૧૯૪૫થી લઈને દર વર્ષે ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશન દ્વારા દુનિયામાં રહેલા ભૂખમરા અને કુપોષણ વિશે જાગૃતિ લાવવા માટે ‘વર્લ્ડ ફૂડ ડે’ની ઉજવણી કરવામાં આવે છે.
પ્રતીકાત્મક તસવીર
આ દુનિયામાં દર અગિયારમાંથી એક વ્યક્તિ પાસે પેટ ભરાય એટલું ભોજન નથી. જોકે પૃથ્વી પર એટલી માત્રામાં અન્ન પેદા થાય છે જેના થકી દરેક વ્યક્તિ બે ટાઇમ પેટ ભરીને જમી શકે, પરંતુ એનો બગાડ પણ એટલો જ વધારે છે. આજે વર્લ્ડ ફૂડ ડે નિમિત્તે ભોજનનો બગાડ અટકાવીને જરૂરિયાતમંદો સુધી ભોજન પહોંચાડનારાં જીવંત અન્નપૂર્ણાઓને મળીએ
૧૯૪૫થી લઈને દર વર્ષે ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશન દ્વારા દુનિયામાં રહેલા ભૂખમરા અને કુપોષણ વિશે જાગૃતિ લાવવા માટે ‘વર્લ્ડ ફૂડ ડે’ની ઉજવણી કરવામાં આવે છે. કેટલાક સર્વે રિપોર્ટ કહે છે કે દુનિયામાં દર અગિયારમાંથી એક વ્યક્તિ ભૂખ્યા પેટે ઊંઘે છે અને એવું નથી કે પૂરતા પ્રમાણમાં ભોજન ઉપલબ્ધ નથી પરંતુ ભોજનનો બગાડ બહુ જ વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યો છે. આ જ વાત વિશે લોકજાગૃતિ લાવવા માટે આ વર્ષે ‘હૅન્ડ ઇન હૅન્ડ ફૉર બેટર ફૂડ ઍન્ડ અ બેટર ફ્યુચર’ થીમ સાથે વર્લ્ડ ફૂડ ડેની ઉજવણી થઈ રહી છે ત્યારે મળીએ કેટલાક એવા મુંબઈકરોને જે ભોજનનો વ્યય અટકાવીને એને ભૂખ્યા જનો સુધી પહોંચાડવાનું મહામૂલું કામ કરી રહ્યા છે.
ADVERTISEMENT
વાય નૉટ?
છેલ્લાં પાંચ વર્ષથી જરૂરિયાતમંદોને ભોજન ખવડાવતાં અને બે વર્ષથી કોઈકને ત્યાં વધેલા ભોજનને કલેક્ટ કરીને એને જરૂરિયાતમંદ સુધી પહોંચાડતાં સાઉથ મુંબઈમાં રહેતાં ઉર્વશી મોદી માને છે કે જ્યારે લોકો એક ટંક ભોજન માટે વલખાં મારતાં હોય ત્યારે એનો બગાડ કઈ રીતે કરી શકાય? આ જ કારણથી વધેલા ભોજનને જરૂરિયાતમંદ સુધી પહોંચાડવાનું મિશન શરૂ કરનારાં ઉર્વશીબહેન કહે છે, ‘કોવિડમાં મારા છ વર્ષના દીકરા સાથે રોજનાં પચાસ થેપલાં બનાવીને અમે જરૂરિયાતમંદને પહોંચાડવા માટે જતાં. ત્યારે સમજાયું કે આપણને નથી ભાવતું કે વધી ગયું એમ સમજીને આપણે જેને ફેંકી દઈએ છીએ એ ખાવાનું કોઈક માટે સર્વાઇવલ બની શકે છે. હું આખા મુંબઈમાં ચાર જણને ચાલે એટલા ફૂડથી લઈને ચારસો લોકોનું ભોજન પણ વધ્યું હોય તો એને કલેક્ટ કરીને એને જરૂરિયાતમંદ સુધી પહોંચાડી દઉં છું. મારું ફોકસ ખાસ કરીને રસ્તા પર રહેતા લોકો, કામાઠીપુરા જેવા વિસ્તારો, ખૂબ જ બદતર હાલતમાં જીવતા સ્લમના લોકો હોય છે. તેમના ચહેરાની ખુશી એમાં જ મારો સૌથી મોટો અવૉર્ડ અને રિવૉર્ડ હોય છે. ખરેખર આટલી માત્રામાં મોટા ભાગે લગ્નપ્રસંગોમાં કે પાર્ટીમાં ફૂડ વધતું હોય જે જરૂરિયાતમંદ લોકો માટે બહુ જ મોટી લક્ઝરી હોય છે. એ મેનુ જોઈને જ લોકો ખુશ થઈ જાય છે. હમણાં જ લગભગ બસો પીસ મીઠાઈના કોઈકે મોકલ્યા. અમે દરરોજ ફ્રેશ ફૂડ આપીએ છીએ જેમાં પૌંઆ અને કેળાં હોય. એમાં બે ટુકડા મીઠાઈના પણ અમે ઍડ કર્યા અને લોકો અમને હસતા ચહેરે હૅપી દિવાલી કહીને ગયા. લોકો માટે મીઠાઈ લક્ઝરી છે અને દિવાળી સિવાય તેમને કોઈ મીઠાઈ આપે એ બને જ નહીં એટલે દિવાળીને વાર હોવા છતાં તેમના માટે એ મીઠાઈ મળવી એ દિવાળીના સેલિબ્રેશન બરાબર હતું.’
જરૂર છે અવેરનેસની
છેલ્લાં પચીસ વર્ષથી જરૂરિયાતમંદ લોકોને ભોજન ડિસ્ટ્રિબ્યુટ કરતા ૮૬ વર્ષના અશોક શાહને પણ દર થોડાક દિવસે જૈન સંઘોના સ્વામીવાત્સલ્ય કે પૉલિટિકલ પાર્ટીના ભોજન સમારંભમાંથી ફૂડ મળી જતું હોય છે. તેઓ કહે છે, ‘થોડાક સમય પહેલાં એક પૉલિટિકલ પાર્ટીની રૅલી હતી અને કંઈક મેગા બ્લૉકને કારણે કૅન્સલ થયું એટલે બે હજાર લોકોનું ભોજન વધ્યું હતું. એ બધા જ ફૂડનો નિકાલ કરવાનું મને કહ્યું. અડધો કલાકની અંદર જુદી-જુદી સામાજિક સંસ્થાઓ અને હૉસ્પિટલમાં જરૂરિયાતમંદોને એ ખાવાનું મળી રહે એ વ્યવસ્થા મેં કરી લીધી. એવી કેટલીય સંસ્થાઓ છે જ્યાં કૅન્સરના દરદીઓ રહે છે કે દરદીઓના સંબંધી રહે છે જે મુંબઈમાં પરવડતું ન હોવાથી માત્ર એક ટંક ભોજન સાથે સર્વાઇવ થતા હોય. એવામાં તમે જો ખાવાનું બગાડતા હો ત્યારે તો કમ સે કમ આ લોકોનો વિચાર આવવો જોઈએ. દાદરમાં સંત ગાડગે મહારાજ નામની સંસ્થા છે જ્યાં લગભગ ૬૦૦ જેટલા કૅન્સરના દરદીઓ એક બિલ્ડિંગમાં રહે છે. બહુ જ નિયમિત ડોનરોના માધ્યમથી ત્યાં ભોજન પૂરું પાડીએ છીએ. નાયર હૉસ્પિટલમાં દરરોજ સવારે નાસ્તો લોકોને આપીએ છીએ. તાડદેવમાં લગભગ ત્રણ જૈન સંઘો છે. હજી થોડાક દિવસ પહેલાંની જ વાત છે જ્યારે આયંબિલની ઓળી પત્યા પછી યોજાયેલા સ્વામીવાત્સલ્યમાં લગભગ ત્રણસો લોકોનું ખાવાનું વધ્યું હતું તો એની વ્યવસ્થા અમે કરી લીધી.’
કેટરર્સની પણ જવાબદારી
એવું નથી કે ભોજનનો બગાડ ન થાય એનો વિચાર માત્ર સામાજિક કાર્યકરો જ કરે છે. હોટેલ, બૅન્ક્વેટ હૉલના માલિકો અને કેટરર્સ પણ આમાં અગ્રણી ભૂમિકા ભજવી શકે છે. જેમ કે દુર્ગા કેટર્સ તરીકે કંપની ચલાવતા અને થાણેમાં પોતાનો બૅન્ક્વેટ હૉલ ધરાવતા પ્રફુલ પૂજારીનો નિયમ છે કે ગમે તે થાય પણ અનાજનો એક પણ દાણો વેડફાવો ન જોઈએ. તેઓ કહે છે, ‘અમારે ત્યાં થાણેના બૅન્ક્વેટ હૉલની નજીક યેઉર નામની જગ્યા છે જ્યાંથી થોડાક અંતર પર કેટલાંક આદિવાસી ગામો છે. જ્યારે પણ ભોજન વધે એટલે અમે ત્યાં પહોંચાડીએ. એ સિવાય બોરીવલી, મીરા-ભાઈંદર, કાંદિવલી જેવા વિસ્તારોમાં જ્યારે પણ કેટરિંગનું કામ લીધું હોય અને ખાવાનું વધે તો ઓવરબ્રિજ નીચે રહેતા લોકોને અમે આપી આવીએ. અન્નને આપણે ત્યાં દેવતા તરીકે ઓળખીએ છીએ ત્યારે એનો વેડફાટ એ અન્નદેવતાનું અપમાન છે અને એ પણ ત્યારે જ્યારે આપણી આસપાસ એવા સેંકડો લોકો છે જેઓ પેટ ભરીને જમી નથી શકતા. સામાન્ય રીતે પ્રસંગોમાં પૂરતું અને લિજ્જતદાર ભોજન વધતું હોય છે જેને ભાગ્યે જ જરૂરિયાતમંદની થાળીમાં સ્થાન મળતું હોય ત્યારે એ મીઠાઈઓ, ફરસાણ, શાક-દાળ-ભાત સાથેની રસોઈને તેમના સુધી પહોંચાડીને તેમને જમાડવાનો એક જુદો જ આનંદ હોય છે.’
અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈમાં રૉબિન હુડ આર્મી નામનું એક ગ્રુપ કામ કરે છે જેઓ તમે જ્યાં પણ હો અને જેટલા પણ માણસનું ભોજન તમારી પાસે વધ્યું હોય તેમને ફોન કરીને ઇન્ફૉર્મ કરો તો તેમની ટીમના લોકો તમારે ત્યાં આવીને ખાવાનું કલેક્ટ કરીને જરૂરિયાતમંદ સુધી પહોંચાડવામાં મદદ કરતા હોય છે. ઘણી વાર તો ભોજન ભરવા માટેનાં કન્ટેનર અને પૅકિંગનો સામાન પણ તેઓ લઈ આવતા હોય છે.

