તૂ યા મૈંની નિષ્ફળતા પછી આદર્શ ગૌરવે અફસોસ વ્યક્ત કરીને નાની કમર્શિયલ ફિલ્મો જોવાની પણ અપીલ કરી
આદર્શ ગૌરવ
શનાયા કપૂર અને આદર્શ ગૌરવને લીડ રોલમાં ચમકાવતી ‘તૂ યા મૈં’ ૧૩ ફેબ્રુઆરીએ થિયેટરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મની સાથે જ શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ પણ રિલીઝ થઈ હતી. જોકે ‘તૂ યા મૈં’ને બૉક્સ-ઑફિસ પર ખાસ સફળતા નથી મળી. માત્ર ૨૦ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ હજી સુધી પોતાનો ખર્ચ પણ વસૂલ કરી શકી નથી. જોકે ફિલ્મમાં આદર્શ ગૌરવની અભિનયની ખૂબ પ્રશંસા થઈ રહી છે. હાલમાં ફિલ્મની અપેક્ષા કરતાં ઓછી કમાણી વિશે આદર્શ ગૌરવે અફસોસ વ્યક્ત કર્યો છે.
હાલમાં એક ઇન્ટરવ્યુમાં આદર્શ ગૌરવે જણાવ્યું હતું કે ‘મહામારી પછી લોકો ફક્ત મોટી ફિલ્મો જ જોવાનું પસંદ કરે છે. તેમને ‘ઍનિમલ’, ‘બૉર્ડર 2’ અથવા ‘ધુરંધર’ જેવી ફિલ્મો જોઈએ છે. હું એવું નથી કહી રહ્યો કે આ ફિલ્મોએ બહુ મોટી કમાણી ન કરવી જોઈએ, પરંતુ જો નાની ફિલ્મોને સતત નુકસાન થાય તો નિર્માતાઓ નવી વાર્તા સાથે પ્રયોગ કરવામાં નિરાશ થઈ જશે. ત્યાર બાદ તમને ફક્ત મોટા સ્ટાર્સવાળી મોટી ફિલ્મો જ જોવા મળશે.’
ADVERTISEMENT
એ પછી આદર્શ ગૌરવે થોડી નિરાશા સાથે ઉમેર્યું હતું કે ‘મારા જેવા કલાકારો ક્યાં જશે? નવા કલાકારો ક્યાં જશે? હવે OTT પ્લૅટફૉર્મ પર પણ આવી જ વિચારધારા જોવા મળે છે. મને લાગે છે કે લોકો જ્યારે ‘તૂ યા મૈં’ જોશે ત્યારે તેઓ નિરાશ નહીં થાય.’
