લોકો સરદાર વલ્લભભાઈ પટેલને જાણે અને તેમના જીવનમાંથી બોધપાઠ શીખે એ હેતુથી અત્યાર સુધી ૧૭ કથા કરી ચૂક્યા છે અમદાવાદના આ સરદારપ્રેમી
					 
					
સરદાર-કથાના કથાકાર મણિલાલ પટેલ., ૨૦૧૩માં સૌપ્રથમ વાર મહેસાણામાં યોજાયેલી સરદાર-કથાનું ગાન કરી રહેલા મણિલાલ પટેલ.
દુનિયામાં એકતા અને અખંડિતતાની કોઈ મિસાલ હોય તો એ છે આપણા બેમિસાલ સરદાર વલ્લભભાઈ પટેલ. આજે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી છે. દેશમાં હર્ષોલ્લાસ સાથે તેમની જન્મજયંતીની ઉજવણી થઈ રહી છે. ઉજવણી પ્રસંગે સરદાર પટેલ વિશે વાતો થશે અને એ સાંભળવા મળશે, પરંતુ શું આપે ક્યારેય સરદાર-કથા સાંભળી છે? આપણે ત્યાં ભાગવતકથા, રામકથા, શિવકથા થતી આવી છે અને આ કથાઓ જીવનનો સદ્માર્ગ બતાવે છે ત્યારે લોકો સરદાર વલ્લભભાઈ પટેલને જાણે અને તેમના જીવનમાંથી બોધપાઠ શીખે એ હેતુથી એક પણ રૂપિયો લીધા વગર અમદાવાદના ૭૧ વર્ષના મણિલાલ પટેલ સરદાર-કથાનું ગાન કરે છે.
સરદાર પટેલ એટલે લોખંડી પુરુષ એ એક છાપ મોટા ભાગે સૌના માનસ પર પડી ગઈ હોઈ શકે છે, પરંતુ કેટલા લોકો જાણતા હશે કે સરદાર વલ્લભભાઈ પટેલમાં રમૂજવૃત્તિ ભારોભાર હતી અને તેઓ રમૂજના રાજા હતા? મહાત્મા ગાંધી પણ કહેતા કે મારી સાથે સરદાર પટેલ છે જે મને હસાવે છે. સરદારસાહેબના આવા જાણ્યા-અજાણ્યા પ્રસંગોને લઈને સરદાર-કથાનું ગાન થઈ રહ્યું છે.
ADVERTISEMENT
સરદાર વલ્લભભાઈની કથા કરવાનું વિચારબીજ ક્યાંથી રોપાયું એ વિશે વાત કરતાં સરદાર-કથાના કથાકાર અને લેખક તેમ જ જેમણે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે જાણ્યું છે, વાંચ્યું છે અને સરદારસાહેબને આત્મસાત્ કર્યા છે એ મણિલાલ પટેલ ‘મિડ-ડે’ને કહે છે, ‘નારાયણભાઈ દેસાઈએ ગાંધીકથા શરૂ કરી ત્યારે મારા મનમાં વિચાર આવ્યો કે દેશ માટે સરદાર વલ્લભભાઈનું યોગદાન ઓછું નથી, સરદાર વલ્લભભાઈ પટેલને લોકો સમક્ષ કથાસ્વરૂપે મૂકવા જોઈએ. મેં વિચાર્યું અસ્સલ સરદાર શું હતા એને લઈને કથા કરું. અસ્સલ સરદાર કાયદો-વ્યવસ્થાનું પાલન કરવામાં જ્ઞાતિ, ધર્મ, સમાજ કશું જ ન લાવે. પોતાના નિર્ણયમાં, પોતાની વહીવટી ક્ષમતામાં ક્યાંય પરિવાર ન આવે, ક્યાંય જ્ઞાતિ ન આવે કે ધર્મ ન આવે એટલે સરદારસાહેબના દૃષ્ટિબિંદુથી સરદાર પટેલની કથા કહું. આઝાદી પહેલાં સરદાર પટેલે કરાચીમાં તેમના ભાષણમાં કહ્યું હતું કે અઢાર વર્ણ એ મારાં ભાઈ-બહેન છે, દેશની સેવા કરવી હોય તેણે નાતજાતને ભૂલી જવી જોઈએ. એટલે સરદાર પટેલના આ વિચારો સાથે સરદાર-કથા કરવાનો વિચાર આવ્યો અને એનો અમલ શરૂ કર્યો.’
ઉત્તર ગુજરાતના મહેસાણામાં દૂધ સાગર ડેરીથી શરૂ થયેલી સરદાર-કથાનું ગાન આજે પણ થઈ રહ્યું છે એ વિશે મણિલાલ પટેલ કહે છે, ‘૨૦૧૩માં મહેસાણાની દૂધ સાગર ડેરીમાં પહેલી વાર સરદાર-કથાનું આયોજન થયું હતું. મને થયું કે કથા સાંભળવા કોણ આવશે, પરંતુ ૮૦૦થી ૯૦૦ લોકો એ સમયે કથામાં આવ્યા હતા. આ બધા મને સાંભળવા માટે નહીં પણ સરદાર પટેલની કથા સાંભળવા માટે આવ્યા હતા. આ સફળતા મળી એટલે મને પ્રોત્સાહન મળ્યું અને ધીરે-ધીરે સરદાર-કથા ગુજરાતનાં શહેરો, નગરો અને ગામડાંઓમાં શરૂ થઈ. અત્યાર સુધીમાં ૧૭ વખત સરદાર-કથા કહી છે. કરમસદથી લઈને અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, રાજકોટ, વીસનગર, સોમનાથ, બગસરા ઉપરાંત અમદાવાદ અને પાલનપુરની જેલમાં પણ સરદાર-કથા કરી છે. હવે સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતી ઊજવાઈ રહી છે એ નિમિત્તે અમદાવાદના નવજીવનમાં સરદાર-કથા યોજવા માટેની તૈયારીઓ ચાલી રહી છે.’
સરદાર વલ્લભભાઈના જીવનને આવરી લઈને થતા કથાગાન વિશે મણિલાલ પટેલ કહે છે, ‘સરદાર પટેલના પ્રારંભિક જીવન, શિક્ષણ, ખેડૂત સત્યાગ્રહ, આઝાદીની લડતમાં તેમનો ફાળો, દેશી રાજ્યોના વિલીનીકરણ, ગૃહપ્રધાન તરીકેની તેમની કામગીરી સહિતની સરદાર પટેલની બાબતોને કથામાં વણી લઉં છું. સરદારસાહેબની કથા બે દિવસ ચાલે છે અને એમાં એક પછી એક પ્રસંગને આવરીને કથા કરું છું. મારી કથાની શરૂઆત સર્વધર્મ પ્રાર્થનાથી થાય છે. અમદાવાદ અને પાલનપુરની જેલમાં પણ મેં સરદાર પટેલની કથા કરી છે અને સરદાર પટેલની જેલયાત્રાઓ વિશે પણ જેલમાં કથા કરી છે. સરદારસાહેબ ૬ વખત જેલમાં ગયા હતા. તેઓ જેલમાં કેવી રીતે રહ્યા, જેલમાં તેમનું જીવન કેવું હતું એના સહિતની બાબતોને લઈને કથા કરી છે.’
સરદાર-કથામાં વલ્લભભાઈના રમૂજી કિસ્સાઓ પણ ટાંકતો હોઉં છું અને એનાથી શ્રોતાઓમાં હાસ્યની લહેરખી ફરી વળે છે એ વિશે વાત કરતાં મણિલાલ પટેલ કહે છે, ‘સરદાર પટેલની વિનોદવૃત્તિ લોકોને ગમે છે. આપણે બધા મોટા ભાગે એવું માનીએ છીએ કે સરદાર પટેલ એટલે લોખંડી પુરુષ, પણ સરદાર પટેલમાં ભારોભાર રમૂજવૃત્તિ હતી એ બહુ ઓછા લોકો જાણે છે. આઝાદીની લડતના દિવસોમાં મદ્રાસના શ્રીનિવાસન મોટા નેતા હતા. તેમણે ગાંધીજીને પૂછ્યું હતું કે બાપુ, તમે યેરવડા જેલમાં કેવી રીતે સમય કાઢો છો? ત્યારે ગાંધીબાપુએ કહ્યું કે હતું કે તને ખબર નથી શ્રીનિવાસન, મારી પાસે વલ્લભભાઈ છે જે મને હસાવે છે. સરદાર પટેલના હાસ્યના ઢગલો પ્રસંગો છે. એક વખત ગાંધીઆશ્રમમાં દક્ષિણ ભારતના નેતા કુમારપ્પા આવ્યા હતા. ગાંધીજી અને વલ્લભભાઈ જમતા હતા. ગાંધીજી જમવામાં કડવા લીમડાની ચટણી એક ચમચી લેતા હતા એટલે કુમારપ્પાએ કહ્યું કે બાપુ આ શું છે? એટલે વલ્લભભાઈએ કહ્યું કે તમને ખબર નથી, બાપુ પહેલાં બકરીનું દૂધ પીતા અને હવે બકરીનો ચારો પણ ખાય છે. સરદારસાહેબમાં આવી હાસ્યવૃત્તિ પણ હતી.’
સરદાર-કથાના ગાન માટે મણિલાલ પટેલ એક પણ રૂપિયો ચાર્જ નથી કરતા. તેઓ કહે છે, ‘સરદાર પટેલે દેશ માટે સેવા કરી છે, એક રૂપિયો પણ લીધો નથી કે વારસદારો માટે કશું નથી મૂક્યું. એ મહાન વ્યક્તિની કથાગાન માટે મહેનતાણું ન લેવાય. હા, જ્યાં કથા કરવા જાઉં ત્યાં આવવા-જવાનો ખર્ચ લઉં છું. સરદાર પટેલની કથા માટે કેટલાક નિયમો રાખ્યા છે જેમાં મારી જાતે કથા કરવા ક્યાંય હું જતો નથી, કોઈ બોલાવે તો જાઉં છું. હું કોઈ સંસ્થાને નથી કહેતો કે કથા કરાવો. કથા દરમ્યાન મારું સન્માન નહીં કે શાલ અર્પણ કે ફૂલહાર પણ નહીં કરાવવાનાં.’
 
		        	 
		         
        


 
		 
	 
								 
        	