આલિયા આ ફંક્શનમાં અવૉર્ડ રિસીવ કરવા હાજર નહોતી રહી પણ આ અવૉર્ડ તેના માટે બહુ ખાસ છે, કારણ કે આ આલિયાનો છઠ્ઠો બેસ્ટ ઍક્ટ્રેસનો ફિલ્મફેર અવૉર્ડ છે
કાજોલ, નૂતન
૭૦મા ફિલ્મફેર અવૉર્ડ્સમાં આલિયા ભટ્ટને ‘જિગરા’ માટે બેસ્ટ ઍક્ટ્રેસનો અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આલિયા આ ફંક્શનમાં અવૉર્ડ રિસીવ કરવા હાજર નહોતી રહી પણ આ અવૉર્ડ તેના માટે બહુ ખાસ છે, કારણ કે આ આલિયાનો છઠ્ઠો બેસ્ટ ઍક્ટ્રેસનો ફિલ્મફેર અવૉર્ડ છે. આલિયાએ આ અવૉર્ડ જીતીને નૂતન અને કાજોલના સૌથી વધારે પાંચ-પાંચ ફિલ્મફેર અવૉર્ડ જીતવાનો રેકૉર્ડ તોડી નાખ્યો છે. બૉલીવુડમાં સૌથી વધુ વખત બેસ્ટ ઍક્ટ્રેસનો રેકૉર્ડ લાંબા સમય સુધી મીના કુમારી પાસે હતો જેણે ૧૯૬૬માં ‘કાજલ’ માટે તેનો ચોથો અવૉર્ડ જીત્યો હતો. આ પછી નૂતને ૧૯૭૯માં ‘મેં તુલસી તેરે આંગન કી’ માટે પાંચમી વખત આ અવૉર્ડ જીતીને મીના કુમારીનો રેકૉર્ડ તોડ્યો હતો. આ પછી કાજોલે ૨૦૧૧માં ‘માય નેમ ઇઝ ખાન’ માટે પાંચમી વખત બેસ્ટ ઍક્ટ્રેસનો આ અવૉર્ડ જીતીને નૂતનના રેકૉર્ડની બરોબરી કરી હતી. આ સિવાય વિદ્યા બાલન અને માધુરી દીક્ષિત ચાર-ચાર વખત બેસ્ટ ઍક્ટ્રેસનો અવૉર્ડ જીતી ચૂક્યાં છે જ્યારે વૈજયંતીમાલા, જયા બચ્ચન અને શબાના આઝમીને ત્રણ-ત્રણ વખત બેસ્ટ ઍક્ટ્રેસનો ફિલ્મફેર અવૉર્ડ જીતવાની તક મળી હતી.

