રાજ્યના નાયબ મુખ્ય પ્રધાને પાર્ટીની બેઠકમાં ઉદ્ધવ ઠાકરે પર નામ લીધા વગર શાબ્દિક હુમલો કર્યો
ગઈ કાલે વરલીમાં પાર્ટીની બેઠકમાં એકનાથ શિંદે.
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાના અધ્યક્ષ એકનાથ શિંદેએ ગઈ કાલે વરલીમાં પક્ષના સંસદસભ્યો, વિધાનસભ્યો અને પદાધિકારીઓની બેઠક બોલાવી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે ‘વિધાનસભાની ચૂંટણીમાં ૨૦૦થી વધુ બેઠક મેળવવાનો ટાર્ગેટ હતો એની સામે ૨૩૭ બેઠક મળી. આપણે શિવસેનામાં બળવો કરીને નહીં પણ બાળાસાહેબ ઠાકરેના વિચારને આગળ વધાર્યો હતો એટલે જનતાએ આપણને આશીર્વાદ આપ્યા. બાળાસાહેબના ઉત્તરાધિકારીએ મનોહર જોશી, રામદાસ કદમ સહિતના વરિષ્ઠ નેતાઓનું અપમાન કર્યું હતું. પક્ષ મોટો કરવા માટે કાર્યકરોને મોટા કરવા પડે, તેમને તાકાત આપવી પડે; પણ એવું થયું નહીં એટલે કૉન્ગ્રેસની દોરીએ બંધાયેલી શિવસેનાને છોડાવવા આપણે બહાર પડ્યા.’
ઉદ્ધવ ઠાકરેનું નામ લીધા વિના એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘એકનાથ શિંદેને હલકામાં ન લો. આ દાઢીએ તમારી ગાડી ખાડામાં ઉતારી. તમે ગમે એટલા પ્રયાસ કરશો તો પણ મહાયુતિમાં કોલ્ડ-વૉર નહીં થાય. વિકાસવિરોધી લોકોના વિરોધમાં અમારું યુદ્ધ છે. વિધાનસભા તો ઝાંકી હોતી, આતા મુંબઈ મનપા બાકી આહે. જેમ રાક્ષસનો જીવ પોપટમાં હોય છે એમ આ લોકોનો જીવ મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં છે.’

