કરીના કપૂરને મળીને અનુપમ ખેરને યાદ આવી ‘રેફ્યુજી’ના સેટ પરની તેમની પહેલી મુલાકાત
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
અભિનેતા અનુપમ ખેર સોશ્યલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે. હાલમાં તેમની મુલાકાત એક ફ્લાઇટ દરમ્યાન કરીના કપૂર સાથે થઈ હતી.
અનુપમ ખેરે પછી કરીના સાથે તસવીરો લીધી અને એને સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. આ તસવીરો શૅર કરતી વખતે તેમણે પોસ્ટમાં લખ્યું હતું, ‘ફ્લાઇટમાં કરીના કપૂર સાથે. હું બેબોને ૨૦૦૦માં ‘રેફ્યુજી’ ફિલ્મના સેટ પર મળ્યો હતો. એ તેની ડેબ્યુ ફિલ્મ હતી. તે અત્યંત સુંદર હતી, આત્મવિશ્વાસુ હતી અને સાથે જ થોડી સંવેદનશીલ પણ હતી. તે મહત્ત્વનું સ્થાન મેળવવા માટે તલપાપડ હતી અને એક માણસ તરીકે તે ખરેખર અદ્ભુત હતી. વર્ષો દરમ્યાન તેણે ઘણી પ્રગતિ કરી છે. હાલમાં અમે બન્ને એક જ ફ્લાઇટમાં હતાં. અમે અનેક વિષય પર વાતો કરી. ૨૫ વર્ષ બાદ જાણવા મળ્યું કે તે આજે પણ સારા રોલ્સની શોધમાં રહે છે. મારી પ્રશંસા કરવા બદલ કરીના કપૂર તમારો ખૂબ આભાર. ભગવાન તને અને તારા પરિવારને સુખી રાખે. તને પ્રેમ અને તારા માટે પ્રાર્થનાઓ.’


