પ્રામાણિકતા પણ જૂના ભ્રષ્ટાચારીઓને નડતરરૂપ થવા લાગી. પરિણામે સૌએ સાથે મળીને નવા પ્રધાન વિરુદ્ધ રાજાના કાન ભંભેરવા માંડ્યા.
પ્રતીકાત્મક તસવીર
જૂના કાળમાં એક રાજાએ એક ભરવાડના છોકરાનું બુદ્ધિચાતુર્ય જોઈને તેને પોતાનો પ્રધાન બનાવી દીધો. છોકરો ખૂબ જ કાર્યકુશળ તેમ જ પ્રમાણિક હતો. છોકરો પોતાનાથી ઊંચી કક્ષાએ પહોંચ્યો એ વાત જૂના પ્રધાનોને ખટકવા લાગી. વળી તેની પ્રામાણિકતા પણ જૂના ભ્રષ્ટાચારીઓને નડતરરૂપ થવા લાગી. પરિણામે સૌએ સાથે મળીને નવા પ્રધાન વિરુદ્ધ રાજાના કાન ભંભેરવા માંડ્યા. રાજાએ નવા પ્રધાન વિરુદ્ધ પુરાવા રજૂ કરવા કહ્યું.
ખૂબ જ પરિશ્રમને અંતે પ્રધાનોએ એક વાત શોધી કાઢી. તેમણે રાજાને કહ્યું, ‘આ નવો પ્રધાન રોજ સાંજે ગામ બહારની એક ઓરડીમાં જાય છે. અડધો કલાક અંદર રહે છે અને પછી પાછો આવે છે. એ ઓરડીના તાળાની ચાવી પોતાની પાસે જ રાખે છે. નક્કી તે અમૂલ્ય ઝવેરાત ત્યાં એકઠું કરતો હશે અને એકાદ વખત લાગ જોઈને ઝવેરાત ઉપાડીને બારોબાર ભાગી જશે.’
ADVERTISEMENT
રાજાએ પ્રધાન પાસે એ ઓરડીના વિષયમાં સત્ય વાત જાણવાની ઇચ્છા પ્રગટ કરી. નવો પ્રધાન બધાને એક સાંજે પોતાની સાથે એ ઓરડીમાં લઈ ગયો. ઓરડી સાવ ખાલી હતી. માત્ર એક માણસના કદનો અરીસો ભીંત પાસે પડ્યો હતો અને એની પાસે એક જૂની થેલી પડી હતી.
રાજાએ પૂછ્યું, ‘એ થેલીમાં શું છે?’ પ્રધાને એ થેલી ઊંધી કરી તો અંદરથી ભરવાડનાં જૂનાં કપડાં નીકળ્યાં. આ જોઈને સૌ શરમિંદા બની ગયા. સાચા માણસ પર ખોટા આક્ષેપો મૂકનારાઓના ચહેરાની લાલી ઊડી ગઈ. રાજાએ આ ઓરડીમાં જવાના રોજિંદા ક્રમનું રહસ્ય પૂછતાં ભરવાડ પ્રધાને ખૂબ જ સરસ અને માર્મિક જવાબ આપ્યો. તેણે કહ્યું, ‘રાજાસાહેબ, હું રોજ આ ઓરડીમાં આવું છું, પ્રધાનનો પહેરવેશ ઉતારું છું અને મારાં જૂનાં ભરવાડનાં કપડાં ધારણ કરીને અરીસા સામે થોડી વાર ઊભો રહું છું. આ રીતે મારી જાતને હું રોજ યાદ અપાવું છું કે તું પ્રધાન ત્યાં સુધી જ છે જ્યાં સુધી રાજા તારા પર ખુશ છે. પરંતુ ભરવાડ તો તું કાયમનો છે, કારણ કે એ તારું અસલી રૂપ છે. ભગવાને તને બક્ષેલા એ રૂપમાંથી તને કોઈ ચલિત કરી શકશે નહીં. કોઈ પણ ક્ષણે ભરવાડ થઈ જવાની મારી માનસિક તૈયારી જ મને પ્રામાણિક તેમ જ કર્તવ્યપરાયણ રાખી શકે છે.’
તેના આ જવાબથી બધા ખોટા ચુગલીખોરો નતમસ્તક થઈ ગયા અને રાજાએ ખુશ થઈને તેને જાગીર આપી ને પોતાના અંગત મિત્ર તરીકેનો માનમરતબો આપ્યો.
દરેક માણસે સમજવું જરૂરી છે કે આખા વિશ્વની વાહ-વાહ મેળવ્યા પછી પણ માણસે આત્મચિંતનના અરીસા સામે ઊભા રહેવું જોઈએ. આયનામાં રહેલું આપણું સ્વરૂપ જો ઉદાસ જોવા મળે તો જાણવું કે વિશ્વની વાહ-વાહ વ્યર્થ છે. - વૈષ્ણવાચાર્ય ૧૦૮ શ્રી પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજશ્રી

