બિગ બીએ દીકરાને નવી ફિલ્મ કિંગનું શૂટિંગ શરૂ કરવા બદલ અભિનંદન પણ આપ્યાં
અમિતાભે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર શૅર કરી છે આ તસવીરો
અમિતાભ બચ્ચન છેલ્લા ઘણા દિવસોથી સોશ્યલ મીડિયા પર પોતાના પુત્ર અભિષેક બચ્ચનની પ્રશંસા કરી રહ્યા છે. રવિવારે વહેલી સવારે પણ તેમણે અભિષેકના નામે એક સંદેશ લખ્યો અને ‘કાલીધર લાપતા’ બાદ તેની આગામી ફિલ્મ વિશે વાત કરી. અમિતાભે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર જણાવ્યું કે અભિષેકે નવી ફિલ્મ ‘કિંગ’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે અને એમાં શાહરુખ ખાન, સુહાના ખાન, દીપિકા પાદુકોણ, રાની મુખરજી અને અન્ય ઘણા મોટા કલાકારો છે. અમિતાભે શુભેચ્છાઓ આપી.
અમિતાભે લખ્યું કે ‘એક ફિલ્મ થોડા દિવસોમાં રિલીઝ થવાની છે અને એક નવી ફિલ્મની શરૂઆત થઈ ગઈ છે. ફિલ્મ ‘કિંગ’ના શૂટિંગનો પહેલો દિવસ... મારા આશીર્વાદ ભૈયુ... પ્રેમ અને એનાથી પણ વધુ. એક બીજી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને એ ટૂંક સમયમાં આવી રહી છે... મારી પ્રાર્થનાઓ હંમેશાં.’
ADVERTISEMENT
અભિષેક બચ્ચને ૨૦૦૦માં જે. પી. દત્તાની ફિલ્મ ‘રેફ્યુજી’થી બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો જેનાં હવે પચીસ વર્ષ થયાં છે. એ ફિલ્મ ૨૦૦૦ની સાલમાં ૩૦ જૂને રિલીઝ થઈ હતી. અમિતાભ બચ્ચને એક અન્ય પોસ્ટમાં અભિષેક બચ્ચનનાં ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં પચીસ વર્ષ પૂર્ણ થવા પર ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે ‘તેના રોલની વિવિધતાનો હું આદર કરું છું અને મારા પુત્રની પ્રશંસા કરું છું. હા, હું તેનો પિતા છું અને મારા માટે મારો પુત્ર અભિષેક પ્રશંસનીય છે.’

