આ પ્રસંગે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહેલી શુભાંગી દત્ત પણ તેમની સાથે હાજર હતી અને તે પોતાની ફિલ્મનું પોસ્ટર ટાઇમ્સ સ્ક્વેર ખાતે જોઈને બહુ ખુશ થઈ ગઈ હતી
ટાઇમ્સ સ્ક્વેર ખાતે ‘તન્વી ધ ગ્રેટ’નું પોસ્ટર લૉન્ચ
અનુપમ ખેરે ન્યુ યૉર્કના પ્રખ્યાત ટાઇમ્સ સ્ક્વેર ખાતે પોતાની નવી ફિલ્મ ‘તન્વી ધ ગ્રેટ’નું પોસ્ટર લૉન્ચ કર્યું હતું. આ પ્રસંગે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહેલી શુભાંગી દત્ત પણ તેમની સાથે હાજર હતી અને તે પોતાની ફિલ્મનું પોસ્ટર ટાઇમ્સ સ્ક્વેર ખાતે જોઈને બહુ ખુશ થઈ ગઈ હતી, કારણ કે કોઈ પણ નવા ઍક્ટર માટે આ ખૂબ મોટી વાત છે. આ ફિલ્મમાં શુભાંગીને બમન ઈરાની, જૅકી શ્રોફ, અનુપમ ખેર જેવા દિગ્ગજ કલાકારો સાથે કામ કરવાની તક મળી છે.
અનુપમ ખેરે વિડિયો શૅર કરતાં કૅપ્શન આપી હતી, ‘કુછ ભી હો સકતા હૈ’. આ લાઇન તેમના લોકપ્રિય શો ‘ધ અનુપમ ખેર શો’ની ટૅગલાઇન હતી. અનુપમ ખેરે આ ફિલ્મમાં માત્ર ઍક્ટિંગ જ નથી કરી, તેઓ આ ફિલ્મના ડિરેક્ટર, નિર્માતા અને લેખક પણ છે. આ પહેલાં પણ ૨૦૦૨માં તેમણે ‘ઓમ જય જગદીશ’ નામની ફિલ્મ ડિરેક્ટ કરી હતી જેમાં અનિલ કપૂર, અભિષેક બચ્ચન અને ફરદીન ખાન હતા. ‘તન્વી ધ ગ્રેટ’ એક એવી છોકરીની વાર્તા છે જે પોતાના પિતાનું સપનું પૂરું કરવા માટે કોઈ પણ હદ સુધી જવા તૈયાર છે. ફિલ્મ ૧૮ જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

