની અરજી કરી છે અથવા તો જેઓ હવે પછી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ પહેલાં રોકાણ કરીને તેમના લાભ માટે EB-5 પ્રોગ્રામ હેઠળ અપાતા ગ્રીન કાર્ડ માટે પિટિશન દાખલ કરી દેશે તો તેમને ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી.
જો તમે EB-5 પ્રોગ્રામનો લાભ લેવા ઇચ્છતા હો અને હજી સુધી રોકાણ કર્યું ન હોય અથવા તો રોકાણ કર્યું હોય પણ તમારા લાભ માટે પિટિશન દાખલ કરવામાં આવી ન હોય તો વહેલી તકે એ દાખલ કરાવી દો. યાદ રાખો, ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ પહેલાં જો રોકાણ કર્યું હશે અને પિટિશન દાખલ કરવામાં આવી હશે તો પ્રેસિડન્ટ ટ્રમ્પ ગમે તે એક્ઝિક્યુટિવ ઑર્ડર બહાર પાડે, તમારી પિટિશન અપ્રૂવ થતાં તમને ગ્રીન કાર્ડ આપવામાં આવશે.

