Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > વિઠ્ઠલ-રુક્મિણીનાં દર્શન કરવા પંઢરપુર ન જઈ શકો તો વડાલાના પ્રતિ પંઢરપુર પહોંચજો

વિઠ્ઠલ-રુક્મિણીનાં દર્શન કરવા પંઢરપુર ન જઈ શકો તો વડાલાના પ્રતિ પંઢરપુર પહોંચજો

Published : 25 July, 2026 02:34 PM | Modified : 25 July, 2026 04:46 PM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

મહારાષ્ટ્રની સંસ્કૃતિ અને લોકજીવનમાં અષાઢી એકાદશીનું સ્થાન સૌથી ઉપર છે. વારકરી સંપ્રદાય માટે આ દિવસ મહાપર્વ હોય છે ત્યારે વડાલાના કાત્રક રોડ પર આવેલા ૪૧૦ વર્ષ જૂના વિઠ્ઠલ-રુક્મિણી મંદિરનો રસપ્રદ ઇતિહાસ અને અહીંની પરંપરાઓ જાણવા જેવાં છે

વિઠ્ઠલ-રુક્મિણીનાં દર્શન કરવા પંઢરપુર ન જઈ શકો તો વડાલાના પ્રતિ પંઢરપુર પહોંચી જજો

વિઠ્ઠલ-રુક્મિણીનાં દર્શન કરવા પંઢરપુર ન જઈ શકો તો વડાલાના પ્રતિ પંઢરપુર પહોંચી જજો


અષાઢી એકાદશી આવે એટલે મહારાષ્ટ્રનું વાતાવરણ ભક્તિમય બની જાય છે. ધાર્મિક અને પૌરાણિક માન્યતા અનુસાર અષાઢી એકાદશીનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્ત્વ છે. એવું માનવામાં આવે છે કે અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ૪ મહિના માટે ક્ષીરસાગરમાં યોગનિદ્રામાં વિરાજમાન થાય છે. વિષ્ણુથી પોઢી જાય ત્યારે ચાતુર્માસની શરૂઆત થાય છે. તેઓ ૪ મહિના પછી ઊઠે છે એટલે આ ૪ મહિનાના સમયગાળાને ચાતુર્માસ કહેવામાં આવે છે. અષાઢી એકાદશીને દેવપોઢી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે.
મહારાષ્ટ્રમાં ખાસ તો પંઢરપુરની વારી યાત્રાનું વિશેષ મહત્ત્વ હોય છે. વારકરી પરંપરા મુજબ આ જ દિવસે ભગવાન વિષ્ણુ વિઠ્ઠલ સ્વરૂપે પોતાના પરમ ભક્ત પુંડલિકની નિઃસ્વાર્થ પિતૃસેવા અને ભક્તિથી પ્રસન્ન થઈને તેમને દર્શન આપવા પંઢરપુર આવ્યા હતા. એ સમયે પુંડલિક પોતાનાં માતા-પિતાની સેવામાં વ્યસ્ત હોવાથી તેમણે ભગવાનને થોડી ક્ષણ રાહ જોવા માટે એક ઈંટ આપી હતી. ભગવાન ભક્તની ભક્તિથી પ્રસન્ન થઈને એ ઈંટ પર ઊભા રહ્યા અને પુંડલિકને દર્શન આપ્યાં. ત્યારથી વિઠ્ઠલ ભગવાનનું ઈંટ પર ઊભેલું સ્વરૂપ પ્રસિદ્ધ બન્યું અને અષાઢી એકાદશી વિઠ્ઠલભક્તો માટે સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે.
વારકરી સંપ્રદાયમાં અષાઢી એકાદશીના અવસરે પંઢરપુર અથવા પ્રતિ પંઢરપુર તરફ નીકળતી પગપાળા યાત્રાને વારી કહેવામાં આવે છે, જ્યારે એમાં ભાગ લેનારા ભક્તોને વારકરી. યાત્રા દરમ્યાન ભજન-કીર્તન કરતા તથા તાલ-મૃદંગના નાદ સાથે આગળ વધતા ભક્તોના નાના-મોટા સમૂહને ડીંડી કહેવામાં આવે છે. આ યાત્રામાં તમામ વારકરીઓ જાતિ, વર્ગ કે આર્થિક સ્થિતિના કોઈ પણ ભેદભાવ વગર એકબીજાને પ્રેમથી માઉલી કહીને સંબોધે છે જે વારકરી સંપ્રદાયમાં સમાનતા અને ભક્તિનું પ્રતીક માનવામાં આવે છે.
દેવપોઢી એકાદશીએ પંઢરપુર જવાની ઇચ્છા જાગે એ સ્વાભાવિક છે. પંઢરપુરની યાત્રા છે જ એટલી અદ્ભુત. જોકે ત્યાં જવાનું શક્ય ન હોય તો મુંબઈના વડાલામાં આવેલું શ્રી વિઠ્ઠલ રખુમાઈનું પ્રતિ પંઢરપુર મંદિર પણ શ્રદ્ધાળુઓ માટે પંઢરપુર સમાન છે. અહીં પણ પંઢરપુર જેવું જ આધ્યાત્મિક વાતાવરણ સર્જાય છે. તાલ અને મૃદંગના નાદ સાથે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિ ઓમ વિઠ્ઠલાનો જયઘોષ ગુંજે ત્યારે ભક્તો ભક્તિમાં લીન થઈ જાય છે. વડાલાના કાત્રક રોડ પર આવેલું આ ઐતિહાસિક મંદિર જો તમે હજી સુધી ન જોયું હોય તો એક વખત જરૂર મુલાકાત લેવા જેવી જગ્યા છે.
ચાર સદી જૂનો ઇતિહાસ
આ મંદિરને પ્રતિ પંઢરપુર નામ એટલા માટે આપવામાં આવ્યું છે કે જે ભક્તો કોઈ કારણસર પંઢરપુર જઈ શકતા ન હોય તેઓ અહીં આવીને વિઠ્ઠલ-રુક્મિણીનાં દર્શન કરી શકે. આ જ ભાવના સાથે આશરે ૪૧૦ વર્ષ પહેલાં આ મંદિરની સ્થાપના થઈ હોવાનું માનવામાં આવે છે. મંદિરની પરંપરા મુજબ સત્તરમી સદીના ભક્તિ-આંદોલનના મહાન સંત તુકારામ મહારાજ પોતાના મીઠાના વેપારના કામસર મુંબઈ આવ્યા હતા. આ દરમ્યાન તેઓ વડાલાના આ વિસ્તારમાં આવેલા આવળા અને વડના વૃક્ષ નીચે બેસીને કીર્તન અને અભંગ ગાતા હતા. તેમના દ્વારા જ અહીં ભક્તિનો પાયો નખાયો હોવાનું માનવામાં આવે છે.
લોકવાયકા મુજબ મોગલકાળ દરમ્યાન મંદિરો પર થતાં આક્રમણોથી વિઠ્ઠલ ભગવાનની મૂર્તિ સુરક્ષિત રહે એ માટે પંઢરપુરના ભક્તોએ એને ચંદ્રભાગા નદીમાં પધરાવી દીધી હતી. બાદમાં વડાલાના કેટલાક ભક્તો પંઢરપુર યાત્રાએ ગયા ત્યારે તેમને આ મૂર્તિ નદીમાંથી મળી આવી હતી. તેઓ મૂર્તિને મુંબઈ લાવ્યા, જ્યાં સંત તુકારામ મહારાજે એની સ્થાપના કરી હોવાનું મંદિરની પરંપરામાં જણાવાય છે. વિઠ્ઠલ ભગવાનની સાથે પૂજાતાં રુક્મિણી માતાને મહારાષ્ટ્રમાં ભક્તો પ્રેમથી રખુમાઈ તરીકે 
સંબોધે છે.
શા માટે કહેવાય છે પ્રતિ પંઢરપુર?
જૂના સમયમાં પંઢરપુર સુધીની યાત્રા સામાન્ય ભક્તો કે મુંબઈના શ્રમિકો માટે આર્થિક અને શારીરિક રીતે શક્ય નહોતી. એથી વારકરી સંપ્રદાયના ભક્તો માટે વડાલાનું આ મંદિર જ પંઢરપુરના વિકલ્પરૂપ તીર્થ બની ગયું અને ધીમે-ધીમે પ્રતિ પંઢરપુર તરીકે ઓળખાવા લાગ્યું. આજે પણ અહીં પંઢરપુરની જેમ જ અષાઢી અને કાર્તિકી એકાદશીના અવસરે ભવ્ય ઉજવણી અને મેળાનું આયોજન થાય છે. આ ઉપરાંત મંદિરનો વાર્ષિક મહોત્સવ મહાવીર જયંતીના દિવસે આવતો હોવાથી ત્યારે પણ વિશેષ પૂજા-અર્ચના સાથે ઉજવણી થાય છે. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાંથી હજારો વારકરી તાલ-મૃદંગના નાદ સાથે અહીં પહોંચે છે અને વિઠ્ઠલ-રુક્મિણીનાં દર્શન કરીને ભક્તિરસમાં લીન થઈ જાય છે.
મંદિરનું સંચાલન અત્યારે ટ્રસ્ટીમંડળના પ્રમુખ ઉદય દીઘે, સચિવ પ્રશાંત મ્હાત્રે, ખજાનચી નીતિન મ્હાત્રે અને સભાસદ ઉદય મ્હાત્રે કરે છે. ઉદય મ્હાત્રે કહે છે, ‘મૂળ પંઢરપુરના મંદિરમાં ભગવાન વિઠ્ઠલ અને માતા રુક્મિણીજીનાં ગર્ભગૃહ અલગ-અલગ છે, પરંતુ વડાલાના આ મંદિરમાં ભગવાન વિઠ્ઠલ અને માતા રુક્મિણીજી એક જ ગર્ભગૃહમાં એકસાથે વિરાજમાન છે જે અહીંના સ્થાપત્યની સૌથી મોટી વિશેષતા છે. મૂર્તિનું તેજ અને સૌંદર્ય પ્રથમ દર્શને જ ભક્તોને આકર્ષી લે છે, પણ મંદિર પ્રશાસન દ્વારા મૂર્તિ પર કોઈ કૃત્રિમ રંગ કે ચમક આપવામાં આવતાં નથી. વિઠ્ઠલ-રુક્મિણી ઉપરાંત અહીં ગણપતિબાપ્પા, ગુરુદેવદત્ત, સપ્તશૃંગી માતા, ખડાહનુમાન, બાળહનુમાન, કાળભૈરવ, શનિદેવ અને શંકર-પાર્વતીનાં નાનાં મંદિરો પણ આવેલાં છે.’
દેવપોઢી એકાદશીની ઉજવણી
પ્રતિ પંઢરપુરમાં અષાઢી એકાદશીની ઉજવણી કેવી રીતે થાય છે એ વિશે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં મંદિરના ટ્રસ્ટી ઉદય મ્હાત્રે કહે છે, ‘અસલમાં ઉત્સવનો પ્રારંભ દસમીથી જ થઈ જાય છે. મુંબઈના વિવિધ વિસ્તારોમાંથી લગભગ ૩૦ જેટલી ભજનમંડળીઓ અહીં આવીને ભજન-કીર્તન કરે છે. દસમીની રાત્રિથી જ ભક્તોની લાંબી કતારો લાગવાનું શરૂ થઈ જાય છે. એકાદશીના દિવસે એટલે કે આજે પાંચથી છ લાખ જેટલા ભક્તો 
વિઠ્ઠલ-રુક્મિણીનાં દર્શન કરશે. એકાદશીની પરોઢે લગભગ ત્રણથી ૪ વાગ્યા સુધીમાં દર્શન થોડા સમય માટે બંધ રાખીને ભગવાનનો વિશેષ અભિષેક અને મહાઆરતી કરવામાં આવે છે. ત્યાર બાદ ફરી દર્શન શરૂ થાય છે અને રાત્રે એક-દોઢ વાગ્યા સુધી ભક્તોનો પ્રવાહ યથાવત્ રહે છે. જ્યાં સુધી ભક્તો આવતા રહે છે ત્યાં સુધી મંદિરનાં દ્વાર ખુલ્લાં રહે છે.’
અષાઢી એકાદશીના અવસરે મંદિર તરફ જતો મુખ્ય માર્ગ બે દિવસ માટે વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવે છે એમ જણાવીને ઉદય મ્હાત્રે વધુમાં કહે છે, ‘ભક્તોની સુરક્ષા માટે પોલીસની મદદથી ક્રાઉડ-મૅનેજમેન્ટ કરવામાં આવે છે, જ્યારે ડૉક્ટરોની ટીમ ઍમ્બ્યુલન્સ સાથે સતત તહેનાત રહે છે. ઉપવાસી ભક્તોને પ્રસાદ તરીકે સાબુદાણાની ખીચડી આપવામાં આવે છે. સમગ્ર ઉત્સવની તૈયારી લગભગ એક મહિના અગાઉથી શરૂ થઈ જાય છે.’

મુંબઈમાં આવેલાં વિઠ્ઠલ રુક્મિણીનાં આ મંદિરોની પણ મુલાકાત લેવા જેવી છે.



દહિસર : દહિસરના સુધીન્દ્રનગરમાં આવેલું શ્રી વિઠ્ઠલ રખુમાઈ મંદિર આસપાસના વિસ્તારમાં અત્યંત લોકપ્રિય છે. એકાદશી દરમ્યાન અહીં ભજન-કીર્તન અને ખાસ મહાપૂજાનું સુંદર આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ વિઠોબાનાં દર્શનનો લાભ લે છે.


સાયન : મધ્ય મુંબઈના સાયન-વેસ્ટમાં મેઇન રોડ પર સ્ટેશનની નજીક જ આ પ્રાચીન શ્રી વિઠ્ઠલ મંદિર આવેલું છે. દાયકાઓ જૂનું આ મંદિર સ્થાનિક રહેવાસીઓ અને વારકરી સંપ્રદાયના લોકો માટે મહત્ત્વ ધરાવે છે. દરરોજ સવાર-સાંજ થતી આરતી અને એકાદશીના દિવસે નીકળતી નાની વારી મંદિરની વિશેષતા છે. સાયન સ્ટેશનની નજીક હોવાને કારણે અહીં રોજેરોજ દર્શનાર્થીઓની ભારે અવરજવર રહે છે.

સૅન્ડહર્સ્ટ રોડ : દક્ષિણ મુંબઈના ઐતિહાસિક વિસ્તાર સૅન્ડહર્સ્ટ રોડ સ્ટેશન નજીક નવરોજી હિલ રોડ (ડોંગરી) ખાતે શ્રી વિઠ્ઠલ રુક્મિણીનું પ્રાચીન મંદિર આવેલું છે. મુંબઈના સૌથી જૂના વિસ્તારોમાંથી એક એવા આ વિસ્તારમાં આવેલું મંદિર મુંબઈના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઝાંખી કરાવે છે. અહીં વર્ષોથી પરંપરાગત શૈલીમાં વિઠોબા-રુક્મિણીની પૂજા-અર્ચના થતી આવી છે, જ્યાં સ્થાનિક ભક્તો મોટી શ્રદ્ધા સાથે શીશ નમાવે છે.


ઉલ્હાસનગર : ઉલ્હાસનગર અને આસપાસના વિસ્તારોના વિઠ્ઠલભક્તો માટે શ્રી વિઠ્ઠલ રુક્મિણી મંદિર આસ્થાનું મહત્ત્વનું કેન્દ્ર માનવામાં આવે છે. ઉલ્હાસનગર કૅમ્પ ૪ ખાતે આવેલા આ મંદિરમાં એકાદશીના દિવસે પંઢરપુર જેવો જ માહોલ સર્જાય છે, જ્યાં હજારો વારકરીઓ અને સ્થાનિક ભક્તો મહાઆરતી માટે ઊમટે છે. આ મંદિર પણ એક વાર જોવા જેવું છે.

Whatsapp-channel Whatsapp-channel

25 July, 2026 04:46 PM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK