પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે છેલ્લા ચાર-પાંચ દિવસથી ૬૦થી ૭૦ જેટલા બાળકોને એક શૉના ઑડિયન્સ તરીકે બેસાડવામાં આવતા હતા અને ઑડિશન લેવાતું હતું
					 
					
રોહિત આર્યને ગોળીએ દેનાર ઍન્ટિ-ટેરરિઝમ સેલનો અમોલ વાઘમારે, પવઈના મહાવીર ક્લાસિક બિલ્ડિંગમાં આવેલો રા સ્ટુડિયો, બાળકોને બંધક બનાવીને દહેશત ઊભી કરનાર ભેજાગેપ માણસ રોહિત આર્ય.
સરકાર પાસેથી લેવાના નીકળતા બે કરોડ રૂપિયા અટવાઈ ગયા હોવાનો દાવો કરનારા રોહિત આર્ય નામના માણસે પવઈના એક સ્ટુડિયોમાં ૧૭ બાળકો અને બીજી બે વ્યક્તિઓને બંધક બનાવ્યાં, વિડિયો બનાવીને પોતાની માગણી જાહેર કરી : પોલીસ અંદર ઘૂસી તો રોહિત આર્યએ ઍરગનથી ફાયરિંગ કર્યું, જવાબમાં તેનું એન્કાઉન્ટર કરી દેવાયું
પવઈમાં L&T ફ્લાયઓવર પાસે આવેલા મહાવીર ક્લાસિક બિલ્ડિંગમાં ‘રા’ સ્ટુડિયોના રોહિત આર્યએ ગઈ કાલે દસથી ૧૨ વર્ષનાં ૧૭ બાળકો અને એક સિનિયર સિટિઝન તથા અન્ય એક વ્યક્તિને બંદી બનાવ્યાં હતાં અને ત્યાર બાદ વિડિયો વાઇરલ કરીને પોતાની ડિમાન્ડ મૂકી હતી. એવું કહેવાય છે કે તેની પાસે એક ઍરગન અને કેમિકલ હતાં. તેણે જો તેની માગણીઓ ન સંતોષાય તો સ્ટુડિયો સળગાવી દઈશ એવી ધમકી પણ આપી હતી. બાળકોને હૉસ્ટેજ બનાવાયાં હોવાની જાણ થતાં જ મુંબઈ પોલીસ સહિત નૅશનલ સિક્યૉરિટી ગાર્ડ્સ (NSG)ના કમાન્ડો સ્પૉટ પર ધસી ગયા હતા અને ફોર્સ એન્ટ્રી કરીને બંદી બનાવાયેલા બાળકોને બચાવી લેવાયાં હતાં. એ પછી પોલીસ સામે તેણે ફાયર કરતાં પોલીસે જવાબી કાર્યવાહી કરીને ફાયરિંગ કરતાં તેનું મોત થયું હતું. આ ઑપરેશન અંદાજે ૩૫ મિનિટ ચાલ્યું હતું. પોતાનાં બાળકો સુખરૂપ મળી જતાં સ્ટુડિયો સામે ભેગા થયેલા વાલીઓનો શ્વાસ હેઠો બેઠો હતો. પોલીસે સ્પૉટ પરથી એક ઍરગન, કેમિકલ અને લાઇટર જપ્ત કર્યાં હતાં જે ફૉરેન્સિક લૅબમાં તપાસ માટે મોકલવામાં આવ્યાં હતાં.
ADVERTISEMENT
પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે છેલ્લા ચાર-પાંચ દિવસથી ૬૦થી ૭૦ જેટલા બાળકોને એક શૉના ઑડિયન્સ તરીકે બેસાડવામાં આવતા હતા અને ઑડિશન લેવાતું હતું. ગઈ કાલે બપોરે તેમનો લંચ-ટાઇમ થયો હતો. એ પછી બાકીના છોકરાઓને છોડી દેવાયા હતા, પણ ૧૭ બાળકો, એક પુખ્ત વયની વ્યક્તિ અને એક સિનિયર સિટિઝનને રોહિત આર્યએ એક રૂમમાં બંદી બનાવી દીધા હતા. એ પછી રોહિતે એનો એક વિડિયો વાઇરલ કર્યો હતો. એવું કહેવાય છે કે સરકારી અભિયાનના કામનો એક કરોડ રૂપિયાનો કૉન્ટ્રૅક્ટ મળ્યા બાદ તેણે એ કામ માટે ગાંઠના ૬૦-૭૦ લાખ રૂપિયા ખર્ચી નાખ્યા હતા. જોકે એ પછી સરકારમાં પૈસા માટે વારંવાર રજૂઆત કરવા છતાં ન મળતાં ૨૦૨૪માં તેણે આ માટે સરકાર સામે નાગપુરમાં આંદોલન પણ કર્યું હતું. એમ છતાં તેની સમસ્યાનો ઉકેલ આવ્યો નહોતો.
શું કહ્યું હતું રોહિતે એ વિડિયોમાં?
મૂળ નાગપુરનો અને હાલ ચેમ્બુરમાં રહેતો રોહિત આર્ય પોતાની યુટ્યુબ ચૅનલ પણ ચલાવતો હતો. તેણે વાઇરલ કરેલા વિડિયોમાં કહ્યું હતું કે ‘હું રોહિત આર્ય, સુસાઇડ કરવાને બદલે મેં એક પ્લાન બનાવ્યો છે અને કેટલાંક બાળકોને અહીં હૉસ્ટેજ રાખ્યાં છે. મારી કોઈ વધારે ડિમાન્ડ નથી. બહુ સિમ્પલ ડિમાન્ડ છે, બહુ મૉરલ ડિમાન્ડ છે, બહુ એથિકલ ડિમાન્ડ છે. મારા કેટલાક સવાલ છે. મારે કેટલાક લોકો સાથે વાત કરવી છે, તેમને સવાલ પૂછવા છે. તેમના જવાબ પર જો મને કંઈ કાઉન્ટર ક્વેશ્ચન કરવા જેવું લાગશે તો મારે એ કાઉન્ટર ક્વેશ્ચન પૂછવા છે, પણ મને આ જવાબ જોઈએ છે. મને બીજું કંઈ નથી જોઈતું. ન તો હું ટેરરિસ્ટ છું, ન તો મારી બહુ મોટી પૈસાની ડિમાન્ડ છે. ઇમ્મૉરલ તો બિલકુલ નથી. સિમ્પલ કન્વર્સેશન કરવું છે અને એથી જ મેં આ બાળકોને હૉસ્ટેજ રાખ્યાં છે. આમ મેં એક પ્લાન કરીને જ તેમને હૉસ્ટેજ બનાવ્યાં છે. હું કંઈ કરવાનો હતો, કરવાનો છું. જો જીવતો રહીશ તો હું કરીશ, જો હું મરી જઈશ તો કોઈ બીજું કરશે; પણ એ થશે જરૂર. આ જ બાળકો સાથે થશે જો તેમને કોઈ તકલીફ થતી નથી તો, કારણ કે જો તમે નાનું એવું પણ ખોટું પગલું ભર્યું તો એ મને ઉશ્કેરશે અને હું આ પૂરી જગ્યાને આગ લગાડી દઈશ અને મરી જઈશ. હું મરું કે ન મરું, બાળકો કારણ વગર હેરાન થશે અને તેમને માનસિક ધક્કો તો જરૂર થશે. એ સિવાય કંઈ થાય તો એની મને જાણ નથી. એ માટે મને જવાબદાર ન ગણતા, એ માટે એવા લોકોને જવાબદાર ગણવા જે કોઈ કારણ વગર આ બાબતને ટ્રિગર કરી રહ્યા છે. નૉર્મલ કૉમન મૅન ફક્ત વાત કરવા માગે છે. મારી વાત પૂરી થયા પછી હું જાતે જ બહાર આવીશ. હું એકલો નથી, મારી સાથે બીજા પણ લોકો છે. ઘણા બધા લોકોને આ મુશ્કેલીઓ છે અને હું આ સૉલ્યુશન આપવાનો છું ફક્ત વાતો કરીને. પ્લીઝ, મને એવું કંઈ કરવા ઉશ્કેરો નહીં કે જેથી હું કોઈને નુકસાન પહોંચાડું.’  
સ્કૂલ-એજ્યુકેશન મિનિસ્ટરે શું કહ્યું?
સ્કૂલ-એજ્યુકેશન મિનિસ્ટર દીપક કેસરકરે કહ્યું હતું કે ‘રોહિત આર્યનો ‘સ્વચ્છતા મૉનિટર’ નામનો એક કન્સેપ્ટ હતો અને ‘માઝી શાળા, સુંદર શાળા’ અભિયાનનું કેટલુંક કામ તેમને સોંપવામાં આવ્યું હતું, પરંતુ એ લોકો પાસેથી તેણે ડાયરેક્ટ પૈસા લીધા એવું અમારા ડિપાર્ટમેન્ટના લોકોનું કહેવું હતું. આ મૅટર તેણે ડિપાર્ટમેન્ટ સાથે વાતચીત કરીને ઉકેલવી જોઈએ, કારણ કે છેવટે સરકારની પણ કામ કરવાની એક પદ્ધતિ હોય છે અને એમાં રહીને જ બધાએ કામ કરવું પડે છે. આવી રીતે કોઈને બંદી બનાવવા એ ખોટું છે.’ 
રોહિત આર્યના પરિવારજનોનો આરોપ
રોહિતના પરિવારજનોએ આરોપ કરતાં કહ્યું હતું કે ‘૧૨ દિવસ પહેલાં જ તેણે તેને ન્યાય મળે એ માટે પુણેમાં ભૂખહડતાળ કરી હતી અને એ વખતે તેની તબિયત કથળતાં હૉસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. એ પહેલાં તેણે ત્રીજી ઑગસ્ટે ભૂતપૂર્વ પ્રધાનના ઘરની સામે ભૂખહડતાળ કરી હતી. એ વખતે તેને એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે તેને તૈના પૈસા મળી જશે, પણ એમ છતાં એ પૈસા મળ્યા નહોતા.’
૧.૪૫ વાગ્યે- પોલીસને ફોન આવ્યો કે પવઈના મહાવીર ક્લાસિક બિલ્ડિંગના સ્ટુડિયોમાં એક જણે ઘણા વિદ્યાર્થીઓને બંદી બનાવ્યા છે.
૨.૦૦ વાગ્યે- આ કેસના આરોપી રોહિત આર્યએ વિડિયો બનાવીને રિલીઝ કર્યો જેમાં કહ્યું કે તેની માગણી મૉરલ ગ્રાઉન્ડ પર છે, ફાઇનૅન્શિયલ નહીં. એ પછી પોલીસને જાણ થઈ કે કોણે ટીનજરોને બંદી બનાવ્યા છે. એ પછી તેની સાથે નિગોશિએશન ચાલુ કરવામાં આવ્યું.
૨.૦૦થી ૩.૩૦- ૧૭ ટીનેજર્સ બંદીવાન હતા એટલે નિગોશિએશનના પ્રયાસો ચાલુ જ રાખવામાં આવ્યા. પોલીસે આજુબાજુનો બધો વિસ્તાર સિક્યૉર કરી લીધો અને મદદ માટે વધારાની ટીમ પણ બોલાવાવામાં આવી.
૩.૩૦- નિગોશિએશન પડી ભાગતાં ટીનેજરોને બચાવવા ક્વિક રિસ્પૉન્સ ટીમને તહેનાત કરવામાં આવી. એણે બિલ્ડિંગની બીજી સાઇડથી એન્ટ્રી લીધી. આરોપી રોહિત આર્યએ પોલીસને જોઈને તેમના તરફ ઍરગનથી ફાયરિંગ કર્યું.
૩.૩૦- પોલીસે વળતી કાર્યવાહી કરી અને ઍન્ટિ-ટેરરિઝમ સેલના ઑફિસર અમોલ વાઘમારેએ ગન ચલાવીને રોહિત આર્ય પર ફાયર કરતાં તેને છાતીમાં ગોળી વાગી હતી. એ પછી બધા જ ટીનેજરોને રેસ્ક્યુ કરી સુરિક્ષત બહાર લાવવામાં આવ્યા.
 
		        	 
		         
        




 
		 
	 
								 
								 
        	