Berlin International Film Festival 2025: 75માં બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર, તિલોત્તમા શોમ મુખ્ય ભૂમિકામાં, સંઘર્ષ અને પ્રેમની હૃદયસ્પર્શી ગાથા બર્લિનલેમાં ઝળહળી!
શૅડોબૉક્સ `બાક્શો બોન્દી` ફિલ્મની ટીમ
75મા બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં (Berlin International Film Festival 2025)માં શૅડોબૉક્સ (બાક્શો બોન્દી) બંગાળી ભાષી ફિલ્મ જેનું દિગ્દર્શન ડેબ્યૂટન્ટ તનુશ્રી દાસ અને સૌમ્યાનંદ સાહીએ કર્યું છે, તેને પ્રીમિયર કરવામાં આવી. આ ફિલ્મ તેમના નવા સેક્શન `પર્સ્પેક્ટિવ્સ` હેઠળ કૉમ્પિટીશનમાં મૂકવામાં આવી. જેમાં આ ફિલ્મને ખૂબ જ સારો પ્રતિભાવ તો મળ્યો જ પણ સાથે તેની રસપ્રદ વાર્તા અને અભિનય માટે પણ આ ફિલ્મના વખાણ કરવામાં આવ્યા.
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી તિલોત્તમા શોમ `માયા`ની ભૂમિકામાં છે, જ્યારે ચંદન બિષ્ટ `સુંદર`, સયાન કર્માકર `દેબુ` અને સુમન સહા `કૉન્સ્ટેબલ રિપોન`ના પાત્રમાં દેખાય છે. ફિલ્મમાં માયાનું જીવન બતાવવામાં આવ્યું છે, જે એક તરફ અનેક નોકરીઓ સાથે સંઘર્ષ કરી રહી છે અને સાથે જ PTSD (Post-Traumatic Stress Disorder)થી પીડીત તેના નિવૃત્ત સૈનિક પતિ અને કિશોર પુત્રની સંભાળ પણ લે છે. પરંતુ જ્યારે તેનો પતિ અચાનક ગાયબ થઈ જાય છે, ત્યારે માયાની સંઘર્ષયાત્રા પ્રેમ, સહનશીલતા અને મજબૂતીની પરીક્ષા બની જાય છે.
ADVERTISEMENT
Berlin International Film Festival 2025: ફિલ્મની પ્રતિક્રિયા વિશે દિગ્દર્શક તનુશ્રી દાસ કહે છે, "શૅડોબૉક્સ (બાક્શો બોન્દી)નું વર્લ્ડ પ્રીમિયર બર્લિનેલથી થયું એ અમારા માટે અતિવિશેષ ક્ષણ છે. આ ફિલ્મ અમારું પ્રેમપરિણામ છે, જે વર્ષો સુધી અનેક પ્રતિભાશાળી કલાકાર અને ટેક્નિશિયનના સમર્પણ અને પરિશ્રમ દ્વારા સાકાર થઈ છે. સમગ્ર ટીમ સાથે આ પ્રેરણાત્મક ક્ષણ માણવી અને દર્શકોનો ઉત્સાહ અનુભવવો ખરેખર અદભૂત અનુભવ રહ્યો." કૉ-ડાઇરેક્ટર સૌમ્યાનંદ સાહીએ ઉમેર્યું, "બર્લિનેલ મારા હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. લગભગ વીસ વર્ષ પહેલાં, જ્યારે હું 17 વર્ષનો હતો, ત્યારે અહીં ટેલેન્ટ કેમ્પસમાં મને પ્રથમવાર દિગ્દર્શન માટેની પ્રેરણા મળી. હવે, મારી પ્રથમ ફીચર ફિલ્મ લઈને અહીં પાછા ફરવું સ્વપ્ન જેવું લાગેછે. શૅડોબૉક્સ (બાક્શો બોન્દી)નું પ્રીમિયર બર્લિનેલમાં થયું એ અમારા માટે ગર્વની વાત છે. વિશ્વ સમક્ષ અમારી ફિલ્મ રજૂ કરવા માટે આ એક પરફેક્ટ મંચ સાબિત થયું છે."
શૅડોબૉક્સ (બાક્શો બોન્દી) માત્ર સંઘર્ષની કથા જ નહીં, પણ એક અનોખી સહયોગાત્મક ફિલ્મ છે, જેમાં 17 પ્રોડ્યુસરોએ મળીને ફિલ્મને સાકાર કરી છે. ફિલ્મના પ્રોડ્યુસરોના સંયુક્ત નિવેદનમાં તેઓએ જણાવ્યું, "શૅડોબૉક્સ (બાક્શો બોન્દી) બનાવવાનો અનુભવ અમારા માટે ગજબનો રહ્યો છે. બર્લિનેલ હંમેશા સ્વતંત્ર ફિલ્મોને પ્રોત્સાહન આપ્યું છે અને સિનેમેટિક હીરો માટે આ મંચ પ્રભાવી રહ્યો છે. અમે આ અવસરમાં ભાગીદાર બનીને ગર્વ અનુભવી રહ્યા છીએ." જેમ જેમ શૅડોબૉક્સ (બાક્શો બોન્દી) આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની છાપ મૂકી રહ્યું છે, તેમ તે સાબિત કરે છે કે માનવીય અનુભવોને દર્શાવતી ઇન્ડિપેન્ડેન્ટ ફિલ્મો સિનેમામાં મહત્વ ધરાવે છે. (Berlin International Film Festival 2025)
ફિલ્મ શૅડોબૉક્સ (બાક્શો બોન્દી)નું દિગ્દર્શન તનુશ્રી દાસ અને સૌમ્યાનંદ સાહીએ કર્યું છે. ફિલ્મનું સ્ક્રીનપ્લે પણ સૌમ્યાનંદ સાહીએ લખ્યું છે. સિનેમેટોગ્રાફીની જવાબદારી પણ તેણે સંભાળી છે, જ્યારે એડિટિંગ તનુશ્રી દાસે કર્યું છે. સંગીત બેનિડિક્ટ ટેલર અને નરેન્દ્ર ચંદાવરકરે આપ્યું છે, જે ફિલ્મના ભાવનાત્મક તત્વોને વધુ મહત્વ આપે છે. સાઉન્ડ ડિઝાઇન ગૌતમ નાયરે સંભાળ્યું છે અને ફિલ્મ માટે કોસ્ટ્યુમ અને પ્રોડક્શન ડિઝાઇન મૌસમ અગ્રવાલે કર્યું છે, જેમણે કથાની અવશ્યકતાઓ અનુસાર વિશ્વસનીય અને જીવંત દ્રશ્યો સર્જવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
દિગ્દર્શકો અને નિર્માતાઓ વિશે:
તનુશ્રી દાસે કોલકાતા યુનિવર્સિટીમાં અંગ્રેજી સાહિત્યમાં માસ્ટર્સ કર્યા બાદ નાટક અને ફિલ્મ એડિટિંગમાં પોતાની કારકિર્દી બનાવી, જ્યારે સૌમ્યાનંદ સાહીએ ફિલોસોફીનો અભ્યાસ કર્યા બાદ એફટીઆઈઆઈ (FTII) પુણેમાંથી સિનેમેટોગ્રાફી શીખ્યા. શૅડોબૉક્સ (બાક્શો બોન્દી) અનેક નિર્માતાઓના સહયોગથી બની છે, જેમાં નરેન ચંદાવરકર, શૌનક સેન, અમન મન્ન અને સૌમ્યાનંદ સાહી મુખ્ય છે. એક્ઝિક્યુટિવ અને કૉ-પ્રોડ્યુસર્સમાં જિમ સર્ભ, વિક્રમાદિત્ય મોટવાણે, નીખિલ અડવાણી, તિલોત્તમા શોમ અને અન્ય અનેક નામી પ્રોડ્યુસર્સનો સમાવેશ થાય છે.

