વહેલી સવારની ઘટનામાં રાજ્યના પરિવહનની બસ બોલેરો સાથે ટકારાયા બાદ એક પ્રાઇવેટ બસ પણ સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસને અથડાઈ
બુલડાણા જિલ્લામાં ખામગાવ-શેગાવ હાઇવે પર રોડ-અકસ્માત થયો હતો
બુલડાણા જિલ્લામાં ખામગાવ-શેગાવ હાઇવે પર ગઈ કાલે વહેલી સવારે ચાર અને પાંચ વાગ્યાની વચ્ચે રોડ-અકસ્માત થયો હતો, જેમાં પાંચ લોકોના જીવ ગયા હતા અને ૧૨ જણને ઈજા પહોંચી હતી. પોલીસના જણાવ્યા મુજબ મહારાષ્ટ્ર રાજ્યના પરિવહન વિભાગની બસ સાથે વહેલી સવારે એક બોલેરો જીપ ટકરાઈ હતી. બોલેરો જીપ અમરાવતીમાં આવેલા પરટવાડાથી પુણેની દિશામાં જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો, જેમાં જીપમાં બેસેલા ચાર લોકોનાં ઘટનાસ્થળે મૃત્યુ થયાં હતાં. હાઇવે પર બચાવકામ અને વાહનોને હટાવવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે પૂરઝડપે જઈ રહેલી એક પ્રાઇવેટ બસે પરિવહનની બસને પાછળથી ટક્કર મારતાં બસમાં પ્રવાસ કરી રહેલી એક મહિલાનું મૃત્યુ થયું હતું. મૃતદેહોને પોસ્ટમૉર્ટમ કરવા માટે મોકલી દેવામાં આવ્યા હતા અને ઘાયલ થનારા ૧૨ લોકોને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
ADVERTISEMENT
અકસ્માતમાં બોલેરો જીપની સાથે બન્ને બસનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. બસ સાથે ટકરાયા બાદ બોલેરો જીપ રસ્તાની બાજુમાં આવેલા ઝાડ સાથે અથડાઈ હતી.

