Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લોકશાહીમાં વિરોધ સ્વાભાવિક છે, પણ ભાષાની મર્યાદા જળવાય એ જરૂરી

લોકશાહીમાં વિરોધ સ્વાભાવિક છે, પણ ભાષાની મર્યાદા જળવાય એ જરૂરી

Published : 28 July, 2026 10:24 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિરોધ-પ્રદર્શનમાં નરેન્દ્ર મોદી માટે અભદ્ર ભાષાનો ઉપયોગ થયો એની સામે વાંધો ઉઠાવ્યો અનુપમ ખેરે

 અનુપમ ખેર અને નરેન્દ્ર મોદી

અનુપમ ખેર અને નરેન્દ્ર મોદી


પેપર-લીક વિવાદ સામે વિદ્યાર્થીઓએ ઘણા દિવસો સુધી વિરોધ-પ્રદર્શન કર્યા બાદ પચીસ જુલાઈએ ધર્મેન્દ્ર પ્રધાને આખરે કેન્દ્રીય શિક્ષણપ્રધાનના પોતાના પદ પરથી રાજીનામું આપ્યું અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશને સંબોધિત કરીને ભારતની શિક્ષણવ્યવસ્થામાં સુધારા કરવાની અને વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે કડક પગલાં લેવાની ખાતરી આપી હતી.
હવે અનુપમ ખેરે પણ સમગ્ર ઘટનાક્રમ પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમણે લોકશાહીની જીત અને લોકોના અવાજને સાંભળવામાં આવ્યો એની પ્રશંસા કરી, પણ નરેન્દ્ર મોદી માટે વપરાયેલી અપમાનજનક ભાષા વિશે નિરાશા વ્યક્ત કરી. તેમણે ખાસ કરીને સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા એવા વિડિયોનો ઉલ્લેખ કર્યો જેમાં વડા પ્રધાન માટે અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
અનુપમ ખેરે સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કરીને કહ્યું હતું કે ‘આંદોલન પૂર્ણ થયું, ઘણી બાબતો સ્પષ્ટ થઈ ગઈ. એ સાબિત થયું કે જ્યારે વિદ્યાર્થીઓ પોતાની વાત ઈમાનદારીથી રજૂ કરે છે ત્યારે લોકશાહી તેમને સાંભળે છે. કદાચ આ સંવાદ પહેલાં પણ થઈ શક્યો હોત અને ત્યારે પરિસ્થિતિ અહીં સુધી ન પહોંચી હોત. આમ છતાં અંતે ઉકેલ આવ્યો અને એ જ લોકશાહીની સૌથી મોટી તાકાત છે. હવે આગળ વધવાનો સમય છે. દેશ કોઈ એક આંદોલન પર અટકી શકતો નથી. દેશે ભવિષ્ય તરફ આગળ વધવું જ પડશે. આ સમગ્ર ઘટનાક્રમ દરમ્યાન એક બાબતે મને ખૂબ દુઃખ પહોંચાડ્યું. જાહેર મંચો પર અને કૅમેરા સામે ભારતના વડા પ્રધાન માટે જે રીતે અપમાનજનક અને અશોભનીય ભાષાનો ઉપયોગ થયો એ જોઈને મન વ્યથિત થઈ ગયું. આ જ તો લોકશાહીનો આત્મા છે, પણ જ્યારે તર્ક સમાપ્ત થઈ જાય અને ગાળો શરૂ થઈ જાય ત્યારે ચર્ચા રહેતી નથી પણ માત્ર ઘોંઘાટ જ બાકી રહે છે. વડા પ્રધાન છેલ્લાં લગભગ ૩૦ વર્ષથી જાહેર જીવનમાં છે. દેશની જનતાએ તેમના પર વારંવાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે પોતાનું સમગ્ર જીવન જાહેર સેવામાં સમર્પિત કર્યું છે અને વૈશ્વિક મંચ પર ભારતને નવી ઓળખ અપાવી છે. એ જરૂરી નથી કે આપણે તેમના દરેક નિર્ણય સાથે સહમત હોઈએ, પણ કોઈ પણ ચૂંટાયેલા વડા પ્રધાનના પદની ગરિમાનું સન્માન કરવું આપણી ફરજ છે. મને વિરોધ થયો એનું દુઃખ નથી, કારણ કે લોકશાહીમાં વિરોધ સ્વાભાવિક છે. મને દુઃખ એ વાતનું છે કે વિરોધની ભાષા એટલી સંકુચિત બની ગઈ છે. આ માત્ર યુવાનો પૂરતું મર્યાદિત નથી રહ્યું, દરેક વયના લોકો આવી ભાષાનો ભાગ બની રહ્યા છે. કોઈ પણ દેશની સાચી ઓળખ માત્ર એના નેતાઓથી નહીં, પરંતુ એના નાગરિકોની ભાષા અને વર્તનથી બને છે. મારું માનવું છે કે આપણે એવું ભારત બનાવવું જોઈએ જ્યાં વિચારોમાં મતભેદ હોય, પણ દિલોમાં અંતર ન હોય.’


Whatsapp-channel Whatsapp-channel

28 July, 2026 10:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK