° °

આજનું ઇ-પેપર
Wednesday, 01 December, 2021


સ્વના સર્કલમાંથી બહાર લાવવાની જવાબદારી કોણ નિભાવે છે?

20 October, 2021 07:10 PM IST | Mumbai | Rashmin Shah

ચાર પાર્ટમાં વહેંચાયેલી ‘ઑટોબાયોગ્રાફી ઑફ અ યોગી’માં પરમહંસ યોગાનંદના જીવનની તો વાત છે જ, પણ પરમાત્મા અને અકળ વિજ્ઞાનને પામવાના રસ્તાઓ વિશે પણ તેમણે વાત કરી છે

 ‘ઑટોબાયોગ્રાફી ઑફ અ યોગી’ની પહેલી એડિશનની કૉપીનું ઑક્શન થયું ત્યારે એ બુક ૬૦૦૦ ડૉલર એટલે કે સાડાચાર લાખ રૂપિયામાં વેચાઈ હતી.

‘ઑટોબાયોગ્રાફી ઑફ અ યોગી’ની પહેલી એડિશનની કૉપીનું ઑક્શન થયું ત્યારે એ બુક ૬૦૦૦ ડૉલર એટલે કે સાડાચાર લાખ રૂપિયામાં વેચાઈ હતી.

જો તમને યાદ હોય તો એક તબક્કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા વચ્ચે બ્રેકઅપ થયું હતું. બ્રેકઅપના એ પિરિયડમાં જબરદસ્ત ફ્રસ્ટ્રેટ રહેતા વિરાટ કોહલીને શાંત કરવાનું કામ કોણે કર્યું હતું ખબર છે? ‘ઑટોબાયોગ્રાફી ઑફ અ યોગી’ નામની બુકે. ટેક્નૉક્રેટ અને ઍપલના જનક એવા સ્ટીવ જૉબ્સે પણ સ્વીકાર્યું છે કે તેમના જીવન પર સૌથી વધુ સકારાત્મક અસર જો કોઈ બુક દ્વારા થઈ હોય તો એ બુક છે ‘ઑટોબાયોગ્રાફી ઑફ અ યોગી’. રજનીકાંતથી લઈને નરેન્દ્ર મોદીએ પણ જે વાંચી છે અને ટીવીસ્ટાર ગુરમીત ચૌધરીથી લઈને એ. આર. રહેમાનના જીવનમાં પણ જે બુકનો મબલક પ્રભાવ રહ્યો છે એ ‘ઑટોબાયોગ્રાફી ઑફ અ યોગી’ પરમહંસ યોગાનંદે ૧૯૪૬માં લખી, પણ એ સમયે આ બુક બહુ ઓછા લોકોને પ્રાપ્ત થઈ હતી. સેલ્ફ રિયલાઇઝેશન કરાવતી આ બુકના મૂળમાં જીવનનો હેતુ સમજાવવાની વાત છે. જે પણ એ તબક્કા સુધી પહોંચી શક્યું તેના માટે ‘ઑટોબાયોગ્રાફી ઑફ અ યોગી’એ પારસમણિનું કામ કર્યું છે.
મૂળ અંગ્રેજીમાં લખાયેલી ‘ઑટોબાયોગ્રાફી ઑફ અ યોગી’નું દુનિયાની ૬૦થી વધુ લૅન્ગ્વેજમાં ભાષાંતર થયું છે અને એક તબક્કે જે પુસ્તક જૂજ લોકો પાસે હતું એ પુસ્તકની અત્યાર સુધીમાં ત્રીસ લાખથી પણ વધુ કૉપી વેચાઈ ચૂકી છે. આ જ પુસ્તક પર ઑલરેડી વેબસિરીઝ બનાવવા માટે નેટફ્લિક્સ પ્લાનિંગ કરે છે તો સાથોસાથ આ પરમહંસ યોગાનંદના જીવન પર યુટ્યુબ ઓરિજિનલ્સ પણ વેબસિરીઝ બનાવવા વિશે વિચારે છે. જાણીતા ઍક્ટર મનોજ જોષીએ પણ પરમહંસ યોગાનંદ પર હિન્દી નાટકનું પ્લાનિંગ કરીને ઑલરેડી સ્ક્રિપ્ટ પર કામ ચાલુ પણ કરાવ્યું છે. મનોજ જોષીએ કહ્યું હતું કે ‘સ્વભાવમાંથી ‘સ્વ’ને કાઢીને આત્માના શોધની વાત પરમહંસ યોગાનંદે કરી છે. દરેક વાતમાં અકરાંતિયા બનતા માણસને ઈશ્વર સુધી જવાનો રસ્તો તેમણે બતાવ્યો છે એટલું જ નહીં, તેમણે પોતે પણ એ જ રસ્તે ચાલીને પરમાત્માનો સંગ મેળવ્યો. આનાથી મોટી વાત બીજી કોઈ હોઈ જ ન શકે. ‘ઑટોબાયોગ્રાફી ઑફ અ યોગી’ આજના સમયની અત્યંત આવશ્યક જરૂરિયાત છે એવું કહું તો એ જરા પણ વધારે નહીં કહેવાય.’
અગાઉ ૧૭ ભાષાનાં સબટાઇટલ સાથે ‘અવેક : ધ લાઇફ ઑફ યોગાનંદ’ નામની ડૉક્યુમેન્ટરી અમેરિકન પ્રોડક્શન હાઉસે આ બુક પરથી 
બનાવી છે.
અમેરિકા અને યોગનું મિલન | જીવનનો હેતુ શું છે એ સમજાવવાનું કામ કરતા પરમહંસ યોગાનંદનો જન્મ ૧૮૯૩માં હરિયાણાના ગોરખપુરમાં એક બેન્ગોલી પરિવારમાં થયો હતો. તેમનું સંસારી નામ મુકુંદલાલ ઘોષ. સામાન્ય રીતે જન્મ પછી બાળક ત્રણ વર્ષ પછી સ્પષ્ટ શબ્દોમાં વાતો કરતું હોય, પણ કહે છે કે મુકુંદલાલે પાંચમા જ દિવસે તેમના સંસારી પિતાની સાથે વાત કરતાં કહ્યું હતું કે મારો જન્મ નક્કી છે એવી જ રીતે તમારો સાથ છોડવાનો દિવસ પણ નક્કી છે એટલે સાંસારિક માયાથી દૂર રહેવું હિતાવહ છે. 
જન્મને માંડ કલાકો થયા હતા ત્યારે જ તેમણે પોતાના આગળના જન્મ વિશે પણ વાત કહી દીધી હતી. મુકુંદલાલ પહેલેથી જ અધ્યાત્મના રસ્તે હતા. નાનપણમાં જ તે યોગીઓનો સત્સંગ શોધતા રહેતા. કહે છે કે યોગીજીને અગમચેતી પણ મળતી હતી. તેમનાં માતાનું અવસાન થયું એની થોડી મિનિટો પહેલાં યોગાનંદ પરમહંસને એનો અણસાર આવી ગયો હતો અને તેમણે પોતાની માતાને પણ એ કહી દીધું હતું કે હવે સંસાર છોડવાનો સમય આવી ગયો છે.
યોગાનંદ વેસ્ટર્ન દેશોમાં ખૂબ પૉપ્યુલર છે. તેમના પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધા પણ અપાર છે. એવું હોવાનું કારણ એ કે ૧૯૨૦માં અમેરિકા જનારા યોગાનંદે અમેરિકાને યોગ અને મેડિટેશન સાથે પરિચય કરાવ્યો અને એ પછી ક્રિયા યોગ વિશે પણ જાણકારી આપીને ક્રિયા યોગથી જીવનમાં આવતી શાંતિની ઓળખ કરાવી. યોગાનંદ પરમહંસ અમેરિકામાં લાંબો સમય રહ્યા, પણ એ સમય દરમ્યાન તેમનો અધ્યાત્મ સાથેનો સંબંધ વધુ ગાઢ બન્યો અને તેમણે તેમના અનુયાયીઓને પણ એ દિશામાં લઈ જવાનું કામ કર્યું. પરમહંસ યોગાનંદે અમેરિકનોને સમજાવ્યું કે જીવનનો એક હેતુ છે જેને ઓળખવો અને સમજવો અનિવાર્ય છે.
એક વાર નહીં, અનેક વાર | તમને જાણીને નવાઈ લાગશે પણ સ્ટીવ જૉબ્સે પોતાની બાયોગ્રાફીમાં કહ્યું છે કે તેઓ દર વર્ષે નિયમિત રીતે ‘ઑટોબાયોગ્રાફી ઑફ અ યોગી’ વાંચતા અને દરેક વખતે તેમને બુકમાંથી નવો જ સંદેશો મળતો. સ્ટીવ જૉબ્સની જેમ જ આ બુક વાંચનારા મોટા ભાગના લોકોએ સ્વીકાર્યું છે કે તેમની સફળતાની પાછળ આ બુકનું જબરદસ્ત યોગદાન રહ્યું છે.
‘ઑટોબાયોગ્રાફી ઑફ અ યોગી’ના અંતિમ પેજ પર પરમહંસ યોગાનંદે ભવિષ્ય ભાખીને લખ્યું હતું કે આ બુક લાખો લોકોનું જીવન બદલશે અને મારી ગેરહાજરીમાં મારો જીવન સંદેશ બનીને કામ કરશે.

સ્ટોરી શૉર્ટકટ

‘ઑટોબાયોગ્રાફી ઑફ અ યોગી’નું ટાઇટલ વાંચીને કોઈને પણ એવું લાગે કે આ એક આત્મકથા છે, પણ જો તમે એવું ધારો તો એ અર્ધસત્ય લેખાશે. હકીકતમાં બુકમાં પરમહંસ યોગાનંદના જીવનનો ઇતિહાસ અને તેમની ફેમિલીની વાત છે તો સાથોસાથ તેમણે અધ્યાત્મની દિશામાં પ્રયાણ કર્યું એ પછી તે કેવા-કેવા મહત્ત્વના લોકોને મળ્યા એની વાતો તેમણે કરી છે તો એ પણ કહ્યું છે કે એ લોકોએ તેમના જીવનમાં કેવો મહત્ત્વનો ભાગ ભજવ્યો. માત્ર હવા પર જીવતા યોગીને પરમહંસ રૂબરૂ મળ્યા એની પણ વાત તેમણે આ બુકમાં કરી છે અને ખાધા-પીધા વિના કેવી રીતે રહી શકાય એનો ઑથેન્ટિક જવાબ પણ તેમણે બુકમાં આપ્યો છે. પરમહંસ યોગાનંદ પુનર્જન્મમાં ભરપૂર વિશ્વાસ ધરાવતા હતા. તેમની સાથે જોડાયેલી લોકવાયકાઓમાં પણ આ પ્રકારની અનેક વાતોના કિસ્સાઓ સાંભળવા મળે છે. 
‘ઑટોબાયોગ્રાફી ઑફ અ યોગી’માં પરમહંસે આ વિષય પર પણ લંબાણપૂર્વક ચર્ચા કરી છે તો અધ્યાત્મના પોતાના જીવનપ્રવાસ દરમ્યાન તેમણે શું-શું જાણ્યું અને એનાથી તેમને કેવા લાભ થયા એના વિશે વાત કરી છે. સાથોસાથ એ દિશામાં આગળ વધવાના રસ્તાઓ પણ તેમણે એમાં સૂચવ્યા છે.

20 October, 2021 07:10 PM IST | Mumbai | Rashmin Shah

અન્ય લેખો

દુઃખ જીવનને નિરર્થક બનાવે, દુર્બુદ્ધિ જીવનને નુકસાનકારી

‘મહારાજસાહેબ, ૧૦ મિનિટ જોઈએ છે. અતિ અગત્યની વાત કરવી છે.’ બપોરના સમયે આંખમાં આંસુ સાથે એક ભાઈએ ઉપાશ્રયમાં વાત કરી

30 November, 2021 05:04 IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

થિયેટર, મેઇન્ટેનન્સ, ગંદકી અને અયોગ્ય જાળવણી

નૉસ્ટાલ્જિક વૅલ્યુ ધરાવતી આ ઍડ્વર્ટાઇઝમેન્ટ જ્યારે પણ હાથમાં આવે ત્યારે મને કલકત્તામાં શો કરવા જતી વખતે પહેલી વાર મેકઅપનો જોયેલો એ સામાન યાદ આવી જાય.

30 November, 2021 04:59 IST | Mumbai | Sarita Joshi

૩૮ વર્ષે ઘોડેસવારી નહોતી આવડતી  એ પોલો પ્લેયર કઈ રીતે બન્યાં?

કફ પરેડમાં રહેતાં પૅશનથી ભરપૂર બિઝનેસવુમન રીના શાહે જે ઉંમરે પોલો પ્લેયર બનવાનું ઠાન્યું એ જોઈને તેમની જબરી મજાક ઉડાડવામાં આવતી હતી

30 November, 2021 04:16 IST | Mumbai | Sejal Patel

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK