ગૂગલ-સર્ચમાં દર્શાવાતી માહિતી વિશે સ્પષ્ટતા કરી અનુપમ ખેરે, કહ્યું કે પોતાનું ઘર આલિયા ભટ્ટને વેચીને હવે ભાડાના ઘરમાં રહું છું
અનુપમ ખેર તેમનાં માતા સાથે
અનુપમ ખેરે ભાડાના મકાનમાં રહેવાના નિર્ણય વિશે ફરી એક વાર ખૂલીને વાત કરી છે. અગાઉ મુંબઈનું પોતાનું ઘર આલિયા ભટ્ટને વેચી ચૂકેલા અનુપમ ખેરે જણાવ્યું હતું કે પોતાનું ઘર હોવાનો વિચાર છોડી દેવાથી તેમને માનસિક શાંતિ અને મુક્તિનો અનુભવ થયો છે. આ સાથે જ તેમણે ઇન્ટરનેટ પર તેમની કુલ સંપત્તિ ૪૦૦થી ૫૦૦ કરોડ રૂપિયા હોવાના દાવાઓને ભ્રામક અને વાસ્તવિકતાથી જોજનો દૂર ગણાવ્યા હતા.
એક ઇન્ટરવ્યુમાં ભાડાના અપાર્ટમેન્ટમાં રહેવાના નિર્ણય વિશે વાત કરતાં અનુપમ ખેરે કહ્યું હતું કે ‘જે દિવસથી મેં ભાડાના ફ્લૅટમાં રહેવાનું નક્કી કર્યું ત્યારથી મેં પોતાની જાતને મુક્ત કરી દીધી છે. ૧૦ વર્ષ પહેલાં આ નિર્ણય લીધો હતો. હવે મારા પર પ્રૉપર્ટીની જાળવણી કે અન્ય કોઈ બાબતનું ટેન્શન નથી. મેં માત્ર મારી માતા માટે શિમલામાં એક ઘર ખરીદ્યું છે. હું અને મારો ભાઈ બન્ને ભાડાના ફ્લૅટમાં રહીએ છીએ અને અમે એનાથી ખુશ છીએ.’
ADVERTISEMENT
મુંબઈનું જૂનું ઘર આલિયા ભટ્ટને વેચવા અને પત્ની કિરણ ખેર સંસદસભ્ય બન્યાં એ સમયને યાદ કરતાં અનુપમ ખેરે જણાવ્યું હતું કે ‘તમે જ્યારે ટેન્શનમુક્ત હો છો ત્યારે જાણે દુનિયાના સૌથી ઊંચા માણસ હો એવું લાગે છે. અગાઉ મારી પાસે ઘર હતું ત્યારે મેં એ આલિયા ભટ્ટને વેચી દીધું હતું. ત્યાર બાદ અમે બીજા ઘરમાં શિફ્ટ થયા હતા. એ જ અરસામાં કિરણ ખેર સંસદસભ્ય બન્યાં અને ચંડીગઢ રહેવા ગયાં. હું નવું ઘર શોધી રહ્યો હતો ત્યારે મને અહેસાસ થયો કે હું ભાડાના ફ્લૅટમાં પણ રહી શકું છું.’
ઑનલાઇન રિપોર્ટ્સમાં તેમની નેટવર્થ ૪૦૦-૫૦૦ કરોડ રૂપિયા દર્શાવવામાં આવે છે એના પર નારાજગી વ્યક્ત કરતાં અનુપમ ખેરે કહ્યું હતું કે ‘લોકોની એવી ધારણા છે કે હું ખૂબ જ અમીર છું. જો તમે ગૂગલ પર મારી નેટવર્થ જોશો તો ચોંકી જશો. ક્યારેક તો મને એમના પર કેસ કરવાનું મન થાય છે. મારી પાસે ૪૦૦-૫૦૦ કરોડના ૧૦ ટકા પણ નથી. મારા મિત્રો ઇન્ટરનેટ પર આ વાંચીને મજાકમાં કહે છે કે આ રકમમાંથી અમને પણ થોડું મોકલ.’
પૈસા કમાયા પછી માણસને ખરેખર શું જોઈએ? રહેવા માટે ઘર, ભલે એ પોતાનું હોય કે ભાડાનું. એક કાર અને સાથે કામ કરનારા એક-બે માણસો. એનાથી વિશેષ હું ચાંદીની રોટલી કે સોનાના વરખવાળું ભોજન તો ખાઈ શકવાનો નથી. - અનુપમ ખેર
પ્રૉપર્ટીને બદલે વહેંચવા માટે રોકડ હોય તો સંઘર્ષ ઓછો થાય
વૃદ્ધ માતા-પિતા અને સંતાનો વચ્ચે મિલકત બાબતે થતા વિવાદો પણ ઘર ન ખરીદવાના નિર્ણય પાછળ કારણભૂત હોવાનું જણાવતાં અનુપમ ખેરે કહ્યું હતું કે ‘કોઈ વ્યક્તિના અવસાન પછી ઘણી વાર પ્રૉપર્ટી માટે ઝઘડા થાય છે, પણ જો વહેંચવા માટે રોકડ રકમ હોય તો સંઘર્ષ ઓછો રહે છે. હું ઘણા વૃદ્ધોને જોઉં છું જેમને દીકરાએ ઘરમાંથી કાઢી મૂક્યા હોય અથવા વિલ પર સહી કરવા દબાણ થતું હોય. મારા ઘરમાં આવું કોઈ વાતાવરણ નથી, પણ હું માનું છું કે હું જેટલો હળવો રહીશ એટલું જ ઊંચું ઊડી શકીશ.’
મમ્મીએ માગ્યું 1 BHKનું ઘર, લઈ આપ્યું 8 BHKનું ઘર
અગાઉ એક વાતચીત દરમ્યાન અનુપમ ખેરે માતા માટે શિમલામાં ઘર ખરીદવા પાછળનું કારણ જણાવતાં કહ્યું હતું કે ‘મારાં માતા ૬૦ વર્ષ સુધી ભાડાના મકાનમાં રહ્યાં હતાં. એક દિવસ તેમણે શિમલામાં પોતાનું ઘર લેવાની ઇચ્છા વ્યક્ત કરી. તેમને એક બેડરૂમનું ઘર જોઈતું હતું, પણ મેં તેમના માટે હૉલ સાથેનું ૮ બેડરૂમનું ઘર ખરીદ્યું. આ પ્રતીકાત્મક બાબતો હોય છે.’
