પરીક્ષા પે ચર્ચા 2025ના લેટેસ્ટ એપિસોડમાં દીપિકા પાદુકોણે પોતાનો ડિપ્રેશનનો અનુભવ શૅર કરીને બાળકોને એની સામે લડવાની ટિપ્સ આપી
દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણ ‘પરીક્ષા પે ચર્ચા 2025’ના લેટેસ્ટ એપિસોડમાં બાળકો સાથે વાત કરતી જોવા મળી હતી. આ એપિસોડમાં દીપિકાએ બાળકોને તાણથી દૂર રહેવા માટેની ટિપ્સ આપી હતી અને તેના જીવનની અમુક વાતો પણ શૅર કરી હતી.
દીપિકા પાદુકોણે આ એપિસોડ દરમ્યાન પોતાના જીવનના મુશ્કેલ સમયને યાદ કર્યો હતો જેમાં તેણે જણાવ્યું હતું કે આ સમય દરમ્યાન તેને ઘણી વખત આત્મહત્યા કરવાનું મન થયું હતું. દીપિકાએ કહ્યું, ‘મારા જીવનમાં સ્કૂલથી સ્પોર્ટ્સ, પછી મૉડલિંગ અને અંતે અભિનય સુધીનો પ્રવાસ અવિરત ચાલતો રહ્યો. હું સતત આગળ વધતી રહી. ૨૦૧૪માં એક દિવસ હું અચાનક બેભાન થઈ ગઈ. ત્યાર બાદ મને સમજાયું કે હું ડિપ્રેશનનો ભોગ બની છું. ડિપ્રેશનની ખાસિયત એ છે કે એ અદૃશ્ય હોય છે. તમે એને જોઈ શકતા નથી. આપણી આસપાસ ઘણા લોકો ડિપ્રેશન અથવા ચિંતાનો સામનો કરી રહ્યા હોય છે, પણ બહારથી તેઓ ખુશ અને સામાન્ય જ દેખાય છે.’
ADVERTISEMENT
દીપિકાએ ખુલાસો કર્યો કે ‘હું લાંબા સમય સુધી મારી લાગણીઓ વિશે વાત કરતી નહોતી અને મુંબઈમાં એકલી રહેતી હતી. મારી મમ્મીએ આ લક્ષણોને ઓળખ્યાં અને એ સમયે મારી મદદ માટે આગળ આવી જ્યારે સમાજ માનસિક સ્વાસ્થ્યના મહત્ત્વને સમજવા તૈયાર નહોતો.’
દીપિકા પાદુકોણે પોતાના અનુભવને શૅર કરતાં કહ્યું, ‘મારી મમ્મી મને મળવા મુંબઈ આવી હતી અને જ્યારે તે બૅન્ગલોર જવા રવાના થઈ રહી હતી ત્યારે હું અચાનક ભાંગી પડી. હું માત્ર એટલું જ કહી શકી કે હું મારી જાતને નિરાશ અને નિરાધાર અનુભવું છું, મારે જીવવું નથી. મારા સારા નસીબે મારી મમ્મીએ એ લક્ષણને ઓળખ્યાં અને મને સાયકોલૉજિસ્ટને કન્સલ્ટ કરવાનું કહ્યું. આપણા દેશમાં માનસિક સ્વાસ્થ્યને લઈને શરમની લાગણી અનુભવાય છે જેનાથી આના વિશે વાત કરવી મુશ્કેલ બને છે. પણ જ્યારે મેં આ વિશે વાત કરવાનું શરૂ કર્યું ત્યારે મને હળવાશ અનુભવાઈ. ચિંતા, તાણ અને ડિપ્રેશન કોઈને પણ અસર કરી શકે છે અને એ વિશે વાત કરવાથી ખરેખર ભાર હળવો થઈ જાય છે.’
દીપિકા પાદુકોણ પોતાના ‘લિવ લવ લાફ ફાઉન્ડેશન’ દ્વારા માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ માટે સક્રિય રીતે કામ રહી છે. દીપિકાએ પોતાના માનસિક બીમારીના અનુભવને શૅર કરવા ઉપરાંત તેણે બાળકોને ડિપ્રેશન સામે લડવા માટેની ટિપ્સ પણ આપી હતી.

