નીરજ પાંડેની આર.ડી. બર્મનની બાયોપિકમાં ફરહાન અખ્તર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, જ્યારે અક્ષય કુમાર ખાસ કૅમિયો કરશે. ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બરથી શરૂ થવાનું છે.
આર.ડી. બર્મન અને અક્ષય કુમાર
ફિલ્મમેકર નીરજ પાંડે ગીતકાર આર.ડી. બર્મનની બાયોપિક પર કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં ફરહાન અખ્તર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તે મોટા પડદા પર આર.ડી. બર્મનનું પાત્ર ભજવશે. હવે આ ફિલ્મમાં અક્ષય કુમારની પણ એન્ટ્રી થઈ છે અને તે આ ફિલ્મમાં નાનકડા રોલમાં જોવા મળશે. નીરજ પાંડે અને અક્ષય કુમારની જોડીએ અગાઉ ‘સ્પેશ્યલ 26’ અને ‘બેબી’ જેવી સફળ ફિલ્મો આપી છે. આ જ કારણથી અક્ષય કુમારે આ ફિલ્મમાં કૅમિયો કરવા માટે હા પાડી છે. નીરજ પાંડે અને ફરહાન અખ્તરના આ પ્રોજેક્ટ વિશે હાલમાં વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી. નિર્માતાઓએ ફિલ્મ વિશેની માહિતી ગુપ્ત રાખી છે. અક્ષય કુમાર ફિલ્મમાં કયું પાત્ર ભજવશે એની પણ કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. જોકે મળતી માહિતી પ્રમાણે અક્ષય જે પાત્ર ભજવશે તે ફિલ્મની વાર્તા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ હશે. આર.ડી. બર્મનની બાયોપિકનું શૂટિંગ આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં શરૂ થવાનું છે. નિર્માતાઓ આ ફિલ્મ દ્વારા ભારતીય સિનેમાના સંગીતના દિગ્ગજ આર.ડી. બર્મનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની યોજના બનાવી રહ્યા છે.
