વિવાદોમાં ફસાયેલી આ ફિલ્મના ભવિષ્ય વિશે ફિલ્મમેકર ફરહાન અખ્તરે સ્પષ્ટતા કરી
ફરહાન અખ્તર
ફિલ્મમેકર ફરહાન અખ્તરની ‘ડૉન 3’ લાંબા સમયથી વિવાદમાં છે. રણવીરે આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દેતાં ભારે વિવાદ ઊભો થયો હતો. આ મામલે ફરહાને પછી ૪૦ કરોડ રૂપિયાના નુકસાનનો દાવો કર્યો હતો અને રણવીર પાસેથી વળતરની ડિમાન્ડ પણ કરી હતી. હવે આ સમગ્ર વિવાદ પર ફરહાને પહેલી વાર સ્પષ્ટ નામ લીધા વગર પ્રતિક્રિયા આપી છે. સાથે જ તેણે હવે ‘ડૉન 3’ બનાવશે કે નહીં એ મામલે ખુલાસો કર્યો છે. ‘ડૉન 3’ના વિવાદ વિશે વાત કરતાં ફરહાને કહ્યું, ‘આ મામલામાંથી હું શીખ્યો છું કે અણધાર્યા સંજોગો માટે હંમેશાં તૈયારં રહેવું જોઈએ. જ્યાં સુધી ફિલ્મ શરૂ ન થઈ જાય ત્યાં સુધી કોઈ પણ વસ્તુને હળવાશથી લેવી નહીં. મેં હંમેશાં એવા લોકો સાથે કામ કર્યું જેની સાથે હું કામ કરવા ઇચ્છતો હતો. જોકે શોબિઝમાં મુશ્કેલ સમય આવવો સ્વાભાવિક છે. એક સમયે તમને સમજાય છે કે એક એવો સમય પણ આવશે જે થોડો વધુ મુશ્કેલ હશે.’ ‘ડૉન 3’ના ભાવિ વિશે વાત કરતાં ફરહાને કહ્યું હતું કે ‘આ ફિલ્મની વાર્તા હજુ પણ મારા દિલની ખૂબ નજીક છે. આ એક એવો પ્રોજેક્ટ છે જેના પર મેં ઘણું કામ કર્યું છે. આ ફિલ્મ બંધ થઈ નથી અને હજુ પણ એના પર કામ ચાલુ છે.’
