Kaajal Vashisht’s Upcoming Movie: બૉલિવૂડ ફિલ્મ રાવડી રાઠોડથી લોકપ્રિય થયેલી અભિનેત્રી કાજલ વશિષ્ટ હવે ફરી મોટા પડદા પર વાપસી કરી રહી છે. લાંબા વિરામ પછી કાજલ પોતાની નવી ગુજરાતી ફિલ્મ `ફુલ સ્ટૉપ` સાથે સ્ક્રીન પર દેખાશે.
					 
					
કાજલ વશિષ્ઠ
બૉલિવૂડ ફિલ્મ રાવડી રાઠોડથી લોકપ્રિય થયેલી અભિનેત્રી કાજલ વશિષ્ટ હવે ફરી મોટા પડદા પર વાપસી કરી રહી છે. લાંબા વિરામ પછી કાજલ પોતાની નવી ગુજરાતી ફિલ્મ `ફુલ સ્ટૉપ` સાથે સ્ક્રીન પર દેખાશે. “ઘણો સમય થઈ ગયો હતો, પાછું કામ શરૂ કરવાનો આનંદ અને થ્રિલ બન્ને છે,” કાજલ કહે છે.
ADVERTISEMENT
કાજલ કહે છે કે ગુજરાતી સિનેમામાં પોતાનું સ્થાન મેળવવું એ એક નવી શરૂઆત જેવું છે. "ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ હજુ પણ નવજાત બાળક છે. અહીં પુરુષ પાત્રો પ્રત્યે વલણ છે, પરંતુ `ફુલ સ્ટોપ` ખાસ છે કારણ કે આ ફિલ્મ સ્ત્રીના દ્રષ્ટિકોણથી બનાવવામાં આવી છે. તેમાં ત્રણ મુખ્ય સ્ત્રી પાત્રો છે અને એક ખલનાયક છે, બાકીના પુરુષ પાત્રો સહાયક છે. તેથી અહીં મને મારી અભિનય કુશળતા બતાવવાની વધુ તક મળી."
ફિલ્મનું ટાઈટલ જ `ફુલ સ્ટોપ`, ઘણું કહી જાય છે. કાજલ કહે છે, “આ શીર્ષકનું અર્થ છે મહિલાઓ સામે થતી બધી પ્રકારની હિંસા, કેટકૉલિંગ, મોલેસ્ટેશન અને મોરલ પુલિસિંગ જેવા કૃત્યો પર ‘ફુલ સ્ટોપ’ મૂકવાનો સંદેશ. સ્ત્રીઓને જેમ છે તેમ રહેવા દેવી જોઈએ, તેને બદલવાની કોશિશ ન કરવી જોઈએ.
આ ફિલ્મ નવેમ્બરમાં રિલીઝ થવા જઈ રહી છે, અને તેમાં કૉમેડી, એક્શન અને ડ્રામાનો સરસ સમન્વય છે. “ફિલ્મનો મુખ્ય સંદેશ એ છે કે જો લોકો સાથે મળીને કંઈક કરવાનું નક્કી કરે, તો કંઈ અશક્ય નથી. તે ક્રાઇમ સામે લડવું હોય કે પછી નાગરિક તરીકેની ફરજ નિભાવવી હોય. સમાજ પ્રત્યેની જવાબદારી, એ જ ફિલ્મનો મુખ્ય ટેકઅવે છે.”
ગુજરાતી સિનેમા વિશે કાજલ ખાસ ઉત્સાહિત છે. “હું ધન્ય છું કે આ નવા યુગના ભાગરૂપે કામ કરવાની તક મળી. અત્યાર સુધી બે ફિલ્મો કરી છે અને હવે મોટા નામો સાથે કામ કરવાની રાહ જોઈ રહી છું,” તે કહે છે.
દેશના વિવિધ ભાષાઓના સિનેમામાં કામ કરી ચૂકેલી કાજલ પોતાના અનુભવો શેર કરતી વખતે કહે છે, "મારો જન્મ અને ઉછેર ચેન્નાઈમાં થયો છે, તેથી હું દક્ષિણ ભારતની સંસ્કૃતિથી સારી રીતે પરિચિત છું. હું તમિલ અને તેલુગુ જાણું છું. પરંતુ મારો પરિવાર મૂળ રાજસ્થાનનો છે, તેથી હું ગુજરાતી અને મારવાડી વચ્ચેના સાંસ્કૃતિક જોડાણને પણ સમજું છું. મેં બૉમ્બેમાં ગુજરાતી થિયેટર પણ કર્યું છે, ત્યાંની ભાષા શીખી છે. મેં ત્યાં મરાઠી પણ શીખી છે. મને ભાષા અને લોકો સાથે જોડાવાનો શોખ છે."
કાજલ એક ટ્રેઈન્ડ ક્લાસિકલ ડાન્સર છે. તેણ માને છે કે થિયેટર અને શાસ્ત્રીય નૃત્યમાં તેની તાલીમ આજે પણ તેના અભિનયમાં અસરકારક છે. "થિએટરમાંથી મળેલા આત્મવિશ્વાસને કારણે જ હું મારી જાતને અભિનેત્રી કહી શકું છું. થિએટરમાં કોઈ રીટેક નથી થતો, દર્શકો તમારા અભિનયને યાદ રાખે છે. કેમેરા સામે આવતા પહેલા દરેકને તે અનુભવ હોવો જોઈએ."
કાજલ પોતાની સફર વિશે કહે છે, "મારો વિકાસ ધીમો પણ સ્થિર રહ્યો છે. હું પસંદગીયુક્ત છું, હું બધું જ કરવા માગતી નથી. મને ટાઈપકાસ્ટ નથી થવું. હું વિવિધ પ્રકારના પાત્રો કરવા માગુ છું. ક્યારેક મારે ધીરજ રાખવી પડે છે, પરંતુ મને મારી સફર પર ગર્વ છે."
સ્ક્રિપ્ટ પસંદ કરતી વખતે કાજલ માટે વાર્તાની અસર સૌથી અગત્યની છે. “મને સ્ક્રિપ્ટ ગમવી જોઈએ. જ્યારે મને સ્ક્રિપ્ટ ગમશે ત્યારે જ હું તમને ન્યાય આપી શકીશ અને ત્યારે જ લોકોને તે પસંદ પડશે. સાથે "હું કયા કલાકાર સાથે કામ કરું છું તે પણ મહત્વનું છે. જો મને મોટા નામો સાથે કામ કરવાની તક મળે, તો હું શીખવા માટે ઉત્સુક છું. દરેક પ્રોજેક્ટ મારા માટે શીખવાના અનુભવ જેવો છે."
અંતે, કાજલનો તેના ચાહકો માટે સીધો અને હૃદયસ્પર્શી સંદેશ છે - "તમારા પ્રેમ અને સમર્થન બદલ આભાર. મને આશા છે કે મારી ફિલ્મો તમારું મનોરંજન કરશે, તમને પ્રેરણા આપશે અથવા તમારા ચહેરા પર સ્મિત લાવશે. જીવો અને જીવવા દો - હું ફક્ત એટલું જ કહી શકું છું."
ગુજરાતી મિડ-ડે સાથેની ખાસ વાતચીતમાં, કાજલે ગુજરાત વિશે તેને સૌથી વધુ શું ગમે છે તે જણાવ્યું, કાજલ સ્મિત સાથે કહે છે: “ગુજરાતીઓમાં પરિવારને આપવામાં આવેલું સ્થાન અદ્ભુત છે. તેમની આવક ઓછી હોય કે વધારે, તેઓ સાથે સમય વિતાવે છે, વીકએન્ડમાં પરિવાર સાથે રહે છે, આ ગુણવત્તા દરેક જગ્યાએ જોવા નથી મળતી. અને હા, મને ગરબા ખૂબ ગમે છે! તે એક રંગીન તહેવાર છે, જ્યાં બધી ઉંમરના લોકો જોડાય છે ત્યાં ઉર્જા અદ્ભુત હોય છે.”
 
		        	 
		         
        




 
		 
	 
								 
								 
        	