ઍક્ટ્રેસ નીલમ કોઠારીએ હાલમાં ટૉરોન્ટોથી મુંબઈની ફ્લાઇટ દરમ્યાન તેને થયેલો એક દુઃખદ અનુભવ શૅર કર્યો છે. તેણે જણાવ્યું કે ભોજન લીધાના થોડા સમય બાદ તે બેહોશ થઈ ગઈ હતી, પરંતુ ત્યાં હાજર સ્ટાફે આ બાબતને અવગણી દીધી હતી.
નીલમ કોઠારી
ઍક્ટ્રેસ નીલમ કોઠારીએ હાલમાં ટૉરોન્ટોથી મુંબઈની ફ્લાઇટ દરમ્યાન તેને થયેલો એક દુઃખદ અનુભવ શૅર કર્યો છે. તેણે જણાવ્યું કે ભોજન લીધાના થોડા સમય બાદ તે બેહોશ થઈ ગઈ હતી, પરંતુ ત્યાં હાજર સ્ટાફે આ બાબતને અવગણી દીધી હતી. નીલમે સોશ્યલ મીડિયા પર એતિહાદ ઍૅરલાઇન્સ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરતાં લખ્યું હતું કે ‘હેલો એતિહાદ ઍરલાઇન્સ, ટૉરોન્ટોથી મુંબઈની મારી તાજેતરની ફ્લાઇટમાં મારા સાથે જે વર્તન થયું છે એનાથી હું ખૂબ નિરાશ છું. મારી ફ્લાઇટ ૯ કલાક મોડી હતી એટલું જ નહીં, ભોજન કર્યા બાદ હું ફ્લાઇટમાં જ ગંભીર રીતે બીમાર પડી ગઈ અને બેહોશ થઈ ગઈ. એક સહયાત્રી મને મારી સીટ સુધી પહોંચાડવામાં મદદરૂપ થયો, પરંતુ તમારા સ્ટાફ તરફથી મને કોઈ પણ પ્રકારની મદદ મળી નથી, ન તો મારા હાલ પૂછવામાં આવ્યા. મેં તમારા કસ્ટમર કૅરનો સંપર્ક કરવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ ત્યાંથી પણ કોઈ જવાબ મળ્યો નહીં. આવી બેદરકારી સહનશક્તિની બહાર છે. કૃપા કરીને આ મામલો વહેલી તકે ઉકેલો.’
નીલમની પોસ્ટ પર પ્રતિભાવ આપતાં એતિહાદ ઍરવેઝે લખ્યું હતું કે ‘હેલો નીલમ, આ વાત સાંભળીને દુઃખ થયું. કૃપા કરીને ડાયરેક્ટ મેસેજમાં અમારો સંપર્ક કરો. અમે આ મામલાની તપાસ કરીશું અને તમારી મદદ કરીશું. આભાર.’


