સંવેદનશીલ મુદ્દો હોવાથી ફિલ્મને અભરાઈએ ચડાવી દીધી
અભિષેક બચ્ચન
અભિષેક બચ્ચન તેની પહેલી ફિલ્મ ‘સમજૌતા એક્સપ્રેસ’માં પાકિસ્તાની આતંકવાદીની ભૂમિકામાં દેખાવાનો હતો. જોકે ફિલ્મનું શૂટિંગ શરૂ થાય એના ત્રણ મહિના પહેલાં જ એને બંધ કરી દેવામાં આવી હતી. આ વાતની માહિતી ફિલ્મમેકર રાકેશ ઓમપ્રકાશ મેહરાએ આપી હતી. એ ફિલ્મની સ્ટોરી તેમણે લખી હતી. આ ફિલ્મ બંધ થઈ જતા દુખી થઈને એની સાથે જોડાયેલા રિસર્ચ મટીરિયલ, સ્ક્રિપ્ટ અને લુક ટેસ્ટના ફોટોનો રાકેશ ઓમ પ્રકાશ મેહરાએ બાદમાં નાશ કર્યો હતો. ‘સમજૌતા એક્સપ્રેસ’ની સ્ટોરીમાં અભિષેકને આતંકવાદી બનવા માટે મજબૂર થવું પડે છે જ્યારે તેના પિતાને આતંકવાદી સમજીને મોતને ઘાટ ઉતારવામાં આવે છે. એથી અભિષેકના પાત્રના મનમાં ભારત પ્રત્યે ઘૃણા હોય છે અને એથી તે આતંકવાદનો માર્ગ અપનાવે છે. એ ફિલ્મને પડતી મૂકવા વિશે રાકેશ ઓમપ્રકાશ મેહરા કહે છે, ‘ઇન્ડસ્ટ્રીને એવો એહસાસ થયો કે અભિષેક બચ્ચન આતંકવાદીના રોલ દ્વારા પોતાની ઍક્ટિંગની શરૂઆત કરે એ અયોગ્ય કહેવાય. એથી ફિલ્મનું શૂટિંગ શરૂ થવાનું હતું અને એના ત્રણ મહિના પહેલાં એ ફિલ્મને કૅન્સલ કરવામાં આવી.’