‘કાઉન્ટર ફૅક્ચ્યુઅલ થિન્કિંગ’ એટલે જે કાંઈ બન્યું છે એનાથી વિપરીત વિચારવાની માનવસહજ વૃત્તિ
ધ લિટરેચર લાઉન્જ
પ્રતીકાત્મક તસવીર
૧૯૧૨ના ઑલિમ્પિક્સમાં અમેરિકન દોડવીર એબેલ કિવીઅટ સિલ્વર મેડલ વિજેતા રહ્યા. વર્ષો પછી એક ન્યુઝપેપરને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહેલું ‘ઑલિમ્પિક્સની એ રેસ મારા માટે એક દુઃસ્વપ્ન હતી. હું એને ભૂલી જવાનો પ્રયત્ન કરીશ.’ ૧પ૦૦ મીટરની એ રેસમાં ગ્રેટ બ્રિટનના આર્નોલ્ડ જૅક્સન ૦.૧ સેકન્ડના માર્જિનથી આગળ રહીને ગોલ્ડ મેડલિસ્ટ બનેલા. ‘એ રેસ મારા જીવનની સૌથી મોટી નિરાશા હતી. રેસ પત્યા પછી ક્યારેય મેં આર્નોલ્ડનો ચહેરો નથી જોયો. આજે પણ ક્યારેક ઊંઘમાંથી અડધી રાતે બેઠો થઈ જાઉં છું અને ૦.૧ સેકન્ડ મોડા પડવા માટે જાતને દોષી માનવા લાગું છું.’
આ શબ્દો એક ઑલિમ્પિક મેડલ વિજેતાના છે.
ADVERTISEMENT
શું કામનો એ મેડલ જે આનંદ અને ગર્વની અનુભૂતિ ન આપે? શું કામની એ જીત, જેના સ્વાદમાં પરાજિત થયાની કડવાશ હોય? પણ હકીકત એ છે કે સિલ્વર મેડલ મળવા છતાં પણ વિજેતાઓના ચહેરા પર રહેલી નિરાશા અને નારાજગી સર્વસામાન્ય છે. ટોક્યો ઑલિમ્પિક્સમાં સિલ્વર મેડલ મેળવનાર ભારતીય કુસ્તીબાજ રવિ કુમાર દહિયાએ પ્રેસ-રિપોર્ટર્સને કહેલું, ‘આ મેડલનો અર્થ શું? હું તો અહીં ગોલ્ડ જીતવા આવેલો. આ (સિલ્વર) મેડલ સારો છે, પણ ગોલ્ડ તો નથીને!’ તેમની નિરાશા તેમના શબ્દોમાં સ્પષ્ટ છલકાતી હતી. એની સામે બ્રૉન્ઝ મેળવનાર બજરંગ પુનિયા, પી. વી. સિંધુ કે ભારતીય હૉકી ટીમના ચહેરા પર દેશ માટે એક મેડલ જીત્યાનો આનંદ, ગર્વ અને સંતોષ હતો. કેમ આવું થયું? એક કાંસ્યપદક વિજેતા એક રજતપદક વિજેતાથી વધારે ખુશ કઈ રીતે હોઈ શકે? આનો જવાબ છે કાઉન્ટર-ફૅક્ચ્યુઅલ થિન્કિંગ.
કાઉન્ટર-ફૅક્ચ્યુઅલ થિન્કિંગ એટલે જે કાંઈ બન્યું છે એનાથી વિપરીત વિચારવાની માનવસહજ વૃત્તિ. તથ્ય કે વાસ્તવિકતાની વિરુદ્ધ દિશામાં રહેલી એક વૈકલ્પિક શક્યતા. જે બની શક્યું હોત, પણ બન્યું નથી એવું કંઈક. મનોવિજ્ઞાન એવું કહે છે કે પરિણામથી વિપરીત રહેલી આ વૈકલ્પિક શક્યતા જ આપણો મૂડ, મનોભાવ અને પ્રતિક્રિયા નક્કી કરે છે. દરેક સારા કે ખરાબ પરિણામ પછી આપણા દરેકના મનમાં ઉદ્ભવતો એક સર્વસામાન્ય વિચાર, ‘આના કરતાં આમ થયું હોત તો!’ વાસ્તવિકતાથી અલગ બીજું ઘણુંય બની શકવાની શક્યતાઓ સેવતી હ્યુમન સાઇકોલૉજી એટલે કાઉન્ટર-ફૅક્ચ્યુઅલ થિન્કિંગ. ટૂંકમાં કોઈ પણ બનાવ પછી આપણા મનમાં જે બન્યું છે એનો નહીં, જે નથી બન્યું અથવા તો બની શક્યું હોત એનો વિચાર પહેલાં આવે છે. અને આ વિચાર જ આપણું સુખ નક્કી કરે છે.
આ જ નિયમ પ્રમાણે સિલ્વર મેડલિસ્ટના મનમાં રહેલી પહેલી વૈકલ્પિક શક્યતા, ગોલ્ડ મેડલ મળવાની હતી. જ્યારે બ્રૉન્ઝ મેડલિસ્ટ માટે કશું જ ન મળવાની હતી. સિલ્વર મેડલિસ્ટના મનમાં હાથમાં આવેલું કશુંક છીનવાઈ ગયાનો ભાવ હોય છે; જ્યારે બ્રૉન્ઝ મેડલિસ્ટના મનમાં સાવ ખાલી હાથે પાછા ફરવા કરતાં કશુંક મેળવી લીધાનો સંતોષ હોય છે. સિલ્વર મેડલ ફાઇનલમાં થયેલા પરાજય બાદ મળે છે, જ્યારે બ્રૉન્ઝ મેળવવા માટે વિજેતા બનવું પડે છે. સિલ્વર મેડલિસ્ટ પોતાની સરખામણી ગોલ્ડ મેડલિસ્ટ સાથે કરે છે જ્યારે બ્રૉન્ઝ મેડલિસ્ટ પોતાની તુલના તેમની સાથે કરે છે જેમને એક પણ મેડલ નથી મળ્યો. આ જ કારણ છે કે સિલ્વર કરતાં બ્રૉન્ઝ મેળવનાર વધારે ખુશ હોય છે.
જીવનની દરેક પરિસ્થિતિમાં આપણા મનમાં રહેલી આ ઑલ્ટરનેટિવ પૉસિબિલિટી જ આપણો આનંદ કે નિરાશા નક્કી કરે છે. આનાથી વધુ સારું કંઈક થઈ શક્યું હોત એવી અપેક્ષા જ આપણને હંમેશાં નિરાશ અને દુખી કરતી હોય છે. ઊબડખાબડ રસ્તામાંથી પસાર થતા અણધાર્યા અને અનિશ્ચિત જીવતરમાં કાયમ ખુશ રહેવાનો એક જ ઉપાય છે. મુસાફરીમાં એક એવું વલણ સાથે રાખવું જે જીવનના દરેક વળાંકે આપણને સતત કહ્યા કરે કે ‘આના કરતાં વધુ ખરાબ પણ કંઈક બની શક્યું હોત.’
આપણા સુખનો આધાર મુખ્યત્વે એવી અસંખ્ય શક્ય દુર્ઘટનાઓ પર રહેલો છે જે આપણી સાથે બની શકી હોત પણ નથી બની. વર્તમાન પરિસ્થિતિની તુલના આપણે જ્યારે આપણા અપેક્ષિત પરિણામ સાથે કરીએ છીએ ત્યારે સિલ્વર મેડલિસ્ટની જેમ ઉદાસ અને હતાશ થઈ જઈએ છીએ. એના કરતાં જે બન્યું કે મળ્યું છે એ વાસ્તવિકતાના સામે છેડે રહેલી કોઈ કદરૂપી, વરવી કે ભયાનક શક્યતાને આપણે જોઈ શકીએ તો બ્રૉન્ઝ મેડલિસ્ટની જેમ ખુશ રહી શકીએ. આપણું સુખ તુલનાત્મક હોય છે. આપણી પ્રસન્નતાનો આધાર આપણી ઉપલબ્ધિ, સફળતા કે પોઝિશન પર નહીં પરંતુ આપણી માનસિક અવસ્થા કે માઇન્ડસેટ પર રહેલો છે.
આ પૃથ્વીના વિશાળ પ્લૅટફૉર્મ પર જિંદગી નામની રમત માંડી હોય ત્યારે આવનારી દરેક પરિસ્થિતિ આપણા માટે ઑલિમ્પિક્સની ફાઇનલ છે. આ જિંદગીમાં આપણી સાથે જે કંઈ પણ બને છે, એ બધું જ આપણા માટે બોનસ છે કારણ કે આ જીવન ઇટસેલ્ફ જ આપણા માટે સૌથી મોટો મેડલ છે. સાવ ખાલી હાથ અને શૂન્ય અપેક્ષાઓ સાથે આ જીવતર માટે ક્વૉલિફાય થયેલા આપણે આ જગતમાં ફક્ત અનુભવો લેવા આવ્યા છીએ. મેડલ, પ્રતિષ્ઠા કે સફળતા મળે કે ન મળે, મનુષ્ય અવતાર માટે પસંદગી પામેલા આપણે સાવ ખાલી હાથે તો પાછા નહીં જ ફરીએ.