રાજ્યના હેલ્થ મિનિસ્ટરને ચૅલેન્જ છે કે તમે માત્ર ૪૮ કલાક મુંબઈમાં વ્હીલચૅર સાથે ઘરની બહાર સર્વાઇવ કરીને દેખાડો, શની આર્થિક રાજધાની અને ઍડ્વાન્સ સુવિધાઓ ધરાવતા મુંબઈમાં શાંતિથી, સ્વાવલંબન સાથે રહી શકાય એ માટે દિવ્યાંગોએ કેવા પડકારો સહેવા પડે છે...
રાજ્યના હેલ્થ મિનિસ્ટરને ચૅલેન્જ છે કે તમે માત્ર ૪૮ કલાક મુંબઈમાં વ્હીલચૅર સાથે ઘરની બહાર સર્વાઇવ કરીને દેખાડો
આ ઓપન ચૅલેન્જ શારીરિક અક્ષમતા ધરાવતા અને એવા લોકોના અધિકાર માટે લડતા કરણ શાહે ‘મિડ-ડે’ થકી આપી છે. વ્હીલચૅર સાથે જીવતા લોકો માટે મુંબઈમાં ટકી રહેવું કેવું દુષ્કર છે એનો એક વિડિયો તાજેતરમાં સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. દેશની આર્થિક રાજધાની અને ઍડ્વાન્સ સુવિધાઓ ધરાવતા મુંબઈમાં શાંતિથી, સ્વાવલંબન સાથે રહી શકાય એ માટે દિવ્યાંગોએ કેવા પડકારો સહેવા પડે છે એ તેમની જ પાસેથી જાણીએ
મુંબઈ શહેર, જેને સપનાનું શહેર માનવામાં આવે છે એ ઘણા શારીરિક રીતે અક્ષમ લોકો માટે નરકથી ઊતરતું નથી. સ્વાવલંબી બનીને અહીં સર્વાઇવ કરવું અઘરું છે. આ મુદ્દા પર આજે વાત કરવાનું કારણ છે થોડાક દિવસ પહેલાં બનેલી એક ઘટના. ૩૫ વર્ષની નીતુ મહેતા નામની વ્હીલચૅરવાળી યુવતી, જે પોતે એક ઍથ્લીટ અને ડાન્સર પણ છે અને જેની લાઇફ વિશે ગુરુવારે તમે ‘મિડ-ડે’માં વાંચી પણ ચૂક્યા છો. હવે બન્યું એવું કે ગ્રાન્ટ રોડના નાના ચોકથી ચર્ની રોડ તરફ પાછાં વળી રહેલાં નીતુબહેને તેમના ડેસ્ટિનેશન પર પહોંચાડતી બસ જોઈ એટલે તેમણે તપાસ કરી કે આ બસ વ્હીલચૅર સાથેના તેમના જેવા લોકો માટે ઉપયોગી છે કે નહીં. નસીબજોગે આ બસમાં વ્હીલચૅર ચડાવી શકે એવી લિફ્ટ હતી, પરંતુ કમનસીબી ત્યાં આવી કે એ લિફ્ટ ઑપરેટ કરવાનું બસ-ડ્રાઇવર કે કન્ડક્ટરને ફાવતું નહોતું. પરિણામે નીતુબહેન બસમાં ચડી ન શક્યાં, પરંતુ આ આખી ઘટના વિડિયોમાં કૅપ્ચર થઈ અને વાઇરલ થયેલા આ વિડિયોએ લોકોનું ધ્યાન એ વરવી વાસ્તવિકતા તરફ દોડાવ્યું કે હજીયે આ શહેરમાં શારીરિક અક્ષમતા ધરાવતા લોકોને સવલત આપવાની કોઈ ટ્રેઇનિંગ કે વ્યવસ્થા ઊભી નથી થઈ.
ADVERTISEMENT
વાતને આગળ વધારતાં પહેલાં થોડાક આંકડાઓ પર નજર કરીએ. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનનો ડેટા કહે છે કે દુનિયામાં લગભગ આઠ કરોડ લોકોને હલનચલન માટે વ્હીલચૅરની જરૂર પડે છે અને આ આંકડો સતત વધી રહ્યો છે. ૨૦૧૮ના નૅશનલ સૅમ્પલ સર્વે મુજબ ભારતમાં લગભગ ૬૦ લાખ લોકો એવા છે જેમને હલનચલન માટે વ્હીલચૅરની જરૂર પડે છે. આ જ સર્વે કહે છે કે ભારતમાં લગભગ બે કરોડ ૬૮ લાખ લોકો દિવ્યાંગ છે એટલે કે કોઈક પ્રકારની અક્ષમતા ધરાવે છે. દુનિયાના દેશોમાં વ્હીલચૅર સાથે રહેલા કે અન્ય શારીરિક અક્ષમતા ધરાવતા લોકો માટે પોતાની રીતે હલનચલન કરી શકે એવી વ્યવસ્થા છે પરંતુ ભારતમાં એ નથી. ભારત જવા દો, દેશની આર્થિક રાજધાની અને સૌથી વધુ ઍડ્વાન્સ સિટી બનવા જઈ રહેલા આપણા શહેરમાં દિવ્યાંગોનાં હિતોની કોઈ પરવા નથી. મુંબઈને શારીરિક રીતે અક્ષમ લોકો માટે અનુકૂળ બનાવવાની એક અનોખી મુહિમ કેટલીક સંસ્થાઓ અને વ્યક્તિગત ઍક્ટિવિસ્ટોએ શરૂ કરી છે ત્યારે આજે વિષયને વધુ ઊંડાણપૂર્વક સમજીએ.
કેટલાક વિકટ સવાલો
સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફીને કારણે મોટા ભાગની મોબિલિટી ગુમાવી ચૂકેલો ડૉગ ટ્રેઇનર, સ્ટૅન્ડઅપ કૉમેડિયન કરણ શાહ છેલ્લાં થોડાંક વર્ષોથી મુંબઈ શહેરને વ્હીલચૅર-ફ્રેન્ડ્લી અને જોવાની અને સાંભળવાની તકલીફ ધરાવતા લોકો માટે પણ બહેતર બનાવવાની દિશામાં સક્રિયતા સાથે કામ કરી રહ્યો છે. અચાનક સેલ્સમૅનને ફ્રૅક્ચર આવવાથી વ્હીલચૅર પર બેસીને પોતાના પિતાના બિઝનેસનું માર્કેટિંગ કરવા વિવિધ દુકાનોમાં ફરતી વખતે થયેલા મુંબઈની મર્યાદાના અનુભવ વિશે વાત કરતાં કરણ કહે છે, ‘હું દાદર રહું છું એટલે ત્યાંની દુકાનોમાં તો મારી સાથે હેલ્પર હતો અને એક પછી એક દુકાનોમાં વર્ક ઑર્ડરનું કામ કરતો હતો. એક વાર માહિમથી પાર્લા સુધી આવ્યો અને ગાડી મને પાછી પાર્લાથી પિક કરવાની હતી. જોકે કારને આવવાને વાર હતી અને પાર્લામાં વૉશરૂમ જવું પડે એમ હતું એટલે વ્હીલચૅર-ફ્રેન્ડ્લી ટૉઇલેટ ગોતી રહ્યો હતો પરંતુ દૂર-દૂર સુધી ક્યાંય એ ન મળ્યું. મારી ગાડી આવી. અમે પાર્લાથી દાદર સુધીના રસ્તામાં પણ એ શોધ્યું પણ એક પણ જગ્યાએ ડિસેબલ લોકો માટે વ્હીલચૅર-ફ્રેન્ડ્લી વૉશરૂમ નહોતો.’
લગભગ ૨૦૧૮ની આ વાત છે. આ ઘટના કરણ માટે આંખ ઉઘાડનારી હતી. તે કહે છે, ‘આટલાંબધાં સુલભ શૌચાલય, પણ ક્યાંય ડિસેબલ વ્યક્તિનો વિચાર નહીં. રૅમ્પ એટલે કે દાદરાના બદલે ઢાળ બનાવ્યો હોય તો એ પણ એવી રીતે જેમાં વ્હીલચૅર જઈ જ ન શકે. અમારો ગુનો શું કે અમે પગેથી ચાલી નથી શકતા? અત્યારે પણ કહું છું કે જો તમારી પાસે હેલ્પર ન હોય, પૈસાની પૂરતી સગવડ ન હોય તો તમે મુંબઈમાં ઘરની બહાર સુધ્ધાં નીકળી ન શકો.’
કરણ શાહ, ઍક્ટિવિસ્ટ
સંવેદનશીલતા નથી
દિવ્યાંગોની ગણતરી અને તેમના માટેની સુવિધાઓને બહેતર બનાવવા માટે ભારત સરકારે એક ડેટાબેઝ બનાવવાનો નિર્ણય લઈને યુનિક ડિસેબિલિટી IDનું ઇનિશ્યેટિવ લીધું છે. એમાં ગ્રાઉન્ડ રિયલિટી શું છે એનું વર્ણન કરતાં કરણ કહે છે, ‘ત્રણ વર્ષ પહેલાંની વાત કહું. કોવિડ પછી ૨૦૨૨માં અમારી એક મીટિંગ હતી જેમાં એક મિત્રે મને ડિસેબિલિટી સર્ટિફિકેટ વિશે વાત કરી. યુનિક ડિસેબિલિટી ID માટે મેં ઑનલાઇન અપ્લાય કર્યું પણ કોઈ રિપ્લાય એક વર્ષ સુધી ન આવ્યો. એ પછી મને કહેવામાં આવ્યું કે તારે જે. જે. હૉસ્પિટલમાં રૂબરૂ જવું પડશે. આજે સેન્ટર બંધ છે, આજે થેરપિસ્ટ નથી જેવાં બહાનાંઓ અને કામને ટિંગાડવાની ત્યાંના લોકોની નીતિને કારણે લગભગ છ ધક્કા ખાધા. એક માત્ર ઍપ્લિકેશન લીધી. બીજી વાર અહીં નહીં, બીજા વૉર્ડમાં જઈને એક્ઝામિનેશન કરાવો. એક્ઝામિનેશનમાં જે થેરપિસ્ટ હતો તે મારા ન્યુરોલૉજિકલ ડિસેબિલિટીના એક્ઝામિનેશન માટે ક્વૉલિફાઇડ નહોતો તો મેં તેમને કહ્યું કે બીજા થેરપિસ્ટને કહો તો તેમણે કહ્યું કે ના, અમારે ત્યાં બધાનું ચેકઅપ આ જ વ્યક્તિ કરે છે અને તેમનો રિપોર્ટ માન્ય છે. ફરી ગયો તો ખબર પડી કે રિપોર્ટ રિજેક્ટ થયો. ફરી બીજા પાસે ચેકઅપ કરાવ્યું. નવેસરથી ઍપ્લિકેશન થઈ. અહીંથી ત્યાં તહીંથી અહીં એમ જુદા-જુદા વૉર્ડમાં ધક્કા ખાઈને કંટાળી ગયો છું પરંતુ આજે ત્રણ વર્ષ પણ પછી મને એ યુનિક ડિસેબિલિટી સર્ટિફિકેટ નથી મળ્યું. આવી રીતે સરકાર ગણતરી કરશે. આ તો હું મારો ત્રાસ કહી શક્યો, મારી પાસે હેલ્પર અને ગાડી હોવાથી આટલા ધક્કા ખાઈ શક્યો; કોઈ આર્થિક રીતે નબળી વ્યક્તિ આવું ક્યારેય નહીં કરી શકે.’
અમારે ક્યાં જવાનું?
માહિમમાં રહેતાં અને છેલ્લાં ૨૭ વર્ષથી દિવ્યાંગોના હક માટે લડી રહેલા નીનુ કેવલાણી નવા બની રહેલાં પબ્લિક પાર્ક, જાહેર સ્થળોમાં પણ કઈ રીતે ઇરાદાપૂર્વક દિવ્યાંગોની એન્ટ્રી વર્જિત થઈ જાય એવું પ્લાનિંગ કરવામાં આવે છે એ વિશેનો પોતાનો બળાપો કાઢતાં કહે છે, ‘આજે તમે દાદરનો શિવાજી પાર્ક જુઓ. કેટલા પ્રયત્નો કર્યા કે અહીં વ્હીલચૅર આવી શકે, દિવ્યાંગોને અનુકૂળ વૉશરૂમ હોય એવી વ્યવસ્થા હોય. ત્યાંના આર્કિટેક્ટ સુધ્ધાં સાથે વાત કરી પણ એવી કોઈ ચકાસણી વિના તેમને લોકલ કમિશનરે ગ્રીન સિગ્નલ આપી દીધું. એવું કેમ ન થાય કે કોઈ પણ પ્રોજેક્ટ બને એ દિવ્યાંગ-ફ્રેન્ડ્લી હોય જ એ ફરજિયાત બની જાય? જેમ ફાયર સેફ્ટી વિના એ સર્ટિફિકેટ નથી મળતું તો આમાં પણ કડક કાયદા કેમ નથી બનતા? તમે જુઓ એવી કેટલીય સ્કૂલ છે, કૉલેજો છે જ્યાં દિવ્યાંગ-ફ્રેન્ડ્લી વૉશરૂમ કે ઉપર જવા માટે લિફ્ટ અથવા રૅમ્પ નથી હોતાં. મને યાદ છે એક કૉલેજમાં હું એક્ઝામ આપવા ગઈ. મારો ક્લાસરૂમ સેકન્ડ ફ્લોર પર પણ, ત્યાં જવા માટે લિફ્ટ જ નહીં એટલે પ્રિન્સિપાલે પોતાની ઑફિસમાં બેસાડીને મને એક્ઝામ અપાવડાવી. હું તો એકાદ વાર માટે ગઈ હતી પણ રેગ્યુલર ત્યાં ભણતાં બાળકોનું શું? હું પબ્લિક સ્પીકિંગના ક્લાસ કરતી હતી. એ કૉલેજમાં કોઈ જ વ્યવસ્થા નહીં કે આપણે વ્હીલચૅર સાથે જઈ શકીએ. રિનોવેશન ચાલતું હતું એટલે મેં પ્રિન્સિપાલને ઘણી વાર રિક્વેસ્ટ કરી પણ તેમણે કોઈ જ પગલાં ન લીધાં. આખરે ત્યાંથી છોડીને બીજી કૉલેજમાં મારે ઍડ્મિશન લેવું પડ્યું. અમારે ત્યાં બિલ્ડિંગની નીચે ડેન્સ્ટિસ્ટનું ક્લિનિક છે પરંતુ રૅમ્પ નહીં હોવાથી અને ગલી ખૂબ સાંકડી હોવાને કારણે હું ત્યાં જવાને બદલે દૂરની હૉસ્પિટલમાં જઈને રૂટ કનૅલ કરાવું છું. આવા તો કેટલાય મુદ્દા છે જ્યાં આ સભાનતા જ નથી. માન્યું કે દેશનાં અન્ય શહેરોની સામે કદાચ મુંબઈમાં
પરિસ્થિતિ બહેતર છે પરંતુ સાચું કહું તો મુંબઈ કરતાં પણ દિલ્હી દિવ્યાંગો માટે ભારતની વાત કરતાં હોઈએ તો વધુ અનુકૂળ જગ્યા છે.’
નીનુ કેવલાણી, ઍક્ટિવિસ્ટ
આટલી સમજ નથી
મુંબઈ મેટ્રોનું નિર્માણ દિવ્યાંગ-ફ્રેન્ડ્લી છે એ વાતને અગ્રણી ઍક્ટિવિસ્ટો સ્વીકારે છે, પરંતુ મેટ્રો તમને એક પૉઇન્ટથી બીજા પૉઇન્ટ પર પહોંચાડે. ત્યાંથી આગળ તો તમારે લોકલ ટ્રાન્સપોર્ટ અને એ જ રસ્તાઓનો ઉપયોગ કરવો પડે છે. એ જો દિવ્યાંગ-ફ્રેન્ડ્લી નહીં હોય તો મેટ્રોમાં આપવામાં આવેલી ફૅસિલિટીનો ઉપયોગ કોઈ નહીં કરી શકે. કરણ કહે છે, ‘રોડ નથી, ફુટપાથનાં ઠેકાણાં નથી અને જે થોડી ફુટપાથ છે ત્યાં ડિવાઇડર તરીકે સ્ટીલના થાંભલા લગાવવામાં આવ્યા છે જેથી બાઇકર્સ એમાં ઘૂસી ન જાય. કમાલ છે. તમે વિચાર કરો કે ઝીબ્રા ક્રૉસિંગમાં જો ફુટપાથ પાસે આ રીતે થાંભલા લગાવો તો વ્હીલચૅરવાળા ક્યાંથી જશે? આના માટે તો અમે કોર્ટમાં ગયા. કોર્ટે થાંભલા હટાવવાનો આદેશ પણ આપ્યો પરંતુ આજે ફરી દાદર ટીટી સર્કલ પાસે એ થાંભલા તમને લાગેલા દેખાશે. BMCએ થાંભલા લગાવ્યા જેથી બાઇકવાળા ત્યાંથી ઘૂસે નહીં પરંતુ હકીકત એ છે કે હજીયે બાઇકવાળા તો ત્યાંથી ઘૂસે જ છે. આજે પણ ત્યાં બાઇક પાર્ક કરેલી જોવા મળશે. બાઇકરને રોકવા માટે તમે તેમને માટે સજા નક્કી કરો. ફુટપાથ ચાલવા માટે છે પરંતુ અહીં અમારો રસ્તો બ્લૉક કરીને તમે શું કામ અમારી પજવણી કરો છો? ભારતમાં ખરેખર બહુ જ ખરાબ વ્યવસ્થા છે. એવું નથી કે નિયમો નથી. રોડને લગતા નિયમોની બુક જોશો તો એમાંય દિવ્યાંગોનો સમાવેશ કરતા બધા જ નિયમો છે પરંતુ એનું પાલન નથી થતું કારણ કે પાલન કરો કે ન કરો, તમને કહેનારું કોઈ નથી. મારા મિત્રો લંડનમાં જે રીતે સુવિધાઓ સાથે રહે છે તેમને જોઈને ઈર્ષ્યા આવે છે. તેમના સિટીમાં પહેલેથી જ એ વ્યવસ્થા છે. અરે તમે રસ્તા કે ટ્રેનની ક્યાં વાત કરો છો, તમે ફ્લાઇટમાં જાઓ અને સાથે તમારી વ્હીલચૅર પણ કાર્ગોમાં ગઈ હોય તો એ સિંગલ પીસમાં પાછી નથી આવતી. ઍરલાઇનવાળા સૉરી કહીને કે એક ફ્રી સૅન્ડવિચ ખવડાવીને હાથ ખંખેરી નાખે છે. બીજા દેશમાં આવું થયું હોય તો તમે ઍરલાઇનને સુ કરી શકો કારણ કે તેઓ વ્હીલચૅરને વ્યક્તિના પગ સમાન ગણે છે. એ મહત્ત્વનું છે. જોકે આવી કોઈ સંવેદનશીલતાની ભારતમાં અપેક્ષા રાખવી જ વ્યર્થ લાગે છે. અમારી સેફ્ટીની કોઈને પડી જ નથી. અમને અહીંના લોકો માણસ સમજતા જ નથી. એટલે જ હું હેલ્થ મિનિસ્ટરને કહીશ કે ભલે તમારા પગ બરાબર હોય એ પછીયે અમારી પીડા સમજવા માટે તમે માત્ર ૪૮ કલાક મુંબઈના રસ્તા પર વ્હીલચૅર સાથે મદદ વિના સર્વાઇવ કરીને દેખાડો તો તમને માની જઈએ.’
જરૂરી છે લોકોની ટ્રેઇનિંગ
છેલ્લાં થોડાંક વર્ષોથી દિવ્યાંગોના હક માટે લડતી અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય ખુશી ગણાત્રા પણ મુંબઈના દિવ્યાંગો માટે કોઈ અનુકૂળ વ્યવસ્થા નહીં હોવાની વાતને સ્વીકારે છે. એ દુઃખદ છે અને એમાં પગલાં લેવાય એ જરૂરી પણ છે એમ જણાવીને ખુશી કહે છે, ‘હવે જરૂર છે લોકોમાં જાગૃતિ લાવવાની. જો બદલાવ લાવવો હશે તો જાગૃતિ લાવવી પડશે. રેલવે, BMC, બેસ્ટ એમ દરેક સ્તરના સ્ટાફમાં જાગૃતિ આવે એ પહેલું પગથિયું છે. એના માટે કેટલાક પત્રો ઑથોરિટીને અમે લખ્યા છે. સરકાર જો સામાજિક સંસ્થાઓ સાથે મળીને આવી ટ્રેઇનિંગ વર્કશૉપ યોજે તો બહુ જ મોટો લાભ થશે. બીજા નંબરે કૉમન પબ્લિકમાં પણ અવેરનેસ આવે એ જરૂરી છે. તેમના માટે પણ નિયમિત લેક્ચર્સ અને વર્કશૉપ્સ યોજાય અને છેલ્લે દિવ્યાંગોએ પોતે પણ પોતાના હક માટે જાગ્રત થવાની જરૂર છે. એને લગતી ટ્રેઇનિંગ પણ યોજાવી જોઈએ. આજે પબ્લિક ટ્રાન્સપોર્ટ દિવ્યાંગ માટે નથી ત્યારે કૉમન મૅન એમાં મહત્ત્વનો રોલ અદા કરી શકે. જેમ કે હું વ્હીલચૅર સાથે જ ટ્રેનમાં ટ્રાવેલ કરું છું ત્યારે મારી વ્હીલચૅરને લોકોની મદદથી જ ટ્રેનમાં ચડાવું છું. એમ મુંબઈકરો જાગૃત છે. બસ, તેમને થોડાક ઢંઢોળવાની જરૂર છે. વ્યવસ્થિત નેવિગેશન્સ બનાવીએ. લોકો જ્યાં જાય ત્યાં દિવ્યાંગોનાં વૉશરૂમ, લિફ્ટ, એસ્કેલેટર ક્યાં છે એનાં ડિરેક્શન્સ પણ તાત્કાલિક બદલાવના ભાગરૂપે મુકાય એ જરૂરી છે.’
ક્યારેક તો બદલાવ આવશે
મુંબઈમાં ઘણાંખરાં બિલ્ડિંગોમાં રૅમ્પ્સ જ નથી હોતા, એટલે કે ચડાણવાળો સપાટ ભાગ જેના પરથી વ્હીલચૅર ચડાવી શકાય. આ દિશામાં દિવ્યાંગોના હક માટે લડતી વિરાલી મોદીએ મુંબઈ મહાનગરપાલિકા પાસે ડિમાન્ડ મૂકી હતી જેમાં કોઈ પણ હાલતમાં તમામ પ્રકારના નવા અને ઓનગોઇંગ રોડ અને ફુટપાથમાં રૅમ્પ્સ બનવા જોઈએ. આટલી સુવિધા પણ ન આપવી એ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા તેમના અધિકારોનું છડેચોક હનન છે. પ્રોજેક્ટ મુંબઈ નામની સંસ્થા દ્વારા મુંબઈનો પહેલું ઇન્ક્લુસિવ ગાર્ડન બનાવવામાં આવ્યું જેમાં વેસ્ટર્ન રેલવેએ પણ સાથ આપ્યો. એવી જ રીતે સોશ્યો-લીગલ ઇન્ફર્મેશન સેન્ટર દ્વારા ડિસેબિલટી રાઇટ્સ ઇનિશ્યેટિવ અંતર્ગત દિવ્યાંગજનો માટેની અસુવિધાઓને દર્શાવતી જનહિત યાચિકાઓ કોર્ટમાં સબમિટ કરવામાં આવે છે. આવી જ એક જનહિત યાચિકાનું પરિણામ આવ્યું જેમાં મુંબઈ હાઈ કોર્ટે ૧૨૪ રેલવે-સ્ટેશનોના ઑડિટનો આદેશ આપ્યો હતો. આવી અઢળક સંસ્થાઓ અને વ્યક્તિગત ધોરણે પણ દિવ્યાંગો દ્વારા પોતાના અધિકારો પ્રત્યે હવે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું છે એટલે આવનારા દિવસોમાં આજે જે છે એનાથી બહેતર તેમનો પણ સમાવેશ થઈ જાય એવી યુનિવર્સલ ડિઝાઇન સાથે મુંબઈ શહેર જોવા મળે એવી સંભાવનાઓ વધી છે.
ખુશી ગણાત્રા, ઍક્ટિવિસ્ટ
કેટલાક મહત્ત્વના પડકારો
આજેય મુંબઈની લાઇફલાઇન એ દિવ્યાંગો માટે ઍક્સેસિબલ નથી જ. અલબત્ત, વેસ્ટર્ન રેલવેના ૨૦૨૪ના આંકડાઓ મુજબ વેસ્ટર્ન રેલવે અંતર્ગત આવતાં વિવિધ સ્ટેશનો અને પ્લૅટફૉર્મને દિવ્યાંગ-ફ્રેન્ડ્લી બનાવવા લગભગ ૧૭૬ નવી લિફ્ટ અને ૧૭૩ એસ્કેલેટર દાદરા મૂકવામાં આવ્યા છે. જોકે ફુટઓવર બ્રિજની અસમતળ જમીન અને મેઇન્ટેનન્સના અભાવે એ વ્હીલચૅર-ફ્રેન્ડ્લી નથી બન્યા અને પીક-અવર્સમાં ભીડ અને ટ્રેનનો હૉલ્ટ ટાઇમ જોતાં કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ માટે ટ્રેનમાં ચડવું અસંભવ છે.
રોડ અને ફુટપાથમાં રહેલા ખાડા, ઠેર-ઠેર ચાલતું ખોદકામ, વ્યવસ્થિત સાઇન બોર્ડનો અભાવ પણ ખૂબ મોટાં કારણ છે જેને કારણે જોઈ નહીં શકતા કે વ્હીલચૅરનો ઉપયોગ કરતા લોકો માટે મુંબઈના રસ્તાનો ઉપયોગ કરવો લગભગ અસંભવ હોય છે.
ભારતમાં ‘રાઇટ ઑફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ ઍક્ટ છે પરંતુ એના અનુસરણમાં ખૂબ નજીવાં પગલાં લેવાયાં છે જેના આધારે દિવ્યાંગ જન બહેતર જીવન જીવી શકે. મોટા ભાગનાં બિલ્ડિંગો, સ્કૂલ, કૉલેજિસ, મેડિકલ ફૅસિલિટીઝ, પબ્લિક પ્લેસિસમાં પ્રૉપર રૅમ્પ્સ, ઓપન દરવાજા, વ્હીલચૅર-ફ્રેન્ડ્લી બાથરૂમ વગેરેનો અભાવ છે, જે કાયદાનો ભંગ છે પરંતુ એના વિરુદ્ધ ઍક્શન કોઈ નથી.
બસમાં વ્હીલચૅર સાથે ચડવાની જદ્દોજહદ કરી રહેલાં નીતુ મહેતાની સ્ટ્રગલની એક ઝલક.
તમને ખબર છે?
૨૦૨૪માં યોજાયેલો ૧૮મો મુંબઈ ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ દિવ્યાંગ જનોના હિત માટે કામ કરતી સંસ્થા ‘સ્વયંગ’ સાથેની પાર્ટનરશિપમાં યોજાયો હતો જેમાં દિવ્યાંગ જન એને અટેન્ડ કરી શકે એ રીતે આખું વેન્યુ અને ફિલ્મ સ્ક્રીનિંગ ડિઝાઇન કરવામાં આવ્યાં હતાં, જે લોકો માટે ઉદાહરણરૂપ બની શકે.
દાદર ટીટી સર્કલ અને માટુંગામાં ઝીબ્રા ક્રૉસિંગ પાસે ચાલતા લોકોની સેફ્ટી માટે અને બાઇકર્સ ફુટપાથ પર ઘૂસી ન શકે એટલે આ રીતે બોલાર્ડ્સ એટલે કે સ્ટીલના થાંબલા લગાવ્યા છે. જોકે એને કારણે વ્હીલચૅરવાળા લોકોનું આવાગમન બંધ થઈ ગયું છે, પણ બાઇક તો એ પછીયે અહીં આવે જ છે. ફોટોમાં સાઇડમાં પાર્ક કરેલી બાઇક જોઈ શકાય છે.

