૨૦૨૦માં દિલ્હીમાં થયેલાં રમખાણોના મુખ્ય આરોપીઓ ઉમર ખાલિદ, શરજીલ ઇમામ અને અન્ય આરોપીઓની જામીનઅરજીના વિરોધમાં દિલ્હી પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસા
					 
					
પ્રતીકાત્મક તસવીર
૨૦૨૦માં સિટિઝનશિપ અમેન્ડમેન્ટ ઍક્ટ (CAA)ના વિરોધમાં દિલ્હીમાં શરૂ થયેલા આંદોલનના નામે દેશભરમાં હિંસક રમખાણો ફાટી નીકળ્યાં હતાં. એ ઘટનામાં ૫૩ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ૨૫૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. ૫૦૦થી વધુ ઘરો અને ૮૦૦થી વધુ દુકાનો સળગાવવામાં આવેલાં. આ ઘટનાના મુખ્ય આરોપીઓએ સુપ્રીમ કોર્ટમાં કરેલી જામીન માટેની અરજીના જવાબમાં દિલ્હી પોલીસે ગુરુવારે ૧૭૭ પાનાંની ઍફિડેવિટ દાખલ કરી હતી. એમાં આ રમખાણોને સંગઠિત અને સુનિયોજિત રીતે કરવામાં આવેલા સત્તા-પરિવર્તનના ઑપરેશન જેવાં ગણાવવામાં આવ્યાં હતાં.
સિટિઝનશિપ અમેન્ડમેન્ટ ઍક્ટ (CAA)નો વિરોધ તો એક બહાનું હતું, પણ એની આડમાં દેશભરમાં એક જ પૅટર્ન સાથે હિંસા ભડકાવવામાં આવી હતી જેનાથી ઉત્તર પ્રદેશ, આસામ, પશ્ચિમ બંગાળ, કેરલા અને કર્ણાટક રાજ્યોમાં હિંસા ભડકી ઊઠી હતી. દિલ્હી પોલીસે ઍફિડેવિટમાં દાવો કર્યો હતો કે ‘નજરે જોનારા લોકો, દસ્તાવેજો અને ટેક્નિકલ પુરાવાઓથી એ સાબિત થાય છે કે સાંપ્રદાયિક આધાર પર રમખાણ અને હિંસા થયાં હતાં. CAAના વિરોધમાં લોકોના અસંતોષને હથિયાર બનાવીને ભારતની સંપ્રભુતા અને અખંડિતતા પર હુમલો થયો હતો. આ હિંસા સંગઠિત અને આયોજનબદ્ધ હતી જે દેશભરમાં એકસાથે ફેલાવીને સરકારને અસ્થિર કરવાનું એક ષડયંત્ર હતું.’
ADVERTISEMENT
દિલ્હી પોલીસે આ રમખાણો ફેલાવનારા ઉમર ખાલિદ, શરજીલ ઇમામ અને અન્ય આરોપીઓને જામીન ન જ મળવા જોઈએ એનું કારણ આપવાની સાથે કેટલાક વળતા આરોપો પણ કર્યા હતા.
સત્તા-પરિવર્તનનું ષડયંત્ર 
આરોપીઓએ ૨૦૧૯ના ડિસેમ્બર મહિનામાં લોકોને ઉશ્કેરનારાં ભાષણો, પૅમ્ફ્લેટ્સ અને વૉટ્સઍપ નેટવર્કના માધ્યમથી ભીડ એકઠી કરી હતી. વારંવારની ઉશ્કેરણીઓથી ભીડ હિંસાત્મક રસ્તે વળી ગઈ. રમખાણ વખતે તેઓ ઘટનાસ્થળે મોજૂદ નહોતા એ તેમને આ આરોપોમાંથી મુક્ત ન કરી શકે, કેમ કે ભીડને એકઠી કરવાનું અને અનિયંત્રિત હિંસા કરાવવાનું ષડયંત્ર એ પહેલાં જ તેમણે રચી લીધેલું. આરોપીઓ ભલે દાવો કરતા હોય કે તેમણે કરેલો વિરોધ સંવિધાનના દાયરામાં રહીને કરવામાં આવેલો, પરંતુ દિલ્હી પોલીસે તેમની પ્રવૃત્તિને પહેલેથી આયોજનબદ્ધ અવ્યવસ્થા પેદા કરવાનું ષડ્યંત્ર ગણાવતા પુરાવાઓ રજૂ કર્યા હતા. 
બિનમુસ્લિમોને મારવાનો ઉદ્દેશ 
દિલ્હી પોલીસે આરોપ લગાવ્યો હતો કે ‘હિંસક પ્રદર્શનકારીઓનો ઉદ્દેશ પોલીસો અને બિનમુસ્લિમોને નિશાન બનાવીને રમખાણો ભડકાવવાનો હતો. તેમણે સરકારી સંપતિઓને નુકસાન પહોંચાડ્યું હતું. શરજીલ ઇમામનાં ભડકાઉ ભાષણોમાં એ ઉદ્દેશ સ્પષ્ટ જોઈ શકાય છે.’
દિલ્હી પોલીસ તરફથી સૉલિસિટર જનરલ તુષાર મહેતા, ઍડ્વોકેટ રજત નાયર અને ધ્રુવ પાંડેએ રજૂઆત કરી હતી. તેમનો આ જવાબ દિલ્હીનાં રમખાણોની તપાસને નવી દિશા આપશે અને CAAના વિરોધના નામે રાષ્ટ્રીય સુરક્ષા પરના જોખમ વિશે પણ ચર્ચા જગાવશે. સુપ્રીમ કોર્ટ હવે આરોપીઓની જામીનઅરજી તેમ જ પોલીસના ઍફિડેવિટની તપાસ કરીને શું નિર્ણય આપે છે એ હવે જોવાનું રહે છે.
 
		        	 
		         
        




 
		 
	 
								 
								 
        	