ફિલ્મોને ડિજિટલ પ્લૅટફૉર્મ્સ પર રિલીઝ કરવાની તેની ઇચ્છા નથી
આદિત્ય ચોપડા
આદિત્ય ચોપડાએ ૪ ફિલ્મો માટે ૪૦૦ કરોડની ડીલને ઠુકરાવી દીધી છે એવું જાણવા મળ્યું છે. ડિજિટલ પ્લૅટફૉર્મ્સે આદિત્ય ચોપડાને તેની ફિલ્મોને પોતાનાં પ્લૅટફૉર્મ્સ પર રિલીઝ કરવાની ઑફર કરી હતી. જોકે આદિત્યએ ના પાડી હતી. આદિત્યના પ્રોડક્શન હાઉસની ચાર ફિલ્મો ‘બન્ટી ઔર બબલી 2’, ‘શમશેરા’, ‘પૃથ્વીરાજ’ અને ‘જયેશભાઈ જોરદાર’ રિલીઝને આરે છે. જોકે આદિત્યએ આ ફિલ્મોને ઑનલાઇન રિલીઝ કરવાની ના પાડી દીધી છે. એવું કહેવાય છે કે ઍમેઝૉન પ્રાઇમ વિડિયોએ આ ૪ ફિલ્મો માટે આદિત્ય ચોપડાને ૪૦૦ કરોડની ઑફર કરી હતી. આમ છતાં આદિત્યએ ચોખ્ખી ના પાડી દીધી છે. આદિત્યની ઇચ્છા છે કે આ ફિલ્મોને થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવે. ‘પૃથ્વીરાજ’ અને ‘શમશેરા’ ભવ્ય ફિલ્મો છે. એથી એનો એક્સ્પીરિયન્સ થિયેટર્સમાં લેવા જેવો છે. ત્યાર બાદ ‘બન્ટી ઔર બબલી 2’ અને ‘જયેશભાઈ જોરદાર’ માટે પણ વાત કરી તો આદિત્યે એને પણ ઑનલાઇન રિલીઝ કરવાની ના પાડી દીધી છે. હવે ફિલ્મોની રિલીઝની નવી તારીખો પ્રોડક્શન હાઉસ ટૂંક સમયમાં જાહેર કરે એવી શક્યતા છે.